Homeસાહિત્યને 8 મહિના પહેલા મરેલો રાજુ નામનો સિંહ જીવતો થઈ રખડતો હતો!

ને 8 મહિના પહેલા મરેલો રાજુ નામનો સિંહ જીવતો થઈ રખડતો હતો!

2012માં કોલેજમાંથી જૂનાગઢની એક વન્ય શીબીર માટે જવાનું થયેલું ત્યારે ત્યાંના ફોરેસ્ટ અધિકારી વ્યાસ સાહેબને સવાલ પૂછેલો, ‘‘ગિરનો સિંહ અહીં રહે તો સુરક્ષિત છે કે મધ્યપ્રદેશના કૂના નેશનલ પાર્કમાં, જેની વાતો ચાલી રહી છે ?’

તેમણે હસીને સરસ ઉત્તર આપ્યો હતો, ‘માણસ હોય કે જાનવર તેને રહેવાની એ જગ્યાએ જ મઝા આવે જ્યાં કોઈ તેને કંઈ કહેતું ન હોય. ગિરનાં સિંહને જે ગિરમાં મઝા છે એવી કોઈ જગ્યાએ નથી.’ અને પછી તેમણે ઉમેરેલું આ સંખ્યા વધશે. 2015માં એ સાચા ઠર્યા. સંખ્યા વધી ગઈ અને હવે ફરી એક વખત સંખ્યા વધી ગઈ છે. આ સંખ્યા વધવા પાછળનું કારણ માત્ર ફોરેસ્ટ ઓફિસરોની મહેનત નથી, પણ ત્યાંના સ્થાનિક લોકોનો અખૂટ પ્રેમ છે. એક નાની એવી ગાગરમાં સાગર જેટલો અમાપ સ્નેહ ભરી તે લોકો ચાલે છે. તમે ગિર કે તેની આસપાસના કોઈ પણ વિસ્તારમાં રહો અને પછી ત્યાંથી વિખૂટા પડો એટલે બે ઘડી તમારું મન ન માને. 

વાત માત્ર જંગલ અને સિંહની જ નથી થઈ રહી. ત્યાંના લોકોની પણ થઈ રહી છે. ગણતરીનો સમય લાગે તમને સોરઠી અને ગિરની…. ત્યાંના શબ્દોમાં કહું તો ગ્યરની ભાષા બોલતા. એ ભાષામાં તોછડાપણા સાથે પ્રેમ ભરેલો છે. એ તોછડાપણા સાથે પ્રેમના ઉફાણની જેને ખબર પડી જાય એને ત્યાં રહેવાની મઝા આવી જાય. આંખોને ગમી જાય તેવા ત્યાં ઘર નથી, સારા રસ્તાની તેમને જરૂર નથી. એ તો બસ જંગલની કેડીએ કેડીએ પોતાના જાનવરોની સાથે ચાલ્યા કરે છે.

ગિર કે તેની આસપાસના વિસ્તારમાં ન રહેતા હોય તેવા બિન-ગિર નિવાસી લોકો પણ ત્રણ પુસ્તકોથી ગિરના લોકો અને ગિરના સિંહની માહિતી મેળવી શકે છે. ગિરના લોકોને જાણવા હોય તો ધ્રૂવ ભટ્ટની અકુપાર વાંચવી. તેમાં તાદ્દશ અને ઉપસતું વર્ણન છે. તમારે માત્ર માહિતી તરીકે વાંચવી હોય તો ગિરનો સિંહ અને જ્વેલ્સ ઓફ ગિર વાંચવી. એક Gir Lion Pride OF Gujarat નામનું 2000 રૂપિયાનું દળદાર પુસ્તક પણ છે. જેમને ગિરની એક યાદી રાખવી હોય. તેમના માટે આ પુસ્તક ખરીદ્યા જેવું છે. ખાસ વિદેશી પ્રવાસીઓ માટે…

વર્ષો પહેલાં ડિસ્કવરી ચેનલે એક ડોક્યુમેન્ટ્રીમાં દર્શાવ્યું હતું. આફ્રિકામાં મવેશીયો જ્યારે સિંહના વારંવાર આક્રમણથી ત્રસ્ત થઈ જાય ત્યારે તેઓ સિંહને મારી નાખવા માટેની યોજના બનાવે. બધા એકઠા થઈ સિંહને ઘેરી લે. તેના પર ભાલાથી વાર કરે. સિંહની ગર્જના જ્યાં સુધી થંભી ન જાય ત્યાં સુધી તેને મારવામાં આવે. બાદમાં વીરતાના પ્રતીક તરીકે સિંહની પૂંછડીને કાપી બાંડો કરી દેવામાં આવે. ત્યાંના મવેશિયો અને ગિરના માલધારીઓમાં કેટલો ફર્ક છે. તેઓ મારે છે અને આ મરી જાય તો પણ સિંહને કશું થવા દેતા નથી. ગિરનાં સિંહનો વધતો આંકડો જોઈ કહી શકાય કે, કેટલીક વસ્તુઓ મહેનતથી નહીં માણસાઈથી મળે છે. સમજણ ચાર દિવાલો વચ્ચેના ક્લાસરૂમમાં તો નથી શિખવાતી. તેના કોઈ મેડિકલ સ્ટોરમાં ઈન્જેક્શન પણ નથી મળતા.

જેમ દક્ષિણ ભારત અને રણથંભોરના જંગલની ઓળખ તેના વાઘના કારણે છે તેમ ગિર સિંહોના કારણે ખ્યાતનામ છે. પણ ત્યાં માત્ર સિંહો જ જોવા જેવી વસ્તુ નથી. કોઈ પણ જંગલ વિસ્તાર તેની બોલીના કારણે મશહૂર બને છે. આ ભાષાને કાગળનાં પાના પર ઉતારવા માટે ધ્રૂવ ભટ્ટે અકૂપારમાં કેટલાક શબ્દો વાપર્યા છે. સાંભળ્યુંની જગ્યાએ સ્હાંભળ્યું. ગિરની જગ્યાએ ગ્યર, આ બાજુ નહીં ઓણીકોર્ય.

આ ભાષા અઘરી છે. કોઈને સોરઠી ભાષા શિખવી હોય તો ડોલરરાય રંગીલદાસ માંકડનું ‘સોરઠી બોલી’ નામનું એક પુસ્તક છે. જેમાં સોરઠી ભાષાનો લહેકો કેવી રીતે કાઢવો, ‘સ’ની અંદર ‘હ’ કેવી રીતે ભળી જાય સહિત કળા અને તેની ઉત્પતિનો ઈતિહાસ લખેલો છે. આહીર કે આયર ? શું સાચું ? આ પુસ્તક દોઢ કલાકનાં ટ્રેન પ્રવાસમાં પૂર્ણ કરી શકો છો. માત્ર 96 પેજનું.

આપણે ત્યાં પ્રવાસ થાય એટલે શિયાળામાં સૌરાષ્ટ્ર તરફ વિદ્યાર્થીઓ આવે. ખાસ જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોને માણનારા લોકોની સંખ્યા વધારે હોય. જૂનાગઢ, ગિર, તુલશીશ્યામ, સોમનાથ…. આવું શા માટે ? ઝવેરચંદ મેઘાણીએ દુહા સાથે સમજાવ્યું છે. ફેબ્રુઆરીનાં ફુલછાબના 23-2-1940નાં લેખમાં તેઓ લખે છે, ‘સોરઠમાં શિયાળે ફળફળાદી નીપજે, સમુદ્રકાંઠો હુંફ આપે અને શરીર તંદુરસ્ત થાય.’

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત

ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.

આ જ દુહો મારવાડમાં બોલાય ત્યારે આ રીતે કહેવાય…

સ્યાલે જ ભલો માલવો, ઉનાળે ગુજરાત

ચોમાસે સોરઠ ભલો, બડવો બારે માસ.

આ દુહામાં ચોમાસે સોરઠ જવાની વાત કરી છે. સોરઠ જંગલપ્રદેશ છે. ત્યાં ચોમાસામાં વરસાદ પડે એટલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે. જોવાની મઝા આવે. ગિર ચોમાસામાં જે રૂપ ધારણ કરે તેવું ગુજરાતમાં તો કોઈ બીજી જમીન નથી જ કરતી.

26મી જાન્યુઆરી 2001માં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે ગિરના વન્ય પ્રાણીઓને તેની એક કલાક પહેલાં ખબર પડી ગઈ હતી. ફોરેસ્ટરો પ્રવાસીઓ આવે તે પહેલા વન્યપ્રાણીઓના વિસ્તારમાં ગયા. આશ્ચર્યની વચ્ચે ત્યાં કોઈ ઉપસ્થિત ન હતું. આ જોઈ ટ્રેકર્સ મુંઝવણમાં મુકાયા. જે દેખાતા હતા તે ખુલ્લા વિસ્તારમાં હતા અથવા તો ઉંચાઈવાળા વિસ્તારોમાં આટા મારતા હતા. પક્ષીઓ કલબલ કરી એકધારા આમથી તેમ ઉડી રહ્યાં હતા. આ સમગ્ર ઘટના જ્વેલ્સ ઓફ ગિર પુસ્તકમાં ડૉ. સંદીપ કુમાર અને મોઈન પઠાણે સરસ રીતે લખી છે.

સિંહ અને ગિર વિશેની વાત કરૂં તો ખુટે નહીં. મને એ વિસ્તાર છોડ્યે તો સતર સતર વર્ષના વહાણ વીતી ચૂક્યા છે. છતાં ગાંડી ગિર શું કામે ? ગિર રહસ્યમય પણ છે. જ્વેલ્સ ઓફ ગિરમાં જ લેખકો લખે છે, ‘‘રાજુને નાક ઉપર નિશાન હતું તેવું જ નિશાન બરાબર તે જ જગ્યાએ બીજા કોઈ નરના નાક પર કેવી રીતે હોઈ શકે ? બીજું રાજુની માફક ચાલીને આ નર દશેક મિનિટ આરામ શું કામ કરતો હશે ? રાજુને પગમાં ઈજા હોવાથી તે થોડું લંગડાઈને ચાલતો હતો, તો આ નર પણ શું કામ આવું કરતો હશે ? આ બધું જવા દો. સિંહના પદચિન્હ પણ ક્યાં હતાં ? અહીં માત્ર હું એક વાત જ કહેવા માંગું છું કે શું તમે ભૂતમાં માનો છો ? ના, તો હવે શરૂ કરી દો…’’

કારણ કે રાજુ નામનો સિંહ તો 8 મહિના પહેલાં મૃત્યુ પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments