ગુજરાતી લોકપ્રિય નવલકથા ક્ષેત્રે એચ.એન.ગોલીબાર ઉર્ફ એટમ ગોલીબાર ઉર્ફ ભોળાભાઈ ગોલીબાર જેવા ત્રિવિધ નામ ધરાવતા ગોલીબારજી તેમની ભૂતકથાઓ માટે હંમેશાં ચર્ચાનો વિષય રહ્યા. તેમની લોકપ્રિયતા એવી કે ગોલીબારની કથા, શૈલી, થીમ, વિષય વિશે વાતો ન કરીને લોકો તેમને એ પૂછતા અને આજે પણ પૂછે છે કે, ‘ગોલીબારજી તમે ભૂત જોયું ?’
એક હોરર લેખકને તો તમે કે હું આના સિવાય શું પૂછવાના ? અશ્વિની ભટ્ટે આયનો લખી. જે તેમની જ બીજી દળદાર નવલકથાઓનો મુકાબલો નથી કરી શકતી. આખેટ, ઓથાર સહિતની કથાઓની તુલનાએ તેનું તીર નથી લાગતું.
અંગત રીતે તો મને આયનો ખૂબ ગમે છે. એ પણ છે કે ગોલીબારની નવલકથાઓનાં પાત્રોમાં ઉંડાણપૂર્વકની નિરીક્ષણવૃતિનો અભાવ જોવા મળે છે. આવું કેમ ? આવું એટલા માટે કે પાત્રનું નાક તીરની ધાર જેવું હોવું જોઈએ, ચપટું હોવું જોઈએ, કાન હાથી જેવડા, નાકનાં ફોયણા માખી ઘુસી જાય તેટલા વિશાળ, તગારા જેટલું મોટું કપાળ… આવું બધું આપણે ત્યાં આજની તારીખે લખાય છે. જેથી વાંચકના મગજમાં પાત્રનો શિલાન્યાસ થાય. એ આખુ ઉપસી આવે.
ગોલીબાર કે કનુભગદેવના સમયે એ વાત મહત્વની હતી, પણ એટલીય બધી મહત્વની નહોતી કે નાયિકાના વર્ણનનું જ એક અડધુ પાનું ભરાઈ જાય. આજે નવલકથામાં કોઈ પાત્રનું ડિટેલીંગ ફિલ્મની પટકથા જેટલું મહત્વનું થઈ ગયું છે.
મારી પાસે ગોલીબારની દરેક વાંચેલી નવલકથા છે. નવભારત સાહિત્ય મંદિરે ધક્કા ગોલીબારના કારણે જ થતા. મહેન્દ્ર ભાઈ ઘણા લેખકોની ચોપડીઓ રસથી બતાવી પ્રલોભન આપતા અને હું ગોલીબાર નામ આગળ ધરી દેતો. તે બસ એટલું જ બોલતા, ‘અચ્છા હોરર વાંચો છો.’
ગોલીબાર કચ્છી મેમણ. એમની જ્ઞાતિમાં પૈસાનું વધારે મહત્વ, પણ તેમની બાને અંદરખાને એક ચિંતા કોરી ખાતી હતી. મારાં છોકરા થોડું ભણી લે તો સારું. કઈ માને આવું ન થાય?
ગોલીબારના તોફાન એ વખતે કોઈ લેખક જોત, તો તેમને ભોળાભાઈ જેવું ઉપનામ મળેત પણ નહીં. એ સ્કૂલે ન જવાના નિતનવા પેંતરા અજમાવતા રહેતા હતા. બા વઢ્યા કરતી હતી. કુલ પાંચ ભાંડેળા. બે ભાઈ અને ત્રણ બહેનો. પરિવારમાં સૌથી નાના ગોલીબાર ભાઈ. એટલે બધાનાં લાડકા પણ ખરાં અને હેત પણ બા એટલું જ આપે.
એ આખા દિવસનો પ્રેમ ગોલીબારના સ્કૂલ જવાના ટાણે કરવટ લઈ લેતો. બા ખીજાયા કરતી અને ગોલીબાર શાળાએ ન જવાના ગતકડાં અજમાવ્યા કરતા. બાને અંદરથી એવી ઈચ્છા કે છોકરો મેટ્રીક સુધી ભણી લે. એ સમયે મેટ્રીક એટલે સઘળું આવી જતું. આજે ગોલીબાર જે કંઈ છે એ તેમના બાનાં કારણે જ છે.
ગોલીબારને અમદાવાદ ગમે છે. તેમની ત્રણ પેઢીને અમદાવાદે સાચવ્યું છે. ગોલીબારનાં મતે અમદાવાદ એક મોટું ગામડું પણ છે અને ધબકતું મેટ્રો શહેર પણ છે. જોકે ગોલીબારની ઘણી કથાઓ તો ગુજરાત બહારની છે.
પત્રકારત્વમાં ભણતા ત્યારે એક પણ જાહેરખબર વિના પ્રસિદ્ધ થતા ગોલીબારના ચક્રમ અને સફારી મેગેઝિનની વાતો ખૂબ થતી. પ્રશ્ન કરવામાં આવતો કે જાહેરખબર વિના કોઈ સામાયિક કેવી રીતે ચાલી શકે?
મને ગોલીબારના પુસ્તકોની સૌથી ગમતી વસ્તુ લાગી હોય તો એ તેના મુખપૃષ્ઠો છે. અત્યારની ઘણી ચોપડીઓના પૂંઠા જોઈએ તો લેખક સારો હોય છતાં મોં કડવું થઈ જાય. તેની જગ્યાએ ગોલીબારની ચોપડીઓમાં ભૂત મુખપૃષ્ઠ પર ઉપસતું દેખાય છે. ડરાવતું દેખાય છે.
હંમેશાં હોરર નવલકથા લખતા પહેલાં તેનું ભૂત તમારા મગજમાં કંડારેલું હોવું જોઈએ. જો તમારા મગજમાં ભૂત નથી તો તમે લખી નહીં શકો. જો ભૂત મુખપૃષ્ઠ પર ડરાવતું નથી તો વાંચક પણ ડરશે નહીં. ચૂડેલ, જીન્નાત, જીન, ખવીસ, ડાકણ, અઘોરી આ સિવાયની તમારા મગજમાં કલ્પના ઠાંસી ઠાંસીને ભરેલી હોવી જોઈએ. સ્ટિફન કિંગ પણ ભૂત પ્રથમ દોરે છે. લખે છે પછી.
તો ગોલીબારે ભૂત જોયું છે? મિડ-ડે અખબાર માટે લખેલા લેખમાં તેઓ આ વિશેના રહસ્યને ઉજાગર કરતાં કહે છે કે, ‘‘આ એક સવાલ મને હજ્જારો વખત પૂછાઈ ચૂક્યો છે. અને દરકે વખતે મેં જવાબ આપ્યો છે કે દિલથી વિચારો તો હા ભૂત હોય છે અને જો મનથી અને બુદ્ધીથી વિચારો તો ભૂત જેવું કંઈ ન હોય.’’
ગોલીબાર જંતર મંતર નવલકથામાં લખે છે, ‘એ વખતે ડાકુની નવલકથાઓ ખૂબ ચાલતી હતી. લગભગ દરેક ઠેકાણે દરેક મેગેઝિનમાં ડાકુઓનો પવન ફૂંકાયો હતો. ડાકુઓએ સાહિત્ય ઉપર ધાડ પાડી પોતાનો સિક્કો જમાવી દીધો હતો. મેં પણ ડાકુ વિષય પર બે-ચાર નવલકથા લખી હતી. જે ચક્રમમાં હપ્તે હપ્તે છપાઈ અને ખૂબ જ સફળ થઈ હતી. પરંતુ એકના એક વિષય ઉપર નવલકથા લખીને કંટાળો આવતો હતો. એમાં કંઈક નવીનતા કે અલગતા લાવવાની તક નહોતી મળી. નવો વિષય મળતો નહોતો. વાચકોને ગમે તેવો. ધંધાદારી રીતે ટિકિટબારી પર હિટ જાય તેવો. એટલે કે સરક્યુલેશનમાં વધારો થાય તેવો હોય.’
1975નો એ સમય હતો. કટોકટીનો વખત જ ગણો. ગોલીબાર તેમના ભાઈઓ સાથે બહેનને સાસરે મળવા માટે જતા હતા. સાસરું હતું સિદ્ધપુરનું પાટણ. પાટણની બાજુમાં ઉંઝા અને ઉઁઝાની બાજુમાં નાનું એવું ઉનાવા ગામ. ગામ આખામાં એવી વાયકા ફેલાયેલી કે અહીં આવેલી મીર સૈયદ અલી દાતારની મસ્જિદના કારણે જ ગામ ટકેલું છે.
આવી અખૂટ શ્રદ્ધાના કારણે ગોલીબાર ભાઈને પણ એ મસ્જિદની મુલાકાત લેવાનું મન થઈ આવ્યું. ત્યાં જઈ એ જુએ છે તો એક 18 વર્ષની છોકરી ઠેકડા મારી રહી છે. ધૂણી રહી છે. તેનાથી આસપાસના લોકો પણ ચિંતિત છે. ગોલીબારનાં આશ્ચર્યમાં વૃદ્ધી એટલા માટે થઈ કે તે ઉર્દુ બોલી રહી હતી. શુદ્ધ ઉર્દુ જેને ગોલીબાર નફીસ ઉર્દુ કહે છે.
ગોલીબારને છોકરીમાં રસ પડ્યો. છોકરી કરતાં આ આખી ઘટનામાં રસ પડ્યો. થોડી ક્ષણોમાં જ છોકરી સ્વસ્થ થઈ ગઈ. ડોહળાયેલું પાણી શાંત થઈ ગયું હોય તેવું લાગ્યું એટલામાં પેલી છોકરી ફરી રાડો પાડવા લાગી. આ વખતે તે બ્રિટીશ એસેન્ટમાં અંગ્રેજી બોલી રહી હતી.
ગોલીબારે આ છોકરીની પડખે જઈ તેને ઉર્દુ પૂછ્યું, તો હમણાં જે ઉર્દુ બોલતી હતી તે જ છોકરીને ઉર્દુની કોઈ જાતની ખબર નહોતી. હવે તેના માટે ભાષા એટલે અંગ્રેજી જ થઈ ગયું હતું. અને આ ફેરફાર માત્ર દસ મિનિટમાં જ થયો.
ગોલીબાર તો પછી આખો દિવસ ત્યાં થોડાં રોકાય. એ તો પાછા ચાલ્યા ગયા. પણ મગજમાં ઘર કરી ગયેલી પેલી ઘટના કોઈ કાળે નીકળી નહોતી રહી. ગોલીબાર ફરી ઉનાવા ગામે ગયા અને છોકરીનાં પરિવાર સાથે મુલાકાત કરી. થોડા દિવસ ત્યાં રહ્યાં પણ ખરાં. હવે પેલા પરિવારજનોને એવું લાગે કે બિચારા આ ભાઈના ઘરમાં પણ આવું કંઈ થયું હશે.
ઘરેથી નીકળી ગોલીબાર મૌલવી પાસે ગયા અને ત્યાંથી પણ સમગ્ર ઘટના જાણી. પછી લખી. જે લખ્યું તે ગોલીબારની પ્રથમ હોરર નવલકથા જંતર-મંતર.
રાજકોટના સદર બજારથી મેં આ નવલકથા ખરીદી હતી. આખી રાત વાંચી હતી. એકી બેઠકે. મને યાદ છે હું એ રાતે જમવા પણ નહોતો ગયો. નવલકથાનું પ્રથમ પ્રકરણ સાંભળ્યા બાદ ગિરનાર હોસ્ટેલના ઘણા મિત્રો એ નવલકથા ઉધાર વાંચવા લઈ ગયેલા. પણ એ પુસ્તકની કોઈ ઉઠાંતરી ન કરી જાય તેનું મેં ખાસ ધ્યાન રાખ્યું. એ જર્જરીત પુસ્તક મારા દિલની નજીક છે અને રહેવાનું.
(ક્રમશ:)