ઝલાટન ઈબ્રાહિમોવિચ મેદાન પરનો સૌથી ખૂંખાર ખેલાડી. એ સિંહ છે. હમણાં તેને કોરોના થયો. લોકો હસવા લાગ્યા કે હવે કોરોનાનું શું થશે ? ઝલાટન બીજા દર્દીઓની તુલનાએ જલ્દી સાજો થઈ ગયો. રિકવર થયા પછી તેણે તેના પ્રિયજનોને સલાહ આપી, ‘કોરોના વાઈરસને વણનોતર્યું આમંત્રણ ન આપો, તમે ઝલાટન ઈબ્રાહિમોવિચ નથી.’
કહેવાનું તાત્પર્ય એ છે કે ઝલાટને લોકોને કોરોના સામે લડવા ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની સલાહ આપી છે, કારણ કે દરેકનો સ્ટેમિના, દરેકની ઈમ્યુનિટી ઝલાટન જેવી નથી હોતી. એ ટાઈકવાન્ડોમાં બ્લેક બેલ્ટ મેળવી ચૂક્યો છે. મેદાન પર તે છ ફૂટની કાયા સાથે પ્રવેશ કરે પછી તેનાથી દૂર રહેવામાં જ શરીરની સલામતી છે. એ મેદાન પર ટાયકવાન્ડો કિક મારે છે. આ સમયે તેની આસપાસના વિરોધી દળના ખેલાડીઓ દૂર ખસી જાય છે અને તે ગોલ કરવામાં સફળ થઈ જાય છે. બે વર્ષ પહેલા તેણે કહેલું, ‘હું તુરંત રિકવર થઈ ગયો કારણ કે સિંહની માણસ સાથે સરખામણી નથી કરાતી.’

બાપ સ્વીડિશ અને મા ક્રોએશિયન. હવે તેને ગમે તે દેશમાંથી રમવાની છૂટ હતી. તેણે સ્વીડીશ પસંદ કર્યું, કારણ કે સ્વીડનમાં તેનો જન્મ થયો હતો. સામાન્ય ખેલાડીઓ કરતાં તે ખૂબ ઊંચો છે. મેદાન પર તે ખેલાડીઓને ફૂટબોલ જેટલી જ કિક મારે છે. તમારા ઘરમાં આવે તો તમે મહેમાન છો તે મહેમાન નથી. એ તમારા ઘરની વસ્તુઓ અસ્તવ્યસ્ત કરી નાખશે. જેટલી કલાક રોકાશે એટલી કલાક તમારું ઘર તેનું બનીને રહેશે.
ફેન્સ સાથે તેનો વ્યવહાર એ દુર્વ્યવહાર બની જાય છે. એક વખત ઓટોગ્રાફ આપતો હતો. આસપાસ ટોળું ભેગુ થઈ ગયું હતું. લોકો ટોપી ઉતારી તેની સામે ધરી રહ્યા હતા જેથી તે તેમાં પોતાના હસ્તાક્ષર કરે. એક છોકરો તેની બાજુમાં ઊભો હતો. તેણે માથામાં ટોપી પહેરી હતી, પણ તેનું ધ્યાન નહોતું કે પાછળ ઝલાટન ઓટોગ્રાફ આપી રહ્યો છે. ઝલાટનને આ વાતથી ગુસ્સો આવ્યો. બધાની ટોપીમાં ઓટોગ્રાફ આપતા આપતા તેનું ધ્યાન છોકરા પર ગયું. સટ કરતી ટોપી ઉતારી લીધી. ઓટોગ્રાફ આપી દીધો. છોકરો પાછળ ફરીને જુએ તો ઝલાટન હતો. છોકરો ગળગળો થતાં થેન્ક યૂ કહેવા જતો હતો ત્યાં ઝલાટન ચાલ્યો ગયો.

નાનો હતો ત્યારે ટીવીમાં રોનાલ્ડિનોને જોયા રાખતો હતો. બ્રાઝીલનો ફૂટબોલર જેની એ સમયે મેસ્સી-રોનાલ્ડો કરતાં પણ મોટી ધાક હતી. તેને જોઈ જોઈ એ ફૂટબોલ રમતા શીખી ગયો. ફૂટબોલની સાથે એ અભિનય પણ શીખી ગયો. મેદાનમાં કોઈને લાત મુક્કા મારી દે પછી પોતે પણ ઢેર થઈ જાય જેથી મેદાન પર તેને રેફરી કાર્ડ ન બતાવે.
એક મેચમાં તેણે વિરોધી ખેલાડીના માથાના પાછળના ભાગે થપાટ મારી દીધી. તેના માથા જેટલો ઝલાટનનો હાથ હતો. પેલો ખેલાડી પડી ગયો. સાથે ઝલાટન પણ કંઈ કારણ વિનાનો પડી ગયો. એમ કહીને કે તે જોયા વિના પાછળ ફરતો હતો અને ખીલાવાળા બુટ મારા પગ માથે મુકી દીધા. તેનો સ્વભાવ આવનારા સમયમાં તેને રાજકારણી બનાવે તો નવાઈ નહીં.

કબીર સિંહનો સંવાદ યાદ છે. ફૂટબોલ એ હિંસાત્મક રમત છે.
મેદાનની અંદર તો ઝઘડો થાય જ છે કોઈવાર પ્રશંસકો પણ બાખડી પડે છે. એમને છૂટા પાડવા ખાસ તાલીમબદ્ધ બાઉન્સરો રાખવા પડે છે. કોઈવાર બાઉન્સરોનો પણ વારો નીકળી જાય છે. વિશ્વકપમાં અને કેટલીકવાર લીગની મેચમાં આવો અદભુત નજરો જોવા મળી જાય.
ભારતમાં ક્રિકેટ સિવાયની રમત રમતા ખેલાડીઓની દયનીય હાલત થઈ જાય છે. આ માટે અનુરાગ કશ્યપની મુક્કબાઝ જોવી. યુરોપના ખેલાડીઓ જો સ્પોર્ટ્સમાં આગળ વધે તો ગવર્મેન્ટ તેમને પૂરતો સાથ સહકાર આપે છે. એટલો સાથ સહકાર કે આ ખેલાડીના નામનો અર્થ પણ શબ્દકોશમાં સ્વીડીશ ગવર્મેન્ટે એડ કર્યો છે.

“To Zlatan” નામના શબ્દનો ડિક્ષનરીમાં અર્થ થાય છે to dominate or do something with extreme talent. શું આપણે સચિન એટલે ક્રિકેટનો ભગવાન અને ધોની એટલે કેપ્ટન કુલ આવા શબ્દો આપણા શબ્દકોશમાં ઉમેરી શકીશું?
મેસ્સીની બાર્સેલોનાની ટીમમાં જ્યારે ઝલાટન હતો ત્યારે તેણે કહેલું કે, ‘આ ટીમના ખેલાડીઓ તો બાળકો જેવા છે. ખેલાડીઓના નામ પર ધબ્બો છે. અરે ખેલાડી કહેવાને લાયક નથી.’
તેના મૂળ પર સઘડી વાતનો આધાર રહેલો છે કે કયા ખેલાડીના તે વખાણ કરે. જો તેનો મૂળ હોય તો ઈન્ટરવ્યૂમાં તે કોઈ ખેલાડીના દરિયા જેટલા વખાણ કરી લે અને જો ન હોય તો તેને ઉતરતી કક્ષાનો કહી દે. વખાણ કર્યા પછી પણ તે એમ કહે કે, ֹ‘એ નંબર વન ખેલાડી છે. ગોલ કરવાની મશીન છે પણ તે ઝલાટન તો નથી જ.’

ઝલાટન પર આ આર્ટિકલ લખવાનું કારણ એ છે કે તેની ઉંમર 39 વર્ષની છે અને તે ફરી એક વખત મેદાનમાં આવવાનો હોવાનો સંદેશ વિશ્વ ફૂટબોલને આપી ચૂક્યો છે. ઉંમર પર તે કહે છે, ‘મારું તો બાટલીમાં જેટલો જૂનો દારૂ હોય એના જેવું છે.’
ઝલાટનની ઉપર રજનીકાંતની જેમ જોક્સ બને છે. તેના વિશે ફૂટબોલ વિશ્વમાં જે જોક્સ બન્યા છે તેના પર એક નજર કરીએ. જે રજનીકાંતની રોબોટ ફિલ્મ આવી તેના પહેલાથી વિશ્વમાં ભ્રમણ કરી રહ્યા હતા. આપણે તેમાંથી ઝલાટનનું નામ ખસેડી રજનીકાંતનું નામ એડ કરી દીધું.
- દસ વર્ષની ઉંમરમાં તેને ઘર છોડવાનું મન થઈ ગયું હતું. તેના માતા પિતાએ જ ઘર બદલી નાખ્યું જેથી તે ઘર છોડે નહીં.
- ઝલાટને પોતાની વર્જીનિટી તેના માતા પિતા પહેલા ગુમાવી હતી.
- એક વખત ઝલાટને લાઈવ ડિટેક્ટર મશીનમાં ટેસ્ટ કર્યો. મશીને તમામ વાતો સ્વીકારી લીધી.
- ઝલાટન યુવાન થયો ત્યારે તેના માતા પિતા તેની સાથે ઉંઘતા હતા જેથી ડર ન લાગે.
- ઝલાટન જ્યારે તમારા ઘરમાં આવે તો તમે મહેમાન છો.
- ઝલાટનના પિતાનું હુલામણું નામ ઝલાટન જૂનિયર છે.
- ઝલાટને એક દિવસ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો. પોલીસે તેને રોક્યો તો ઝલાટને તેમની પાસેથી પાવતી ફડાવી લીધી.
- ઝલાટને જન્મતા સમયે નર્સને મદદ કરી હતી.
- ઝલાટન ખોટું નથી બોલતો સત્ય ખોટું બોલે છે.
- એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ફોનની શોધ કરી ત્યારે ઓલરેડી ઝલાટનના ત્રણ મિસ કોલ તેના પર આવી ગયા હતા.
- ઓક્સિજનને જીવન જીવવા માટે ઝલાટનની આવશ્કયતા રહે છે.
- ઝલાટનને હાર્ટ અટેક નથી આવતો, કારણ કે તેના પર હુમલો કરવાનું કોઈ પણ નથી વિચારી શકતું.
- શાળાના શિક્ષકે ઝલાટન સાથે વાત કરવા માટે આંગળી ઊંચી કરવી પડતી હતી.
- એક દિવસ ઝલાટન સત્તત બે દિવસ સ્કૂલે ન આવ્યો. આ દિવસને શનિવાર અને રવિવાર ઘોષિત કરી દેવામાં આવ્યા.
- ઝલાટન બે પથ્થરને એક જ પક્ષી દ્રારા મારી શકે છે.
- ઝલાટન ખોટા નંબર પર ફોન નથી કરતો, તમે ખોટા નંબર સાથે વાત કરી રહ્યા હો છો.
- કેટલાક લોકો સુપરમેન પજામો પહેરે છે. સુપરમેન ઝલાટન પજામો પહેરે છે.
- ઝલાટન છરીને બટરથી કાપી શકે છે.
- ઝલાટન ડુંગળીને રડાવી શકે છે.
- માર્ક ઝુકરબર્ગે જ્યારે ફેસબુક બનાવ્યું ત્યારે તેને ઝલાટનની રિક્વેસ્ટ આવી ચૂકી હતી.
- ઝલાટનના જીમેઈલ એકાઉન્ટનું નામ છે [email protected]