Homeસાહિત્યશિકારકથા: નરભક્ષી દીપડાનો શિકાર

શિકારકથા: નરભક્ષી દીપડાનો શિકાર

શિકારકથા-નરભક્ષી દીપડાનો શિકાર

લેખકો : મયૂર ખાવડુ-પરમ દેસાઈ

સાંજનું ટાણું હતું. ક્યાંકથી મોરલાનો ટેહૂક… ટેહૂક… ટહૂકવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ઢળતા સૂરજના કારણે આકાશમાં જે ચિત્ર સર્જાયું હતું, એ પ્રકૃતિના ચિત્રકારની દુર્લભ કારીગરીનો ઉત્તમ નમૂનો દર્શાવતું હતું. પવનને કારણે પાંદડાંઓનો એકબીજાની સાથે ઘસાઈને થતો અવાજ કોઈ દબાયેલા પગે ચાલીને આવતા જનાવર જેવો લાગતો હતો. જંગલના ઝાડવાં સૂરજદાદાના પ્રકોપના કારણે ઠૂંઠવાઈ ગયાં હતાં અને હવે એ પણ ચોમાસા તરફ આશા ભરેલી મીટ માંડીને ઊભા હોય એવાં લાગતાં હતાં.  

સિંહ તો સીમમાં ક્યારે આવીને ચાલ્યો જાય ખબર જ ન પડે. સિંહની કોઈ તકલીફ જ નહોતી. ગામમાં તેના આંટાફેરા રહેતા હતા. નજીકમાંથી પસાર થઈ જાય તો કેટલીક બાયું તો માથું નમાવતી હતી. સિંહ ગર્જના કરતો પસાર થતો ત્યારે તેની આજુબાજુના લોકો જાણે ભગવાનના આશીર્વાદ મળી ગયા હોય એમ ખુશ થઈ જતા. ગામમાં સિંહ ઘુસી ગયો હોય અને ભેંસને ઉઠાવી જાય તો એનો માલિક ફક્ત હેતાળ આંખે દૃશ્યને તાકતો રહેતો. સિંહની તો કાંઈ ફિકર નહીં, પણ દીપડાની હમણાંથી રંજાડ વધી ગઈ હતી. આમ તો હમણાંથી નહીં, કેટલાય ટાણાથી. 

રાતના ટાણે દીપડો ગામમાં ઘુસી જતો હતો અને ક્ષણવારમાં તો સૂતેલાને રમકડાની જેમ ઉઠાવી ખેંચી જતો હતો. કોઈ વાર કોઈક ઝાડ ઉપર એ કમભાગીનું માથું લટકાતું દેખાય, કોઈ વાર ઝાડીઓમાં એનું શરીર લોહીથી લથબથ થઈ ચોંટેલું હોય, તો વળી કોઈક વખત રસ્તાની આજુબાજુના ખાડાઓમાં પડ્યું હોય. ક્યારેક તો હવાની લહેરખીથી ગંધાય ત્યારે ખબર પડે કે દીપડો એની કળા કરી ગયો છે ! 

એવે સાંજને ટાણે મેંદરડાની અંદર આવેલ સૂરજગઢ ગામનું એક એક ખોરડું લપાઈને ઘુસી જવાની તૈયારી કરતું હતું. આજકાલ અહીં એક દીપડાનો ત્રાસ વધી ગયો હતો. રાતના એને મોકો મળી જતો ત્યારે કોઈ ને કોઈ ગાયબ થઈ જ જતું. છ વાગ્યાના પહોરમાં ભાઈઓ દૂધ દઈ પાછા ફરી રહ્યા હતા. ભેંસોનું ખાડું પણ જંગલમાંથી ચરીને પાછું આવી ગયું હતું. શિયાળ સીમમાં અટાણથી રોવા લાગ્યાં હતાં. તેમનું રુદન ભયનું લખલખું પસાર કરી દેતું હતું. ધીમે ધીમે બારણાઓ વસાવા લાગ્યાં. બારીઓ બંધ થવા લાગી. ફોરેસ્ટ ઓફિસરની જીપ આવી અને લટાર મારીને ચાલી ગઈ. કોઈએ ખુલ્લી બારીમાંથી નજર પણ નાખી લીધી. 

ગામના અવરજવરવાળા વિસ્તારની વચ્ચે એક પીપળાનું ઝાડ. તેની નજીક જ એક પીંજરુ મૂકેલું હતું અને એમાં અલમસ્ત બકરો રાખ્યો હતો. દીપડા માટે આખી ટનાટન વ્યવસ્થા કરી દીધી હતી. જોકે આ વ્યવસ્થા કાંઈ આજકાલની નહોતી. આ વ્યવસ્થા તો છેલ્લા ત્રણેક મહિનાથી થતી હતી, છતાં દીપડો બકરાનાં બચ્ચાંને જીવનદાન દેતો હતો અને ઘરની અંદર ઘુસી કોઈ નાના બાળકને ઉઠાવી જતો હતો. 

ગામમાંથી છેલ્લા ત્રણ મહિના સુધીમાં તો સાતેક છોકરાંઓ ઉપડી ગયા હતાં. એમાંથી બે છોકરાંનાં તો શરીરની પણ કોઈ ભાળ નહોતી મળી. રાતના જાનવરોના બિહામણા અવાજો અને પક્ષીઓના કલબલાટની વચ્ચે તેમનાં મા-બાપનો પણ છાતી ચીરી નાખતો અવાજ સંભળાતો હતો.  

‘આજ તો પકડવો જ પડશે !’ જીપ લઈ આવેલા એક ફોરેસ્ટ ઓફિસરે બીજાને કહ્યું. 

‘દીપડા જેવું હરામી પ્રાણી બીજું કોઈ નહીં, હોં ! સિંહ તો આવું કરે જ નહીં. એ તો ઘરનો જ માણહ ’ર્યો. પણ આ દીપડો ! માથું પકવી દીધું છે. એક તો સાહેબનું પ્રેશર અને આ બકરો પણ ગદબ ખાઈ ખાઈને દીપડા જેવો પાઠિયો થઈ ગયો પણ દીપડો દાંત ખૂંપાવવા નથી આવતો.’ બેઉએ બકરાની સામે જોયું અને જીપમાં ગોઠવાયા. બીજાએ બકરાને જોઈને આગળ ચલાવ્યું, ‘ભાઈ ! નસીબવાળો છો. નક્કી ગયા જન્મના કોઈ પુણ્ય કર્યાં હશે.’

જીપ જંગલમાં રાઉન્ડ પર નીકળી ગઈ. બકરો એકલો પડ્યો. 

ગામ આખું ઘોંટી ગયું હતું. ઝૂલતી ડાળી ઉપર બેઠેલી ચીબરીની ભેંકાર આંખો દેખાતી હતી. ગાય ભેંસના ભાંભરવાના અને ગાંગરવાના અવાજો આવતા હતા. શેરીના કૂતરાંઓ બે વખત ભસ્યાં અને પછી કોઈ વણનોતર્યો મહેમાન આવવાનો હોય એમ ડરીને આઘા ભાગી ગયાં. બકરો ઊંચો નીચો થવા લાગ્યો. એના ગળામાં રહેલી સાંકળ પીંજરાના સળિયા સાથે અથડાઈને કર્કશ રણકાર કરવા લાગી. 

એક ઘરની પાછળના ભાગમાં બળબળતા ઉનાળાથી છૂટકારો મેળવવા સામતભાઈ ખાટલો ઢાળીને સૂતા હતા. વંડી ખાસ્સી ઊંચી હતી, પણ દીપડા માટે એ વંડી એટલે કંઈ નહીં ! એણે પાંચેક પ્રયત્ન કર્યા અને છઠ્ઠા પ્રયત્ને ઠેકડો મારીને વંડી ઉપર ચડી ગયો. 

કાજળઘેરા અંધકારમાં કોઈ ડાકણની આંખો ચમકતી હોય એમ એની આંખો તગતગતી હતી. મારણ ઉપર તે એકધારી નજર કરી રહ્યો હતો. એણે નાકને ઊંચુંનીચું કર્યું અને પછી કૂદકો મારવા જ જતો હતો કે અંદરથી એક બારેક વર્ષનો છોકરો બહાર આવ્યો. પેશાબ કરવા માટે એ વંડીની નજીક આવેલા સંડાસમાં ગરક થયો. 

સંડાસમાંથી બહાર આવ્યો અને અચાનક થંભી ગયો. નિંદ્રાથી ઘેરાયેલી અધખુલ્લી આંખોએ એણે પાછળ વળીને જોયું તો દીપડો ! ભયની ધ્રૂજારી શરીરમાં પ્રસરવી શરૂ થાય એ પહેલાં તો એના ગળામાં દીપડાના દાંત ભીંસાઈ ગયા હતા. છોકરો તો મુડદાલ જ બની ગયો હતો. હવે વંડીની બાજુમાં આવેલા પગથિયાંની પાસેથી દીપડો છોકરાને લઈ ઉપર ગયો. જાણે કાખમાં છોકરું તાણ્યું હોય એટલી સરળતાથી છોકરો દીપડાના પેટના ભાગે લબડી રહ્યો હતો. એનાં શરીરમાં જીવ હતો. હાથ હલતો હતો પણ એ ચાલતા દીપડાના હડદોલાઓને કારણે, એની ચેતનાને કારણે નહીં. આઘાતમાં ને આઘાતમાં એના ગળામાંથી ઉંહકારો પણ ન નીકળ્યો.. દીપડો વંડી ટપી ગયો. 

થોડીવારમાં ઘરમાંથી સામતભાઈની સ્ત્રી આવી. છોકરાને શોધવા એ બૂમ પાડી રહી હતી, ‘શિવજી…. એ શિવજી… ક્યાં મરી ગ્યો. આટલી વાર હોય ?’

ઘરમાંથી અવાજ કરતી એ આંગણામાં આવી અને વંડીથી માંડીને એક એક જગ્યા ખૂંદી વળી. ખાટલામાં સૂતેલા સામતભાઈ પણ જાગી ગયા. એને ખબર પડતાં વાર ન લાગી કે ઘરમાં કંઈક અજુગતું બની ગયું હતું. ઘરમાં કોઈ આવીને ગયું હોય તેવી ચાડી વાતાવરણ ખાઈ રહ્યું હતું.    

સ્ત્રીના ચિંતાભર્યા અવાજને સાંભળી સામતભાઈને ખબર પડી ગઈ કે દીકરો શિવજી ગાયબ હતો. હાથમાં ટોર્ચ લઈ ચાલુ કરી અને જમીન પર તલવારની જેમ ફેરવી ત્યાં તો લોહીના તાજા ડાઘા દેખાયા. એમના હાથમાંથી ટોર્ચ નીચે પડી ગઈ અને એ બેબાકળા બનીને દોડ્યા. 

એમની રાડારાડથી પાડોશના લોકો જાગી ગયા. લાકડી લઈ બધા બહાર આવ્યા. સામતભાઈ અને એની સ્ત્રીને રડતી જોઈ સૌને ખબર પડી ગઈ કે આજ રાતે દીપડો એનો ખેલ કરી ગયો હતો. સરપંચ સુંદરલાલ પણ દોડી આવ્યા, પરંતુ એમણે સધિયારો આપવાને બદલે આક્રોશ ઠાલવ્યો : ‘કેટલી વાર કીધું સે કે સોકરાંવને ઘરમાં અંદર પૂરી રાખો અને તમ ય અંદર હૂવો, પણ ઊનાળાની એવી તે કેવી ગરમી સોંટી જાય છે કે બધાને બહાર ઊંઘવું પડે. દીપડો ગમે એવી દીવાલ ફાંગી જાય.’

પછી તો ફોરેસ્ટ ઓફિસરને બોલાવવા માટે રાજદૂતની કિક મારી એક યુવાન ઉપડ્યો. એની સાથે બીજો એક યુવાન પણ હતો. રસ્તામાં જ ફોરેસ્ટ ઓફિસરની રાઉન્ડમાં નીકળેલી ગાડી મળી ગઈ. આડી રાજદૂત ઊભી રાખી ધ્રૂજતા શ્વાસે યુવાન આટલું જ બોલ્યો : ‘દીપડો !’ એ વધુ ન બોલી શક્યો. 

‘પીંજરામાં પૂરાઈ ગયો ?’ એક ફોરેસ્ટ ઓફિસરના ગળામાંથી જીતનો બુલંદ અવાજ બહાર આવ્યો. 

‘ના, સામંતભાઈના દીકરા શિવજીને ઉપાડી ગયો. લોહીના ડાઘા દેખાયા છે.’

યુવાને રાજદૂતને કિક મારી વાળી લીધી. પાછળ ફોરેસ્ટ ઓફિસરોની જીપ આવી. ગામના લોકો ટોળું વળ્યાં હતાં. શિવજીની મા અને સામત રડતાં-કકળતાં હતાં. ફોરેસ્ટ ઓફિસરો માટે આ રોજનું થયું હતું – આ નહીં તો પેલા ગામના અને એ નહીં તો એની આગળના ગામનાં પરિવારને આક્રંદ કરતા જોવાનું. 

‘આ નરભક્ષીએ તો ઉપાડો લીધો છે. હવે એને ગોળીએ દ્યો, સાહેબ !’

ટોળામાંથી એક અવાજ આવ્યો અને એને ઊભેલા સૌએ ઝીલી લઈને એ જ વાક્ય દોહરાવવા માંડ્યું. નારા લગાવવા માંડ્યા. ગામલોકોના શોરબકોર વચ્ચે એક ફોરેસ્ટ ઓફિસરની નજર સામે પીંજરામાં રહેલા બકરા પર ગઈ. એ હજુ એને નીરવામાં આવેલું ઘાસ ખાતો હતો.

***

દીપડાના અવારનવાર હુમલાના કારણે ગ્રામજનો રઘવાયા થયા હતા. ફોરેસ્ટ ઓફિસરો માટે દીપડો અને ગામના લોકો બંને એક સમાન હતા. દિવસના ગામના લોકો ઓફિસે આવી ચડતા હતા અને રાતના દીપડો આવી ચડતો હતો. પણ મુશ્કેલીનો આખરે નિવેડો આવ્યો ખરો. દીપડાનું ‘ડેથ વોરન્ટ’ પાસ થયું. વોરન્ટમાં લખવામાં આવ્યું હતું કે કોઈ કાબેલ શિકારીના હાથે એને મરાવવો, કારણ કે દીપડો અગાઉ બે ફોરેસ્ટ ઓફિસરોને ઘાયલ કરી ગયો હતો, જેમાંનો એક પથારીમાંથી હજુ ઊભો નહોતો થયો. આ વખતે સાગમટે દીપડાની અર્થી કાઢવાની તૈયારી કરવામાં આવી હતી. આ વાત વાયુવેગે ફેલાતાં ગ્રામજનો પણ ખુશ થઈ ગયા હતા. 

મગજમાં ચાલી રહેલી આ ગડમથલ સાથે સિનીયર ફોરેસ્ટ ઓફિસર રઘુવીર હાથમાં રહેલા પત્રની સામે જોતો હતો. ત્યાંથી તેની નજર ઓફિસની પાછળના ભાગે પડતા જંગલ તરફ ફંટાઈ. અહીં એક બારી હતી. ત્યાંથી એક વડલો દેખાતો હતો. એ વડલાની ડાળખીએ ગીધ આવીને રોજ બેસતું હતું. રઘુવીર સમય મળે ત્યારે એની લાંબી ચાંચમાં ફસાયેલા કોઈના માંસના ટૂકડાને જોયા કરતો હતો. ગીધ એ ટૂકડાને પગમાં દાબીને તેની બોટીઓ લોચતું હતું. રઘુવીર આ દૃશ્ય જોઈને પ્રાર્થના કરતો હતો કે ક્યાંક એ માંસનો ટૂકડો દીપડાએ મારેલ માણસના શરીરનું અવશેષ ન હોય. 

ગીધે પોતાની પાંખમાં બે વખત ચાંચ મારી અને પછી ઉપર-નીચે જોવા લાગ્યું. 

રઘુવીરને તેના અવલોકનમાંથી બારણે પડેલા ટકોરાએ સ્વતંત્ર કર્યો. રઘુવીરે એ તરફ નજર નાખી અને પછી હસીને બે હાથ ખોલી ભેટવા દોડ્યો, ‘અજ્ઞાત…! અજ્ઞાત…! તારી જ રાહ જોતો હતો.’

‘કેમ, પાણી માથા ઉપરથી ચાલ્યું ગયું છે ?’ અજ્ઞાતે રઘુવીરને ગળે વળગાળતાં પહેલાં પોતાની રાઈફલ દીવાલને અઢેલીને મૂકી દીધી. 

‘હમણાં ક્યાં હતો ? એકાદ વર્ષ પહેલાં રણથંભોરના વાઘને માર્યો ત્યારે છાપામાં તારો ફોટો જોયેલો.’ રઘુવીરે વાતનો દોર શરૂ કર્યો. 

‘ક્યાંય નહીં. છેલ્લે એ વાઘ, જેમાં હું મરતાં મરતાં બચ્યો હોં… અને પછી નજીકના ખેતરમાં ઘુસી જતાં જંગલી સૂવરોને મારવાનું કામ ખેતરના એક માલિકે સોંપ્યું હતું.’

‘કેટલા સૂવર માર્યા ?’ રઘુવીરે પાણીનો ગ્લાસ અજ્ઞાત તરફ લંબાવ્યો અને થોડું મલકી લીધું.

‘એક પણ નહીં.’ અજ્ઞાતે પાણીના બે ઘૂંટડા પીને ગ્લાસ ટેબલ ઉપર મૂક્યો.

‘એક પણ નહીં ?’ અજ્ઞાતનો આ સૂર સાંભળી રઘુવીરે ભ્રૂકુટી તાણી અને પોતાનો પાણીનો ગ્લાસ મોંએ માંડ્યો. 

‘હા, ખેતરમાં રખડતાં રખડતાં મને ખબર પડી ગઈ હતી કે સૂવરે એક જગ્યાએ બખોલ કરી છે ને ત્યાંથી જ એ ઘુસે છે. મેં એ બખોલ જ દાટી દીધી. પછી ખેતરની આજુબાજુ તો ફેન્સિંગ હતું જ એટલે ચિંતા કરવાની જરૂર નહોતી. ખેતરનો માલિક પણ વિચારમાં પડી ગયો હતો કે જ્યારથી આ ઊભો છે ત્યારથી એક પણ સૂવર કેમ દેખાતું નથી !’

‘પણ અહીંયા જે કામ માટે મેં તને બોલાવ્યો છે એ સૂવર જેટલું સહેલું નથી હોં.’ રઘુવીર એક ઝાટકે વધેલું પાણી પેટમાં પધરાવી ગયો અને આગળ ફરમાવ્યું, ‘દીપડાએ અત્યાર સુધીમાં દસ લોકોને પોતાના શિકાર બનાવ્યા છે અને એ દસમાંથી છ નાનાં બાળકો છે.’

‘દીપડો શરીરથી એટલો મોટો હોતો નથી. એટલે કોઈ ઘરમાં ઘૂસે ત્યારે એનો પહેલો ટાર્ગેટ ઘરનું કોઈ નાનું સભ્ય હોય છે. વિકલ્પ તરીકે જો પુખ્ત વયના કરતાં બાળક મળી જતું હોય તો પછી વધારે માથાકૂટ નહીં. આરામથી ખેંચી જાય.’ અજ્ઞાતે આંખ મારી. 

રઘુવીરે ચાલીને અજ્ઞાતની રાઈફલ ઊંચકી લીધી અને કહ્યું, ‘એ બધી ટેકનિકલ વાતની તો અમને ખબર છે. હવે એ કહે કે તારો શું પ્લાન છે ? ક્યારે અને કેવી રીતે ?’

‘તમે કોઈએ તપાસ કરી ?’

‘અમારી ફોરેસ્ટ ટીમ દક્ષિણમાં છે અને ત્યાં ખંડેર તરફ દીપડો હોવાની પુષ્ટી થઈ છે.’

‘તો પછી ચાલો.’

‘અરે, તું આરામ તો કર…! હમણાં હજુ તો…’

‘…રઘુવીર, દીપડાને મારી નાખું પછી આરામ જ આરામ ! બે દિવસ વધારે અહીં રોકાઈ જઈશ.’

અજ્ઞાત આગળ રઘુવીરની એક ન ચાલતી. બેઉ પાક્કા મિત્રો હતા. આર્ટ્સ કોલેજમાં સાથે ભણતા હતા. રઘુવીર તો ફોરેસ્ટ ખાતાની સરકારી નોકરીમાં ચડી ગયો. અજ્ઞાતનો તો ખાનદાની ધંધો શિકારનો હતો. તેના બાપ દાદા શિકારનું કામ કરતા હતા. છ ફૂટ લાંબા અને વાઘ જેટલું કદ ધરાવતા અજ્ઞાતે એકથી એક ચઢિયાતા શિકારો કર્યા હતા. કોઈ વખત તો મરતાં મરતાં પણ બચ્યો હતો. શરીરમાં નાની મોટી ઘણી ઈજાઓ પહોંચી હતી. સરકારને જ્યારે પણ કોઈ નરભક્ષીને ટપકાવવો હોય એટલે અજ્ઞાત પહેલી પસંદ રહેતી હતી. તેની પસંદગી એટલે નરભક્ષી પર પૂર્ણવિરામ. ઉપરથી અજ્ઞાત આવતા ભેગો કામે ચડી જતો હતો. રઘુવીરને પણ આ વાતની પહેલેથી જ ખબર હતી. 

જીપમાં રઘુવીર અને અજ્ઞાત ગોઠવાયા. આગળ ડ્રાઈવર હતો. અજ્ઞાતે પોતાની સાથે બેગમાંથી વધારાની ગોળીઓ લઈ લીધી. એક રાઈફલ રઘુવીરે પણ સાથે લીધી. ઉનાળાએ માઝા મૂકી હતી. જીપ ચાલીને આગળ વધતાં જ લૂ ચહેરાઓ પર અથડાવા માંડી. ગામડાની કેડી પકડી દક્ષિણ તરફના જંગલ બાજુ જીપ ઉપડી પડી. વચ્ચેનો માર્ગ નિર્જન હતો. અહીં ફોરેસ્ટ ઓફિસરો સિવાય કોઈને આવવાની પરવાનગી નહોતી. જીપની આગળ આગળ મૃગજળ દેખાતું હતું. જીપ નજીક આવતી અને મૃગજળનું વિલોપન થઈ જતું હતું. 

અજ્ઞાત અહીં પહેલી વખત નહોતો આવ્યો, પણ જંગલ પોતાની કાયા બદલ્યા રાખે છે એ વાતથી તે પરિચિત હતો. આ કારણે જ જંગલ તેને અજાણ્યું અજાણ્યું લાગતું હતું. ચોમાસા અને શિયાળા કરતાં જંગલ કંઈક અલગ જ ભાસતું હતું. એ પાણી માટે વલખાં મારતું રડી રહ્યું હોય તેવું લાગતું હતું. 

જીપ અવડિયા ટેકરે પહોંચી ગઈ. આ ટેકરી ઊંચી હતી, નિર્જન હતી. અહીં જ એ માનવભક્ષી દીપડો હોવાની ફોરેસ્ટ ઓફિસરોને બાતમી મળી હતી. દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે ભૂરિયાઓ હાથીમાં બેસી, રાઈફલ લઈ સિંહનો શિકાર કરવા માટે આ ટેકરી પર આવતા. ધીમે ધીમે આ વિસ્તારમાંથી સિંહ નેસ્તાનાબુદ થઈ ગયા અને પછી દીપડાઓએ આ જગ્યા પર કબ્જો જમાવી લીધો. ત્યારથી અત્યાર સુધી આ દીપડાઓની જગ્યા રહી છે. અને આજે નરભક્ષી અહીં જ છુપાણો હતો. 

જીપ આવતા જ બાકીના ફોરેસ્ટ ઓફિસરો પાછળ હટી ગયા. ટેકરીથી જીપ થોડી દૂર ઊભી રાખી હતી જેથી નરભક્ષીને જીપનો અવાજ ન સંભળાય. અજ્ઞાત અને રઘુવીરે હાથમાં રાઈફલ લીધી અને ધીમે ધીમે આગળ વધ્યા. ટેકરીનું ચઢાણ આકરું હતું. પથ્થર ઉનાળાની દેહ દઝાડતી ગરમીના કારણે જ્વાળામુખી બની ગયો હતો. પગ મૂકતાંવેંત કાંકરીઓ ખરી પડતી હતી. શિકારની આડે આવતી એ મોટી સમસ્યાથી પણ બચવાનું હતું. 

રઘુવીર અને અજ્ઞાત એ ટેકરી પર ધીમા ડગલે ચડવા લાગ્યા. તેની પાછળ બે ફોરેસ્ટ ઓફિસરો પણ હતા. બે ચાર વખત ટેકરી ચડતાં ન મૂકવાની જગ્યાએ પગ મૂકાઈ ગયો અને પથ્થરોનો ખરી પડવાનો અવાજ પણ આવ્યો. એવે ટાણે સૌના જીવ અદ્ધર થઈ ગયા. ટેકરીની ટોચ પર સૌ પહેલાં અજ્ઞાત પહોંચ્યો. તેણે પોતાની રાઉન્ડ હેટ કાઢી નાખી અને આંખો ઉપર લાવી આસપાસની જગ્યાનું નિરીક્ષણ કર્યું. ક્યાંય કોઈની અવર જવર નહોતી. 

તે ટેકરી ઉપર ચાલ્યો ગયો એટલે તુરંત રઘુવીર અને બાદમાં બંને ફોરેસ્ટ ઓફિસરો પણ તેને અનુસર્યા. ટેકરીની ઉપર ખંડેર હતું, જે વર્ષો પહેલાં નવાબે પોતાના વિસામા માટે બનાવ્યું હતું. અહીંથી નવાબનો રસાલો નીકળતો ત્યારે પોરો ખાવા માટે કે રાત્રિરોકાણ માટે અહીં ખોભરતા હતા. નવાબની વિદાય બાદ મહેલ જેવો લાગતો આ ભાગ ખંડેર બની ગયો અને પછી ખંડેર તરીકે જ ઓળખાવા લાગ્યો. બ્રિટીશરોને આ ખંડેર સાથે કંઈ લેવા દેવા નહોતા. એ પછી આ સિંહોનું આવાસ બન્યું અને બાદમાં દીપડાનું કાયમી રહેઠાણ. 

આજે એ જ જગ્યાએ રઘુવીર અને અજ્ઞાત ઊભા હતા. 

અજ્ઞાતે ખાસ્સા સમયથી અકબંધ રહેલું મૌન તોડ્યું, ‘દીપડો શિકાર અહીં તો લાવતો જ નથી.’

‘હા, મડદાંની વાસ નથી આવતી.’ રઘુવીરે અજ્ઞાતની અધૂરી રહેલી વાતને પૂરી કરી. 

ખંડેરની દીવાલોમાં ઠેર ઠેર ઊગી નીકળેલાં ઝાંખરાં આકરી ગરમીને કારણે સૂકાઈ ગયાં હતાં. ખંડેરમાં લીલું ઘાસ સોઈની જેમ આડેધડ ફેલાયેલું હતું. જો પવનની થપાટના કારણે તે હલે નહીં તો ઘાસની જગ્યાએ શેઢાડીના નવીન રંગના કાંટાની ગરજ સારે. 

રઘુવીર અને અજ્ઞાત ખંડેરના એક ઓરડામાં પ્રવેશવા ગયા ત્યાં જ અંદરથી ચામાચીડિયાં ઊડીને બહાર આવ્યાં. બેઉ માટે કોઈ નવી નવાઈની વાત નહોતી. વરવાંગડાઓની આ ગમતી જગ્યા હોય છે. અજ્ઞાતે એક હાથમાં રાઈફલ પકડી રાખી અને બીજા હાથે ખંડેરની દીવાલને સ્પર્શ કર્યો. ખંડેરમાં પ્રવેશતાં જ તે નમીને દીપડાના ચિહ્નોને તપાસવામાં લાગી ગયો. એક બે જગ્યાએ તેને દીપડાના મૂત્રની વાસ આવી ગઈ. 

અજ્ઞાતે રઘુવીરની સામે જોઈને માત્ર માથું હલાવ્યું. 

ખંડેરના એ ઓરડાને પાર કર્યા પછી અંદર મોટી ઓસરી આવી. એમાં એક જગ્યાએ કૂવો હતો. રઘુવીર અને અજ્ઞાત ઊભા હતા એ જગ્યાએથી દૂર હતો. 

અજ્ઞાતે રઘુવીરની પાસે આવીને પૂછ્યું, ‘આ?’

‘રાજા મહારાજાઓની પીવાના પાણીની સગવડ માટે.’

‘અંદર કંઈ છે?’

‘ઉનાળામાં તો હોય એ પાણી પણ સૂકાઈ જાય. જવા દે, કંઈ નહીં હોય.’ 

રઘુવીરની વાત સાંભળ્યા પછી અજ્ઞાત આગળ ચાલવા લાગ્યો. રઘુવીરને સમજતા વાર ન લાગી કે અજ્ઞાત કૂવામાં ડોકિયું કરવા માગે છે. બેઉની રાઈફલ તેના નિશાનને શોધી રહી હતી. તેમનાથી થોડે છેટે ફોરેસ્ટ ઓફિસરો હતા. તેમના ચહેરા પરથી નીતરતા પરસેવાના રેગાડાથી અનુમાન નહોતું લગાવી શકાતું કે એ દીપડાના કારણે ઊતરતા હતા કે ઉનાળાના કારણે.

કૂવાની નજીક બેઉ પહોંચવા આવ્યા હતા ત્યાં રઘુવીરે કહ્યું, ‘મને આ બરાબર નથી લાગતું.’ 

પાછળથી ફોરેસ્ટ ઓફિસર બોલ્યો, ‘સાહેબ એ કૂવાને જોતાં જ લાગે છે કે કંઈક થવાનું છે. ધ્યાન રાખજો.’ વાક્ય પૂરું કરતાં જ તે રાઈફલ સહિત ધ્રૂજી ઊઠ્યો. શાંત વાતાવરણ વધારે ઘાતક પૂરવાર થતું હતું. 

ફોરેસ્ટ ઓફિસરની ભયનજક વાતને કાનમાં લેવાની જગ્યાએ મ્યાનમાં પરોવી દઈ અજ્ઞાત કૂવાની નજીક ચાલ્યો ગયો. તેની પાછળ રઘુવીર તેના સપોર્ટ માટે હતો. અજ્ઞાતે હતી એટલી સ્ફૂર્તિથી બંદૂકને કૂવામાં નાખી. તેની એક આંગળી ટ્રીગર પર ભડાકો કરવા માટે સાવધાનની મુદ્રામાં હતી, પણ કૂવામાં કંઈ નહોતું. અંધારિયો કૂવો રાંકો થઈ અજ્ઞાતને વિધવા સ્ત્રીની જેમ જોતો હતો. અંદરથી કંઈ ન નીકળતાં રઘુવીરે હાથને વિશ્રામ આપવા માટે નીચે કર્યા. આ સાથે લોડેડ રાઈફલ પણ નીચે થઈ ગઈ. 

હળવાશની ક્ષણ માણતાની સાથે જ બરાબર કૂવાની સામેના એક અંધારિયા ઓરડામાંથી બે ચમકતી આંખો દેખાઈ. એ પછી કાને ઘુરકારી સંભળાઈ. પહેલાં બોઘડા જેટલું મોટું માથું અને તેની સાથે બબ્બેની જોડના બિહામણા ચાર અણીદાર દાંત બહાર આવ્યા. એ નરભક્ષી હતો. 

‘અ… આ… આજ… છે…!’ ફોરેસ્ટ ઓફિસરે થોથવાતા પુષ્ટી કરી. 

જીભને હોઠ પર ફેરવી સફેદ અને લાંબી મૂછને દાબતા દીપડા પર અજ્ઞાતે ગોળી ચલાવી ત્યાં ત્રાપ મારી દીપડો રઘુવીર પર તૂટી પડ્યો. અજ્ઞાત માટે બીજી ગોળી છોડવી સરળ નહોતી, કારણ કે જો દીપડો પોતાની સ્ફૂર્તિનો નમૂનો આપતો ખસી જાય તો ગોળી સીધી રઘુવીરના શરીરની આરપાર ઊતરી જાય. 

અજ્ઞાતે હાથ વડે ઈશારો કરી બંને ઓફિસરોને ક્ષણવાર માટે થોભવાનું કહ્યું અને રઘુવીરનો જીવ બચાવવા રાઈફલ લઈ તે દીપડાને મારવા દોડ્યો. દીપડા પર તેણે રાઈફલની મૂઠથી બે ચાર વાર કર્યા. આ વારથી ડઘાઈ જઈને દીપડો ત્યાંથી ખસી ગયો. પણ ચાર લોકોને જોઈને હવે તે અકળાયો હતો. એણે તરત બી ગયેલા બેઉ ફોરેસ્ટ ઓફિસર પર કૂદકો માર્યો. તેઓ બંને પહેલેથી જ ગભરાઈ ગયેલા હતા. આ તરફ લોહી લુહાણ રઘુવીરની પાસે રહેવું કે દીપડાને મારવો એ યક્ષ પ્રશ્ન અજ્ઞાતની સામે આવી ગયો હતો. ત્યાં તો એક ફોરેસ્ટ ઓફિસરના ગળામાં દીપડાને પોતાના દાંત ઉતારવાની તક મળી ગઈ. 

થોડીવારમાં જ ફોરેસ્ટ ઓફિસરના ગળામાં દીપડાના ચારેય દાંત ભેગા થઈ ગયા હતા અને તેનું શરીર ડોક કપાયેલી મરઘીની જેમ તરફડિયાં મારતું હતું. ઘાયલ અવસ્થામાં બીજો ફોરેસ્ટ ઓફિસર આ જોઈ નાઠ્યો. અજ્ઞાતને ખબર હતી કે તે હવે નહીં જીવે એટલે તેણે રાઈફલને ખેંચી અને ગોળી છોડવાની તૈયારી કરી લીધી. દીપડાના કાન સરવા થયા અને તે રાઈફલના લોડ થવાનો અવાજ સાંભળી ગયો. 

તેણે મોઢું ફેરવ્યું અને અજ્ઞાતની સામે જોયું. તેનું આખું મોઢું લોહીથી ખદબદતું હતું. હવે એ પહેલાં કરતાં વધુ ભયંકર લાગી રહ્યો હતો. જાણે તેનામાં કોઈ વિશિષ્ટ શક્તિનો સંચાર થઈ ગયો હોય. અજ્ઞાતે આ પહેલાં ઘણા દીપડાઓ જોયા હતા. બેને તો ઠાર પણ માર્યા હતા, પણ આ દીપડાની તાકાત કંઈક અલગ જ હતી. તેની હિંમત કંઈક અલગ ભાસતી હતી. હવે વિચારવાનો સમય નહોતો. અજ્ઞાત જો વિચારમાં એક પણ ક્ષણ ગુમાવે તો રઘુવીર અને ફોરેસ્ટ ઓફિસરની જેમ તેય જમીનદોસ્ત થઈ પડ્યો હોત. 

તેણે રાઈફલથી ધડાકો કર્યો. દીપડાના નસીબ કે એ ફરી છટકી ગયો અને ખંડેરના એક અંધારિયા ઓરડામાં ચાલ્યો ગયો. એ ઓરડામાં કોઈ બારી નહોતી એટલે પ્રકાશનો શૂન્યાવકાશ સર્જાયો. હવે ખતરો વધારે હતો. એ ઓરડામાંથી રસ્તો ક્યાં જાય છે તેની અજ્ઞાતને ખબર નહોતી. જેમને ખબર હતી તેમાંથી બે જમીન પર પડ્યા હતા અને એક નાસી છૂટ્યો હતો.

અજ્ઞાત એ ઓરડા પર એકધારી નજર નાખતો ધીમે ડગલે રઘુવીરની પાસે ગયો. તેના ગળાના પણ દીપડાએ એ જ હાલ કર્યા હતા જેવા પેલા ફોરેસ્ટ ઓફિસરના કર્યા હતા. અજ્ઞાતે રઘુવીરનો લોહીવાળો હાથ પકડી લીધો. તેનો હાથ ઊંચો થયો. તે કંઈક કહેવા માગતો હતો. અજ્ઞાત સમજે એ પહેલાં જ રઘુવીરનો હાથ નીચે પડી ગયો. આખરે નરભક્ષીનો તે શિકાર બની ગયો. 

સામે બીજો ફોરેસ્ટ ઓફિસર પણ ફાટેલી આંખે ચિરનિંદ્રામાં પોઢી ગયો હતો. 

અજ્ઞાત માટે હવે રુદનનો નહીં રૌદ્ર બનવાનો વખત હતો. અંધારિયા ખૂણાની સામે તે મીટ માંડીને ઊભો હતો. તેની રાઈફલ લોડેડ અને આંખ શિકારની શોધમાં હતી. 

એટલામાં દીપડો આગળથી નહીં પણ પાછળથી ત્રાટક્યો. અજ્ઞાતને ક્ષણવારમાં જ ખબર પડી ગઈ અને તેણે પાછળ ફરીને જોયું. હવામાં ઊછળેલો દીપડો તેના આખા શરીર પર ચાદરની જેમ પડવા ગયો અને જીવ બચાવવા અજ્ઞાતે રાઈફલનું ટ્રીગર દબાવ્યું. 

એક ધડાકો થયો અને દીપડાના માથામાં ગોળી ખૂંપી ગઈ. દીપડાનું લોહીથી ખદબદતું માથું અજ્ઞાતના ખભા પાસે આખું શરીર લઈને પડ્યું. ધગધગતા ઉકાળા જેવું ગરમ લોહી તેના કાન પાસે આવ્યું. અજ્ઞાત લોહીથઈ લથબથ ચહેરે વિજયમુદ્રામાં હસ્યો. 

પણ એ હાસ્ય લાંબું ન ટક્યું. તેણે મિત્ર રઘુવીર અને એક ફોરેસ્ટ ઓફિસરને ગુમાવી દીધા હતા. 

દીપડાને શરીર પરથી હડસેલી એ લથડતાં પગલે ખંડેરની બહાર નીકળ્યો. તે સાવ બેભાન જેવો થઈ ગયો હતો. શરીરમાં તાકાત નહોતી. તેનું શરીર બચી ગયું હતું પણ શક્તિ દીપડો ખાઈ ગયો હતો. હવે જંગલ ખાતાની ઓફિસે જઈ બે લોકો નરભક્ષીનો શિકાર બન્યા તેની માહિતી આપવાની હતી. કેટલાય જવાબો આપવાના હતા. 

ખંડેરની બહાર આવી તે ટેકરી પર બેઠો. તેણે લલાટે હાથ રાખ્યો. રઘુવીરના મરવાની ઘટના તેના મગજનો પીછો નહોતી છોડી રહી. ત્યાં તેની આંખો ફાટી ગઈ. તેને યાદ આવી ગયું કે રઘુવીર તેને કશુંક કહેવા માગતો હતો ! 

છકી ગયેલું મગજ ફરી વિચારે ચડ્યું અને અજ્ઞાત સાંગોપાંગ ધ્રૂજી ઊઠ્યો. પાછળથી જે દીપડાએ હુમલો કર્યો હતો એના મોઢા પર લોહીના કોઈ નિશાન જ નહોતા ! 

‘તો પછી બે દીપડા…?’ અજ્ઞાતના હોઠ પતંગિયાની પાંખની જેમ ફફડ્યા. તેની આંખો વિસ્ફારીત થઈ ગઈ. 

રાઈફલ લઈ ટેકરી પરથી ફરી તે ખંડેરમાં જવા ઊભો જ થતો હતો કે તેની આંખ અસલ નરભક્ષી સાથે મળી ગઈ. 

ટેકરી પર એક ભયંકર ચીચીયારી સંભળાઈ. આકાશમાં એ જ ગીધ ઊડતું હતું જે રઘુવીરની ઓફિસની બહારના વૃક્ષ પર બેસતું હતું. માંસના ટૂકડાને ખાવા…! 

(સંપૂર્ણ)

(આ શિકારકથામાં પ્રયોજેલા સ્થળો કાલ્પનિક છે. ગિર અને સૂરજગઢનું જ અસ્તિત્વ છે. પાત્રો પણ કાલ્પનિક છે. અશોક હર્ષ અને વિજયગુપ્ત મૌર્યની દિશામાં આ એક વામન પગલું.)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments