Homeગુર્જર નગરીગીર સોમનાથઃ નિયમોનો ભંગ કરી, સ્થાનિક લોકોના વિરોધને કચડીને કુદરતી સંપત્તિને લૂંટતી...

ગીર સોમનાથઃ નિયમોનો ભંગ કરી, સ્થાનિક લોકોના વિરોધને કચડીને કુદરતી સંપત્તિને લૂંટતી હોવાનો સિદ્ધિ સિમેન્ટ કંપની સામે આરોપ

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથમાં રહેલ અસીમ કુદરતી ભંડારને લૂંટવા માટે અનેક કંપનીઓ રેસમાં લાગી છે. નિયમોનો ભંગ કરી, સ્થાનિક લોકોના વિરોધને કચડીને કુદરતી સંપત્તિને લૂંટવા માગતી કંપનીને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે છતાં પણ કંપની નિયમો નેવે મૂકીને ખનીજ ચોરી કરી રહી છે. સુત્રાપાડાના વાવડી ગામના લોકો દ્વારા અનેક વાર રજુઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું વર્તાય રહ્યું છે. વાવડી ગામના સરમણ રામ દ્વારા ફરી એક વાર તંત્રને રજુઆત કરવામાં આવી છે. જેમાં વાવડી ગામની ગૌચરની જમીનમાં મોરાસા સ્થિત સિદ્ધિ સિમેન્ટ કંપની આડેધડ ખોદકામ કરતી હોવાથી તંત્રને રજુઆત કર્યા બાદ પણ તંત્ર આંટા ફેરા કરીને કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે.

થોડા દિવસો અગાઉ સિદ્ધિ સિમેન્ટ કંપની દ્વારા વાવડી ગામની અંદર ગૌચરની જમીનમાં ખોદકામના મુદ્દે આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તંત્રના અધિકારીઓ ગ્રામજનો પાસે આવીને આશ્વાસન આપતા ગ્રામજનો દ્વારા આંદોલન પૂરું કરવામાં આવ્યું હતું. પરંતુ કંપની દ્વારા વાવડી ગામની અંદર ખોદકામ ચાલુ રાખવામાં આવતા ફરીથી તંત્રનું ધ્યાન દોર્યું છે.

સુત્રાપાડા તાલુકાના વાવડી-મોરાસા ગામે ગૌચર અને ખેડૂતોની માલિકીની જમીનનો કુલ વિસ્તાર 93.1407 હેક્ટર જમીન લાઇમ સ્ટોન ખનીજના માઇનિંગ કરવા માટે આપતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. સિદ્વિ સિમેન્ટ કંપનીએ ખનીજ સંપત્તિને લૂંટવા માટે કાયદાકીય નિયમોની સદંતર અવગણના કરી, વર્ષ 1983માં ફાળવેલી જમીન સામે ખેડૂતોએ વિરોધ નોંધાવતા વર્ષ 2013માં માઇનિંગ મુદ્દત પૂર્ણ થયા બાદ કંપનીએ લૂચ્ચાઇ વાપરી સરકારી અધિકારીઓને લાલચ આપી માઇનિંગ માટે ફરીથી મંજૂરી લઈ લીધી.

સિદ્વિ સિમેન્ટ કંપની દ્વારા વધુ ખનીજ એકત્ર કરવા માટે માઇનિંગ વધારવા માટે પર્યાવરણ વિભાગ પાસેથી મંજૂરી મેળવવા માટે વર્ષ 2018માં અરજી કરવામાં આવી હતી. 7 જૂલાઇ 2018ના રોજ લોક સુનાવણી પણ કરવામાં આવેલી. જેમાં અસરગ્રસ્ત ખેડૂતો તેમજ પર્યાવરણ રક્ષણ માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. લોક સુનાવણીમાં સ્થાનિક લોકો પ્રોજેક્ટની આસપાસના વિસ્તારમાં ખોદકામ બાદ ખેતી અને ભૂગર્ભજળ ઉપર વિતાયક અસરો નિવારવા મંજૂરી નહી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે કંપનીએ પોતાના પૈસાના જોરે પર્યાવરણ મંજુરીના નિર્ણય માટે બનેલ સ્ટેટ લેવલ એક્સપર્ટ મૂલ્યાંકન સમિતિ ગાંધીનગરની બેઠકમાં ઉત્પાદન ક્ષમતા વધરાવા માટે મંજૂરી આપવામાં આવી.

સિદ્વિ સિમેન્ટ કંપનીને જે જગ્યા પર લાઇમ સ્ટોન માઇનિંગ માટે મંજૂરી આપવામાં આવી છે તે જમીન વાવડી-મોરાસા ગામની ગૌચર તેમજ 30 જેટલા અનુસૂચિત જાતિના ખેડૂતોની જમીન છે. ખેડૂતોનો વિરોધ હોવા છતાં પણ જમીન સંપાદિત કરી લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે છેલ્લા 35 વર્ષથી સ્થાનિક ખેડૂતો અને કંપની વચ્ચે કાનૂની ઘર્ષણ ચાલે છે. પોતાની જમીન બચાવવા માટે લડત ચલાવી રહેલા ખેડૂતોની સ્થાનિક કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈમાં હવે કંપનીને નોટિસ ફટકારતા ન્યાયની આશા જાગી છે.

વાવડી ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટર, નાયબ કલેકટર, મામલતદાર ભૂસ્તર વિજ્ઞાન, ખનીજ ચોરી તેમજ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ કાર્યવાહી કે કોઈપણ અમલવારી કરેલ નથી અને રૂબરૂ મુલાકાત કરે તો કોઈ સંતોષકારક જવાબ નથી મળી રહ્યો અને ગોળ ગોળ વાત કરે છે પણ કોઈ કાર્યવાહી થતી નથી અને કોઈ પણ પ્રકારની ગંભીરતાથી અમલવારી કરતા નથી તેવો ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવાઈ રહ્યો છે.

સિદ્ધિ સિમેન્ટ કંપની વાવડી ગામમાં આડેધડ મનફાવે તેમ ગૌચરમાં માઇનિંગ કરે છે. ગ્રામજનો અવાજ ઉઠાવે તો કંપની પોલીસનો સહારો લઈને ગ્રામજનોનો અવાજ દબાવી રહી છે. કંપની દ્વારા ગમે તેવી મશીનરી રાખી અને ખનન કરે છે. પર્યાવરણને મોટા પાયે નુકસાન કરે છે અને કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર ગામમાં કામ કરાતું હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments