Team Chabuk-National Desk: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ફ્રીમાં વેક્સિન આપવાની જાહેરાત કરી છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરીને આ જાહેરાત કરી છે. સાથે જ અરવિંદ કેજરીવાલે વેક્સિનની કિંમતો પર પણ સવાલ ઉઠાવ્યા છે.
દિલ્હીમાં વધી રહેલા કોરોનાના કેસની વચ્ચે આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને કેટલીક મહત્વની વાતો લોકો સમક્ષ રાખી હતી. અરવિંદ કેજરીવાલે સૌથી મહત્વની જાહેરાત કરી હતી કે દિલ્હીમાં તમામ લોકોને ફ્રીમાં વેક્સિન અપાશે. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં જણાવ્યું કે, દેશભરમાં કોરોના વાઇરસનો કહેર છવાયો છે. સૌને લાગી રહ્યું છે કે આ કોરોનાનું એક જ સમાધાન છે અને તે છે વેક્સિન. તેથી દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. અમે કોશિશ કરીશું કે ઝડપથી અને મોટા પ્રમાણમાં લોકોને કઈ રીતે વેક્સિન આપવામાં આવે. આ અંગેનો સમગ્ર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આજે સવારે અમે દિલ્હીમાં 1 કરોડ 34 લાખ વેક્સિનના ડોઝ ખરીદવાની મંજૂરી આપી છે. અમે કોશિશ કરીશું કે ઝડપથી આ વેક્સિન ખરીદવામાં આવે અને લોકોને લગાવવામાં આવે. આ મહામારીમાં વેક્સિન એક સમાધાન તરીકે સામે આવી છે. જે લોકોએ વેક્સિન લીધી છે તેઓને કોરોના નથી થતો અથવા જો થાય છે તો સામાન્ય લક્ષણો હોય છે. વેક્સિન લેનારા લગભગ લોકોને હોસ્પિટલ જવાની જરૂર નથી પડતી અને જો હોસ્પિટલ જવું પડે છે તો તેઓની બીમારી ગંભીર નથી હોતી એવું સામે આવ્યું છે. તેથી જો દરેકને વેક્સિન લાગી જાય તો કોરોના એક સામાન્ય બીમારી બની જશે.
કેજરીવાલે ઇંગ્લેન્ડનું ઉદાહરણ આપતા કહ્યું કે થોડા દિવસો પહેલા ઇંગ્લેન્ડમાં પણ હાલ ભારતમાં પરિસ્થિતિ છે તેવી હતી. ઇંગ્લેન્ડે લોકોને ઝડપથી વેક્સિન આપી તો ત્યાં કોરોનાના કેસ ઓછા થવાનું કારણ સામે આવ્યું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે ઇંગ્લેન્ડમાં ઝડપથી વેક્સિનશન થવાના કારણે કોરોનાની લહેર ધીમી પડી છે.
વેક્સિનની કિંમતો પર ઉઠાવ્યા સવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વેક્સિનની વધારવામાં આવેલી કિંમતો પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કેજરીવાલે કહ્યું કે, વેક્સિનના એક ઉત્પાદકે કહ્યું છે કે તેઓ રાજ્ય સરકારને 400 રૂપિયામાં વેક્સિન આપશે જ્યારે બીજા એક ઉત્પાદકે કહ્યું કે તેઓ રાજ્ય સરકારને 600 રૂપિયામાં વેક્સિન આપશે. બન્ને ઉત્પાદકો કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં વેક્સિન આપશે. મારું માનવું છે કે વેક્સિનની કિંમત એક સમાન હોવી જોઈએ. અલગ અલગ ભાવ ન હોવા જોઈએ.
કેજરીવાલે સીરમ ઇન્સ્ટિટ્યૂટના આદર પુનાવાલા પર નિશાન સાધતા કહ્યું કે, એક વેક્સિન ઉત્પાદક ઇન્ટરવ્યુમાં કહી રહ્યા હતા કે તેઓ કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં વેક્સિન આપે છે તેમ છતાં તેઓને ફાયદો થઈ રહ્યો છે. જો તેઓને 150 રૂપિયામાં પણ ફાયદો થઈ રહ્યો હોય તો 400 રૂપિયા અને 600 રૂપિયામાં તો ઘણો ફાયદો થશે. આ સમય માનવતાને મદદ કરવા માટેનો છે, નફો કમાવવાનો આ સમય નથી. કેન્દ્ર સરકારે ઘણી દવાઓની કિંમત નક્કી કરી છે. અલગ અલગ રાજ્ય સરકારોએ હોસ્પિટલની સારવારની કિંમતો પણ નક્કી કરી છે. એક તરફ દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે હું વેક્સિન ઉત્પાદકોને અપીલ કરું છું કે તેઓ જાતે જ વેક્સિનની કિંમતને 150 રૂપિયા પર લઈ આવશે. નફો કમાવવા માટે આખી જિંદગી પડી છે. કોરોનાની મહામારી ફેલાયેલી છે ત્યારે લોકો પાસેથી નફો કમાવવાનો આ સમય નથી. કેન્દ્ર સરકારને પણ અપીલ કરું છું કે જરૂર પડે તો વેક્સિનની કિંમત ઓછી કરીને નિર્ધારિત કરવામાં આવે.
18 વર્ષથી નીચેનાને પણ વેક્સિન આપવા માગ
અરવિંદ કેજરીવાલે 18 વર્ષથી નીચેની ઉંમરનાને પણ વેક્સિન લગાવવા આવે તેવી માગ કરી છે. કેજરીવાલે કહ્યું કે, દેશમાં 18 વર્ષથી નીચેના અનેક યુવાનો અને બાળકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે, તેમાંથી ઘણા લોકોના મોત પણ થયા છે. તેથી 18 વર્ષથી નીચેનાને પણ વેક્સિન આપવા અંગે વિચારવાનો સમય આવી ગયો છે. જો હાલની વેક્સિન 18 વર્ષથી નીચેના લોકો માટે સુરક્ષિત અને અસરકારક છે તો લગાવવી જોઈએ અથવા જો નવી વેક્સિનની જરૂર હોય તો તેના પર પણ કામ કરવું જોઈએ.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં અમે ઓક્સિજન બેડ વધારવા પર હાલ કામ કરી રહ્યા છીએ. સવારે હું રાધા સ્વામી સત્સંગ વ્યાસ હોલની મુલાકાતે ગયો હતો ત્યાં 500 ઓક્સિજન બેડ શરૂ કરવામાં આવ્યા છે.
Visited the Radha Saomi facility this morning. 500 oxygen beds start today. More beds will be added in the next few days. We will also start 200 ICU beds here. Grateful to Babaji for helping us. Thank you Central govt for providing doctors and medical staff of ITBP. pic.twitter.com/23j4uNewsa
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 26, 2021
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત