મયૂર ખાવડુ: તમને ખ્યાલ નથી હોતો કે ચૂંટણી ઢંઢેરો કરીને તમને કેટલાક લોકો શિયાળામાં ચોમાસુ બતાવીને ચાલ્યા જાય છે. દિવસને રાત કહી ચાલ્યા જાય છે. આ તો કબૂતર નહીં હાથી છે એવું સમજાવી ચાલ્યા જાય છે. આ કેટલાક લોકોમાં કોણ કોણ આવે એનો મારે ઘટસ્ફોટ કરવાની જરૂર નથી.
રાજસ્થાનમાં ગયેલો ત્યારે ત્યાં લગ્નનો ખૂલ્લેઆમ ઢંઢેરો થતો મેં નિહાળ્યો છે. દિવાલ પર કંકોત્રી લખી નાખે અને પછી જેટલા વાંચે અને જાનમાં આવવાનું મન થાય, કે લગ્નમાં તેને બંન્ને પક્ષ તરફથી ખુલ્લ્મ ખુલ્લા આમંત્રણ. આમ કહો તો સાવ ઘરની જ જાન. પણ ગાઈડે મને કહ્યું કે, ‘માંડ પાંત્રીસેક લોકો આવે.’
જો આપણા ગુજરાતમાં આવું કરો તો આખું ગુજરાત ત્યાં લગ્નમાં જ જોવા મળે.
‘પ્રજાની સુખાકારી માટે અને પોતાના હિત માટે આપવામાં આવેલા કેટલાક એવા વચનો જે કોઈ દિવસ પૂરા ન થવાના હોય, પણ જનતાને એવું કહેવામાં આવે કે એ તો પૂરા થઈ જ ગયાં છે તેને ચૂંટણી ઢંઢેરો કહેવામાં આવે છે.’ અમેરિકા સુધી ચૂંટણી ઢંઢેરાની આ સર્વસામાન્ય વ્યાખ્યા છે. જીતી ગયા પછી તારે કેટલા અને મારે કેટલા? ગુજરાતમાં જેટલા કુકરની સીસોટીવાળા પક્ષો ઊભા છે, તેમની પાસે કંઈ નહીં હોય તોપણ ચૂંટણીનો ઢંઢેરો કરશે. તમિલનાડુની 2021ની ચૂંટણીમાં એક અપક્ષ નેતાએ લોકોને ચંદ્ર અને મંગળ પર લઈ જવાની વાત પોતાના ચૂંટણી ઢંઢેરામાં કરી હતી. અને સમજાવ્યું હતું કે તમે કેટલા મૂર્ખા છો! માની લો કે એક નિષ્ફળ રાજકારણી તરીકે હું ઉભો રહું તો મારો ચૂંટણી ઢંઢેરો કેવો હોય ?
1.કવિઓ માટે એક બિલ્ડીંગ
મોટાભાગના કવિઓ ક્યાં ભેગા થાય છે ? મુશાયરામાં ? બીજે ક્યાં? કોઈ સાહિત્યિક મેળાવળામાં અથવા તો કોઈ મિત્રની પત્ની ઘરે ન હોય ત્યારે અચાનક બોલાવી લીધો હોય તો ત્યાં ભેગા થાય! હું મારા ઢંઢેરામાં એવી જાહેરાત કરું છું કે અમારી પાર્ટીને તમે મત આપ્યા તો કવિઓને થેલા લઈ જ્યાં ત્યાં રખડવા નહીં દઈએ. દરેક જિલ્લામાં એક કવિ એપિસેન્ટર બનાવીશું. એ વિસ્તારમાં કોઈ કવિની ખરાબ કવિતાનાં કારણે જો ભૂકંપ આવે તો કવિઓને દોષ આપવામાં નહીં આવે. આપણે સીધો કેસ શેષ નાગ પર ચલાવીશું.
કવિઓને રહેવા, ખાવા, પીવાની પણ પાંચ રૂપિયે સુવિધા કરી આપીશું. સાથે જ 400 રૂપિયાવાળો સાઈડ બેગ થેલો, બે સફેદ કપડાંની જોડી અને એક નોટબુક આપવામાં આવશે. તમારા વાળ અને દાઢી વિરૂદ્ધ કોઈ કંઈ પણ કહે તો એ દેશદ્રોહનાં કાયદામાં લેખાશે.
પરિણામ: આ કારણે ભાવનગર અને જૂનાગઢ બાજુનાં તમામ મતો અંકે થઈ જાય.
નોંધ: આમાં કોઈ નવલકથાકાર કે કટાર લેખકોએ પ્રવેશવું નહીં. આ તેમની અંગત જગ્યા છે.
2.યુવા લેખકો માટે પ્રકાશનની વ્યવસ્થા
હું ચિંતાગ્રસ્ત છું કે દુનિયામાં જેટલા ઝાડ કપાય છે, ગુજરાતમાં યુવા સાહિત્યકારોના એટલા પુસ્તકો નથી છપાતા. યુવા સાહિત્યકારોએ લખેલું એમનું એમ ફોગટ ન જાય આ માટે ખાસ પ્રકાશનની વ્યવસ્થા કરીશું. બસ તેમણે કવરપેજ અને પાનાં અમને આપવાના રહેશે બાકી પ્રિન્ટિંગ અને ટાઈપીંગની વ્યવસ્થા અમારી સરકાર કરશે. ખરાબ લખેલું હોય અને કોઈ વિવેચક તેની ટીકા કરે તે માટે અમારી સરકાર એક કાયદો લાવશે. જેથી જેને જેટલું ભંગાર લખવું હોય લખી શકે.
પરિણામ: ગુજરાતમાં મોટાભાગના યુવાનો વસવાટ કરે છે અને તેમને બધાને સાહિત્યકાર જ બનવું છે. ફેસબુક આવ્યા પછી તો ખાસ! કારણ કે એન્જિનિયરીંગ કરતા અત્યારે કવિને વધારે રૂપિયા મળે છે. એટલે તમામ મત આપણા ખાતામાં.
નોંધ : 40 વર્ષથી ઉપરની ઉંમરના લોકોએ પોતાને ‘યુવા’ ન ગણવા.
3.નવલકથાકાર માટે ખાસ સંશાધનો
નવલકથાકાર હવે સત્ય અને હકીકતોને પાના પર ઉતારતો થયો છે. ભલે તે દક્ષિણની ફિલ્મોમાંથી પ્લોટ ઉઠાવતો હોય અને લખતો હોય. એનાં પર ગુસ્સે થવાનો આપણને અધિકાર નથી. એ ગમે તે ભોગે ગુજરાતી સાહિત્યની સેવા જ કરી રહ્યો છે. આવા નવલકથાકારો માટે રાજસ્થાન પ્રવાસની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. રાજસ્થાન પ્રવાસ માટે પાણીની બોટલ ફ્રીમાં. ભારતભરનાં કિલ્લાઓની મુલાકાત મફતમાં. એક લેપટોપ અને સાથે જ મોટો ચોપડો. અશ્વિની ભટ્ટ જેવું લખવા પર વિવેચકો અને અશ્વિની મિત્રો દ્વારા જે ટીકા થાય છે, તેનાં પર અમારી સરકાર કાયદો ઘડશે, જેથી અશ્વિની ભટ્ટને તમે કોપી કર્યા છે, તેવું કોઈ કહી નહીં શકે. આ કારણે સમાજમાં તમારો લોકપ્રિય સાહિત્યકાર તરીકેનો મોભો-આબરૂ-માળીયા-નળિયા તમારે જે જળવાવું હોય એટલું જળવાશે.
પરિણામ: નવલકથાકારોની લુપ્ત થતી જઈ રહેલી જાતિના તમામ મતો આપણા. ખાસ સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં સ્થાયી થયેલા લેખકોનાં.
નોંધ : રાજસ્થાન એકલાએ જ જવાનું રહેશે. સહ પરિવારને સાથે લઇ જવું હોય તો તેનો ખર્ચ ખૂદ લેખકને ભોગવવાનો વારો આવશે.
નોંધ: રાજસ્થાન પ્રવાસ ખેડવા માટે રાજસ્થાનમાં પણ અમારી સરકાર હોવી જરૂરી. આ માટે અમે અત્યારથી જ ત્યાંના ટુરિઝમ પર ધ્યાન આપી રહ્યાં છીએ અને ભોમિયાઓ સાથે પણ ‘ઢંઢેરા’ જેવી સાંઠગાંઠ કરી રહ્યા છીએ.
4.વિવેચકો
વિવેચકો હવે રહ્યા નથી પણ પ્રશંસકોનો દબદબો વધી રહ્યો છે. એટલે વિવેચન સૃષ્ટીમાં ફરી આવવા માગતા કેટલાક વિચરતી કક્ષાના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોને કોઈ પણ કૃતિ વખોડવાનો પૂરતો અધિકાર. કેવો અધિકાર ?
મુગલે-આઝમના લેખક કે.આસિફ એકવાર મન્ટો પાસે ગયેલા. તેમણે બીજાએ લખેલી ફિલ્મની વાર્તા તેમને બતાવી અને કહ્યું, ‘આ વાર્તા સાંભળો અને તેની ગુણવlત્તા જણાવો કે, ફિલ્મ બનાવવાનો ધંધો કરાય કે નહીં ?’
મન્ટોએ દારૂનો ઘૂંટ પી કહ્યું, ‘તમને ખબર છે, હું વાર્તા સાંભળવાના રૂપિયા લઉં છું.’
કે.આસિફ પટકથા લઈ ભાગતાં થયાં. મન્ટોએ રોક્યા કે, ‘હું મજાક કરૂ છું.’ પણ કે.આસિફ તો ગરમ મિજાજના.
બીજા દિવસે પાછા આવ્યા અને કવર હાથમાં આપ્યું. મન્ટોએ કવર ખોલ્યું તો તેમાં પાનસો રૂપિયા હતા. તે સમયે મન્ટોને માંડ 16-17 મળતાં એમાં 500 મળી ગયાં. બોલવા જતાં હતાં ત્યાં કે.આસિફે તેમને કહ્યું, ‘આ રૂપિયા મારા નથી કે, મેં ઉધારીનાં પણ કર્યા નથી, પ્રોડ્યુસરના છે, હવે આ વાર્તા સાંભળો અને કહો ફિલ્લમ બનાવાઈ કે નહીં?’
આખી વાર્તા પૂરી થઈ એટલે મન્ટો બક્યા, ‘બકવાસ છે !’ કે.આસિફ જડ થઈ ગયા. થોડીવાર પછી તેમના શરીરમાં ચેતના આવતા તે કશું બોલવા માગતાં હતાં, પણ મન્ટોએ કહી દીધું, ‘મારા ટાંટીયામાં પથ્થર રાખી તેના પર હથોડો જોરથી ફટકારશો તોપણ હું કહીશ બકવાસ છે.’
કે. આસિફે જવાબમાં એટલું જ કહ્યું, ‘વાહ… હવે હું ફિલ્મ નહીં બનાવું, બાકી ફ્લોપ પણ જાત અને પૈસા પણ ડુબી જાત… આપની મહેરબાની.’ મન્ટો 500 રૂપેડીની દારૂની બાટલી લેવા ઉપડી ગયા.
એટલે આવા પ્રકારના વિવેચનની છૂટછાટ આપવામાં આવશે. ખાલી ફિલ્મોનાં રિવ્યૂની માફક તમે કોઈ પણ કૃતિ બરાબર નથી આવું તલવારની અણીએ નથી કહેવાનું મોંથી એને હાથથી લખીને કહેવાનું છે.
પરિણામ : વિવેચકો મિત્રો પર પ્રહાર નથી કરી શકતા. અમારી સરકાર આવવાથી વિવેચનમાં પ્રશસ્તિ દૂર થઇ જશે અને માત્ર યોગ્ય વિવેચનને સ્થાન રહેશે. જો તમારો લેખક મિત્ર ઊંધો ચત્તો થાય તો એને અમે જોઈ લઈશું.
નોંધ: સાચેક કોઈ તમારા ટાંટિયામાં હથોડો મારે તો અમારી સરકારની જવાબદારી નહીં.
5.હાઈકુ
હાઈકુ આમ તો માંડ પંદર-વીસ જણા ગુજરાતમાં લખતા હોવા જોઈએ, તોપણ એ સાહિત્યકારોનાં મત મારે માટે મહત્વ ધરાવતા હોવાથી હું હાઈકુના શબ્દોની મર્યાદા વધારી દઈશ. બાય ધ વે…. વિનોદભાઈ આ હાઈકુમાં શબ્દો કેટલા આવે?
પરિણામ: હાઈકુના પણ મત આપણા.
નોંધ: હાઇકુના શબ્દો અમે વધારીશું પણ નવું બંધારણ જનતાએ ઘડવું પડશે.
6.આત્મકથા માટે ખાસ જોગવાઈ
ચંદ્રકાંત બક્ષી એવું કહી ગયા છે કે ગુજરાતીમાં એક જ આત્મકથા લખાય છે અને તે છે બક્ષીનામા. ત્યારથી ગાંધીજીની ગુજરાતીમાં લખાયેલી સત્યના પ્રયોગો ગુજરાતી ભાષાની આત્મકથા છે કે નહીં, તે પ્રશ્ન માનસપટ પર વારેવારે ઉદ્દભવ્યાં કરે છે. તો પીડા અને વેદનાથી સભર આત્મકથા લખવા ઈચ્છુંક તમામ સાહિત્યકારોને જેલવાસની ખાસ જોગવાઈ. જેલના અનુભવોથી આત્મકથા રસપ્રચૂર બનશે. ઉપરથી કોઈ પણ નબળી કૃતિ પર કેસ કરવાની જવાબદારી અમારી. કારણ કે અમે બક્ષીનો ઈજારો તોડવા માગીએ છીએ! આપ જો ઈચ્છતા હો તો રિમાન્ડરૂમની પણ અમે વ્યવસ્થા કરી આપીશું, જ્યાં લેખકની સાગમટે ધોલાઈ થશે. પરિણામે આત્મકથા લખવામાં અનુભૂતિની કોઈ કચાશ ન રહે.
નોંધ-1: આત્મકથામાં એટલું પણ ખુલ્લું ન પડી જવું કે, હાસ્યલેખકોનો ધંધો ભાંગી જાય અને અમારી જગ્યાએ લોકો તમને વાંચવામાં તલ્લીન થઈ જાય.
નોંધ-2: ઉપરનાં જેટલા સાહિત્યકારોને આત્મકથા લખવી હોય તે જેલ માટે રજીસ્ટ્રેશન અત્યારથી કરાવે અને પોતાની કૃતિ પર કેસ કરવો હોય તો અમારા વકીલને મળી લે. જેથી સરકાર બનતા તાત્કાલિક કામને પ્રગતિ પર લાવવામાં આવે.
નોંધ-3: રજીસ્ટ્રેશન અને વકીલની ફી 500 રૂપિયા છે!
પરિણામ: ચૂંટણી હારી ગયા…

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત