Homeદે ઘુમા કેરનનું તોફાન અને સચિનનું શેન વોર્નના સ્વપ્નમાં આવવું

રનનું તોફાન અને સચિનનું શેન વોર્નના સ્વપ્નમાં આવવું

Team Chabuk-Sports Desk: ભારતીય બેટર્સની ખાસિયત વર્ણવી જ્યારે કોઈ બોલર પોતાની નબળાઈ છતી કરે છે ત્યારે ઈન્ડિયન મીડિયાને તેમાં મજા આવે છે. વાત જ એવી છે. શેન વોર્ને કહેલું કે મને સ્વપ્નમાં સચિન તેંડુલકર આવે છે. થઈ રહી વાત. કેટલાક અંતરિયાળ ગામડાઓમાં તો એવી બુઠ્ઠી ચર્ચાઓ થતી હતી કે શેન વોર્નને રોજ રાત્રે સ્વપ્નમાં બસ સચિન જ આવે છે.

કોઈ પણ લિજેન્ડ ખેલાડી માટે એ ભયાનક સ્થિતિ હોવાની જ્યારે સામે પણ દંતકથા સમાન ખેલાડી હોય. જે ગમે ત્યારે તમારી ફિરકીનો જાદુ ઓસરાવી નાખે. જેને ફિલ્ડરની પડી ન હોય. જેને બોલની પડી ન હોય. એ બસ બોલરની પીટાઈ કરવાનું મન બનાવીને મેદાનમાં આવ્યો હોય. સચિન અને વોર્નની ટક્કર સચિન અને શોએબની ટક્કર બાદ સૌથી રસપ્રદ ટક્કર રહેતી હતી.

સચિન તેંડુલકરનો ડર વોર્નને એટલો હતો કે તેમને સ્વપ્નો પણ તેમના બોલ પર સચિન સિક્સર ફટકારતો હોય એવા આવતા હતા. 1993માં માઈક ગેટિંગ સામે બોલ ઓફ ધ સેન્ચુરી ફેંક્યા બાદ વોર્નની નામના થઈ ગઈ હતી. ક્રિકેટ વિશ્વમાં આ સ્પિનરનો ડંકો વાગી રહ્યો હતો. જોતજોતામાં સૃષ્ટીના શ્રેષ્ઠ સ્પિર્નર્સમાં તેમની ગણના થવા લાગી. વોર્ને જ્યારે ક્રિકેટની દુનિયામાં પગ મૂક્યો ત્યારે ઓલરેડી સચિનની ચર્ચાઓ થતી જ હતી. એ ન માત્ર વિશ્વના શ્રેષ્ઠ બેટર હતા પણ વિશ્વના સૌથી એવા શ્રેષ્ઠ બેટર હતા જે ગમે તે બોલરની કારકિર્દીને ચપટી વગાડતા ખત્મ કરી નાખે.

ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી હતી. પ્રથમ ટેસ્ટ ભારત 179 રને જીતી ગયું. ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સફળતા વોર્નને મળી જેણે સચિનને આઉટ કરી દીધો અને બીજી ઈનિંગમાં સચિને 155 રનની નોટઆઉટ ઈનિંગ રમી ઓસ્ટ્રેલિયન્સને ધોળા દિવસે તારા બતાડી દીધા. બીજી મેચ પણ ભારત જ જીત્યું. વોર્ન ફરી નિષ્ફળ થયા. ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં આઠ વિકેટથી જીત નોંધાઈ પણ વોર્નનો જાદુ મેદાનમાં નહોતો દેખાતો. સચિન ફરી ચમક્યો. પ્રથમ ઈનિંગમાં 177 અને બીજી ઈનિંગમાં 31 રન બનાવ્યા. બંને વખત વોર્ન તેમને આઉટ નહોતો કરી શક્યો.

ટીમ ઈન્ડિયા 2-1થી ટેસ્ટ શ્રેણી જીતી ચૂકી હતી. હવે વારો હતો શારજહાંમાં ત્રિકોણીય શ્રેણી રમવાનો. ભારત, ઓસ્ટ્રેલિયા અને ત્રીજી ટીમ ન્યૂઝીલેન્ડ હતી. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની સામે ફાઈનલ સહિત ત્રણ મેચ રમ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રશંસકો ચકિત્ત હતા, કારણ કે બોલ ઓફ ધ સેન્ચુરી ફેંકનારા વોર્નનો જાદુ ગાયબ થઈ ગયો હતો. વોર્ને શારજહાંની ફાઈનલમાં ભારતની વિરૂદ્ધ 10 ઓવરમાં 61 રન આપી દીધા. સચિને 131 બોલમાં 134 રન ફટકાર્યા.

ભારતીય ટીમ ત્રિકોણીય શ્રેણીમાં વિજેતા બની. તેંડુલકર આ શ્રેણીમાં છવાઈ ગયો હતો. આ શ્રેણી બાદ વોર્ને ખુલાસો કર્યો હતો કે સચિન મને સ્વપ્નમાં આવી ડરાવે છે. એ કોઈ પણ પરિસ્થિતિમાં બેટિંગ કરી શકે છે. એ બ્રાયન લારા કરતા પણ શ્રેષ્ઠ છે. આજે પણ જ્યારે સચિનની કેટલીક મહાનતમ ઈનિંગની વાત કરવામાં આવે છે ત્યારે હંમેશા શારજહાંની રેતીમાં આવેલું રનનું તોફાન યાદ આવે છે.

શેનના નિધન પર સચિને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સચિને સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે – ‘ખૂબ જ સ્તબ્ધ અને દુ:ખી છું… તને યાદ કરીશ. તારી આસપાસ રહેતા અને મેદાન પર તારા હોવાથી એક ક્ષણ પણ નીરસ પસાર નથી થઈ. મેદાન પર આપણો મુકાબલો અને મેદાન બહાર આપણી દિલ્લગીને હંમેશાં સાચવીને રાખીશ. ભારત માટે તારા મનમાં હંમેશા એક ખાસ જગ્યા છે. ભારતીયોના મનમાં તારા માટે ખાસ જગ્યા હતી…. બહુ જલ્દી છોડી ગયો.’

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments