Homeગામનાં ચોરેવિસ્ફોટ: વરમાળા પહેરાવી દીધા પછી વધૂ બોલી, ‘મને છોકરો ગમતો નથી…’

વિસ્ફોટ: વરમાળા પહેરાવી દીધા પછી વધૂ બોલી, ‘મને છોકરો ગમતો નથી…’

Team Chabuk-National Desk: સારો વરરાજો કે વધૂ મેળવવાની કામના કોને ન હોય? હજુ પણ દેખાવડો હોય, લાંબો હોય, શરીર સૌષ્ઠવ ધરાવતો હોય, સારી નોકરી હોય, સરકારી હોય તો સારી, બુદ્ધિશાળી હોય, આવો ગુણવત્તાયુક્ત વરરાજો શોધવાની કામના દરેક સ્ત્રીના મનમાં ઘુમતી હોય છે. કોઈ સ્ત્રીની એક સાથે આ તમામ કામના પૂરી નથી થતી, પણ એક ઈચ્છા તો હોય કે સાથે ચાલીએ તો બે જણા વાત કરે એવો ઘરવાળો તો હોવો જોઈએ. હવે ઉત્તર પ્રદેશના કાનપુર બાજુ ઘટેલી આ તિલસ્મી ઘટના જ જુઓ.

‘વરરાજો દેખાવડો નથી એટલે લગ્ન નહીં કરું.’ એમ કહેતા વધૂએ વરમાળાનો કાર્યક્રમ પત્યા બાદ વરરાજા સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો. વરરાજાના પિતાની ફરિયાદના આધારે પોલીસ આ ‘દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં’ પહોંચી હતી અને બંને પક્ષને માંડવામાંથી સીધા પોલીસ મથકે લઈ ગઈ હતી. ત્યાં પોલીસ ભાઈઓ સહિત તમામ જાનૈયાઓ અને વધૂના પરિવારના લોકો તેને મનાવવાનો એન કેન પ્રયાસ કરતા રહ્યાં, પણ ઠીકરું ભાંગ્યું નહીં.

સરપારપુર નગરિયામાં રહેનારી યુવતીના કન્નોજ ગુરસહાયગંજના ગામ રસૂલપુરના રહેવાસી યુવક સાથે મંગળવારના રોજ વેવિશાળ નક્કી કરવામાં આવ્યા હતા. જાનૈયાઓની સ્વાગતવિધિ પૂર્ણ થઈ. જાનૈયાઓએ ભરપેટ ભોજન કર્યું. વરમાળા પૂર્ણ થઈ કે યુવતી પોતાના ઘરે ચાલી ગઈ. એ પછી વરરાજા તો દેખાવડો નથી એવી વાત સામે રાખી લગ્ન કરવાની મનાઈ કરી દીધી.

આ વાત જ્યારે જાનૈયાઓનાં કાને પડી તો અફરા તફરી મચી ગઈ. જાનૈયાઓએ સામેના પક્ષ સાથે વાતચીત કરી તો વધૂના પિતાનું કહેવું હતું કે, ‘વર પક્ષના લોકો ખાલી હાથ આવ્યા. દીકરી માટે ન તો કપડાં લાવ્યા અને ન તો ઘરેણા લાવ્યા. જેથી તે વિવાહ નહીં કરે.’

આ વાત સાંભળ્યા પછી જાનમાં આવેલા મોટાભાગના જાનૈયાઓ અડધી રાત્રે જ પરત ફરી ગયા. વરરાજાના પરિવારના લોકો અને કેટલાક નીકટનાં સંબંધીઓ જ ત્યાં રોકાયા. વરરાજાના પિતાએ પોલીસને સૂચના આપતા પોલીસ બુધવારની સવારે ‘દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં’ પહોંચી ગઈ. પોલીસે પણ ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ છોકરીની વાત બાટલીમાં પૂરાઈ નહીં.

આખરે પોલીસ બંને પક્ષને માંડવામાંથી પોલીસ સ્ટેશને લઈ ગઈ. યુવતીના પક્ષની મહિલાઓ પણ ટ્રેક્ટરમાં સવાર થઈ પોલીસ સ્ટેશને પહોંચી હતી. પોલીસે મહિલાઓને સમજાવીને ઘરે મોકલી દીધી. પોલીસ સ્ટેશનમાં વરરાજાના પિતાએ કહ્યું કે, ‘જાન આવે એ પહેલા જ ગોદ ભરાઈની વિધિ થઈ હતી. જેમાં યુવતીએ તેના પુત્રને જોયો જ હતો. તો પછી ત્યારે જ લગ્નની ના પાડી દેત. કપડાં અને દાગીના તો તેઓ લઈને આવ્યા છે. વરમાળા સમયે જ વિવાદની શરૂઆત થઈ ગઈ.’

પોલીસના જણાવ્યા અનુસાર કન્યાને પોલીસ સ્ટેશને બોલાવામાં આવી હતી. તેણે લગ્નની પાડી દેતા બાદમાં બંને પક્ષ પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા હતા. જોકે બુધવારની સવારથી લઈને સાંજ સુધી બંને પક્ષ પોલીસનું માથું ખાઈ ગયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments