Homeગામનાં ચોરેછેલ્લા શ્વાસ સુધી બીજાનું જીવન બચાવવાના પ્રયત્નો કરનાર રોહિત સરદાના હવે નથી...

છેલ્લા શ્વાસ સુધી બીજાનું જીવન બચાવવાના પ્રયત્નો કરનાર રોહિત સરદાના હવે નથી રહ્યા

Team Chabuk-National Desk: નેશનલ મીડિયાનો જાણીતો ચહેરો અને હિન્દી ન્યૂઝ ચેનલના પત્રકાર-એંકર રોહિત સરદાનાનું નિધન થયું છે. આજતક ન્યૂઝ ચેનલના જાણિતા એંકર અને પત્રકાર એવા રોહિત સરદાનાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હોવાની જાણકારી મળી છે. આજે સવારે તેઓને હાર્ટ એટેકે આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રોહિત સરદાના કોરોનાથી સંક્રમિત પણ થયા હતા.

રોહિત સરદાનાના નિધનના સમાચાર સૌપ્રથમ ઝી ન્યૂઝના એડિટર અને રોહિત સરદાનાના સાથી સુધીર ચૌધરીએ આપ્યા હતા. સુધીર ચૌધરીએ ટ્વિટર પર ટ્વિટ કરીને રોહિત સરદાનાના મોતના સમાચાર આપ્યા હતા. સુધીર ચૌધરીએ ટ્વિટર પર લખ્યું કે, ‘થોડા સમય પહેલાં જિતેન્દ્ર શર્માને ફોન આવ્યો. તેણે જે કહ્યું તે સાંભળીને મારા હાથ ધ્રુજવા લાગ્યા. અમારા મિત્ર અને સહયોગી રોહિત સરદાનાના મૃત્યુના સમાચાર હતા. આ વાઇરસ અમારા આટલા નજીકથી કોઈને ઉઠાવીને લઈ જશે તે કલ્પના પણ નહતી. આ માટે હું તૈયાર નહતો. ભગવાને આ ખોટું કર્યું છે. ઓમ શાંતિ.’

મળતી માહિતી પ્રમાણે રોહિત સરદાના કોરોનાથી સંક્રમિત હતા. પરંતુ આજે સવારે તેઓને હાર્ટ એટેક આવતા વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જ્યાં તેઓ જીવન સામેનો જંગ હારી ગયા. 23 એપ્રિલના રોજ ખુદ રોહિત સરદાનાએ ટ્વિટ કરીને કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. રોહિત સરદાનાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા તાવ અને થોડા લક્ષણો દેખાયા બાદ ટેસ્ટ કરાવ્યો. આરટી-પીસીઆર નેગેટિવ આવ્યો છે. પરંતુ સીટીસ્કેનમાં કોવિડ હોવાની પુષ્ટિ થઈ છે. તબીયત પહેલા કરતાં સારી છે. તમે બધા પોતાનું અને પરિવારનું ધ્યાન રાખજો.

કોરોનાની સારવાર લઈ રહ્યા હોવા છતાં પણ રોહિત સરદાના છેલ્લે સુધી લોકોની મદદ માટે સતત પ્રયત્નશીલ હતા. કોરોનાનો શિકાર થયેલા લોકોને સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન, બેડ વગેરેની વ્યવસ્થા માટે સતત તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા અને લોકોને સહયોગ આપવા માટે અપીલ કરી રહ્યા હતા. મૃત્યુના એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે 29 એપ્રિલના રોજ તેઓએ ટ્વિટ કરીને એક 39 વર્ષીય કોરોના દર્દી માટે રેમડેસિવિર ઇન્જેક્શનની મદદ માટે અપીલ કરી હતી. 28 એપ્રિલે રોહિત સરદાનાએ લોકોને પ્લાઝમા ડોનેટ કરવાની પણ અપીલ કરી હતી. આમ રોહિત સરદાના છેલ્લા દિવસ સુધી લોકોને મદદ કરવા માટે કાર્યરત હતા.

રોહિત સરદાનાના નિધનના સમાચાર સાંભળીને મીડિયા જગતમાં શોકનો માહોલ છે. રોહિત સરદાનાને ટીવી પર જોનારા દર્શકોને પણ આંચકો લાગ્યો છે. રોહિત સરદાના નેશનલ મીડિયાનું જાણીતું નામ હતું. તેઓએ વર્ષો સુધી ઝી ન્યૂઝ સાથે જોડાયેલા રહ્યા. ઝી ન્યૂઝમાં તેઓ તાલ ઠોક કે નામનો ડીબેટ શો હોસ્ટ કરતાં હતાં. રોહિત સરદાના 2017માં ઝી ન્યૂઝ છોડીને આજતકમાં જોઈન થયા હતા. આજતકમાં તેઓ દરરોજ સાંજે દંગલ નામનો ડિબેટ શો હોસ્ટ કરતાં હતા. 2018માં રોહિત સરદાનાને ગણેશ વિદ્યાર્થી પુરસ્કાર પણ મળ્યો હતો.

રોહિત સરદાનાના નિધન અંગે દુખ વ્યક્ત કરતાં તેમના સાથી રાજદીપ સરદેસાઈએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘રોહિત અને મારી વચ્ચે રાજકીય મતભેદ હતા. પરંતુ અમે હંમેશા ચર્ચાનો આનંદ માણતા. અમે એક રાત એક શો સાથે કર્યો હતો જે રાત્રે 3 વાગ્યે પૂર્ણ થયો હતો. શો સમાપ્ત થતા રોહિતે મને કહ્યું, ‘બોસ મજા આ ગયા.’ તે એક જનૂની એંકર-પત્રકાર હતો. ઇશ્વર તમારી આત્માને શાંતિ આપે’

અંજના ઓમ કશ્યપે પણ ટ્વિટર પર એક ફોટો મૂકીને ભાવુક પોસ્ટ શેર કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments