Homeગુર્જર નગરીગીર સોમનાથમાં યુવકની હત્યાઃ પતિએ કોલ રેકોર્ડિંગ સાંભળતા ખ્યાલ આવ્યો કે પત્નીને...

ગીર સોમનાથમાં યુવકની હત્યાઃ પતિએ કોલ રેકોર્ડિંગ સાંભળતા ખ્યાલ આવ્યો કે પત્નીને મામાના દીકરા સાથે આડા સંબંધ છે

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જેપુર ગામે એક ખુની ખેલ ખેલાયો છે. આડા સંબંધોની આશંકાએ ફોઈના દીકરાએ મામાના દીકરાનું કાસળ કાઢી નાખ્યું છે. મામાના દીકરાને પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાની આશંકાએ છરીના ઘા મારીને યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો છે. સમગ્ર ઘટનામાં મોબાઈલ રેકોર્ડિંગ નિમિત્ત બન્યું હોય તેવું જણાઈ રહ્યું છે. પત્નીના મોબાઈલનું રેકોર્ડિંગ સાંભળ્યા બાદ અકળાયેલા પતિએ મામાના દીકરાની હત્યા નિપજાવી દીધી હોવાનું પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે. હાલ આરોપીની ધરપકડ કરીને પોલીસ વધુ પુછપરછ કરી રહી છે.

બનાવની વિગતે વાત કરીએ તો, તાલાલા તાલુકાના જેપુર ગામે હસમુખ કામળીયા નામનો વ્યક્તિ પોતાની પત્ની સાથે રહેતો હતો. લગ્નના 13 વર્ષના સમયગાળા બાદ હસમુખ અને તેની પત્નીને એક પુત્ર અને એક પુત્રી છે. હસમુખ કામળીયા બાંધકામની ઓફિસમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ થોડા દિવસથી તેને તેની પત્નીને કોઈ સાથે આડા સંબંધ હોવાની જાણ થઈ હતી. પોતાના જ દુરના મામાના દીકરા અતુલ સાથે પોતાની પત્નીને આડા સંબંધો હોવાની તેને આશંકા હતા. આ વાતને લઈને હસમુખ અને અતુલ કેશવાલા વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. હસમુખને અતુલ સાથે આ બાબતે મનદુઃખ પણ હતું.

અતુલ અને પોતાની પત્ની વચ્ચે અફેર હોવાની આશંક બાદ હસમુખે પોતાની પત્નીના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી દીધી હતી. કોલ રેકોર્ડિંગ એપ્લિકેશનથી પત્ની અજાણ હતી. અવાર નવાર હસમુખની પત્ની અતુલ કેશવાલા સાથે ફોન પર વાત કરતી હતી અને બન્ને વાતો આ એપ્લિકેશન દ્વારા રેકોર્ડ થઈ રહી હતી. બાદમાં હસમુખે પત્નીના મોબાઈલમાં થોડા દિવસના કોલ રેકોર્ડિંગ સાંભળ્યા તો તેના પગ તળેથી જમીન સરકી ગઈ. પોતાને જે આશંકા હતી તે સાચી પડી. અતુલ અને પોતાની પત્ની વચ્ચેની વાતો સાંભળીને હસમુખ અકળાઈ ઉઠ્યો અતુલને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન બનાવ્યો.

ત્યારે એકાએક અતુલ સાંજે સાતેક વાગ્યાની આસપાસ પોતાના ગામ જેપુર જતો હતો તે દરમિયાન ગલીયાવડ નજીક હીરણ નદીના કીનારા પર હસમુખે અતુલનું બાઈક રોકાવ્યું હતું અને અતુલ કઈ સમજે તે પહેલાં જ છરી લઈને હસમુખ તેના પર તૂટી પડ્યો હતો. અંદાજે 17 થી 18 છરીના ઘા મારીને અતુલને યમધામ પહોંચાડી હસમુખ પોતાના ગામ જતો રહ્યો હતો. મોડી સાંજે બનેલી આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને મૃતક અતુલના પરિવાર અને સગા સંબંધીઓના નિવેદન લેતા શંકાની સોય હસમુખ તરફ આવતા પોલીસે કલાકોની ગણતરીમાં જ આરોપી હસમુખને ઝડપી લીધો હતો.

પોલીસે કડક પુછપરછ કરતાં હસમુખ પોપટની જેમ તમામ હકીકતો પોલીસ સમક્ષ બોલી ગયો હતો અને મોબાઈલ રેકોર્ડિંગ સાંભળ્યા બાદ પોતાની પત્ની અને અતુલ વચ્ચે આડા સંબંધો હોવાની જાણ થતાં અતુલની હત્યાનો પ્લાન બનાવ્યો હોવાની વાત જણાવી હતી. પોલીસ આ મામલે હાલ વધુ તપાસ ચલાવી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments