સ્કૂપવુપ અનસ્ક્રિપ્ટેડ જેવા લોઢાના ચણા ચાવવા સમાન નામી વેબસાઈટમાં સાક્ષાત્કાર આપી શ્રીમાન રામાધીર સિંહ ઉર્ફ તિગ્માંશુ ધુલિયા કહે છે, ‘અમે ફિલ્મો ન બનાવીએ તો ક્રિટીક્સ ઘરે બેસી જાય, કંઈ કરી જ ન શકે.’ ઠીક છે. જલીલ કર દીએ હમકો તુમ…
તિગ્માંશુ ખૂદ કહી ચૂક્યા છે, કે તેમનો હિરો નાચવો જોઈએ, તેમનો હિરો એક્શન કરવો જોઈએ, તેમનો હિરો રોમાન્સ કરવો જોઈએ. તિગ્માંશુ પોતાના હિરોમાં અમિતાભ બચ્ચનને જુએ છે. બચ્ચન સાહબને જોઈને એ મોટા થયા છે.
યારા એ ચાર મિત્રોની વાર્તા છે. ફાગુન, રિઝવાન, મિતવા અને ફકિરા. એવા નામ જેના પરથી ગીતકાર ગીત બનાવી શકે. ‘એ ફકિરા માન જા…’ તો બની જ ગયું છે.
જેઓ બાળપણમાં મળે છે. મરે છે ત્યાં સુધી ભેગા રહે છે. મિતવા નામનો મિત્ર નોખો થઈ ગયો છે. તેનું નોખાપણું દર્શકોની આંખોમાં ન તરી આવે એટલે તેને ફિલ્મમાં તુરંત હાઈલાઈટ કરી દેવામાં આવે છે. એ જેલમાં રહે તો ભાંગરો વટાય જાય એટલે તેને પાનસિંહ તોમરની સ્ટાઈલમાં નર્કમાંથી બહાર કાઢે છે.
વચ્ચે વચ્ચે વર્તમાન અને ભૂતકાળમાં ફિલ્મ જોલા ખાતી જતી રહે છે. શ્રુતિ હસન પણ આ ‘ટાઈમ ટ્રાવેલ’ની જ ફળશ્રુતિ છે. શ્રુતિજીનું ફિલ્મી નામ છે સુકન્યા, તેના અને ફાગુન વચ્ચે પ્રેમનો ફાગણ જમજમાતો આવે છે. એક વખત કોઈ પોલીસને કાનભંભેરણી કરી દેતા આખી ટુકડીની જિંદગીની દેવાય જાય છે. અબ આપકો ફિલ્મ કા રિવ્યૂ દિખાતા હૈ…

તિગ્માંશુની યારા પણ એ ચોગઠામાં બેસે છે. જેમાં એક્શન છે. રોમાન્સ છે. હિરોગીરી છે. સ્મગલિંગ છે. દોસ્તી છે. પણ ટૂકડે ટૂકડેવાળી. સંશય પેદા કરનારી. તું વધારે માવો ખાઈ ગયો જેવી.
પહેલાં ગમે છે પણ પછી ધીમે ધીમે તેમાં ફૂગ ચડવા માંડે છે. યારાનું ગામ આખામાં ફૂલેકુ ફરે છે. વિલન કોણ છે તે તમને ફિલ્મના અધવચ્ચે જ ખ્યાલ આવી જશે. લાગી ગયોને જેકપોટ ? કલાક પછી જે ઘટના બને ત્યાંથી લઈને છેલ્લે સુધી તમારે તમારા અંતરાત્મા સાથે એક જ વાત કરવાની…. બસ આ ટાલિયો જ આખી દાળ દબાવી ગયો.
યારા શરુઆતમાં જેવી દિલને રાહત આપે છે તેવી બીજા હાફમાં (જો વેબ પ્લેટફોર્મમાં બીજા હાફ જેવું કંઈ રહ્યું હોય તો) એ નબળી પડી જાય છે. એ અંધારામાં તીર ચલાવે છે કે મુખબીરી કોણે કરી ? ગાદલામાં સૂતા સૂતા અને ફિલ્મ જોતા જોતા તમે પણ એક વખત બોલી ઉઠો, ‘અરે પેલો ટાલિયો યાર… વિદ્યુત ભાઈ સંભલ કે…’

દોસ્તીનું જે બોન્ડ દેખાય છે તે અંકુર વિકલ ઉર્ફ ફકિરામાં જોવા મળશે. એ એક અભિનેતાએ અભિનયથી દોસ્તીનો ઠેકો લઈ રાખ્યો છે. વિજય વર્માનાં કુલામાં તિગ્માંશુએ ગોળી મરાવી કોમેડી ક્રિએટ કરવાની ભરપૂર કોશિશ કરી છે. એક સીન પૂરતું બરાબર હતું. પણ મિત્રતામાં બનતી કેટલીક વસ્તુઓ જીવનભરની યાદો અપાવી જાય છે. તેને વારંવાર યાદ કરવું ગમે છે. તિગ્માંશું અહીં તમે સાચા નીકળ્યા હો.
ઉપરના બે લોકો સિવાય અન્ય અભિનેતાઓએ એવરેજ અભિનય કર્યો છે. કોઈને પણ સોલો ફિલ્મ આપીએ અને તેમનું ગાડુ દોડે તેવું બિલકુલ નથી લાગતું. સંજય મિશ્રાને લાર્જ રોલ મળી શકેત પણ દરેક ફિલ્મમાં ડાકુ ક્રેડિટ મેળવવી, કાં ફિલ્મની શરૂઆતમાં આવવું અને પંદર મિનિટ પછી મૃત્યુ પામવું અથવા દોઢેક કલાક પછી મનોરંજીત કરવા આવવું અને ખોવાઈ જવું, એ તેમના ઘણાં ખરાં કેરેક્ટરો સાથે જનીનની જેમ જોડાઈ ગયું છે.
અમિત સાધ હવે ક્યાં સુધી દારૂ પીધેલ જેવો અભિનય કરશે ! તેની તમામ ફિલ્મોમાં એ નશામાં હોય તેવું જ લાગે છે. ગ્લુકોઝ પીવો ભાઈ. એનર્જી લાવો.
હવે પુરૂષોને જોઈ જોઈ થાક્યા હોય એટલે એક હિરોઈન શ્રુતે હસનની એન્ટ્રી ડાયરેક્ટર કરે છે. જે સુંદર છે. સાડી પહેરે ત્યારે સુશીલ લાગે છે. બંદૂક પણ ચલાવી લે છે. આવું બધું મિક્સમાં હોય તો તે નક્સલી પણ હોય ? તિગ્માંશુ કહે છે, કે રોમાન્સ હોવો જોઈએ અને અહીં રોમાન્સ સપાટી પર આવતો જ નથી.

કલાકારોનાં વર્તમાનમાં ડોકિયું કરો તો વિદ્યુત શ્રુતિ લડી રહ્યાં છે. એમના જ ભૂતકાળમાં ડોકિયું કરો તો એ પ્રેમનો ફાગણ દેખાશે. તમે સમજો ! ડાયરેક્ટર સંદેશ આપવા માગે છે, લગ્ન પહેલાં બધું સારું લાગે, પણ લગ્નના આટલા વર્ષે તમારા કામને લઈ લગ્નજીવનમાં ખટાશ ઉમેરાય.
તિગ્માંશુ, મને ખબર નહીં કેમ ગમે છે. યારા વિશે આટલું ખરાબ લખ્યાં પછી પણ. એક પ્રતિભાવાન એક્ટર તરીકે પણ અને એક ડાયરેક્ટર તરીકે પણ. મને લાગે છે રામાધીર સિંહનો ક્લાસિક રોલ પ્લે કર્યા બાદ તિગ્માંશુ ધુલિયા ભારતવર્ષમાં ચાહના પામ્યા છે. એવી ચાહના કે તેમની ફિલ્મ આવે તો અચૂક જોવી જ.
યારામાં તમને શાગીર્દ જેવી ભયંકરતા જોવા નથી મળતી, હાંસિલ જેવો ઉત્કટ પ્રેમ નથી દેખાતો, પાનસિંહ જેવા બદલાના દર્શન નથી થતા. આવું બધું જોવા નથી મળતું એટલે તિગ્માંશુના આશિક તરીકે તમારે કે મારે પણ નિરાશ થવાનો વારો આવશે.

એમની વાર્તાની મેઈન થીમ હોય છે ગુંડાની ઉત્પતિ કેવી રીતે કરવામાં આવી ? પાનસિંહમાં તેને તેના ભાઈઓ બનાવે, હાંસિલમાં ઈરફાનને તેની મહત્વાકાંક્ષા બનાવે. બુલેટ રાજામાં બદલો બનાવે અને યારામાં માટીનો ઘડો બની ગયો તો બની ગયો, હવે તેમાં કોઈ નવી કલાકૃતિ ન કરી શકો. તિગ્માંશુની સૌથી ગમતી વાત તેના લોકેશનની છે. મને યારાના લોકેશનમાં એ બધું દેખાયું જે મારે જોવું જોઈએ. હું ખુશ થયો અને તમે પણ ખુશ થશો. હંમેશાં તિગ્માંશુની ફિલ્મોનાં લોકેશનો મને આકર્ષ્યા છે.
ફિલ્મનો જ્યાંથી પ્રારંભ થાય છે ત્યાં જ અંત થાય છે. માણસનું જીવન એક ગોળ કુંડાળા જેવું છે. એ ભાગી ભાગીને પણ કેટલું ભાગે ? એને ત્યાં જ પાછું આવવાનું છે જ્યાંથી તે નીકળ્યો.
(આ લેખ સિનેમાપ્રેમી યુવક જલજીરાએ લખ્યો છે. જલજીરાભાઈ આખો દિવસ ફિલ્મ જોવાના કારણે દસમાંની પરીક્ષામાં ચાર વખત ફેલ થયેલા. ફિલ્મોનો બાળપણથી જ શોખ. આખો દિવસ ફિલ્મો જ જોયા કરે છે એટલે આ ધંધો એમને સોંપ્યા જેવો. એવું ટીમ ચાબુકને લાગ્યું. હાલ FTIIમાં પ્રવેશ મેળવવાની તૈયારી કરી રહ્યા છે.)