ગૌતમ કુમારઃ આજે આખુ ગુજરાત દોડતું થઈ ગયું છે. રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ તમામ મોટા શહેરમાં અફરાતફરી મચી ગઈ છે. અચાનક જ તમામ કલેક્ટરોને અને મનપા કમિશનરોને ભાન આવ્યું કે કોરોના બેકાબૂ બની રહ્યો છે. એટલે કડક નિર્ણય લેવા પડશે. ચૂંટણી પૂર્ણ થતાં જ અને દિવાળીના તહેવાર પૂર્ણ થતાં જ તંત્રને ભાન આવ્યું કે કોરોના વધુ ખતરનાક બની રહ્યો છે. એટલે કરફ્યુ લગાવી દીધું.
કરફ્યુનું સાંભળતા જ અમદાવાદ સહિતના તમામ મોટા શહેરોમાં લોકો શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા લાઈનમાં લાગી ગયા. બજારોમાં ફરી મોટી ભીડ જામી. પરંતુ જો તંત્રએ યોગ્ય વ્યવસ્થા અને કડક નિયમોનું પાલન કરાવ્યું હોત તો ગુજરાતમાં ફરી આ સ્થિતિ પેદા ન થઈ હોત. ગુજરાતમાં રૂપાણી સરકારે કોરોનાને કાબુમાં લાવવા માટે અત્યાર સુધી જે કામગીરી કરી તે સરાહનીય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સરકારે જે રીતે બેદરકારી દાખવી છે અને ચૂંટણીમાં નેતાઓ દ્વારા જે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. તે જોતા જનતા પણ ડર વિના એકઠી થઈ રહી હતી અને લોકો કહી રહ્યા હતા કે નેતાઓ તો રેલીઓ કરે છે, તો અમને કેમ પકડો છો ?
દિવાળીના તહેવારોમાં જે થઈ રહ્યું હતું તેની રૂપાણી સરકાર પાસેથી આશા ન હતી. જે રીતે ગુજરાતમાં દિવાળી સમયે ભીડના એક બાદ એક ચિંતાજનક દૃશ્યો સામે આવી રહ્યા હતા. અમદાવાદનું લાલદરવાજા બજાર, બાપુનગર ભીડભંજન બજાર, સુરત, વડોદરા સહિતના તમામ બજારમાં ભીડ ઉમટી પડી હતી અને વધુ ચિંતા એ વાતની હતી કે લોકોએ ન તો માસ્ક પહેર્યું ના કોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું. પોલીસ પણ નિયમોનું પાલન ન કરાવી શકી. જો કે પોલીસ પણ શું કરે, તેમને જે ઉપરથી ઓર્ડર આવ્યો હોય તેનું જ પાલન કરવું પડે. એટલે આ કેસમાં પોલીસનો વાંક દેવો યોગ્ય નથી.
ગુજરાતની આ સ્થિતિની જવાબદારી કોણ લેશે ?
ગુજરાતમાં જે રીતે સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં કર્ફ્યૂ લગાવી દીધો છે. જે આંકડાઓ સામે આવે છે તેનાથી સ્થિતિ એકદમ અલગ અને ખૂબ ગંભીર છે. તાત્કાલિક કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરોએ નિવેદનો આપવા આવવું પડ્યું.
રાજ્યમાં જે ડરનો માહોલ ફરી પેદા થઈ ગયો છે. તે જોતા સ્થિતિ ખૂબ ગંભીર લાગી રહી છે. જે રીતે દિવાળીના તહેવારોમાં લોકોને છૂટ આપવામાં આવી. અને નિયમો તોડનારાઓ સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તે જોતા આગામી સમયમાં ગુજરાતમાં રોજ કેટલા કોરોનાના કેસ આવશે તે વિચારીને પણ ધ્રુજારી આવી જાય છે. તંત્રએ ન તો બજારમાં કોઈ વ્યવસ્થા કરી ના કોઈ માસ્ક વિનાના વ્યક્તિ સામે કાર્યવાહી કરી અને ના કોઈ સોશિયલ ડિસ્ટન્સના ઉલ્લંઘન કરનારને સજા કરી.
સરકારે વિચાર્યું હશે કે દિવાળીનો તહેવાર છે તો કોઈની દિવાળી નથી બગાડવી, આ બરાબર પણ છે કોઈની દિવાળી ના બગડે અને તહેવાર ઉજવાઈ જાય, ખરીદી થઈ જાય. આ તમામ વ્યવસ્થા તંત્રએ કરવી પડે પરંતુ તંત્ર દ્વારા બજારોમાં કોઇપણ પ્રકારની તકેદારી રાખી હોય તેવું ક્યાય દેખાયું જ નહીં. ઉપરાંત તહેવારો પર બજારોમાં અને ચૂંટણી સમયે સભાઓમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. સરકારે નિયમો બનાવ્યા પરંતુ ખુદ સરકારે જ તેની અમલવારીમાં ઉદાસીનતા બતાવી છે.
પહેલા બેદરકારી અને હવે ટેસ્ટિંગ માટે લાઈનમાં લાગ્યા
દિવાળીમાં બજારમાં ભીડ જોતા લાગ્યું કે જાણે કોરોના હતો જ નહીં. વધુમાં જ્યારે અમે ખુદ બજારમાં નીકળ્યા અને જોયું, લોકોને પૂછ્યુ કે તમને કોરોનાથી ડર નથી લાગતો. તો લોકો હસવા લાગ્યા કે શું કોરોના? કોરોના હવે ગયો જુઓ તમારી આસપાસ કોઈએ માસ્ક પહેર્યું છે. લોકો હસીને કહેવા લાગ્યા કે આપણને કંઈ કોરોનાથી ડર નથી લાગતો. અને કોઈએ કહ્યું કે ભાઈ આપણી ઇમ્યુનિટી એકદમ સ્ટ્રોંગ છે. આપણને કંઈ ના થાય.
તો મહિલાઓ કહે છે કે સાહેબ ઘરમાં બેઠા બેઠા કંટાળો આવે છે ક્યાં સુધી ઘરમાં ડરીને બેસી રહેવું. ત્યારે અમને આ વાતનો ખૂબ ધ્રાસ્કો લાગ્યો કે લોકોમાં હજુ પણ કોઈ જાગૃતતા નથી. પુરુષો, મહિલાઓ અને નાના બાળકો કોઈ માસ્ક સાથે દેખાતા ન હતા. કોઈની પાસે સેનેટાઇઝર પણ ન હતું. લોકો કપડાને હાથ લગાવી નાક પર, મોઢા પર લૂછતા હતા. આ દ્રશ્યો વધુ ચિંતાજનક હતા.
માત્ર સરકારની નહીં આપણી પણ જવાબદારી છે
આપણને પહેલાથી જ આદત પડી ગઈ છે કે કોઈપણ ખરાબ સ્થિતિ ઉભી થાય તો સીધો સરકાર પર આક્ષેપ કરી દેવાનો. પરંતુ તેના ઉંડાણમાં જઈને જુઓ તો આ સ્થિતિ પાછળ કેટલાક અંશે આપણે પણ જવાબદાર હોઈએ છીએ. સરકારે તો કોરોનાને કાબૂમાં કરવા માટે ઘણા પ્રયાસો કર્યા. ધનવંતરી રથ, ઘરે ઘરે ટેસ્ટિંગ સહિતના આયોજન કર્યા પરંતુ આ બધી વસ્તુ પર આપણી દિવાળીની ઉજવણીએ પાણી ફેરવી દીધું.
અહીંયા સવાલ દિવાળીની ઉજવણીનો નથી સવાલ છે લોકોની બેદરકારીનો. માનીએ કે અમદાવાદના ભદ્ર જેવા વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ શક્ય નથી, પરંતુ માસ્ક તો તમે પહેરી જ શકો છો ને. તમારે ખરીદી કરતા કેટલો સમય લાગે 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક કે માની લો આખો દિવસ થઈ જાય. પરંતુ શું તમે તમારા સ્વાસ્થ્ય માટે, તમારા પરિવારજનોના સ્વાસ્થ્ય માટે, તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે એક દિવસ માસ્કને સહન ના કરી શકો. આપણે ક્યાં સુધી ખાલી સરકાર પર જ આક્ષેપ કરતા રહીશું. આપણી પણ ફરજ છે કે નિયમોનું પાલન કરીએ અને માસ્ક પહેરીએ પરંતુ દિવાળીની ખરીદીમાં ક્યાંય માસ્ક દેખાતા ન હતા.
કોરોનાની ખાનગી હોસ્પિટલ ફુલ થઈ ગઈ
સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે રોકાવાનું નામ નથી લઈ રહી. અમદાવાદમાં હવે કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થવાથી પરિસ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે. કોરોનાના ટેસ્ટ માટે લોકોની લાઈનો લાગી છે. અને અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો પણ 95 ટકા ફુલ થઈ ગઈ છે. આજે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી 72 ખાનગી હોસ્પિટલોમાં હવે માત્ર 261 જેટલા બેડ ખાલી છે. જેમાં આઈસોલેશન વોર્ડના 150, HDUના 56, ICU વેન્ટિલેટર વિના 23 અને ICU વેન્ટિલેટર સાથેના 32 બેડ ખાલી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કુલ 2536 બેડમાંથી આઈસોલેશન વોર્ડમાં 911 બેડ, HDUમાં 829, ICUમાં 329 અને ICUમાં વેન્ટિલેટર પર 156 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે
મીડિયા શું કરી રહ્યું હતું?
આ સ્થિતિ માટે ક્યાંક તંત્ર ક્યાંક પબ્લિક તો ક્યાંક મીડિયા પણ જવાબદાર છે. મીડિયાએ પણ ન તો આ અંગે કોઈ ઇસ્યૂ ઉભો કર્યો. ન તંત્રનું આના પર ધ્યાન દોર્યું. તંત્રએ પણ બજારમાં કોઈ વ્યવસ્થા ના કરી અને સૌથી મોટા જવાબદાર આપણે છીએ. આપણે ન તો માસ્ક પહેર્યું, ના કોઈ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું અને ના સાથે સેનેટાઇઝર રાખ્યું. અને ખાલી હસતા રહ્યા…શું કોરોના ? કોરોના હવે ગયો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત