Team Chabuk-Gujarat Desk : ‘કેન્સર એટલે કેન્સલ નહીં.’ કેન્સરની જો સમયસર સારવાર કરાવી લેવામાં આવે તો કેન્સર મટી શકે છે. ભૂતકાળમાં જ્યારે કેન્સર શબ્દ સામે આવતો ત્યારે મનમાં એક ડર પેસી જતો હતો. લોકો સારવાર લેવાનું પણ ટાળતા. જો કે હવે સમયની સાથે લોકોની માનસિકતા પણ બદલી છે જેનું પરિણામ આપણી સામે છે. આજે માત્ર અમદાવાદ સિવિલ મેડિસીટીની કેન્સર હોસ્પિટલમાં જ દર વર્ષે ૩૦ હજાર જેટલા કેન્સરગ્રસ્ત દર્દીઓ સારવાર મેળવે છે.
વિશ્વ કેન્સર દિવસ શા માટે ઉજવાય છે ?
કેન્સર માટે અનેક અભિયાન પણ ચાલી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ૪ ફેબ્રુઆરીને “વિશ્વ કેન્સર દિવસ” તરીકે ઉજવીને લોકોમાં કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કેન્સરનું પ્રમાણ કઇ રીતે ઘટાડી શકાય, દર્દી કેન્સર સામે મક્કમતાથી લડત આપી શકે તે માટે દર વર્ષે કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૧માં “વર્લ્ડ કેન્સર ડે”ની ઉજવણીની થીમ “આઇ એમ, આઇ વીલ” એટલે કે ‘‘ હું કેન્સર સામે લડી શકવા સક્ષમ છું, હું કેન્સર સામે લડત આપી તેને મ્હાત આપીશ. ’’ આમ, વર્લ્ડ કેન્સર ડે”ની ઉજવણી દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીઓનો જુસ્સો વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI)ના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ કહ્યું કે, જ્યારે 4 ફેબ્રુઆરીનો દિવસ “વિશ્વ કેન્સર દિવસ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે તમામ કેન્સરગ્રસ્ત દર્દીઓએ જુસ્સા સાથે કેન્સર સામે મક્કમપણે લડત આપીને કેન્સરને મહાત આપવાની છે. “કેન્સર એટલે કેન્સલ” એ ગેરમાન્યતાઓથી દૂર થઇને કેન્સરનું સમયસર નિદાન કરાવીને તેની સારવાર કરાવવી જોઇએ. “કેન્સર” શબ્દ કાને ગૂંજે ત્યારે ઘણાંય દર્દીઓ, પરિવારજનો પડી ભાંગે છે પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી તેનો સામનો કરવાનો છે. મોટાભાગના દર્દીઓ કેન્સરના છેલ્લા સ્ટેજમાં પહોંચે ત્યારે જ સારવાર માટે હોસ્પીટલનો સંપર્ક સાધતા હોય છે. પરંતુ સમયસર, વહેલા નિદાન અને સારવાર દ્વારા કેન્સર પર વિજય મેળવી શકાય છે. સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે ૩૦ હજારથી વધુ દર્દીઓ કેન્સરની સારવાર મેળવે છે. જેમાં ૨૫ થી ૩૦ ટકા રાજ્ય બહારના દર્દીઓનો પણ સમાવેશ થાય છે.
કેન્સર અટકાવવા માટેના પગલાં ખાસ જરૂરી છે. કેન્સરના વહેલા નિદાન માટેના પ્રયત્નો, મેડિકલ જગતમાં કેન્સરના નિદાન માટે ઉપલબ્ધ વિવિધ ટેસ્ટ કરાવીને સારવાર દ્વારા આ રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે. કેન્સરગ્રસ્ત દર્દીઓના પરિવારજનો, મિત્રો તરફથી સહયોગ, હૂંફ મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરવા જોઇએ. કેન્સર ચેપી રોગ નથી માટે તેનાથી ગભરાવવાની જરૂર નથી.
કેન્સર હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની શ્રેષ્ઠ સારવાર માટે સાયબર નાઇફ, ટોમોથેરાપી અને લિનિયર એક્સીલેટર જેવા તમામ પ્રકારના અત્યાધુનિક ઉપકરણો ઉપલબ્ધ છે. કેન્સરની સારવાર માટે અત્યંત ઉપયોગી એવા ડિજીટલ મેમોગ્રાફી, ડીજીટલ એક્સ-રે, પેટ સીટી જેવા અત્યાધુનિક મશીનથી રોગનું વહેલી તકે નિદાન કરવામાં આવે છે.
મેડિકલ ઓન્કોલોજી વિભાગ દ્વારા કિમોથેરાપી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનો થેરાપી, જેવી વિવિધ સારવાર આપવામાં આવે છે. રેડીયોલોજી વિભાગ દ્વારા વિવિધ મશીનરીના ઉપયોગથી રેડીએશન થેરાપી દ્વારા શેકની સારવાર અપાય છે.
સર્જરી વિભાગ દ્વારા અત્યંત જટિલથી લઇ રેર કહી શકાય તે પ્રકારની સર્જરી હાથ ધરવામાં આવે છે. સમાજ, રાજ્ય અને રાષ્ટ્રએ એકજૂથ થઇને કેન્સરની જાગૃતિ માટે આગળ આવી કેન્સરગ્રસ્ત દર્દીઓની સચોટ સારવાર થઇ શકે તે માટેના સહિયારા પ્રયાસ કરવાના છે ત્યારે જ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક બનશે.
કિસ્સો
ચાબુકની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. હોસ્પિટલમાં એક ભાઈ મળ્યા. 30થી 35 વર્ષના એ ભાઈ હશે. પહેલાં ટીમને એવું લાગ્યું કે એ ભાઈ દર્દી સાથે આવેલા છે. થોડીવાર પછી જાણવા મળ્યું કે તેને કેન્સર છે. ટીમના સભ્યો થોડીવાર માટે નિઃશબ્દ બની ગયા. પણ તે વ્યક્તિનો કેન્સર સામેનો લડવાનો જુસ્સો અને પોઝિટિવિટી ટીમને હંમેશાં યાદ રહેશે.
તેણે કહ્યુ, ત્રણ મહિના પહેલાં મને જાણ થઈ કે મને કેન્સર છે. પરિવારમાં એક 5 વર્ષનો દીકરો અને 3 વર્ષની દીકરી છે. મારા માટે બહુ જીવ્યો હવે એમના માટે જીવવું છે. ડોક્ટરે કહ્યું છે કે સારવાર લાંબી ચાલશે, સર્જરી પણ કરાવવી પડશે પણ ગભરાવાની જરુર નથી. આ બીમારી સામે તું જીતી જઈશ. જે દિવસથી કેન્સર હોવાની જાણ થઈ ત્યારો તમાકુને હાથ નથી લગાવ્યો. સિગરેટ પણ નહીં. જેમ વ્યસનને હરાવી દીધું છે તેમ હવે કેન્સરને પણ હરાવી દઈશ. તેણે ભાવુક થઈને કહ્યું કે, મારી પત્ની બહુ રડે છે. હું તેને હોસ્પિટલ પણ નથી લાવતો. તેણે યુવાનોને અપીલ કરી કે, વ્યસન ન કરતા. તમારી સાથે તમારો પરિવાર પણ હેરાન થશે. પરિવારની એ વેદના કેન્સર કરતાં વધુ પીડાદાયક છે.
અમદાવાદનો એક કેન્સરનો દર્દી
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત