Homeસાહિત્યમને આ જગત હંમેશાં એક કોયડા સમાન લાગ્યું છે : અજય સોની

મને આ જગત હંમેશાં એક કોયડા સમાન લાગ્યું છે : અજય સોની

એક લેખક છે. યુવા લેખક. ચશ્મા પહેરે છે. આછી દાઢી રાખે છે. પાતળું એવું શરીર. નામ અજય સોની. યુવા અકાદમી પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. ટૂંકી વાર્તાઓના સંગ્રહ રેતીનો માણસ માટે.

કચ્છની ધરતીને વાર્તાઓ સાથે જૂનો પનારો છે. ત્યાંથી કોઈ વાર્તાકારનો ઉદ્દભવ થાય છે તો થોડું ગંભીર રીતે લેવું પડે છે. ગંભીર લેવાનું કારણ જયંત ખત્રી છે. કચ્છથી ઉગતા વાર્તાકાર આવે ત્યારે તેની વાર્તામાં જયંત ખત્રીપણું છે કે નહીં તે ચકાસવાની ઘણા ભાવકો કોશિશ કરતા હશે. જોકે જયંત ખત્રીને જો કોઈ ટક્કર આપી શકે તો તે જયંત ખત્રી જ છે.

અજય માવજી મહેશ્વરીનો વિદ્યાર્થી છે. રેતીના માણસ પુસ્તકમાં માવજી મહેશ્વરી આ છોકરા વિશે લખે છે, ‘વ્યક્તિગત રીતે મેં અજયને કિશોરમાંથી યુવાન થતો જોયો છે. એ ફક્ત મારા ગામના જ નથી, મારા વિદ્યાર્થી પણ છે. એવી જ રીતે વાર્તાકાર અજય સોનીનો વિકાસ પણ મારી નજર સમક્ષ થયો છે. એટલે તેમની વાર્તાઓની બારીકીઓને મેં સાવ નજીકથી વિકસતી જોઈ છે.’

એક નવા વાર્તાકારને કેવી ખુશી થાય કે તેના પુસ્તકમાં વિનેશ અંતાણીએ તેની વાર્તાઓ વિશે લખ્યું હોય. તેના શિક્ષક અને લેખક માવજી મહેશ્વરીએ લખ્યું હોય. રામ મોરીએ જ્યારે મહોતું વાર્તાસંગ્રહ લખ્યો, પ્રશંસા થઈ ત્યારે એક ભાવક તરીકે લાગ્યું કે, રામ ભવિષ્યમાં વાર્તા ક્ષેત્રે કાઠુ કાઢશે. એ સમયે અજયની ખબર નહોતી. અજયની વાર્તાઓ સામાયિકોમાં પ્રકાશિત થતી હતી. વાંચવામાં નહોતી આવતી એટલે ખબર નહોતી કે આવો પણ એક લેખક છે.

મુનશી અને મેઘાણીને વાંચી વાંચી ઊભા થયા હોઈએ. બક્ષી અને ખત્રીની વાર્તાઓની પ્રશંસા કરતા ગળું થાકતું ન હોય ત્યારે સ્વાભાવિક છે કે નવા વાર્તાકારમાં એવું બળ હશે કે, તેના પુસ્તક પાછળ પૈસા બગાડી શકાય.

અજયમાં ખર્ચ કર્યો અને રેતીનો માણસ પુસ્તક ખરીદ્યુ. આ લેખકને વાંચીને લાગે છે કે, તે કોઈ બીજા ક્ષેત્ર માટે નહીં પણ વાર્તા અને નવલકથા લખવા માટે જ પેદા થયો છે. વાર્તા અને નવલકથા સિવાય તે કોઈ નવો પ્રયોગ સાહિત્યમાં કરશે તો ગમશે, પણ અત્યારે તો અજય બસ રેતીનો માણસમાં સંગ્રહાયેલી વાર્તાઓ છે, એવી જ વાર્તાઓ આપે તો ખુશ રહીશું.

મારે મન તો વાર્તા અને નવલકથા ક્ષેત્રે હિન્દીમાં જેમ નિલોત્પલ મૃણાલ અને ગૌરવ સૌલંકી, તે રીતે ગુજરાતમાં રામ મોરી અને અજય સોની. થાય છે કે દરેક ભાષાને તેનો પોતાનો સાહિત્યકાર સમયાંતરે મળી જતો હોય છે. ખાલી જગ્યાઓ પુરાતી જતી હોય છે. હજુ તો શરૂઆત છે. જોઈએ આગળ જતા નવું શું શું આપે છે.

ચાબુકે અજયના ફેસબુકની ટાઈમલાઈનને ફંફોરી અને જાણ્યું કે અજય માટે વાર્તાઓ એટલે શું ?

‘‘જ્યારે પેલ્લી વખત મારી પેન કાગળ પર ચાલી ત્યારે મારું પણ એક પુસ્તક હશે એ સપનાના વાવેતર થઈ ચુક્યા હતા. મને આ જગત હંમેશાં એક કોયડા સમાન લાગ્યું છે. મારી વાર્તાઓ દ્વારા હું કોઇને કોઇ રુપે મારી જાત દ્વારા જગતને પામતો રહ્યો છું. આ જગતની અકળ લીલાઓ મુંઝવે છે ત્યારે અંદરથી ધક્કો વાગે છે. લખવું એ હંમેશાં મારા માટે અભિવ્યક્તિની એવી ક્ષણ હોય છે જેમાં હું સંપૂર્ણપણે હાજર હોઉં છું. મને હું મળતો હોઉં છું, મારા હુંની મારી સાથે વાત થતી હોય છે. જાત સાથે ઝઘડો, દલીલો, ચર્ચા અને ક્યારેક સમાધાન પણ. મારી દરેક વાર્તા આ તબક્કામાંથી પસાર થઈ છે. જ્યારે હું કશું લખી રહ્યો હોંઉ છું ત્યારે હું મારી જાતથી બહુ જ નજીક હોઉં છું. આ ઘટના અને ક્રમ મારા માટે એક તપસ્યા કે યોગથી કમ નથી. મારું પ્રથમ પુસ્તક આવી રહ્યું છે, “રેતીનો માણસ”. આ સંગ્રહની દરેક વાર્તામાં, દરેક પાનામાં, દરેક શબ્દોમાં હું લખતી વેળા જે કંઈ પામ્યો છું એ તમે વાંચતી વખતે પામશો એવી આશા છે.’’

અજયે જેમ કહ્યું કે, લખતી વખતે મેં જે પામ્યું એ તમે વાંચતી વખતે પામશો. તો ચાલો એમની વાછટ વાર્તાને પામવાનો પ્રયત્ન કરીએ.

અજયની વાર્તા વાછટમાં એક વૃદ્ધ અમુબાપાની વાત છે. એમાં ઘટના છે. સંવાદો નથી. લેખક ઘટનાને રમાડે છે. સ્થિતિનો તાગ મેળવે છે. એ નિરીક્ષણ કરતા અને કરાવતા, ટીંગાયેલી તુલસીની માળા, ખાટલો, ખાટલાની ઈસ પર અમુબાપાનો ટેકો દેવો, પીળા પડી ગયેલા ફોટા, પોપડા ઉખડી ગયેલી દિવાલો…. જાણે એક પટકથા હોય તેમ લેખક અમુબાપાની આસપાસની એક એક વસ્તુનું વર્ણન ભાવકની સામે વહેતુ મુકે છે.

મકાન મોટું છે. મકાન મોટું છે પણ એ કંઈ કામનું નથી રહ્યું. લેખક થોડી થોડી વારે વાચકને અમુબાપાના ભૂતકાળમાં લઈ જવાનો પ્રયાસ કરે છે. વાર્તામાં એ નામ લખી પાત્રો વિશે વિગતવાર વાત નથી કરતા. પણ ઘર મોટું છે તો ઘરમાં ઘણા સભ્યો રહેતા હશે અથવા તો…. ? એક ઈમેજીનેશન મગજમાં થાય છે કે ઘરમાં કોઈ નથી તો ગયા ક્યાં છે ?

ખાલી ઘર અને પીંપળો આ બંને નાયકના જીવનને દર્શાવે છે. જે સ્થિતિ નાયકની દૃષ્ટીથી ઘરની છે એ હવે પીપળાની પણ થઈ ચૂકી છે.

‘‘ડેલાની બાજુની ભીંતમાંથી કઢંગી રીતે પીપળો ફૂટ્યો હતો. હવે તો થડ જ બચ્યું હતું. અમુબાપા પીપળાના અવશેષને જોઈ રહ્યા. કેટલાય વરસાદ વરસી ગયા પણ એમાં એકેય કુંપળ નથી ફૂંટી.’’

