Homeગુર્જર નગરીપાલનપુરમાં રાકેશ ટિકેત સામે કાળા વાવટા ફરકાવનાર ભાજપ કાર્યકરને મહિલાએ ફડાકા ઝીંક્યા

પાલનપુરમાં રાકેશ ટિકેત સામે કાળા વાવટા ફરકાવનાર ભાજપ કાર્યકરને મહિલાએ ફડાકા ઝીંક્યા

Team Chabuk-Gujarat Desk: ખેડૂત નેતા રાકેશ ટિકેત બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા છે. રાકેશ ટિકેતે અંબાજી ખાતેથી મા અંબાના દર્શન કરીને પોતાના કિસાન સંવાદ કાર્યક્રમ રૂપી પ્રવાસની શરૂઆત કરી છે. અંબાજીમાં કિસાન અભિવાદન કાર્યક્રમ પૂર્ણ કરીને પાલનપુર પહોંચેલા રાકેશ ટિકેત સામે એક વ્યક્તિ કાળા વાવટા ફરકાવી વિરોધ કરવા પહોંચી ગયો હતો.

બપોરના સમયે રાકેશ ટિકેત સહિતના ખેડૂતોનો કાફલો પાલનપુર પહોંચ્યો હતો તે સમયે જ રાકેશ ટિકેત સામે ભાજપના એક કાર્યકર્તાએ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાકેશ ટિકેતની કારની સામે આવીને આ વ્યક્તિ કાળા વાવટા ફરકાવવા લાગ્યો હતો. જેથી હાજર લોકોએ તેને અટકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાજર લોકોએ વિરોધ કરનાર આ વ્યક્તિને પકડી પાડ્યો હતો અને હાથમાંથી કાળા વાવટા ઝૂંટવી લીધા હતા. બાદમાં વિરોધ કરનાર ભાજપના આ કાર્યકર પર લોકો તૂટી પડ્યા હતા. તે દરમિયાન સ્થળ પર હાજર એક મહિલાએ પણ આ વ્યક્તિને ફડાકા ઝીંકી દીધા હતા.

સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં આ વ્યક્તિ રાકેશ ટિકેતની કાર આવતી જોઈને કાળા વાવટા ફરકાવતો દેખાય છે. હાજર લોકોની નજર આ વ્યક્તિ પર પડતાં લોકો તેને પકડી લઈ કાળા વાવટા ઝૂંટવી લે છે અને આ વ્યક્તિને મારવાનું શરૂ કરી દે છે. ત્યાં હાજર મહિલા એક મહિલા પણ આ વ્યક્તિને ફડાકા ઝીંકી દે છે. જો કે ત્યાં હાજર કેટલાક લોકો માર ન મારવાનું પણ કહી રહ્યા છે. બાદમાં પોલીસના જવાનો ભાજપના આ કાર્યકરને છોડાવીને લઈ ગયા હતા.

બે દિવસનો રાકેશ ટિકેતનો ગુજરાત પ્રવાસ

દિલ્હીની બોર્ડર પર છેલ્લા ચાર મહિનાથી વધુ સમયથી ખેડૂત આંદોલન ચલાવી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકેત હવે ગુજરાતમાં આવી પહોંચ્યા છે. આજે તેઓ રાજસ્થાનના આબુરોડ ટ્રેન મારફતે પહોંચ્યા હતા. આબુ રોડથી રાકેશ ટિકેત ટ્રેકટર યાત્રા મારફતે છાપરી બોર્ડર પહોંચ્યા હતા. છાપરીથી રાકેશ ટિકેત અંબાજી પહોંચ્યા હતા. અંબાજી ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાકેશ ટિકેતે અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. અંબાજીમાં ખેડૂત અભિવાદન બાદ રાકેશ ટિકેત સહિત ખેડૂતોનો કાફલો પાલનપુર પહોંચ્યો હતો. પાલનપુરમાં રાકેશ ટિકેતે ખેડૂત સંવાદ કાર્યક્રમને સંબોધન કર્યું હતું અને ત્યાંથી તેઓ ઉંઝા ખાતે મા ઉમિયાના દર્શને પહોંચ્યા હતા.

5 એપ્રિલનો કાર્યક્રમ

રાકેશ ટિકેત આવતીકાલે એટલે કે 5 એપ્રિલના રોજ સવારે અમદાવાદ ખાતે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. અમદાવાદથી તેઓ કરમસદ સરદાર પટેલ સ્મારક જશે. ત્યાંથી વડોદરાના છાણી સ્થિત ગુરુદ્વારા દર્શને જશે. ત્યારબાદ ભરૂચ ખાતે પણ ગુરુદ્વારા દર્શને જશે. ભરૂચથી તેઓ અંકલેશ્વર પહોંચશે. ત્યાંથી કોસંબા, કોસમાડી પાટીયા, સેવણી ગામ થઈ બારડોલી પહોંચશે. બારડોલીમાં સરદાર પટેલ નિવાસ સ્થાન એવા સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. બાદમાં સાંજે 4 કલાકે બારડોલીમાં કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે ખેડૂત સંવાદ કાર્યક્રમને સંબોધન કરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments