Homeદે ઘુમા કેજ્યારે એક મેચમાં 1 બોલમાં 286 રન થઈ ગયા

જ્યારે એક મેચમાં 1 બોલમાં 286 રન થઈ ગયા

Team Chabuk-Sports Desk : સવાલ થઈ જાય. સવાલ થવો જ જોઈએ. બાકી આ દુનિયામાં તમારા ભેજાનું કામ શું છે. એક બોલમાં 286 રન! કૌન હે યે લોગ ઔર કહાં સે આતે હૈ? તારીખ હતી 15 જાન્યુઆરી 1894ની જ્યારે એક બોલમાં 286 રન બની ગયા. દુનિયાના કોઈ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા એવો નિયમ બનાવવામાં નથી આવ્યો કે એક બોલમાં 286 રન બનાવી શકો. તો પછી આ થયું કેવી રીતે ?

ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા અને સ્ક્રેચ ઈલેવન વચ્ચે મેચ ચાલી રહ્યો હતો. મેચના પ્રથમ બોલમાં બેટ્સમેને આવ દેખા ના તાવ જોરથી ફટકો માર્યો. બોલ એક વૃક્ષમાં અટકી પડ્યો. બોલને ઉતારે અને થ્રો કરે ત્યાં સુધીમાં બંન્ને બેટ્સમેનો 286 રન દોડી ચૂક્યા હતા.

બંન્ને બેટસમેનો ક્રિઝમાં 6 કિલોમીટર જેટલું દોડ્યા. આ શોટ લાગ્યા પછી ફિલ્ડીંગ ટીમ દ્વારા અમ્પાયરને વીનવણી કરવામાં આવી હતી કે માયબાપ બોલને ખોવાયેલો ઘોષિત કરી દેવામાં આવે, પણ અમ્પાયરને વિધાઉટ ટિકિટ ઓલમ્પિકની મેરેથોન જોવી હતી !

આજની વાત કરીએ તો કોઈ દિવસ ભરોસો ન કરી શકાય કે આ આંતરાષ્ટ્રીય રેકોર્ડ હશે. લાગે કે કોઈ ગલી ક્રિકેટનો કિર્તીમાન હશે. જોકે આંતરાષ્ટ્રીય નિયમ પણ એમ જ કહે છે કે બોલ સીમારેખાની પાર ન જાય ત્યાં સુધીમાં જો મેદાનની અંદર બેટ્સમેન દ્રારા બોલ શોટ મરાયેલ પડ્યો હોય. તો ગમે તેટલા રન દોડી શકાય છે.  

હવે સૌથી મોટો સવાલ એ થાય કે કેમેરા વિનાના એ જગતમાં માહિતી પહોંચી કેવી રીતે ?  ESPNcricinfoમાં છપાયેલા એક અહેવાલમાં ક્રિકેટ નિષ્ણાંત અને લેખક માઈકલ જ્હોન્સ લખે છે કે, એક માત્ર સંદર્ભ અંગ્રેજી અખબાર Pall Mall Gazetteને માનવામાં આવે છે. તેના સ્પોર્ટ્સના પાના પર આ ખબર છપાઈ હતી. એ પછી ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત જ્યાં ક્રિકેટ રમાતી જ નથી એવા અમેરિકામાં પણ આ ખબર છપાઈ હતી. આ રેકોર્ડ કોઈ પણ કેમેરામાં કેદ નહોતો થયો, જેના કારણે તે ગીનીસ બુકમાં સ્થાન નથી પામેલ. તો પછી ગીનીસ બુકમાં સૌથી વધારે રન ભાગવાનો રેકોર્ડ કોના નામે છે ?

ઓસ્ટ્રેલિયાના જ ગૈરી ચેપમેનના નામે છે. 11 ઓક્ટોબર 1990માં ઓસ્ટ્રેલિયાના એક ક્લબ મેચમાં આ ભાઈએ 1 બોલમાં 17 રન દોડી લીધા હતા.

આ વિષય સંલગ્ન વધારે એક માહિતી એ હાથમાં લાગે છે કે, ફિલ્ડીંગ કરતી ટીમ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે કુહાડી લઈ આવો અને ઝાડને કાપો. આજુબાજુ ખૂબ શોધી પણ દશેરાને દિવસે ઘોડુ ન દોડતા બીચારાઓને કુહાડી પણ ન મળી.

ભાગુ તો મારી ભોમકા લાજે… આમ ફિલ્ડીંગ ટીમ બોલી હોત તો સારું હતું. કુહાડી ન મળતા એમણે ભડાકો કરવા રાઈફલ મંગાવી. ભડાકો કરવામાં આવ્યો. નિશાનો સટીક હતો. બોલની બાજુમાંથી જ ગયો. ડાળખી હલી અને બોલ નીચે પડ્યો. ફિલ્ડીંગ ટીમ એટલી હતાશ થઈ ગઈ હતી કે કોઈએ એ બોલ કેચ કરવાનો પ્રયત્ન સુદ્ધા ન કર્યો. એક બોલ પર વિધાઉટ વિકેટ 286 રન થઈ ગયા.

ભારતમાં સૌથી ફાસ્ટેસ્ટ રનીંગ બીટવીન ધ વિકેટ મહેન્દ્રસિંહ ધોનીની ગણવામાં આવે છે. એ નજીકમાં બોલ પડ્યો હોય તો એક સાથે બે રન દોડી ગયાની ઘટનાઓ પણ યુટ્યુબ પર જોવા મળી જશે. સૌથી આળસુમાં ઈન્ઝમામ ઉલ હકનો સમાવેશ થાય છે. જેને ભારતમાં એક સાથે 50 હજાર લોકો આલુ કહી સંબોધતા હતા. એ શોટ એટલા માટે ફટકારતો કારણ કે દોડવું ન પડે. જો તે દોડે તો રન આઉટ થવાના ચાન્સ વધી જાય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments