Homeસિનેમાવાદસૌમ્ય જોષી અને ગાર્ગેય ત્રિવેદી લિખિત જોસેફ મેકવાનની નવલકથા પર આધારિત ‘મારી...

સૌમ્ય જોષી અને ગાર્ગેય ત્રિવેદી લિખિત જોસેફ મેકવાનની નવલકથા પર આધારિત ‘મારી પરણેતર’

એક કૂવો છે. કૂવે આખુ ગામ ભેગુ થાય પણ નીચલી જાતિવાળાને પાણી નહીં ભરવાનું. એને બીજો કોઈ પાણી ભરીને દેય અને એની ગાગર કે હાંડામાં ઠલવે.

નહીં ને ગામનો કોઈ સદ્ધર જાતિવાળો જોઈ જાય તો તો આવી બન્યું. કૂવાની નજીક મોટી નદી છે. રસ્તે ભેંસોનું ખાડુ ચાલતું જાય અને તેની બાજુમાંથી ગાડાવાળા નીકળતા હોય. ખોબલા જેવડા ગામમાં આંખોને હિમ જેવી ટાઢક આપતા દૃશ્યો દેખાય.

ભાઈડાઓને સ્ત્રીજાતને પગ હેઠે રાખવાનું અભિમાન છે અને અસ્ત્રીઓને તેની જીભડી બહાર કાઢવાની જરાક અમથીય છૂટ નથી! નાની ઉંમરે પરણાવી દે.

હા, છોકરા અને છોકરી ને નાની ઉંમરમાં પરણાવી દે. કોઈ વાર તો પેટમાં હોય તયે જ ચાંદલા થઈ જાય. એમાં એક છોકરી રણચંડી થઈ. નામ એનું ગૌરી.

એ ગૌરી પ્રત્યે કૂણી લાગણી જસીયાને છે પણ ઈ ચહેરા પર વર્તાવા નથી દેતો. પહેલા તો જસીયાને સુમી સાથે પ્રેમ હોય છે. પણ ધીમે ધીમે સુમીનું પાત્ર ખસતું જાય છે અને જસીયા ગૌરીની મિત્રતા જ દેખાય છે. ત્યાં સુધી જ્યાં સુધી એમના જીવનમાં માસ્તરનો પ્રવેશ નથી થતો. એમાં બસ મિત્રતા જ છે. મિત્રતા માટે કંઈ પણ કરી છૂટવાની હામ ભરેલી છે.

ગૌરી તો જસીયાના લગનના અભરખા પૂરા કરવા ખોટેકના લગનેય કરે છે. જોકે સાચેકમાં તો ગૌરીના બાળપણમાં લગન થઈ ગયા છે. આણંદ બાજુના ગામમાં જ્યાં એનો ઘરવાળો ગાંડો નીકળ્યો. સેડા લૂછવાની આવડત નથી અને આણું વારવા બેઠો. ગામના લોકોની એક જ વાત કે અસ્ત્રીની જાતે જાવું પડે એટલે જાવું જ પડે અને ગૌરી અચળ હઠ લઈને બેઠી છે કે હું તો કૂવો પૂરું બાકી ઈ સેડાળા પાહેં જાઉં નહીં.

આ છે જોસેફ મેકવાનની નવલકથા મારી પરણેતરની નાની અમથી ઝલક, જેના પરથી સૌમ્ય જોશી અને ગાર્ગેય ત્રિવેદીના પટકથા લેખને એક અદભુત સિરીયલ બનાવી છે.

આપણે જે કૂવાની વાત કરી એ કૂવો હકીકતે સુખ અને દુ:ખ બંનેનું પ્રતીક છે. ચપટી જેટલા સુખની વાતો પણ કૂવાની પાસે જ થાય છે અને છાતીમાં કૂવાની ઊંડાઈ જેટલા ધરબાઈને બેઠેલા દુ:ખની વાતો પણ કૂવા પાસે જ થાય છે. કૂવાનું તળિયું દેખાય ત્યારે ગામના લોકો કેવા દુખી થાય અને કૂવો ભરાય જાય તો ગામના લોકોમાં કેવો હરખ પેહી જાય. મારી પરણેતરમાં આ કૂવો પ્રતીકાત્મક રીતે દર્શાવવામાં આવ્યો છે. ગામના સુખ અને દુ:ખની સાથે વણી લેવામાં આવ્યો છે. તમામ પ્રસંગો ત્યાં જ બને છે.

નવલથા સરસ છે અને પટકથા ખૂબ સરસ રીતે લખાયેલી છે. અંત એટલો રોચક નથી બનતો. નવલકથા વાંચતા સમયે અંત જે મોઢા પર દુ:ખની રેખાઓ ખેંચે છે એવો અંત સિરીયલ નથી ખેંચી શકી. સિરીયલ હજુ ચાલ્યા જ રાખે એવું મન થાય પણ અચાનકથી એક અંત આવી જાય છે. કાશ ગામમાં બનતી આવી ઘટનાઓ ચાલ્યા જ રાખી હોત. જસીયાનું ખોટેખોટા વર બનવું. જસીયાનું એની ખોટી પરણેતરના થનાર સેડાળા પતિને ત્યાં જવું, મગન સાથે તેની દોસ્તી, મુખીનું મુખીપણું અને પંચની અણિયાળી વાતો સરસ રીતે ખીલી છે.

જેણે પંચના વડાનું પાત્ર ભજવ્યું છે તેની પાર્શ્વ જીવનીને એવી રીતે દાબીને રાખી કે નવલકથા ન વાંચીને જોનારને એ આંચકો આપી જાય. એના સંવાદોમાં કઠોરતા અને કટાક્ષ છે પણ તેના નિર્ણયો ચોમાસામાં વરસી ને લીલાછમ કરી નાખતા ખેતર જેવા છે.

કોઈ પાત્ર અહીં અભિનયમાં ઉણું નથી ઉતર્યું. ખાસ જસીયા-ગૌરીના ખભા પર સિરીયલ છે. ગૌરીનું પાત્ર ભજવનારી અભિનેત્રી તો અભિનયથી ખડતલ લાગે જ છે, પણ જસીયો જે બને છે, એ જો પ્રથમ વખત અભિનય કરી રહ્યો હોય તો એને શાબાશી આપવા સિવાય કંઈ કહેવાનું રહેતું નથી.

એનો મિત્ર મગન જેના પ્રથમ એપિસોડમાં જ લગન થાય છે. તેને લગન કરવાથી કંટાળો આવે છે. તેનું બાળપણ બોલે છે, ‘આ મારી જગ્યાએ જસીયો પઈણ્વા બેહી જાય તો ન હાલે.’ એક બાળકની વાતમાંથી કેટલા બધા સવાલો નીકળ્યા ?

મારી પરણેતરમાં જે બેકગ્રાઊન્ડ સંગીત વાગે છે તે મગજમાંથી ખસતુ નથી. બે દિવસ સુધી ખસ્યુ જ નહીં. આપણે કોઈ ગામમાં ચર્ચ હોય તેવું જોયું નથી. એ વાત માનવામાં આવતી નથી. પણ પછી ખ્યાલ આવે કે કથાનક તો ઘણું જૂનું છે. બ્રિટીશરોના વખતનું. દેશને આઝાદી જ ન હતી મળી.

દૂરદર્શન હંમેશાંથી મહિલાકેન્દ્રી સિરીયલો લાવે છે. ગુજરાતી કથા સાહિત્ય તો દૂરદર્શનના પાયામાં રહ્યું છે. ધૂમકેતુની વાર્તા વિનીપાત જેમાં ટોમ અલ્ટર ગુજરાતી બોલે છે. રામનારાયણ વિશ્વનાથ પાઠકની મુકુન્દરાયથી લઈને પન્નાલાલ પટેલની લાડુનું જમણ સુધીની વાર્તા અને વાતોમાં ગ્રામીણ કથનાક બરાબરનું ઝિલાયું છે. મારી પરણેતરમાં પણ એ જોવા મળે છે.

આ સિરીયલ શીખવાડે છે કે યાતનાઓનો ભેગા મળીને કેવી રીતે સામનો કરવો. રૂઢીગત પરંપરાઓનો છેદ ઉડાવવો, ખોટું થાય છે તો તેની વિરૂદ્ધ અવાજ ઉઠાવવો, જે માયકાંગલા થઈ ચૂક્યા છે તેમને સબળા બનાવવા તેમની અંદર પ્રેરણાનું બીજ વાવો. દર વખતે નીચું માથું કરી માથા પર શ્રીફળ વધેરવા ન દેવાય.

આ સિરીયલ જોતી વખતે લાગ્યું કે ઘણા સારા કલાકારો ગુજરાતી ફિલ્મ જગત પાસે છે. આપણી પાસે બળકટ પટકથાઓ નથી. જ્યારે ફિલ્મ જગત પાસે સારી પટકથાઓનો અભાવ વર્તાવા લાગે છે ત્યારે ત્યારે તે સાહિત્ય પાસે ચાલ્યું જાય છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે તો ક્યાં સાહિત્યનો હજુ જોઈએ એટલો ઉપયોગ જ કર્યો છે. કથાઓ હંમેશાં નાના શહેરમાંથી આવે અને મોટું શહેર તેને બનાવે.

માય ડિયર જયુ, મહેન્દ્રસિંહ પરમાર અને કિરીટ દૂધાતની વાર્તાઓ પણ ગ્રામીણ કથા કહેવામાં સૂરીપુરી છે. આશા રાખીએ એ પણ આપણને પડદા પર દેખાય. યુટ્યુબ પર મારી પરણેતર છે. ચૂકતા નહીં.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments