Homeસાહિત્યકથાચક્ર-કાઢી ગ્યા...

કથાચક્ર-કાઢી ગ્યા…

Team Chabuk-Literature Desk: અમે બધા ડાઘુઓ ભેગા થયા હતા. સફેદ કલરના કપડાં અને માથામાં પાઘડી. પાઘડીનો એક છેડો મોઢામાં બાંધ્યો હતો. બળદ જેવા જ લાગતા હતા. પાઘડી માથે હવે કોઈ શિંગડા નાખી દે તો પછી અમારામાં અને બળદમાં કાંઈ જાજો ફર્ક નહીં. અમે બાર લોકો હતા. અમારી સાથે ત્રણ મૃતદેહો હતા. એ દૂર ત્યાં પડ્યા હતા. એમને કોઈ ચિંતા નહોતી. મરી ગયા પછીની મજા એ ભોગવી રહ્યાં હતાં. અમારા ગામના નવા સ્મશાનનું ઉદ્ધાટન કરવાનું હતું. ઉદ્ધાટન કરવાના હતા નેતાજી. નેતાજીએ જ્યારે આ સ્મશાન બનાવડાવ્યું હતું ત્યારે પોતાના ભાષણમાં એક હાથ ઊંચો કરી જુસ્સાભેર કહેલું કે, ‘આ સ્મશાનમાં હું પહેલો સળગીશ અને પછી જ બીજાને બાળજો.’

એ બોલ્યા ત્યાં તો ભીડમાંથી તાળીઓના ગડગડાટ થવા લાગ્યા!

અલબત્ત અમને પાછળથી ખબર પડી કે જે રીતે એક નેતાના નામનું કાંઈક બોવ મોટું બનાવીને નામ રાખી દીધું છે તેવું જ અમારા નેતાજીની સાથે થયું હતું. તેમને કેટલાક બુદ્ધિજીવીઓએ સમજાવ્યાં હતાં કે તમારા કાર્યકાળમાં બન્યું છે તો પહેલી વખત કોઈ અલગ ચીલો ચાતરો. એમણે આ ચીલો ચાતર્યો. મને અચરજ થાય છે. એમણે ખૂદ ભડભડ બળે એ સાથે સ્મશાનનું ઉદ્ધાટન થાય જેવી વાત ઉચ્ચારી પછી તો સભાસ્થળ પર ગોકીરો થઈ ગયો હતો. એમના આ નિવેદનને લોકો વધાવવા લાગ્યાં હતાં.

મેં મારા સગ્ગા કાને સાંભળ્યું હતું કે આવું તેઓ વટથી બોલ્યાં હતાં. મૂછને તાવ પણ આપેલો એ ય જોયેલું. મહામારી આવી એ પછી સ્મશાનની ટાંકી તો ફૂલ થઈ ગઈ. ચાંડાલ બાળી બાળીને થાક્યા પણ એમનો યૌદ્ધામાં સમાવેશ ન થયો. ચીમનીઓ પણ લાલ ટેટા જેવી થઈ થાકી ગઈ. આખા ગામમાં એક જ સ્મશાન હતું. ને ત્યાં ચાર દિવસ રોકાવું પડે એટલી લાંબી કતાર લાગી હતી.

અમે અહીં એ આશાએ આવ્યાં હતાં કે નેતાજી જો ગુજરી જાય તો અમારો વારો વહેલો આવી જાય, કારણ કે નેતાજીને પણ મહામારીનો આ રોગ લાગુ પડ્યો હતો. ના, એણે કાંઈ અમારી સેવા નહોતી કરી, ઘરે ઘરે જઈ અમારા ખબર અંતર નહોતા પૂછ્યા. એ પાર્ટીનો પ્રચાર કરવા માટે શહેરમાં ગયા હતા. એમની સાથે એમના આઠેક મળતિયાં પણ મોટા ઉપાડે ગયા હતા. ત્યાંથી આવ્યા પછી આ રોગ લઈ આવ્યા. એમના મળતિયાં હરાયા ઢોરની જેમ આખા ગામમાં ઘુમ્યા અને લોકોને લગાડ્યો. મળતિયાંઓને તો કાંઈ નથી થયું. એ તો ફુલકી ભવાનીની જેમ સાજા થઈને ગામમાં રખડે છે.

આ મહામારીમાં જેઠાકાકાનો છવ્વીસ વર્ષનો પૂંજો ફાટી પડ્યો. પૂંજો ખૂબ કહેતો કે, સિગરેટો પીવાથી છાતીનાં ફેફસા બગડી જાય. એનાં ફેફસાને કાટ લાગતા ત્રણ જ દિવસ થયા. તરત ઉકલી ગયો. એની મા ઘરે કલ્પાંત કરતી હશે. આક્રંદ કરતી હશે. મારાથી તો એનું મોઢું જ નહોતું જોવાતું. એને એનાં દીકરાની નજીક પણ ન જવા દીધી. એ તો આંસુડા પાડી પાડીને અડધી અડધી થઈ ગઈ. આ પૂંજાની જે વાત કરું ને એ મારો બાળપણનો મિત્ર. અમે સાથે ભણતા હતા. મને જે છોકરી ગમી એ જ પૂંજાને પણ ગમી ગઈ. પૂંજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે કૂરબાની આપવા તૈયાર હતો. હું ગળગળો થઈ ગયો.

મેં પૂંજાને પૂછેલું, ‘સોનલને તો પૂછી લે, એને આપણા બેમાંથી કોણ ગમે છે?’

‘એને રમેશ પારેખ ગમતો હશે.’ એણે મજાકમાં જવાબ આપ્યો. હું હસવા લાગ્યો. હસતા હસતા ગૂંચડું વળી ગયો ત્યારે તેણે પીઠ ઉપર જોરથી ધબ્બો માર્યો હતો, ‘આટલું હસવું સારું નહીં હો, ક્યાંક ખૂણામાં ભરાઈને રોવાનો વારો નો આવે.’

હું ક્યાં ખોટું બોલું. મેં સોનલને જઈ ફટ કહી દીધું કે પૂંજો તારા પ્રેમમાં ગાંડો થયો છે. એ વખતે હું, સોનલ અને પૂંજો એક સાથે કોલેજમાં ભણતા હતા. એક જ બસમાં જતાં હતાં. પૂંજો અને હું બારીની પાસે બેઠા હોય. હું થોડો સાહિત્યનો જીવ અને લખવાનો પણ શોખ ખરો એટલે બારી બહાર પ્રકૃતિને નિરખતો હોઉં. ઝપાટાભેર ઝાડ આવે અને જાય. વાયર ઊંચા નીચા થતાં દેખાય. મજા આવે. પૂંજો એ જગ્યાએથી સોનલને જોતો હોય. સોનલના શરીરના વળાંકો એનાં હ્રદયનું મીટર ઊંચુ નીચું કરતાં હોય.

મને પણ સોનલ ગમતી હતી. હોશિયાર હતી. સમજણી હતી. એના મા બાપને ક્યાં હેરાન કરવા એટલે ગામમાં જ પીયરીયું અને ગામમાં જ સાસરિયું કરવાની મેં તો તૈયારી કરી લીધી હતી અને એવામાં મારા પગની નીચે ધડામ કરતો બોમ્બ ફૂટ્યો કે પૂંજીયા મારા પીટીયાને પણ સોનલ જ ગમે છે. બે દિવસ તો મેં વાત પણ નહોતી કરી. મોઢું ચડાવીને રખડ્યા કરતો હતો. એણે કારણ પૂછ્યું. મેં બળદ જે ઝડપે ઢીંક મારે એ ઝડપે કારણ આપી દીધું. એ કારણની એને ઢીંક વાગી જ હશે. એ કૂરબાની આપવા તૈયાર હતો. જેવું મેં અગાઉ કહ્યું, પણ છેલ્લે કુરબાની મેં આપી.

જે દિવસે એ કોલેજમાં ન આવ્યો ત્યારે સોનલને એકલી જોઈ ડાચું ફાડ્યું, ‘પૂંજીયાને તું ગમે છો. તારી ઉપર લાઈન મારે છે. કોલેજ પૂરી થયા પછી પરણવું છે એને?’ એ વખતે ‘એને’ની પાછળ મારાથી પ્રશ્નાર્થ મૂકાઈ ગયો હતો. હું સમજી નહોતો શકતો કે શા માટે મેં તેને વિકલ્પ આપ્યો. અંદરથી તો થતું હતું કે સોનલ કહી દે, પૂંજીયો નહીં, મને તું ગમે છે. તારી સાથે આયખું કાઢવું છે. એક સાથે ઘરડા થઈશું. તું મને સાંઈભરું કહેજે અને હું તને એલી કહીશ.

‘પૂંજીયો એવો બધો મરદ હોય તો સામે આવીને કાં કાંઈ નથી કહી દેતો.’ એ છણકો કરીને ચાલી ગયેલી. હું તેની પીઠને જોતો રહ્યો અને પછી વિચાર આવ્યો કે બેઉંની જોડી જામશે ખરી. મારા અને તેના વચ્ચે તો કદાચ પ્રેમ જ રહે અને દાંપત્યજીવનમાં વધારે પ્રેમ સારો નહીં.

પૂંજીયાને મેં તૈયાર કર્યો. કોલેજમાં પૂંજીયાએ સોનલને પ્રપોઝ કર્યું. સોનલે એ વખતે તો ફેરવી તોળ્યું. થોડા દિવસ પૂંજીયાને લબડાવ્યો પણ ખરો. ગાયની પાછળ રોટલી આપવા પરાણે દોડીએ અને ગાય રિસાણી હોય ને મોઢું ફેરવે, એવા બંને જણા દેખાતા હતા. એ વલખા મારતો હતો. કોલેજ પૂરી થાય અને પૂંજીયો સોનલના અભિમાનની વાતો કરતો. એને ભરી ભરીને ભાંડતો હતો. બસમાં મને બારીમાંથી આવતો પવન અને તેની સાથે ભળી જતી પૂંજીયાની સોનલ માટેની વાતો સંભળાતી હતી.

સોનલે પૂંજીયાની વાતનું માન રાખ્યું ખરું. પાંચમું સેમેસ્ટર હતું ત્યારે એ ભેગા થઈ ગયા. કોલેજ પૂરી થતાં થતાં બેઉંના લગ્ન થઈ ગયા. એ લગ્નને આજે બે વર્ષ જેવું થયું હતું અને મારો પાક્કો ભાઈબંધ પૂંજીયો ચાલ્યો ગયો.

એ ત્યાં ખૂણામાં પડ્યો. હું એનાં માટે જ આવ્યો હતો. મારું તો ક્યાં કોઈ સ્વજન ગુજરી ગયું હતું. જે હતો એ એ જ હતો અને એ ય ચાલ્યો ગયો. સોનલ અને મને તરછોડીને.

હું પૂંજીયાના અસ્તિત્વમાંથી બહાર નથી નીકળ્યો ત્યાં ભીમજીકાકાએ અવાજ કર્યો, ‘નેતા ગુજરી ગ્યો કે નહીં? એને કયે હવે આટલું તો ખાધું આખા ગામનું. બે વખત ધારાસભ્ય બનાવ્યો. એ પહેલા એક વખત સાંસદ પણ બનાવ્યો હતો. કોઈનું સાજું નથી કર્યું તે એનું ક્યાંથી સાજુ થાય. હવે એ જલ્દી છુટ્ટો થાય તો આપણે પણ અહીંથી છુટ્ટા થઈએ.’

‘કોઈ સાંભળી જશે તો લેવા ના દેવા થઈ જશે.’ ભીમજીકાકાને મેં મારી સમજણ પ્રમાણે વાળી લીધા, પણ એ વળે એવા નહોતા. એ પાછા કાગડાની જેમ કાકા કરવા લાગ્યા. એ પણ કંટાળ્યા હતા.

આ ભીમજીકાકાની ઘરવાળી મારા પૂંજીયાની જેમ મહામારીમાં ચાલી ગઈ. એ બેઉંને પણ પૂંજીયા અને સોનલ જેવો જ અડીખમ પ્રેમ હતો. હું અને પૂંજીયો કોલેજે જતાં ત્યારે એ અમને મળતા. એમના ખેતર પાસેથી જ અમારે નીકળવાનું હોય. એ ખેતરનું કામ કરતા હોય. પાણી વાળતા હોય. ભૂંડને ખેતરમાંથી ભગાડતા હોય. ચાડીયાને સરખો કરતા હોય. વરસાદ આવવાની રાહ જોતા હોય. ખેડૂતના જીવનમાં આના સિવાય બીજું શું?

મહામારી ચાલતી હતી ત્યારે એમણે મને કહેલું, ‘આંઈ ગામડે તો કોઈ દિ નહીં પુગે.’

એ ખોટા હતા. એમના જ ઘરમાં પુગી ગઈ હતી. કાકાએ ઘરવાળીની ચાકરી કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. એને ખેતરના મકાનમાં એકલી રાખી હતી. કાકો પોતે બહાર પડ્યો રહેતો હતો. આખેઆખી રાત ઉજાગરો વેઠતો હતો. કાકીને કોઈ તકલીફ ન આવવા દીધી. એને મનમાં બીક ઘરી ગઈ હતી કે ડોક્ટર પાસે લઈ જાઉં તો ત્યાં ગુજરી જ જાય. એટલે જયાકાકીને એમણે રૂમમાં જ રાખી. બધા દેશી ઔષડ કર્યા.

એક સવારની વાત. એમણે બારણું ઠપકાર્યું પણ જયાકાકીએ ખોલ્યું નહીં. દસ મિનિટ સુધી, ‘એલી જયા… એલી જયા…’ કરતાં કાકા બોલતા રહ્યાં. છેલ્લે બારણું તોડ્યું ત્યારે કાકી ફાટેલી આંખે પડ્યા હતા.

જયા કાકી ગુજરી ગયા ત્યારે ગામ આખામાં એક જ વાત ચાલતી હતી કે ભીમજીકાકાએ ઘરવાળીની કોઈ સેવા ન કરી. ડોક્ટર પાસે પણ ન લઈ ગયા. ઓરડીમાં ઢોરની જેમ ગોંધી રાખી ને એટલે જ મરી ગઈ. એ બધા ખોટા હતાં પણ મોઢા બંધ કરવા ક્યાં જવા ? પૂંજીયાની બાજુમાં એ કાકી પડ્યા છે. હું જોઉં છું પણ મને કાકાની આંખમાંથી આંસુડા પડતા નથી દેખાતા. એ કદાચ નેતાજીને ગાળો આપીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

સામે રમણિક પડ્યો છે. શ્યામજીનો બાપો થાય. એ ભાભાને કાંઈ કરતાં કાંઈ કામ નહીં. અમારા ગામનો સીસીટીવી કેમેરો જ જોઈ લ્યો ને. કોણ કોના ઘરમાં ગયું અને ક્યારે બહાર આવ્યું એની સંધીય માહિતી એ મોઢાના બે ગોખલા વચ્ચે પાનની જેમ દબાવીને રાખે. જ્યાં જરૂર પડે ત્યાં પીચકારી મારી દે. હું અને પૂંજીયો કોલેજથી આવતા ત્યારથી લઈને એને મહામારી લાગુ પડી એના દસેક દિવસ પહેલા એમને ગામના ઓટલે જ બેઠાં જોઈએ. ભેંસ અને ગાયને કારણ વિના કવરાવ્યા રાખે. લાકડી લઈ માર્યા રાખે. ઘરમાં જાય એટલે છોકરાઓ તગેડે. જમવાનું થાય ત્યારે ઘરમાં પગ મૂકે. જમીને પાછો ઓટલે બેસવા ચાલ્યો જાય. એને એનાં છોકરાઓનું કોઈ દિવસ સુખ મળ્યું નહીં.

કોઈ વાર મારી અને પૂંજાની ભેટ થઈ જાય તો એ પોતાનો વલોપાત અમારી આગળ રેતીનું ટ્રેક્ટર એક હારે ઠલવાય જાય એમ ઠલવી નાખે. બોલવામાં પાછી પાની ન કરે. એની ઘરવાળીને ય ગાળો કાઢે અને શ્યામજીના બીજા બે ભાઈઓ જે શહેરમાં હતા એને પણ ગાળો કાઢે. બે મોટાભાઈઓ તો સાચેક મોટી બાયના થઈ ગયા હતા! ભાભાને જોવાય આવ્યાં નહીં. શ્યામજીની આંખમાં પણ મને દર્દ નથી વરતાતું. પણ ભીમજીનું અને એનું દર્દ નોખું છે. ભીમજીકાકાને એની જયાને નહોતી જાવા દેવી અને શ્યામજી વાટ જોતો હતો કે ભાભો ક્યારે દુનિયા છોડે.

‘નેતાજીને આજે કેટલા દિવસ થયા?’ હું આ બધાની જીવનયાત્રાના ભૂતકાળને ખોદી રહ્યો હતો ત્યારે શ્યામજીએ મારી સામે જોઈ પૂછ્યું.

‘આજે છેલ્લો દિવસ છે. ઓક્સિજનથી પણ સારું નથી થયું એવી વાત મળી છે. આમ તો સારો થઈ ગયેલો પણ ફેંફસામાં ચેપ લાગ્યો છે. એ તો નેતા રહ્યા એટલે ઘરમાં જ ડોક્ટરોની શાળા ખોલીને રાખી છે. એનો હમણાં એક ફોટો ફેસબુકમાં વાઈરલ થયો હતો. સાવ ઘરડો લાગતો હતો, આ તો સફેદ વાળમાં કાળી ડાઈ લગાવી હતી નહીં તો તમારા બાપાની જ ઉંમરનો લાગે છે.’ હું એકધારો બોલી ગયો. શ્યામજીને નેતાજીની સરખામણી તેના બાપ સાથે કરી એ ન ગમ્યું. કદાચ એને એનો બાપો નેતાજી કરતા સારો લાગતો હતો. હું ફરી ગંભીર બની ગયો. ભૂલ થઈ ગયાનું ભાન થતાં હું મારો ચહેરો બીજી દિશામાં બાજુ ફેરવવા લાગ્યો.

હું દાંતમાં સળી ભરાવીને બપોરનું જમવાનું કાઢતો હતો. ક્યારનું ખટકતું હતું. જીભથી ખૂબ પ્રયાસ કર્યો પણ સરખો વેત નહોતો આવતો. એટલામાં ભીમજીકાકા મારી પાસે આવ્યા. એમને કદાચ એકલાને સોરવતું નહીં હોય. એ આવ્યા એટલે શ્યામજી પણ આવ્યો. હું આ બંનેને અચાનક આ બાજુ આવેલા જોઈ ગભરાયો ખરો. મેં નેણ ઊંચા કરી શું છે તેવું ઈશારાથી પૂછ્યું.

‘લાગે નેતા મરી જાશે?’ ભીમજીકાકાએ પોતાના ગંભીર અવાજમાં કહ્યું. મને ખબર હતી એ કંટાળ્યાં હતા. એમને હવે છૂટકારો જોતો હતો.

‘સ્થિતિ જોતા તો લાગે જ છે બાપા.’ મેં સળીનો ઘા કરતા જવાબ આપ્યો.

‘ન મર્યો તો ? ક્યાંક ઓલા સ્મશાને ધક્કો ન થાય. ન્યાં પછી બીજા ચાર દિ ગરકી જાઈશે હો.’ ભીમજીકાકાના અવાજમાં થાક વર્તાતો હતો. હું એમને શું કઉં. મેં શ્યામજી બાજુ નજર કરી.

શ્યામજી થોડા નીચા અવાજે ગણગણ્યો, ‘આ… ક્યાંક ગુજરી ગ્યો હોય તો કાઢતા કેટલી વાર લાગે?’

‘એટલો ય મોટો નેતા નથી. પાર્ટીએ સાવ કોરાણે મૂકી દીધો હતો. ટગલી ડાળ ઉપર ચડવા સાટુ બઉં ધમપછાડા માર્યા. ચપલુંય હાથમાં ન આવ્યું. એને મહામારીનો રોગ થ્યો છે. કોઈ આજુબાજુ નહિ ફરકે અને ફટોફટ કાઢી જ જાશે. બસ ખાલી એ ગુજરી જવો જોઈએ. હવે તો પતવાનું જ હશે.’

સૂરજ હવે બરાબરનો માથે આવ્યો હતો. એના એક એક કિરણો અમારા કપાળને સોઈ ભોંકવતા હોય એમ સળગાવતા હતા. મોઢામાં બાંધેલા લુંગડાને અમે સરખા કર્યા. ખાલી કપાળનો ભાગ જ ખુલ્લો હતો. સૂર્યનો અર્જુનના બાણની જેમ ત્યાં જ સીધો પ્રહાર થતો હતો. સ્મશાનની બહારના વડલાના ઝાડવે ટાંગેલા કુંડામાં એક ચકલી આવી અને પાણી પીને ચાલી ગઈ. કેટલી ઝડપથી. મને પણ તેના જેટલી જ ઉતાવળ હતી.

હું જોઉં છું. પશ્ચિમની દિશા તરફથી વંટોળ્યો આવ્યો છે. હવાની ગરમ ગરમ લહેરખી મારા શરીરે અડકતી જાય છે. સામેથી ફરી કોઈ સળગે છે. ધૂમાડો ઊંચો ઉડ્યો. ઊંચો ઉડ્યો. આકાશે આંબવા. વૈકુંઠમાં જવા માટે. હું એકધારો એ ધૂમાડાને જોઉં છું. કોણ સળગતું હશે ? એ વિચારોમાં આંખો બંધ કરી એકાગ્ર થઈ જાઉં છું.

શ્યામજી મારી પડખે આવી બીડી ચેતાવે છે. એનો ધુમાડો પણ ઉપર જતો હું જોઉં છું. ગરમ ગરમ લૂ મારા કપાળ અને હાથમાં લાગે છે. આ શ્યામજી હસ્યો. બીડી પીવાની તેને મજા આવી હશે. તબલ શાંત થઈ ગઈ. હું તેને ઈશારાથી મોઢું ઢાંકવાનું કઉં છું. એ બીડી ફેંકી દે છે. પછી મને યાદ આવે છે કે હું પણ મોઢા આગળથી કાપડ હટાવી મોઢું ખોતરતો જ હતો. મને મારો દોષ દેખાતો નથી.

ને આ અમારા ગામનો મોતીલાલ સાઈકલ લઈ આ બાજુ આવ્યો, ‘શું છે મોતીલાલ નવીનમાં કાંઈ સમાચાર?’ એ તો અમને જોઈ મોઢું સંતાડી ભાગતો હતો ત્યાં મારો બોલ પડતા થોડે દૂર જઈ રોકાઈ ગયો.

‘નવીનમાં તો તાજા સમાચાર છે કે નેતાજી ગુજરી ગ્યા..’ મારા સવાલનો એમણે જવાબ આપ્યો. હું કાંપી ઉઠ્યો. શ્યામજીના હાથમાંથી બાકસનું ખોખું પડવાનો અવાજ મને સંભળાયો. ભીમજીકાકા કાન દઈ વાત સાંભળવા થોડા આગળ આવ્યા.

‘એ ગુજરી ગ્યા તો અહીંયા બાળવા ન લઈ આવ્યા? એમણે તો વાયદો કર્યો હતો ને કે આ સ્મશાનમાં એ પહેલા સળગશે પછી બીજાઓના શરીર…’ બોલતાં બોલતાં હું અટકી ગયો. મારો શ્વાસ ધમણની માફક ચાલતો હતો.

‘નેતા કઈ વાતમાં માને. તમને ખબર એણે શું કર્યું છે ઈ?’

મોતીલાલના મોઢેથી હવે શું નીકળે છે એ જાણવામાં મને રસ હતો. મેં પૂછ્યું, ‘શું કર્યું ?’

‘એણે એનું વચન એના દીકરાના નામે ટ્રાન્સફર કરી દીધું છે. હવે એનો દીકરો ગુજરી જાય ત્યારે સ્મશાનનું ઉદ્ધાટન થશે અને એ પછી જ બીજા લોકોની ડેડબોડી સળગી શકશે. એના દીકરાને તો આગામી ચૂંટણીમાં ધારાસભ્યની ટિકિટ મળવાની છે એવી ય વાતો થવા લાગી છે.’

‘તો નેતાજીને ક્યાં સળગાવ્યા?’

‘આ ધૂમાડો ઉઠ્યો… એ એનો જ છે. ક્યારના એને તો કાઢી ગ્યા.’

ભીમજીકાકા મારી પાસે આવ્યા અને ખોંખારો ખાતા ધીમેકથી બોલ્યા, ‘થોડીક રાહ જોવી…. હજી.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments