લાંબા દાંત, લાંબા નખ, કાળા કલરનો કોટ, ઝીણી પણ ડરાવતી આંખો અને રાત થતા પાદરીઓનાં ક્રોસથી બચીને યુવતીઓના ગળામાં દાંત ભોકવતો રાક્ષસ એટલે ડ્રેક્યુલા. ડ્રેક્યુલા એટલો લોકપ્રિય થયો કે, હોલિવુડમાં તેની ઉપર 200 ફિલ્મો બની. બોલિવુડમાં રામસે બ્રધર્સે તેને જીવતો કર્યો એ પછી તે મર્યો જ નહીં.
ભૂતોની ફિલ્મો ભૂતની માફક બનાવતા વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે, ‘1921 મેં બનાવેલી તેના પછીના ભાગ ફ્લોપ ગયા, કારણ કે મેં નહોતા બનાવ્યા…’ આટલો ઓવર કોન્ફિડન્સ હતો તેમને! વિક્રમ ભટ્ટે વધુમાં કહ્યું, ‘અંગ્રેજી ફિલ્મોમાં ભૂતોને ભગાવવા પાદરીઓ આવે છે, હું હનુમાન ચાલીસાનો ઉપયોગ કરૂ છું, તો લોકો મજાક ઉડાવે છે. ત્યાં ક્રોસનો ઉપયોગ કરવામાં આવે છે, તો હું માળાનો ઉપયોગ કરૂ છું, પેલુ તેમનું ભૂત છે, આ આપણું ઘરનું ભૂત છે, એટલે આપણા ભૂતમાં કંઈક આપણું પણ હોવું જોઈએ ને ? એ રીતે હું ભૂતને ભારતીય ભૂત બનાવું છું, ભલે તે ઈંગ્લેન્ડમાં રહેતું હોય, પણ તેની આત્મા તો કોઈ ભારતીયના શરીરમાં જ વસવાટ કરતી હોય છે, ઉપરથી ભારતીય આર્ટિસ્ટો તેમાં કામ કરતાં હોય છે. વિદેશની ઓડિયન્સને કંઈક નવું જોવા મળે.’
તો હવે વાતો માંડીએ એચ.એન.ગોલીબારના કલાત્મક એવા ભૂતોની. કલાત્મક એટલા માટે કે તે માણસના પરિવેશમાં આવશે કે ભૂતના વેશમાં તે વાંચતા સમયે ખબર નથી રહેતી. તે જમીનની છ ફૂટ નીચેથી પણ જીવતો થાય અને કોઈ યુવક પરણે તો તે યુવતીની અંદર પણ ધબકતો હોય. મોટો સાપ પણ હોય અને વરૂ પણ હોય.
એચ.એન ગોલીબારે મસ્તમજાના ભૂતો બનાવ્યા છે. તેમની ડંખ નવલકથામાં એક છોકરી સાથે છોકરો લગ્ન કરી લે છે. તેનો મિત્ર તેને ના પાડતો હોય છે, કે આ ધંધો ન કરતો, અન્યથા તારે પસ્તાવાનો વારો આવશે, કારણ કે ઓલરેડી તેના બે હસબન્ડ પરલોક પહોંચી ચૂક્યા છે. પણ આપણો નાયક માનતો નથી. રાજ્ય બહાર પોતાનું કામ પતાવીને તેનો મિત્ર પરત આવે છે. ત્યાં સુધીમાં તેને માહિતી મળે છે કે મિત્ર પરણી ચૂક્યો છે.
સુહાગરાતનાં બીજા દિવસથી ઘરમાં ભૂત ભૂલૈયા શરૂ થાય છે. છોકરીના ગળામાં એક સાપનું લોકેટ હોય છે, જે તેની માતાએ તેને આપ્યું હોય છે. ઘરમાં એક મૂર્તિ હોય છે, જે અજગરને ગળે વીંટાળી એક છોકરી અલ્લડ બની બેઠી હોય છે. રાત થતાં પેલો અજગર છોકરીના શરીરમાંથી નીકળી એક રૂમમાં ચાલ્યો જાય છે.
યુવકની પત્ની સાથે રોમાન્સ કરતો હોય છે. નાયક દરવાજાના તીણા કાણામાંથી આ દ્રશ્ય જુએ છે. ગોલીબારના નાયકની આંખો વિસ્ફારિત થઈ જાય છે. બારણું ખોલી નાયક પ્રવેશ કરે છે, તો અંદર કોઈ નથી હોતું. મિત્રની વાત સાચી હતી, તેના ભણકારા વાગતા મિત્રને વાત કહે છે અને પછી નવલકથામાં સાપ, રીંછથી લઈને એક પૂરાની હવેલી અને એચ.એન.ગોલીબારના ઓલટાઈમ ફેવરિટ સાધુ બાબાઓ પણ આવી પહોંચે છે.
નવલકથા જંતર-મંતરમાં એક છોકરીને ફુલ દેખાય છે. એક દિવસ એ ફુલને ઘરે લઈ જાય છે. તેની સુગંધથી એક ભૂત જીવતુ થાય છે. જે પેલી છોકરીના શરીર પર કાબુ મેળવી લે છે.
ગોલીબારની નવલકથા ખેલ ખતરનાકના શિર્ષકની માફક જાદુ-ટોના શરૂ થાય છે. અને અભિભૂત કરી દેતા મસ્તમજાના વર્ણનો પણ ! એમની નવલકથાઓનું પગેરું શોધશો તો પાકિસ્તાન સુધી નીકળે છે.
પાકિસ્તાનના કરાંચી શહેરમાંથી પ્રગટ થતાં ‘મિલ્લત’ દૈનિકમાં પણ જંતરમંતર હપ્તે હપ્તે પ્રગટ થઈ હતી. એ પછી ત્યાંના જ એક ઉર્દુ સામાયિકમાં જંતર મંતરનું ભાષાંતર થયેલું હતું. એ વખતે મહારાષ્ટ્રમાં ‘આપલં મહાનગર’ નામનું દૈનિક આવતું હતું. 1994માં જંતર મંતર એ સમાયિકમાં પણ ‘એક ભૂત દો લડકિયાં’નામે પ્રગટ થઈ હતી.
છાયા પડછાયાના ભૂતમાં કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટોની થોડી ઝલક દેખાય. નાના છોકરામાં રહેલું ભૂત તેના ગયા જન્મનો બદલો લેવા તલપાપડ હોય. જેની કુખે જન્મ્યું તેની મદદ લઈને તે આ બધાનો કાળ બની કોળીયો કરી નાખે. ચક્રમ સાપ્તાહિકમાં તારીખ 1-4-1981થી 24-6-81 સુધી હપતે હપતે છાયા પડછાયા છપાઈ હતી.
જિન્નાતમાં એક સારા ભૂતની વાત છે. તેનો એક હોરર કિસ્સો ટાંકુ તો… નાયકને ભૂત મુંબઈની એક બિલ્ડીંગમાં બોલાવે છે. નાયક જાય છે, જ્યાં અગાઉ તેને જણાવ્યા મુજબ તેની તમામ સમસ્યાનું સમાધાન પડેલું છે. એ લીફ્ટમાં જાય છે. લીફ્ટનો દરવાજો જ્યાં ખુલે છે ત્યાં આકાશ આવી જાય છે. કોઈ ધાબુ નથી, કોઈ મકાન નથી. ડરનો માર્યો ફરી તે લીફ્ટની મદદથી નીચે ઉતરી સિક્યુરિટીને કહે છે, ‘આ રૂમ ઉપર… ઉપર… છે જ નહીં.’ સિક્યોરિટી કહે છે, ‘આ બિલ્ડીંગ આટલા માળની છે જ નહીં !!!’
ઘોર-અઘોરીમાં અઘોરીની વાર્તા, ભૂતપલીતનો ખતરનાક ભૂત, કે મલિન મંતરનું ડરાવતુ પોસ્ટર હોરરમાં આવી નૂતન વિભાવનાઓ ગોલીબાર લાવ્યા. જેમાં ક્યાંય ડ્રેક્યુલાની દૂર સુદુર સુધી છાપ જોવા નથી મળતી. બાકી મોટાભાગની નવલકથા ત્યાં સુધી કે હિન્દીનાં લુગદી સાહિત્યના ભૂતોમાં પણ ડ્રેક્યુલા ઉપસતો દેખાયા કરે છે.
મલિન મંતર નવલકથામાં એક ડોશી છે. જે છોકરાઓને રમકડાં આપી લુભાવી લે છે. છોકરાઓ તેને ત્યાં જાય છે અને પછી પાછા આવતા જ નથી. ડોસી ગમે તેનું રૂપ લઈ શકે. રૂપ બદલી તે છોકરાઓને બોલાવે. ઘર હોય સુંદર. છોકરાઓ તો ત્યાં પડેલા રમકડાં જોઈ મોઢું ફાડી હસવા માંડે અને પછી જેટલો સમય મળે ત્યાં રમવામાં કાઢે. બાળકોને તો ખબર જ ન હોય કે આ તેના છેલ્લા છેલ્લી ના દિવસો છે. આ નવલકથાનો બીજો ભાગ એ રીતે પણ લખી શકાય કે આ ડોસી આવી કઈ જગ્યાએથી? તેની ઉત્પતિ ક્યાંથી. યુરોપમાં આવું લખવાનું ચલણ છે.
ઘોર અઘોરીમાં ભૂલથી એક કબર ખૂલી જાય છે અને વર્ષોથી ઉંઘતો અઘોરી બહાર આવે છે. હવે આ અઘોરી છે કોણ અને એનો ભૂતકાળ શું છે ? તેની એક લાંબી બેકસ્ટોરી આવે છે. નવલકથાની એ બેકસ્ટોરી ખૂબ સરસ રીતે કહેવાય છે.
મુકુલ શર્માની મોબિયસ ટ્રીપ્સ એટલે કે એક થી ડાયન અને ગોલીબારની નવલકથા જિન્નાત વચ્ચે એક સમાનતા છે. ગોલીબારની નવલકથામાં લીફ્ટ ઉપર જતી હતી અહીં લીફ્ટ પાતાળમાં ચાલી જાય છે.
અશ્વિની ભટ્ટની આયનોનું ભૂત એટલુ ડરાવતું નહોતુ. એમાં જે રહસ્ય કડીઓ રચવામાં આવેલી તે કાબિલેદાદ હતી. પોતાના ખોવાયેલા મિત્રની શોધ. ક્લાસમાં ભણતી એક છોકરી જેને બંન્ને મિત્રો ચાહે છે, પણ એક મિત્ર વાયદો કરે છે કે, ‘કેતન, તારી આ થઈ તો હું આનાથી પણ સારી છોકરી લાવીશ.’ અને છોકરી તેને પેંઈન્ટિંગમાં મળી જાય છે. જેનું નામ કેસર બા… આ નવલકથા મેં 11થી 12 લોકોને ભેટ ધરેલી છે. તો પણ લોકોને મારી ચોપડીઓ ચોરતા શરમ નથી આવતી !
ગોલીબાર પોતાની તમામ નવલકથાઓમાં લખે છે. અગાઉ આપણે વાત પણ કરી ચૂક્યા છીએ, ‘જેમને ભૂત પર વિશ્વાસ છે, તેમને મારે કશું કહેવાનું રહેતુ નથી…’
વિક્રમ ભટ્ટે કહ્યું તેમ પોતાના ભૂતો રહ્યાં. ઘરના ભૂતો. જે ગોલીબારની નવલકથામાં ધુણતા હોય, પછડાતા હોય. હવે તો ભૂતની એકધારી નવલકથાઓ લખાવા માંડી છે. જે અફસોસની વાત છે. ગુણવત્તાયુક્ત માલ મળતો નથી.
(ગોલીબાર ત્રયી પૂર્ણ)