Homeવિશેષકોઠીએ જાર ને વખારે ચાર, વડવાઓનો અણમોલ વિચાર

કોઠીએ જાર ને વખારે ચાર, વડવાઓનો અણમોલ વિચાર

રાજકોટથી કૃષિ પત્રકાર અશોક સરિયા : વર્તમાન સમયે માણસની સ્થિતિને જોતાં એવું જણાય છે કે અત્યારનો માનવી માત્ર ને માત્ર પૈસાની પાછળ જ દોડે છે. સંગ્રહ અને બચત પણ પૈસાની જ કરે છે. જીવન જરૂરિયાતની ચીજો માટેનો તેનો અભિગમ એવો છે કે પૈસો હશે તો બધું મળી રહેશે એટલે એ માત્ર પૈસાને મહત્વ આપી માત્ર તેનો જ સંગ્રહ અને સાચવણી કરે છે.

અનાજ, પાણી અને અન્ય રોજીંદી ઉપયોગી વસ્તુઓ માટે તે બજાર ઉપર આધારિત બની ગયો છે. જ્યારે જરૂર હોય ત્યારે તે બજારમાંથી મેળવીને પોતાની જરૂરત પુરી કરી લે છે. પોતાને વર્ષ દરમિયાન ખપ પડવાની છે એટલી વસ્તુઓ પણ ઘરમાં રાખવા માટે તૈયાર નથી.

વર્તમાનમાં જ ઉદભવેલી કોરોનાની કપરી સ્થિતિમાં ભલભલા ખમતીધરોને પણ મુસિબતોનો સામનો કરવો પડ્યો ત્યારે વડવાઓના વિચાર પર પૂનર્વિચાર કરવાની આવશ્યકતા જણાઇ રહી છે.

દુષ્કાળ જેવી કુદરતી આફતો ભૂતકાળમાં ઘણી આવતી હતી. એ આફતોના ઉપાય માટે વડવાઓએ એક વિચાર વહેતો કર્યો હતો કે ‘કોઠીએ જાર અને વખારે ચાર’ હોય તો પછી વધું કંઇ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. આ વિચારનો અર્થ એ કે જ્યારે સારું વર્ષ હોય ત્યારે કુટુંબ અને પરિવારને જોઇએ એટલું પૂરતુ અનાજ અને પાલતુ પશુઓને જોઇએ એટલો ચારો પોતાની વાડીમાં ઉત્પાદિત કરીને તેનો સંગ્રહ કરી રાખવો. અને એ પણ માત્ર એક વર્ષ ચાલે એટલો જ નહીં પરંતુ આગળના એક કે બે વર્ષ કદાચ આપત્તિજનક સ્થિતિ સર્જાય તો પણ તેમને વધું વાંધો ન આવે એટલી વ્યવસ્થા કરી રાખતા હતા.

એટલે આગળના વર્ષમાં પણ જો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય તો પણ તેઓ પોતે સંગ્રહેલા જરૂરી સામાનથી પોતાનું જીવન નિર્વાહ કરી લેતા. અને આમ તેઓ લાંબા ગાળાના આયોજનથી અચાનક ઊભી થતી સમસ્યાઓનો સામનો કરી શકતા હતા.

સાંપ્રત સમયમાં લોકો અલ્પ સામયિક વિચારસરણીમાં ઢળી ગયા છે એટલે એને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ બીજાના આધારે રહેવું પડે છે. કેમ કે પોતાની પાસે તો એનું કોઇ જ આયોજન નથી હોતું.

આનાથી બે બાબતો ઉપર વિચાર કરવા જેવું છે. એક તો જ્યારે કટોકટીની સ્થિતિ સર્જાય ત્યારે જરૂરી વસ્તુઓ મેળવવામાં મુશ્કેલી થાય છે. અને બીજું કે એ જ વસ્તુ ના હોય તેના કરતાં વધુ ભાવો આપીને પણ તેની ખરીદી કરવી પડે છે. એટલે યોગ્ય સમય અને નાણા બંન્નેમાં માર પડે છે. જ્યારે કે વડવાઓના વિચાર અનુસાર જો આપણી પાસે જ આપણો જરૂરી જથ્થો હોય તો જ્યારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને એના માટે વધુ ખર્ચ પણ કરવો પડતો નથી.

ખેડૂતોની વાત કરીએ તો હાલમાં ખેડૂતવર્ગમાં એવી સ્થિતિનું સર્જન થયું છે કે ખેડૂત પોતે જે કંઇ પણ ઉત્પાદન કરે તેને તરત જ સીધુ બજારભેગું કરીને તેને રોકડમાં ફેરવી લે છે. અને ત્યારબાદ આખું વર્ષ એ રોકડમાંથી તેને જરૂર પડે એટલી વસ્તુઓની ખરીદી કર્યો રાખે છે. એટલે બને છે એવું કે જ્યારે ખેડૂત પોતાનો માલ વેચે ત્યારે તેને જે ભાવ મળે અને એ જ માલ જ્યારે વેપારી પાસેથી ખરીદે ત્યારે જે ભાવ આપવો પડે તેમાં મોટો તફાવત હોય છે.

આમ તેનો ખર્ચ લગભગ બમણો થઇ ગયો છે, અને ખેડૂત પરાવલંબી બની ગયો છે. જે વાસ્તવમાં સૌનો આધાર છે એ અન્ય આધારિત થઇ ગયો છે.

અહીં મુદ્દો એ છે કે હાલમાં જરૂરીયાતોને અર્થકેન્દ્રી બનાવી દેવાઇ છે. નાણાને એટલું મુલ્ય આપી દેવાયું છે કે તેની સામે બધું વામણું લાગવા માંડ્યું છે. હવે એ વિચારવાની જરૂર છે કે દરેકે સૌપ્રથમ તો પોતાની જરૂરતોને પ્રાધાન્ય આપીએ ત્યારબાદ વધારાની વસ્તુઓ માટે જ નાણા આધારિત રહેવું. ઘણી વખત એવું પણ બને છે કે અઢળક નાણા હોવા છતાં પણ તેનો કોઇ અર્થ રહેતો નથી. ને મુશ્કેલીનો પણ કોઇ હલ મળતો નથી. તો થોડો પૂનર્વિચાર કરીએ અને આપણે યોગ્ય અને અનૂકુળ આવે એટલું પરિવર્તન કરીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments