Team Chabuk-National Desk: વેક્સિનને લઈને એક સારા સમાચાર મળ્યા છે. દેશમાં વધુ એક વેક્સિનને મંજૂરી મળવાનો માર્ક મોકળો થતો દેખાઈ રહ્યો છે. ઝાયડસ કેડિલા કંપનીએ પોતાની કોરોના વેક્સિન ZyCoV-Dના આકસ્મિત ઉપયોગ માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DGCI) પાસે મંજૂરી માગી છે. આ વેક્સિન બાળકો માટે સુરક્ષિત હોવાનો કંપનીએ દાવો કર્યો છે. આ પહેલી પ્લાઝમિડ DNA વેક્સિન છે. સાથે જ ઝાયડસ કેડિલાની આ વેક્સિન સિરીંઝની મદદ વિના ફાર્માજેટ ટેક્નિકથી લગાવવામાં આવશે. જેનાથી આડઅસરના કિસ્સાઓમાં ઘટાડો થશે.
ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ZyCoV-Dનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ થઈ ચૂક્યું છે. આ ટ્રાયલમાં 28 હજાર લોકોએ ભાગ લીધો હતો. ભારતમાં કોઈપણ વેક્સિનની આ સૌથી મોટી ટ્રાયલ છે. ટ્રાયલના પરિણામો પણ સંતોષકારક હોવાનું જણાવવામાં આવ્યું છે. કોરોનાની બીજી લહેર દરમિયાન જ આ વેક્સિનનું ટ્રાયલ દેશના 50 ક્લિનીકલ સાઈટ્સ પર કરવામાં આવ્યું હતું. આ વેક્સિન ડેલ્ટા વેરિઅન્ટ પર પણ અસરકારક હોવાનું કહેવામાં આવ્યું છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ઝાયડસ કેડિલાની ZyCoV-D કોરોના વેક્સિન 12 થી 18 વર્ષના બાળકો માટે પણ સુરક્ષિત છે. આ વેક્સિનને ફાર્માજેટ સિરીંઝ વગરની ટેક્નિકની મદદથી આપવામાં આવશે. જેથી વેક્સિન આપવામાં સિરીંઝની જરૂર નહીં પડે. સિરીંઝ વગરના ઇન્જેક્શનમાં દવા ભરવામાં આવશે, પછી તેને મશીનમાં લગાવીને હાથ પર આપવામાં આવશે. મશીન પર રહેલા બટનને ક્લિક કરવાથી અંદર રહેલી દવા શરીરમાં પહોંચી જશે.
ઝાયડસ કેડિલાએ ZyCoV-D વેક્સિનના દર વર્ષે 10-12 કરોડ ડોઝ બનાવવા નક્કી કર્યું છે. જો કે આ વેક્સિનની અલગ વાત એ પણ છે કે અન્ય વેક્સિન કરતાં આ વેક્સિનનો એક ડોઝ વધુ લાગશે. એટલે કે ZyCoV-D વેક્સિનના એક, બે નહીં પરંતુ ત્રણ ડોઝ લેવા પડશે. હાલમાં ભારતમાં કોવેક્સિન અને કોવિશીલ્ડના બે ડોઝ લેવા ફરજિયાત છે જ્યારે ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ZyCoV-Dના ત્રણ ડોઝ લેવા પડશે. માનવામાં આવી રહ્યું છે કે, આ વેક્સિન લીધા બાદ આડઅસર ઓછી થશે.
ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ZyCoV-Dનો એક બીજો ફાયદો એ પણ છે કે આ વેક્સિનને રાખવા માટે તાપમાનને બહુ ઓછું રાખવાની જરૂર નથી. એટલ કે થર્મોસ્ટેબિલિટી સારી છે. જેથી કોલ્ડ ચેઈનની ઝંઝટ નહીં રહે અને તાપમાન વધી જવાના કારણે વેક્સિનના ડોઝ વેસ્ટ જતાં હતા તે પણ બચી જશે. પ્લાઝમિડ-DNA પ્લેટફોર્મ પર વેક્સિનને બનાવવાથી ઘણી સરળતા રહે છે. આ વેક્સિન શરીરની ઇમ્યુનિટી વધારવા માટે જિનેટિક મટીરિયલનો ઉપયોગ કરે છે.
ભારતની આ પ્રથમ વેક્સિન છે જેનું ટ્રાયલ 12-18 વર્ષના બાળકો પર થયું છે. ઝાયડસની આ વેક્સિન 66 ટકા અસરકારક હોવાનું માનવામાં આવે છે. આ વેક્સિન લીધા બાદ કોઈપણ વ્યક્તિમાં મધ્યમ કોરોનાના લક્ષણ જોવા મળ્યા નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત