Homeવિશેષઆકરા તાપના તપસ્વીઓ

આકરા તાપના તપસ્વીઓ

અશોક સરિયા: એપ્રિલ-મે મહિનાનો સમયગાળો એટલે ધોમધખતા તાપના ભર બપોરનો સમય. આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં તાપમાન લગભગ 35 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. મધ્યાહ્નનો સમય તો એવો ભાસે કે જાણે સ્વયંભૂ કર્ફ્યુ જ ન લદાઇ ગયું હોય. લોકો બપોરના સમયે ઘરની બહાર નિકળવાનું ટાળતા હોય છે. જો ખૂબ જ જરૂરી હોય તો જ અને એ પણ ટોપી, મોહરીયું બાંધીને પુરી સેફ્ટી સાથે જ બહાર નિકળે છે.

આવા ત્રાંબાવર્ણા તડકામાં ક્યારેક બહાર નિકળવાનું થાય ત્યારે રસ્તામાં આવતા એકલ દોકલ વૃક્ષનો સહવાસ થાય ત્યારે ખ્યાલ આવે છે કે વૃક્ષો એ પ્રકૃતિ માટે કેટલા મહત્વના છે. આપણે આપણી સુવિધાઓ માટે વાતાનુકૂલિત સાધનો વસાવી લઇએ છીએ પરંતુ પૃથ્વીના પોતાના વાતાનુકૂલન માટે જે વૃક્ષોરૂપી વ્યવસ્થા છે એને આપણે જાળવવાની વાત તો દૂર રહી ઉલ્ટાના તેનો નાશ કરી રહ્યા છીએ. અને ત્યારે આજે આપણે જોઇ શકીએ છીએ કે કુદરતની દરેક ઋતુ શિયાળા, ઉનાળા, ચોમાસામાં સામાન્ય સ્થિતિથી અલગ આયામો સુધી રેકોર્ડ તૂટવા લાગ્યા છે. ઋતુચક્ર વેરવિખેર થઇ રહ્યું છે. જેની અસર સમગ્ર જીવસૃષ્ટી પર પણ પડી રહી છે.

ઝાડવાઓ તો જોગી જેવા છે. આકરા અને પ્રતિકૂળ વાતાવરણમાં પણ તેઓ પોતાની તપશ્ચર્યા ચાલુ રાખે છે. છાયાં અને સહારારૂપ પોતાનો આશિર્વાદ લોકોને સતત આપતા રહે છે. ધગતા બપોરે જ્યારે આપણે આપણા વાહનોને વિશ્રામ આપીએ છીએ તો પણ કોઇ વૃક્ષનો છાયો મળી જાય તો આપણે હાશકારો અનુભવીએ છીએ.

હવે તો સ્થિતિ જ એવી થઇ છે કે સિમેંન્ટ કોંક્રીટના આ જંગલોમાં વૃક્ષોને કોઇ સ્થાન મળતું નથી. અને છતાંય જો ક્યાંક ગલીના કોઇ એકાદ ભાગમાં એકાદ વૃક્ષ ઊભું રહી ગયું હોય તો દસ ડેલી દૂરના લોકો પણ પોતાના વાહનો એ વૃક્ષની છાયામાં રાખવા માટે મુકી જાય છે. અને આખી ગલીના વાહનો એક એકમાત્ર ઝાડની નીચે ગાડરના ટોળાની જેમ ઉભા હોય છે.

આવું સ્પષ્ટ દૃશ્ય જ્યારે જોવા મળે છે ત્યારે વૃક્ષની સાચી કિંમત ચોક્કસપણે સમજાઇ શકે છે, પરંતુ છતાંય આ મૂઢ માણસ એ વાતને આંખ આડા કાન કરીને ઝાડવાઓને જાકારો ભણી રહ્યા છે. અને પાછા એ જ માણસો ગરમીનો પારાવાર પારો ઉચકાઇ રહ્યો છે એવો ગોકીરો પણ કરી રહ્યાં છે.

બળતા બપોરમાં, ક્ષણીક શીતળતા બક્ષતા વૃક્ષોના છાયાનું મહત્વ સમજી ને વૃક્ષોનું જતન-સંવર્ધન કરી આપણું વાતાવરણ અનુકૂળ કરીએ એટલું જ નહીં પણ પૃથ્વીને પણ તેનું વાતાવરણ સમતુલનીય જાળવી રાખવામાં મદદરૂપ થઇ રહીએ. આપણા ઘરની આસપાસ આપણી યથાશક્તિ પ્રમાણે વૃક્ષોનો ઉછેર કરીએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments