તે હે ગોવા બાપા આજે આ બધા નેતાઓ ચૂંટણી પ્રચારમાં ફરી રહ્યા છે અને એકબીજા સામે મત માટે ધારદાર નિવેદનો કરી રહ્યા છે એના વિશે તમારું શું કહેવું છે ?
સાંભળ ચાબુક હું તો વર્ષોથી આ નેતાઓના ભાષણો સાંભળતો આવું છું. તું જેમ તારી કલમની ધાર કાઢે છે ને, એમ ખાસ કરીને ચૂંટણીઓ આવે ત્યારે આ નેતાઓ પોતાની જીભની ધાર કાઢતા હોય છે અને વિરોધીઓ પર એવા એવા પ્રહારો કરશે કે ભોળી પ્રજા આ નેતાઓની વાતમાં આવી જશે. જો કે ભાષણો આપવામાં કોઈ પક્ષનો નેતા પાછો નથી પડતો. માઈક જુએ એટલે ચાલુ થઈ જાય છે.
પણ ચાબુક તને આજની જ વાત કરું તો રાજ્યમાં આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આવી રહી છે. આપણે નવરાત્રિમાં ગરબે રમવા નથી જવાનું, પણ આ નેતાઓને ગામડે-ગામડે અને ડેલીએ-ડેલીએ ફરીને પ્રચાર કરવાનો છે.
તો ચાબુક હું તને વાત કરતો હતો નેતાઓના ભાષણની. આજે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પ્રચારમાં નીકળ્યા છે અને એકબીજા સામે આક્ષેપો કરીને પ્રજાનો વિશ્વાસ જીતવાના પ્રયત્નો કરી રહ્યા છે. એ આ વાત અલગ છે કે પબ્લિક હૈ યે સબ જાનતી હૈ. પરંતુ પ્રચાર કરવો એ એમનું કામ છે, જેમ તારું અને મારું લખવાનું છે એમ.
પાટીલભાઈ
તો સૌથી પહેલા ચાબુક તને વાત કરું આજના સી.આર.પાટીલના ભાષણની, તેઓ કરજણ મત વિસ્તારમાં કોંગ્રેસમાંથી આવેલા અક્ષય પટેલ માટે મત માગવા પહોંચ્યા હતા. જ્યાં તેઓને ખરીદ-વેચાણ મુદ્દે પૂછવામાં આવ્યું તો, સી.આર પાટીલ બોલ્યા, ભાજપમાં કોઈ ખરીદ વેચાણ થતું નથી અને કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઈને લેવામાં નહીં આવે. સી.આર.પાટીલના આ વેણ સાંભળીને કેટલાક પક્ષપલટુઓ વિચારતા હશે કે હાશ ! જીતુ વાઘાણી પ્રમુખ હતા ને મારો મેળ ભાજપમાં પડી ગયો, બાકી સી.આર.પાટીલના રાજમાં તો હું રહી જ જાત ! સી.આર. પાટીલે આગળ જે કહ્યું તે સાંભળીને કદાચ પરેશ ધાનાણી હમણાં ટ્વિટ કરવાનું શરૂ કરી દેવાના જો જે ચાબુક.
‘કેમ ગોવા બાપા એવું તે વળી પાટીલ શું બોલ્યા ?’
અરે, સી.આર. પાટીલે વિરોધ પક્ષના નેતા વિશે કહી દીધું, કે પરેશ ધાનાણીને તો ખાલી ટ્વિટ કરતાં જ આવડે છે. લે બોલ.
એ બધું તો ઠીક ગોવા બાપા પણ આ સી.આર.પાટીલે કીધું કે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં કોઈને નહીં લેવાય, એ સાચું ?
ના રે ના ચાબુક. આ બધી વાતો કરવામાં સારું લાગે બાકી જો ને હમણાં જ તો મોરબીમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપે તેમને હોંશે હોંશે પોંખીયે લીધા. આ રાજકારણ છે. સોમાભાઈ પટેલે કીધું હતું એમ. રાજકારણમાં કોઈ વિચારધારા ન હોય. ચૂંટણી જીતવી હોય એટલે વચનો અને વાયદાઓના પોટલાવાળીને અભેરાઈમાં ચડાવી દેવાના અને જોડ-તોડમાં લાગી જવાનું. રાજકારણમાં બોલેલું પાળવું જ એવું જરૂરી નથી હોતું.
હાર્દિકભાઈના મતે તો…
ચાલ હવે તને બીજા એક નેતાના નિવેદનની વાત કરું. નવા નિમાયેલા અને યુવા નેતા હાર્દિક પટેલની. હાર્દિક પટેલ પણ કોંગ્રેસને જીતાડવા માટે પ્રચારમાં નીકળ્યા હતા અને ભાજપને આડે હાથ લેતા કહ્યું કે ભાજપની સરકાર પૈસાના જોરે ધારાસભ્યોની ખરીદી કરે છે અને ફૂટેલા એક પણ નેતાઓને ગુજરાતની પ્રજા સ્વીકારશે નહીં. એમણે તો એમ પણ કહી દીધું કે, ગઢડા બેઠક પરથી રાજીનામું આપનાર પ્રવિણ મારુ જેવા ઘણા નેતાઓ વેચાયા છે. બે દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ આરોપ કર્યો હતો કે જે.વી.કાકડિયા 16 કરોડમાં વેચાયા હતા. હવે આ આરોપ કેટલા સાચા એ તો ખરીદ-વેચાણ સંઘવાળાને જ ખબર હોય હો ચાબુક. આપણે બહુ આમાં નથી પડવું. આપણે આમાંથી એક પાવલીયે નથી મળવાની. પાવલીથી યાદ આવ્યું આ ચાબુકના માલિક આ દિવાળીએ બોનસ આપશે કે નહીં ?
‘બોનસની ખબર નથી ગોવા બાપા બાકી તમારી પાસે ચાર મેટર વધારે લખાવવાની વાતો થતી હતી.’
‘ભલે કંઈ વાંધો નહીં. તો ચાબુક આ હતા નેતાઓના આજના ભાષણો, ચૂંટણીઓ આવે ત્યારે આવા ગરમ ગરમ ભાષણો કાને સંભળાય જ.’
‘સારું ચાલ તું તારું લખવાનું કામ ચાલું રાખ, હું ચાલ્યો વાડીએ કપાહ વિણવા.’
‘કેમ ? ગોવાબાપા તમે આ ઉંમરે ખેતરે કપાસ વિણવા ?’
‘શું કરવું ચાબુક, કપાહના મણે માંડ માંડ 900-1000 મળે છે, ને જો મજૂર પાસે કામ કરાવીએ તો તો વાહે કાંઈ વધે નહીં એટલે જાવું પડે.’
‘સારું હાલ, આ ખેતીની વાત પછી હું તને નિરાંતે કરીશ. આવજે’
[ગોવાબાપાની અનુભવી કલમે લખાયેલા રાજકારણના હળવાફૂલ હાસ્ય-વ્યંગ અને કટાક્ષસભર સમાચારો વાંચવા માટે જોડાયેલા રહો ચાબુક સાથે.]