Team Chabuk Sports Desk: વોર્નના ભાથામાં જેટલા સ્પિન માટેના બ્રહ્માસ્ત્ર હતા એટલા જ વિવાદ તેની કારકિર્દીમાં લાંછન રૂપે લાગ્યા હતા. જે ક્યારેય ભૂંસાવાના નહોતા. કારકિર્દીની શરૂઆતથી જ વોર્ને વિવાદો સાથે આંગળી પકડી ચાલવાનું શીખી લીધું હતું. મૃત્યુપર્યત: વિવાદો તેની સાથે રહ્યા હતા. કહેવાય છે કે આ વિવાદો તેની જિંદગીમાં નહોત તો મુરલીને કોઈ દિવસ સર્વાધિક વિકેટ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત ન થયું હોત, કારણ કે વિવાદોને કારણે તેને ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. જેની અસર તેની કારકિર્દી પર પડી હતી. એ ઓછા મેચ રમ્યો હતો. પણ પ્રદર્શનમાં ઉની આંચ નહોતી આવવા દીધી.
2003ના વર્લ્ડકપની ઓસ્ટ્રેલિયાની સ્ક્વોડ, ક્રિકેટ ઈતિહાસની સૌથી મજબૂત ટીમ તરીકે ઓળખાય છે. આ ટીમમાં હજુ તો વોર્ન નહોતો. તેના ન હોવા પાછળનું કારણ એ છે કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં વોર્ન ફેલ થયેલો. જેના કારણે તેના પર એક વર્ષનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. પોતાના બચાવમાં વોર્ને કહ્યું હતું કે, મેં મારી માતાના કહેવાથી દવા લીધી હતી. જોકે તેનો આ બચાવ તેના કોઈ કામ આવ્યો નહોતો. તેને 2003ની વિશ્વકપ વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. જોકે વોર્ને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષ બાદ પુનરાગમન કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ સ્પિનર પર સૌથી મોટું કલંક લાગ્યું હતું બુકીને માહિતી આપવાનું. પોતાના સાથી ખેલાડી અને સ્ટીવ વોના મોટાભાઈ માર્ક વોની સાથે મળી તેણે પીચ સંબંધિત જાણકારી બુકીને આપી હતી. આ વાતનો ખુલાસો આ બંને ખેલાડીઓએ પોતે જ કર્યો હતો. બંને ક્રિકેટરોનું કહેવું હતું કે વર્ષ 1994માં સિંગર કપ દરમિયાન હવામાન અને પીચ સંબંધિત જાણકારી તેમણે બુકીની સાથે વહેંચી હતી. આ વાત જ્યારે વટાણા રૂપે વેરાઈ સામે આવી ત્યારે ક્રિકેટની દુનિયામાં વોર્ન અને વોની ખાસ્સી આલોચના થઈ હતી.
વાત છે વર્ષ 2000ની. એક નર્સે શેન વોર્ન પર અશ્લીલ સંદેશ મોકલવાનો આરોપ લગાવ્યો હતો. શેન વોર્ન એ સમયે લગ્નગ્રંથીથી જોડાયેલો હતો. બાદમાં વોર્ને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેણે નર્સને અશ્લીલ સંદેશા મોકલ્યા હતા. વોર્ન માટે આ વિવાદ કાળ સમાન સાબિત થયો, કારણ કે વોર્ન ઓસ્ટ્રેલિયાનો વાઈસ કેપ્ટન હતો. વિવાદ સપાટી પર આવતા તેને એ પદ પરથી હટાવી દેવામાં આવ્યો.
2006માં શેન વોર્નનું નામ સેક્સ સ્કેંડલ સાથે જોડાયું હતું. એમટીવીની પ્રેઝેન્ટર કૉરલી ઈચોલ્ટ્ઝ અને એમ્માની સાથે તેની ન્યૂડ તસવીર વાઈરલ થઈ હતી. બંને મોડલની સાથેની તસવીર એક બ્રિટિશ મેગેઝિનમાં પ્રકાશિત થઈ હતી. આ સિવાય વોર્નનું નામ અસંખ્ય મહિલાઓની સાથે જોડાયું હતું. જેનાથી તેની ક્રિકેટની દુનિયામાં પ્લેબોયની ઈમેજ બની ગઈ હતી. વર્ષ 2006માં ભાગ્યે જ કોઈ એવો દિવસ ઉગ્યો હશે જ્યારે વોર્નનું નામ અખબારના સ્પોર્ટ્સ પેજમાં ન છપાયું હોય.
2007માં વોર્ન પોતાની પત્નીથી અલગ થવાનો હોવાની વાત સમાચારોમાં પ્રગટ થઈ હતી. જોકે બંને ફરી સાથે રહેવા લાગ્યા હતા. આ નાટક લાંબું ન ટક્યું. તેની પત્નીએ વોર્ન કોઈ અન્ય મહિલા સાથે ચેટિંગ કરી રહ્યો હોવાની જાણકારી આપી હતી. તેમનું વેવિશાળ પણ લાંબું ટક્યું નહોતું. બ્રિટિશ અભિનેત્રી લિઝ હાર્લેની સાથે પણ તેમને સંબંધો રહ્યા હતા. થોડા સમય બાદ લિઝે પણ વોર્નને એકલો છોડી દીધો. લીઝનું કહેવું હતું કે વોર્નને કોઈ પોર્ન સ્ટાર સાથે સંબંધ છે.
વર્ષ 2017માં પોર્ન સ્ટાર વલેરી ફોક્સની સાથે લંડનના નાઈટ ક્લબમાં મારામારીનો આરોપ પણ લાગ્યો હતો. વલેરી ફોક્સે પોતાની ઈજાગ્રસ્ત આંખની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીરના કેપ્શનમાં તેણીએ લખ્યું હતું કે, તમે લોકપ્રિય વ્યક્તિ છો, એનો અર્થ એ બિલકુલ નથી કે કોઈ પણ સ્ત્રી પર હાથ ઉપાડો. ખરેખર… શેન વોર્ન ક્રિકેટ સિવાયની પણ એક જિંદગી જીવી ગયો. બોલિવુડ અને હોલિવુડને જે મસાલા બાયોપિકની આવશ્યકતા હોય છે એ શ્રેણીમાં વોર્ન નામના ખેલાડીનું નામ આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