આ ન ફૂંટેલી કુંપળ અમુબાપાની પીડાને પણ વર્ણવે છે કે, કંઈક અજુગતુ નાયક સાથે થયું છે. જેનો તે વસવસો છાતીમાં દાબીને બેઠો છે. કેટલાય વરસાદ વરસી ગયા. એટલે કે ખૂબ જૂની વાત છે. વર્ષોના વહાણ વીતી ગયા પણ બાપાનું પીપળા જેવું છે. જેમ પીપળામાં એક પણ કૂપણ નથી ફૂટતી એવું છે.

અહીં અજય સ્પષ્ટ શબ્દોમાં વાચકને કહેતો નથી પણ અમુબાપાના વેરવિખેર થઈ ગયેલા જીવનની પીપળાની સાથે સરખામણી કરે છે. એમને ભૂતકાળમાંથી એક અવાજ સંભળાય છે કે, ‘પીપળામાં આપણા પૂર્વજોનો વાસ હોય છે. એમની છાયા આપણા પર છવાયેલી હોય છે. પીપળો ન કપાય, સારું નહીં.’

એમના મનમાં એક જૂનો ડર પેસી ગયો છે. એ ડર તેમને વારેઘડીએ લાગ્યા કરે છે. એક કબૂતર જ્યારે કૂવા પાસે બેસે છે તો એમને ડર લાગી જાય છે કે, ક્યાંક કૂવામાં પડી ન જાય. આ બીજી ઘટનાથી લેખક ફરી વાચકને જણાવવા માગે છે કે અમુબાપા સાથે ભૂતકાળમાં કંઈક બિહામણું ઘટ્યું છે. કૂવો તો કબૂતરનું નિવાસસ્થાન છે. એ ત્યાં ઈંડા મુકે. વંશવેલો વધારે. પણ પાંખવાળું કબૂતર પણ કૂવામાં પડી જાય! મનમાં ન હોવી જોઈએ તેવી બીક પણ ઘરી ગઈ એટલે પ્રોટોગોનિસ્ટનો ભૂતકાળ ખૂબ દાઝેલો છે.

જેમ અગાઉ પીપળો એ અમુબાપાનું પરિવાર છે. જેમાં કોઈ કુંપળ નથી ફૂટવાની તેમ આંગણામાં પડેલું ફિયાટનું ટાયર પણ અમુબાપા જ છે. અમુબાપા એ ભયાનક સ્મરણની યાતનાઓમાંથી બહાર નથી નીકળી શકતા. ઘડિયાળના કાંટાની જેમ એમની સોઈ અટવાયેલી પડી છે. સમય આગળ નીકળી ગયો પણ અમુબાપા પેલા ટાયર જેવા થઈ ગયા છે. જેમની આંખ સુધી પહોંચતું સ્મિત બાળકો છે, પણ બાળકો એ ટાયર હટાવવા મથે તો પણ હટતું નથી.

ને પછી વરસાદ પડે છે. એ વરસાદમાં અમુબાપાનું અડધું શરીર ભીંજાય જાય છે. એમના ચશ્મામાં પણ પાણીના છાંટા ઉડી પડે છે. ધૂંધળું દેખાવા લાગે છે અને એ એક ઓરડામાં જાય છે. લેખક વાર્તાના અંતમાં ચમત્કૃતિ લઈ આવે છે. એ અમુબાપા સાથે ભૂતકાળમાં શું થયું એ જણાવે છે.

એમનો હાથ કેમ કપાણો ? ઘરના બીજા સભ્યો બાપાને છોડી ક્યાં ચાલ્યા ગયા ? કબાટ ખોલતા વસ્તુઓની સુગંધ જે અમુબાપાના નાકમાં જાય છે તેના પરથી એક વાચક તરીકે આપણે અર્થ તારવી શકીએ કે ખૂબ લાંબા સમયે આ કબાટ ખૂલ્યો છે. એ કબાટમાં એ શું જુએ છે ? બસ એ જ તો વાર્તાનો ચમત્કૃતિ પેદા કરતો અંત છે. એ કહી દઉં તો થોડી મજા આવે. ટીમ ચાબુક તરફથી રેતીના માણસને જન્મદિવસની શુભેચ્છા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments