Team Chabuk-Special Desk: ભારત મંદિરોની સાથે કિલ્લાઓનો દેશ છે. એમાંય રાજસ્થાનને કિલ્લાઓની ભૂમિ કહીએ કે કુંભના મેળા સાથે તેની તુલના કરીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નથી. દેશમાં કેટલાક જીર્ણોદ્ધાર પામેલા, કેટલાક પોતાની દિવાલોમાં ઈતિહાસ ચિતરેલા, કેટલાક ન ભંગાયેલા, કેટલાક ઐતિહાસિક રીતે ભંગાયેલા કિલ્લાઓની ખૂણે ખૂણે વણઝાર છે. કિલ્લોઓમાં પર્યટન અને ફોટો પડાવવાના શોખીનો કિલ્લાઓનો ઈતિહાસ ભાગ્યે જ જાણતા હોય છે. હવે તો કિલ્લાઓનો ઈતિહાસ એક ક્લિક પર ઉપલબ્ધ હોવા છતાં તેની અવગણના કરવાનું મહિમામંડલ વધી રહ્યો છે. જોકે એ ઈતિહાસ પુસ્તક જેટલો તો રોચક હોતો જ નથી.
આજે એક એવા કિલ્લાની વાત કરીએ જેના વિશે કહેવાય છે કે સમૂળગુ પાકિસ્તાન ત્યાંથી દેખાય છે. જોકે પાકિસ્તાન દેખાવું તે આ કિલ્લાની રહસ્યમયતામાં અભિવૃદ્ધિ નથી કરતું, રહસ્યમયતામાં અભિવૃદ્ધિ કરે છે તેનો આઠમો દરવાજો. હવે આ બંને વાત સાચી છે કે ખોટી તે આગળ જોઈશું. પહેલા કિલ્લાનો ઈતિહાસ જોઈ લઈએ.
કિલ્લાનું નામ મેહરાનગઢ છે. તેને મેહરાનગઢ ફોર્ટના નામે પણ ઓળખવામાં આવે છે. રાજસ્થાનના જોધપુર જિલ્લાની વચ્ચોવચ્ચ ઉભેલા અને 125 મીટરની જાજરમાન ઊંચાઈ ધરાવતા આ કિલ્લાનું નિર્માણ કાર્ય 15મી શતાબ્દિમાં કરવામાં આવ્યું હતું. તેની પ્રથમ ઈંટ રાવ જોધાએ રાખી હતી. જોકે તેનું નિર્માણ કાર્ય મહારાજ જશવંત સિંહે પૂર્ણ કર્યું હતું.
આ કિલ્લો ભારતના વિશાળ અને પ્રાચીન કિલ્લાઓમાંથી એક છે. જેને ભારતવર્ષના સમૃદ્ધશાળી ભૂતકાળનું પ્રતીક માનવામાં આવે છે. આઠ દ્વાર અને અગણિત સ્તંભોથી અડીખમ ઉભેલો આ કિલ્લો ઉંચી ઉંચી દીવાલોથી ઘેરાયેલો છે. આ કિલ્લાના આમ તો સાત જ દ્વાર છે પણ કહેવાય છે કે આઠમો દરવાજો પણ છે અને એ રહસ્યમય છે. કિલ્લાના મુખ્ય દરવાજા પર હાથીઓનાં હુમલાથી રક્ષણ કરવા માટે અણીદાર ખીલ્લાઓ લગાડવામાં આવ્યા હતા. જે એ સમયે કિલ્લા બનાવતા પહેલાની પ્રથમ આવશ્યકતા રહેતી હતી.
આ કિલ્લામાં આવેલ જયપોલ દ્વારનું નિર્માણકાર્ય 1806માં મહારાજા માનસિંહે જયપુર અને બીકાનેરની વિજય પ્રાપ્તિ બાદ કરાવ્યું હતું. ફતેહ પોલ અથવા તો વિજયદ્વારનું નિર્માણ મહારાજા અજીત સિંહે મુઘલો પર પોતાની વિજયની સ્મૃતિરૂપે કરાવ્યું હતું. દોઢ કાંગરા પોલ જે દ્વારને આજે પણ તોપોથી હુમલાનો ડર લાગતો રહે છે. લોહ સ્તંભ કિલ્લાનો છેલ્લો દ્વાર છે. જે કિલ્લાના પરિસરના મુખ્ય ભાગમાં બનેલો છે. જેની ડાબી બાજુ રાણીઓના હાથનાં નિશાન આવેલ છે, જેઓ 1843ની સાલમાં પોતાના પતિ માન સિંહના અંતિમ સંસ્કારમાં ખૂદ કુરબાની આપી હતી. આ સિવાય માર્ટી ગેટ અને ભૈરવ ગેટનો સમાવેશ થાય છે. કિલ્લા બનાવતા પહેલા રાજા-મહારાજાઓ કેટલાક ગુપ્ત રસ્તાઓ બનાવતા હતા, પણ આજ સુધી રહસ્યમયી દરવાજો છે કે નહીં તે વિશે ઈતિહાસકારોએ કશું કહ્યું નથી. જેથી દરવાજા માત્ર સાત જ ગણવાના રહે છે.
મેહરાનગઢ કિલ્લામાં અંદર ભવ્ય મહેલ, અદભુત નક્કાશીદાર દરવાજાઓ, ઝાળીદાર બારીઓ જેમાં મોતી મહેલ, ફુલ મહેલ, શીશ મહેલ, સિલેહ ખાના અને દોલત ખાના સૌથી ખાસમખાસ છે. કિલ્લાની નજીક જ ચામુંડા માતાનું મંદિર આવેલ છે. જેને રાવ જોધાએ ઈસ 1460માં બનાવ્યું હતું. નવરાત્રિના સમયે અહીં વિશેષરૂપથી પૂજા કરવામાં આવતી હતી. ચામુંડા માતા ત્યારે માત્ર શાસક રાવ જોધાની જ નહીં, પણ અસંખ્ય જોધપુર નિવાસી લોકોની કુળદેવી મનાતા હતા અને આજેય મનાય છે.
મેહરાનગઢ કિલ્લાનું નિર્માણ થવાની અસંખ્ય કિવદંતિઓમાંથી એક દંતકથા એવી પણ છે કે રાવ જોધા જ્યારે જોધપુરના 15માં શાસક બન્યા, ત્યારથી જ તેમને મનમાં ટાંચણીની જેમ એ વાત ખૂંચવા લાગી હતી કે મંડારનો કિલ્લો તેમના માટે સુરક્ષિત નથી. રાવ જોધાએ તાત્કાલિક કિલ્લાથી થોડા કિલોમીટર દૂર પહાડી પર કિલ્લો બનાવવાની યોજના અમલમાં મૂકી દીધી. જ્યાં કિલ્લો બનવાનો હતો તે પહાડીને ‘ભોર ચિડિયાટ્રૂંક’ના નામે ઓળખવામાં આવતી હતી, કારણ કે ત્યાં મોટી સંખ્યામાં પક્ષીઓ રહેતા હતા. 12 મે 1459માં રાવ જોધાએ આ કિલ્લાની પ્રથમ ઈંટ રાખી હતી. મહારાજા જસવંત સિંહે આ કિલ્લાનું બાકીનું બાંધકામ આટોપ્યું હતું.
આ કિલ્લાની ખૂબ ઓછી જાણીતી વાત એ છે કે હોલિવુડના પ્રખ્યાત દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાને ડાર્ક નાઈટ રાઈસિસ ફિલ્મનાં એક નાનકડાં ભાગનું શૂટિંગ અહીં કર્યું હતું. ઠગ્સ ઓફ હિન્દોસ્તાન પિક્ચરનું પણ અહીં જ શૂટિંગ ઉતર્યું હતું. આ સિવાય કેટલીય નામી અનામી ફિલ્મોને તેના લોકેશનથી મશહૂર બનાવવા માટે આ કિલ્લો જાણીતો બન્યો છે.
હવે વાત રહી પાકિસ્તાન દેખાવાની તો એ માત્ર અફવા જ ગણો. 125 મીટર ઊંચા કિલ્લાથી આખું પાકિસ્તાન દેખાય એ વાત જ કપોળકલ્પિત અને ઉહાપોહસભર માનવી રહી. ત્યાં મુલાકાત લેનારા પર્યટકોને તો ખ્યાલ જ છે કે અહીંથી પાકિસ્તાન દેખાય છે કે નહીં? 2019માં ઈન્ડિયા ટુડેએ ફેક્ટ ચેક દ્વારા એ સાબિત કરી બતાવ્યું હતું કે અહીંથી પાકિસ્તાન દેખાતું નથી. જે વસ્તુ કિલ્લાથી 200 કિલોમીટર દૂર હોય તે જોવી અસંભવ છે. સાફ વાત છે કે કેટલાકને બે ગલી પછીનું ઘર બરાબર ન દેખાતું હોય ત્યાં પાકિસ્તાન તો કેમ દેખાય?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત