ગતાંકમાં આપણે ગોલીબારની પ્રથમ નવલકથા જંતર મંતરના ઉત્પતિ સ્થાન વિશે વાત કરી હતી. એ લેખનાં અંતે ભૂત અને પ્રેત વચ્ચેના તફાવત વિશે જણાવીશું એવું કહ્યું હતું. તો ચાલો એ તરફ જઈએ.
ગોલીબાર આ વિશે કહે છે, ‘‘આ વિષય પર મેં પુષ્કળ સંશોધન કર્યું. મોટાભાગનાં લોકો એવું માને છે કે ભૂત-પ્રેત અને ડાકણ-ચૂડેલ એ બધું એક પ્રકારનું હોતું હશે. પણ, ના, એવું નથી. સુપરનેચરલ પાવરમાં ભૂત પણ જુદું હોય છે અને પ્રેત એટલે પણ એક જુદી દુનિયા હોય છે. ભૂત અને પ્રેત સિવાય આ અગોચર વિશ્વમાં જિન્નાત હોય છે. ખવીસ હોય છે. ડાકણ અને ચુડેલ પણ બે જુદા જુદા જીવ છે. હું આમાંથી કોઈને મળ્યો નથી. મેં જે કંઈ રિસર્ચ કર્યું છે અને વાંચ્યું છે. એના પરથી હું તારણ પર પહોંચ્યો છું. ગુજરાતીઓમાં એવી પણ માન્યતા છે કે પીપળાના ઝાડ પર મામા નામનો આત્મા રહેતો હોય છે. પણ સાચી વાત એ છે કે આ મામા અને ભૂત બંન્ને એક જ છે. એવું કહેવાયું છે કે જો ભૂતને મામાનું સંબોધન કરવામાં આવે તો એ ભાણેજને હેરાન કરવાનું ટાળે છે. એટલે આ લોકવાયકા ઊભી થઈ છે.’’
ગુજરાતી લેખકો હોરર સાહિત્ય નથી લખતા. તેનું કારણ ગુજરાતી સાહિત્યકારો છોકરીને પ્રેમ કરી નવલકથા લખી શકે, ભૂતને પ્રેમ કરીને નહીં. હવે તો ખબર નહીં ક્યાંથી બિલાડીના ટોપલાની જેમ હોરર કથા લખનારાઓનો રાફડો ફાટ્યો છે. તેમને વાંચી હું વધારે ડરી જાઉં છું.
જય વસાવડાના મતે લાઈબ્રેરીમાં સસ્પેન્સ અને રહસ્યકથાઓના પુસ્તકો સૌથી વધારે ફાટેલા હોય. એ રીતે ગોલીબારની નવલકથાઓ પણ અમારી જૂનાગઢની લાઈબ્રેરીમાં જીર્ણ અવસ્થામાં રહેતી. વાચકો ક્રિસમસ પર પૂંઠા ઘરમાં ટીંગાળવા લઈ જાય તે તો બરાબર, પણ કેટલાક ‘પ્રેત-વાચકો’ ગોલીબારની નવલકથાના વચ્ચેનાં પાનાં લઈ જતા. હવે, કોઈ આ નવલકથા લઈ ગયું હોય તો બીજા વાચક માટે સમસ્યા એ થાય, કે વચ્ચેનું મહત્વનું પાનું જ ન હોય, પાછું જબરુ સસ્પેન્સ ત્યાં જ કેદ હોય.
ગુજરાતી વાચકોનો તો તમને ખ્યાલ છે. પ્રાણ જાય પણ પુસ્તક ખરીદ્યો ના જાય. બસ, આ રીતે સસ્પેન્સથી વંચિત રહે, પરંતુ ખરીદીને ન વાચે.
ગોલીબાર ગુજરાતી લોકપ્રિય સાહિત્યનાં એવા નવલકથાકાર પણ છે, જે પોતાની દરેક નવલકથામાં પ્રથમ પાનું એ લખતા કે, ‘હવે મારી આગામી નવલકથા આ છે.’ (આવુ હવે કોઈ કરી શકે ?) ગોલીબારનો એક ઈન્ટરવ્યૂ લઈ તેમની નવલકથા લેખનની સ્પીડ પર એક મસ્ત આર્ટિકલ કરવાની ઈચ્છા થઈ આવી. જેમાં તેમની નવલકથા લખવાની શૈલી અને કયા સમયે લખવા બેસતા અને એકધારા કેટલું લખી શકતા એ હોય.
તો ગોલીબારને સોશિયલ મીડિયા વગર જ ખૂદનું સૌથી વધારે પ્રમોશન કરનારા સાહિત્યકાર ગણી શકો. તેમની નવલકથાની વચ્ચે એવું ચોક્કસ આવે, ‘જ્યારે એક ખૂબસુરત યુવતી ફસાઈ હેવાનની જાળમાં…’ એટલે આપણને વાચક તરીકે મન થાય કે, આ નહીં હવે આ નવલકથા વાંચવાની છે. ઘણા તો હાથમાં રહેલી નવલકથા પૂર્ણ ન કરી હોય અને લાઈબ્રેરીએ જઈ બદલી આવતા. (આ કારસ્તાન મેં પોતે જ કરેલું)
તેમની નવલકથા કામણટુમણ. જેની પ્રસ્તાવનામાં ભોળાભાઈ ગોલીબારે લખ્યું છે, ‘‘મારી શેતાન નામની નવલકથા હતી. અને આ નવલકથાનું મુખપૃષ્ઠ તૈયાર કરવાનું હતું. જેમાં શેતાન નામ બરોબર બંધ બેસી જાય. ઓલરેડી નવલકથા લેટ થઈ ગયેલી. અને પાછા નવભારત સાહિત્ય મંદિરના મહેન્દ્રભાઈ ટાઈમનાં પાક્કા એટલે રાડો નાખે.
તેમના એક માનીતા મિત્રને ત્યાં તેઓ શેતાન ટાઈટલ કઢાવવા માટે ગયા. થોડીવાર થઈ તો પ્રિન્ટર બંધ થઈ ગયું.’’ હવે વાતને ટૂંકાણમાં પતાવું તો ગોલીબાર સાહેબ લગભગ છથી સાત જગ્યાએ ગયા. જે પ્રિન્ટર મશીનો અમદાવાદમાં નવા આવ્યા હતા, તે પણ બંધ થઈ ગયા.
તેમની નવલકથા સાથે થયેલું આ જોગ સંજોગ ગણવું કે શું ? પ્રિન્ટરમાં શિર્ષક શેતાન નાખવામાં આવે ત્યાં ધબાંગ કરતું પ્રિન્ટર બંધ થઈ જાય. પછી તો ત્રણ પાનામાં ગોલીબાર ભાઈએ આ કઠણાઈનું ભરપૂર આલેખન કર્યું છે. એટલે નવલકથા કરતાં તો તેમનાં પુસ્તકો છાપવા માટેનાં કારનામા રસપ્રદ છે.
કોઈ દિવસ ગોલીબારે મસમોટી નવલકથાઓ નથી લખી. વધીને 275માં પાને સમાપ્ત લખેલું આવી જાય. અને તેનો અંત પણ તમને સંતુષ્ટ કરે. જ્યારે અશ્વિની ભટ્ટને વાંચે બધા, પણ સામેના વ્યક્તિને ડર લાગે, ક્યાંક નવલકથા પૂરી થયા પછી વાચકને શૂરાતન ચડી જાય અને તે આશકા માંડલ જોરથી માથામાં મારે તો, કારણ કે નવલકથા કદમાં એટલી મોટી હોય… આ તો મજાકની વાત થઈ, પણ એ સમયના લોકપ્રિય સાહિત્યકારોની તુલનાએ ગોલીબારે ખૂબ નાની નવલકથાઓ આપી છે. લઘુ નવલકથાઓ પણ આપી છે.
આમ જુઓ તો એમની વાંચેલી બધી નવલકથાઓમાં મને થોડી વસ્તુ સામાન્ય લાગી. એક ભૂત છે, તે પોતાના ભૂતકાળનો બદલો લઈ રહ્યું છે, ગત જન્મનો બદલો લઈ રહ્યું છે. તે કમોતે મરીને વર્તમાનમાં ભૂત થયું છે. સામેના ગુનેગારોને અથવા તો ભોળા માણસોને મારવાનું કામ કરે છે. કથામાં અવનવો વળાંક આવે છે, કોઈ ભૂવો કે તાંત્રિક આવે અને પાત્રોને ભૂતથી છૂટકારો અપાવે. બધા ભૂતો કંપારી છોડાવી દે તેવા છે, સિવાય કે તેમની એકમાત્ર નવલકથા જિન્નાતના આરંભમાં.
થોડીક વાતો વર્ણનની. ગોલીબાર સાહેબને લાગ્યું હશે, કે શૃંગારિક વર્ણન કરવું જરૂરી છે. ભૂત સાથે જીવતા મનુષ્યને સૂવડાવે. પછી જે વર્ણન શરૂ થાય, સાચુ કહું એ તો બ્લુ ફિલ્મની પણ ગરજ સારે, પણ એક વાતની સો વીઘે ખોટ. આપણને લાગે કે હમણાં ભૂત સાથે માણસની સુહાગરાત શરૂ થશે. ત્યાં ભૂત જ પેલાને પતાવી નાખે !
મને લાગે છે ગોલીબાર સરસ્વતી પાસેથી વરદાન લઈ આવેલા, ‘જા એવા વિસ્તારમાં તારો જન્મ થશે, જ્યાં તારૂ કામ તારા સિવાય બીજું કોઈ નહીં કરી શકે…’ આજે ગુજરાતીમાં ઓનલાઈન લખવૈયાઓ ભૂતકથાઓ જ લખી રહ્યાં છે. હું આશા રાખું કે આ લેખ વાંચ્યા પછી ગોલીબાર ભાઈ ઈન્ટરનેટ પર એ ભૂતકથાઓ શોધવા નહીં જાય, કારણ કે તેના શિર્ષકો ખૂબ ભયંકર છે કાકા… મારાથી તો ન જીરવાયું તમારાથી પણ નહીં જીરવાય.
(ક્રમશ:)