Homeસિનેમાવાદઅરવિંદ રાઠોડ : કબૂતરને બચવાની તક આપ્યા વિના મારું તો તો અન્યાય...

અરવિંદ રાઠોડ : કબૂતરને બચવાની તક આપ્યા વિના મારું તો તો અન્યાય જ થઈ જાય ને?

ઝાલાવાડી જલજીરા: એક હોય છે હીરો જેને બધા પ્રેમ કરે છે. એક હોય છે ખલનાયક જેને કેટલાક પ્રેમ કરે છે કેટલાક નથી કરતા. વિલનની ક્રૂરતાને પડદા પર જોઈએ એટલે આ તો ચલચિત્ર છે કરી મનોરંજન મેળવવામાં લાગી જઈએ. જોકે એક એવો કલાકાર પણ હોય છે. જે જ્યારે પડદા પર અભિનય કરે ત્યારે તેને મારી નાખવાનું મન થાય. ભલે તેણે આપણું કંઈ બગાડ્યું ન હોય. ભલે તેને આપણે કોઈ દિવસ મળ્યા સુદ્ધા ન હોઈએ. પણ એ અભિનય એવો કરી જાણે કે તેનું ગળું દબાવી દેવાનું મન થઈ આવે.

ફિરોઝ ઈરાની અને અરવિંદ રાઠોડ આ બંને અભિનેતાઓ ઉપરની જે શ્રેણીની વાત કરી તેમાં આવે. અરવિંદ રાઠોડ તો ચાલ્યા ગયા. છેલ્લા કેટલાય સમયથી તેઓ લાઈમલાઈટથી દૂર હતા. અસંખ્ય ફિલ્મોમાં કામ કર્યું. વિલન તરીકે વધારે ખ્યાતનામ થયા. એવા ખ્યાતનામ કે હિન્દી ફિલ્મ અગ્નિપથમાં અમિતાભ, ડેની, મિથુન બાદ કોઈ ચહેરો સાંગોપાંગ યાદ રહી જાય તો તે અરવિંદભાઈ રાઠોડનો. એવું જ લાગે કે એને કોઈ મારવા માટે આવી રહ્યું છે. રીતસરનાં હાજા ગગડી ગયા હોય એવો અભિનય કોઈ દિગ્દર્શક કરવાનું કહે તો અગ્નિપથમાં અરવિંદભાઈ રાઠોડને એક વખત જોઈ લેવા.

એમના અભિનયમાં નોખો ચીલો ચાતરવાની વાત તો રહી જ છે. ફિલ્મના તમામ કલાકારો એક સરખા લટકા ઝટકા ભલે મારતા હોય પણ અરવિંદ રાઠોડ કંઈક નવું અને નોખું કરી જાય. આવું એ કઈ રીતે કરી શકતા એનો જવાબ પણ તેઓ પોતાની સાથે જ લઈ ગયા. પારસ પદમણી ફિલ્મમાં અજબ સિંહ બનીને હસ્યા જ રાખતા હોય. કોઈ ફિલ્મમાં દયાળું વ્યક્તિ બને કોઈ ફિલ્મમાં ક્રૂર વ્યક્તિ બને. ક્યારેક સંત બને ક્યારે શૈતાન બને. દક્ષિણ ધ્રુવ ને ઉત્તર ધ્ર્રુવ જેવું પણ અભિનય તો ઉચ્ચકક્ષાનો જ.

શરદ પૂનમની રાત ફિલ્મનું એક દૃશ્ય છે. અરવિંદભાઈ દુર્જન સિંહનું કિરદાર ભજવી રહ્યા છે. જે એકદમ પાપી છે. હાથમાં પકડેલા કબૂતરને પ્રેમ કરતા હોય છે. જાણે એનાં હ્રદયની નજીક હોય. મુખીની સાથે મીઠી વાતો કર્યા પછી એને હવામાં ઉડાવે છે. જોટાળી બંદૂક લે છે અને ગોળીએ વીંધી નાખે છે. બાજુમાં રહેલા અભિનેતા સુધીર પાંડે એમને પૂછે છે, ‘બાપુ આવું કેમ કર્યું?’

જવાબ હેડિંગમાં આપ્યો એ, ‘કબૂતરને બચવાની તક આપ્યા વિના મારું તો તો અન્યાય જ થઈ જાય ને?’ એમના મુખે સંવાદો પણ શોભતા હતા. ગમે તેવો સંવાદ કેમ લખી ન નાખ્યો હોય, પણ એમના બોલવાની શૈલી એવી કે તેઓ તેને હીટ કરી નાખે. પીઠ ચોળતા વર ને વધુના ચહેરા પર નિખાર આવે એવું જ સંવાદનું.

‘હવે શરણાઈના સૂર નહીં મોતના મરશિયા ગવાશે.’ શરદ પૂનમનો આ સંવાદ પણ ઉપડેલો. આપણે ત્યારે નાના એટલે આનો અર્થ શું થાય તેની તો કાંઈ ખબર ન હોય. આમ પણ રવિવારે ત્રણ વાગે દૂરદર્શનમાં ગુજરાતી ફિલ્મ જોવા બેસીએ તો ખાલી મનોરંજન માટે જ જોવા બેસીએ. માધ્યમો આપણી પાસે ઓછા હતા એટલે ક્યાં વધારે અને દૂરનું વિચારવું? આપણને ફિલ્મ બનાવવાના અભરખા ન હોય. આજે મોટા થયા પછી અરવિંદભાઈ રાઠોડના એ ડાઈલોગને યાદ કરીએ છીએ તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે.

અરવિંદભાઈ અમદાવાદની રતનપોળમાં રહેતા. જીવનમાં બે જ શોખ. એક તો અભિનય કરવાનો અને બીજું સારા કપડાં પહેરવાના. વિચારો જરા, આ બંને શોખ એમણે ફળિભૂત કર્યા. જ્યારે તે વિલનનો રોલ કરતા હતા ત્યારે પડદા પર એવા કપડાં પહેરે કે કિશોરો અને યુવાનોને લેવાનું મન થઈ જાય. એમના પિતા લેડિઝ સ્પેશિયાલિસ્ટ દરજી. અરવિંદભાઈ પણ પિતાને મદદ કરવા માટે દુકાને જાય. ઈસ્ત્રી કરે. કપડાં નોખા તારવે. કોઈ વખત કાતર લઈ કટિંગ પણ કરી લે. અભિનયમાં આંખથી કાતર મારવાની તેમની અદા અહીંથી જ આવી હોવી જોઈએ.

એમને અભિનય અને સંગીતનો શોખ ખરો પણ જે શોખ દીકરાને હોય એ બાપાને ગમતો જ ન હોય. આવું દરેક બાપાનાં કિસ્સામાં બનતું હોય છે. અરવિંદ રાઠોડના કિસ્સામાં પણ આવું જ થયું. પરિવારમાં સૌથી મોટા અરવિંદભાઈ અને તેમનાથી નાની ચાર બહેનો. લાડકોડ તો બાર ગામ છેટા જ રહ્યા. એકવાર અરવિંદભાઈએ મેન્ડોલિન શીખવાનો પ્રયાસ કર્યો તો બાપાએ પીઠમાં ચાંભા પાડી દીધા.

કોલેજના છોકરાઓ રતનપોળમાં આવે. સાંસ્કૃતિક કાર્યક્રમો કરાવે. દસ વર્ષની ઉંમરે અરવિંદભાઈ નટુ-ગટુ  નામના શેરી નાટકમાં ભાગ લેવા ગયાં હતાં. નટુનું જે છોકરો પાત્ર ભજવતો હતો તે યોગ્ય રીતે અભિનય નહોતો કરી રહ્યો. કમાન સંભાળી લીધી અરવિંદભાઈએ અને એવી રીતે સંવાદો ફટકાર્યા કે બે ઘડી બધા ડાચા ફાડી બાઘાની જેમ જોતા રહી ગયા. જ્યાંથી દરેક યુવાન ઘડાય છે એવા યુવા મહોત્સવમાં પણ એમણે ભાગ લીધો. ઈનામ પણ મળ્યું. પિતાને પણ લાગવા માંડ્યું કે દીકરો સાચી દિશામાં ડગલાં માંડી રહ્યો છે.

ફોટો જર્નાલિસ્ટ તરીકે પણ કામ કર્યું. એ નોકરી ગુમાવી તો મેગેઝિનમાં પણ કામ કર્યું. ફોટો જર્નાલિસ્ટ હતા ત્યારે ઠાઠથી કપડાં પહેરતા અને સુપરસ્ટાર્સનાં ફોટો ખેંચ્યા કરતા. કારણ? તેમને સારા કપડાં પહેરવાનો બઉ શોખ. ફિલ્મના સેટ પર કોઈ અભિનેતાની તસવીર ખેંચવા જાય તો દિગ્દર્શક એમની વેશભૂષા જોઈ એમ જ માની લે કે સાચો હીરો તો આ જ છે. રાજ કપૂરની આવી કેટલીય તસવીરો તેમણે ખેંચી હતી. એક દિવસ આર.કે. સ્ટુડિયોમાંથી રાજ કપૂરના પીએ વી.પી.સાઠે અરવિંદભાઈના ઘરે આવ્યા અને ત્રણ ચાર સારામાં સારા સૂટ સાથે લાવવાનું કહ્યું. હરખાતાં હરખાતાં અરવિંદભાઈ રાજ કપૂર પાસે કપડાં લઈ ચાલ્યા ગયા.

અરવિંદભાઈ આવ્યા એટલે રાજકપૂરે તેમના ખભે હાથ મૂકી કહ્યું, ‘તુમ મેરા નામ જોકર મેં કામ કર રહે હો.’ આટલું બોલી તેઓ અરવિંદભાઈને પોતાના પર્સનલ મેકઅપ મેનની પાસે લઈ ગયા. આખો સીન અરવિંદ રાઠોડે એક જ ટેકમાં શૂટ કરી નાખ્યો. એ એમનો પહેલો રોલ. પહેલી ફિલ્મ. એ પછી એમણે પાછળ વળીને ન જોયું. ગુજરાતી સિનેમામાં એ પછી જે થયું તે ઈતિહાસ છે. આવજો અરવિંદભાઈ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments