Homeગુર્જર નગરીજૂનાગઢમાં યોજાયો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ, આ વર્ષે બાર આની વરસ થાય તેવી...

જૂનાગઢમાં યોજાયો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ, આ વર્ષે બાર આની વરસ થાય તેવી આગાહી

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ ખાતે વર્ષા વિજ્ઞાન મંડળ, જૂનાગઢ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના સંયુકત ઉપક્રમે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ-૨૦૨૨ યોજાયો હતો. આ પરિસંવાદનું ઉદ્દઘાટન કરતાં પ્રો. નરેન્દ્ર કુમાર ગોંટિયા, કુલપતિ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢે જણાવેલ કે વરસાદની આગાહીનું ઘણું મહત્વ છે. આવી આગાહીને લીધે ખેડૂતો પાક પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે. આ આગાહી તંત્રને પણ ખૂબ ઉપયોગી પૂરવાર થતી હોય છે. ઘણા આગાહીકારો પોતાની કોઠાસુઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. તેમના જ્ઞાનને સાચવી રાખવાની જરૂર છે. તે માટે છેલ્લા ૨૭ વર્ષથી કાર્યરત આ મંડળમાં નોંધાયેલ અવલોકનો અને તેના તારણોને પુસ્તકના રૂપમાં પ્રસિધ્ધ કરવા જરૂરી છે. તેમણે આવા સુંદર અને ઉપયોગી સેમીનારનું આયોજન કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

વધુમાં તેઓએ ભડલી વાકયો, ખગોળ વિજ્ઞાન, જયોતિષશાસ્ત્ર, કસ બંધારણ, હવામાનના પરીબળો, વનસ્પતિમાં થતા ફેરફારો તેમજ પશુ-પક્ષીની ચેષ્ટા વગેરેનો આધાર લઇ પૂર્વાનુમાન માટે મહેનત કરવા બદલસર્વે આગાહીકારોને બિરદાવેલ હતા.

આગાહીકારનોના મતે આ વર્ષે ૧૨ આની વરસ થાય તેવી આગાહી કરવામાં આવી. ચોમાસાની શરૂઆત જૂનનાં ત્રીજા અઠવાડીયામાં થાય તેવુ અનુમાન છે. જુલાઈના મધ્યમાં અને ઓગષ્ટનાં મધ્યમાં અતિવૃષ્ટી થવાની શકયતા છે. ઓકટોબરનાં ત્રીજા અઠવાડીયામાં ચોમાસુ વિદાય લે તેવી શકયતા વ્યક્ત કરાઈ છે. કપાસ, મગફળી, તુવેર, એરંડા, સોયાબીન તેમજ શિયાળુ પાકો સારા થવાની શકયતા છે.

આ પ્રસંગે જેરામભાઇ ટીંબડીયા, ડો. પી.આર. કાનાણી તેમજ ડો. જે.ડી. ગુંદાલીયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ હતુ. કાર્યક્રમના પ્રારંભે સહ વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના મંત્રી ડો. જી.આર. ગોહિલએ ઉપસ્થિત રહેલ સર્વે મહાનુભાવો, અધિકારીઓ, આગાહીકારો અને ખેડૂતોનું સ્વાગત કરેલ હતુ. જયારે ડો. એચ.એમ. ગાજીપરા, વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખે ઉદ્દબોધન કરતાં જણાવ્યુ કે, આગાહીકારો ખગોળ વિજ્ઞાન, જયોતિષશાસ્ત્ર, કસ બંધારણ, હવામાનના પરીબળો, વનસ્પતિમાં થતા ફેરફારો, પશુ-પક્ષીની ચેષ્ટા તેમજ ભડલી વાકયો વગેરેનો આધાર લઇને પોતાના પૂર્વાનુમાનો રજૂ કરતા હોય છે. આગાહીકારોને તેમના નિયમિત અવલોકનો લઇ યુનિવર્સિટીમાં મોકલી આપવા જણાવેલ. આગાહીકારો પોત પોતાના અવલોકનો અને પૂર્વાનુમાન અંગે એકબીજા સાથે ચર્ચા વિચારણા દ્વારા ભવિષ્યમાં પોતાના પૂર્વાનુમાનમાં વધુ સચોટ રીતે કરવાની ક્ષમતા કેળવાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે અને બધાના પૂર્વાનુમાનોના નિચોડ રૂપે આગામી ચોમાસાનું તારણ કાઢવામાં આવે છે.

ચોમાસાનું પૂર્વાનુમાન ખેતી પાકોની યોગ્ય પસંદગી તેમજ ખેતીના આયોજનમાં ઘણું જ ઉપયોગી બની રહે છે. આ પ્રસંગે ડો. એ.એમ. પારખીયા, કૃષિ યુનિવર્સિટી નિયામક મંડળનાં સભ્યશ્રી અને નિવૃત્ત વિસ્તરણ શિક્ષણ નિયામક ઉપસ્થિત રહ્યા હતા. જયારે અંતમાં, ડો. વાય.એચ. ઘેલાણી, તાલીમ સહાયકએ આભાર દર્શન કર્યુ હતુ.

આ પરિસંવાદમાં જુદા જુદા વિસ્તારમાંથી આગાહીકારો તેમજ રસ ધરાવતાં ખડૂતોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને ૪૬ જેટલા આગાહીકારોએ તેમની આગાહીઓ રજૂ કરી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments