Homeતાપણુંનરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ ગિરનાર પર્વત પર ગયા અને કોંગ્રેસના 18...

નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ ગિરનાર પર્વત પર ગયા અને કોંગ્રેસના 18 મંત્રી ઘરે બેસી ગયા

1998-99ની સાલ હતી. જિલ્લા અને તાલુકાના લોકોને જ્યારે ખબર પડે કે આપણા મુખ્યમંત્રીનું આગમન થવાનું છે તો આકાશમાં તાકતા રહેતા. બરાબર બારથી બેની વચ્ચે એક હેલિકોપ્ટર ઉડતું આવે. તેનો ઘરરરર અવાજ સંભળાય. દોડીને બધા પોત પોતાને આંગણે આવે અને નાનો છોકરો કુતુહલતાવશ વડીલને પૂછે, ‘બાપુજી એમાં કોણ બેસે?’

છોકરાની જીજ્ઞાસાને સંતોષવા વડીલ કહે, ‘બેટા મુખ્યમંત્રી.’

‘એ કોણ?’

‘કેશુભાઈ પટેલ.’

‘એમને ઓળખો?’

‘હા એમને બધા ઓળખે. તારા બા પણ અને કાકા પણ.’

એક મુખ્યમંત્રી વિશેની કેટલી મીઠી વાતચીત. કેશુભાઈ પટેલના જમાનામાં આ બધુ થતું. લોકો કામ ધંધો છોડી દોડીને બહાર આવતા. ખૂદ પટેલે ભારતીય જનતા પાર્ટીને હાલની સ્થિતિ સુધી પહોંચાડવા ગામડાનાં ગામડા ખૂંદી નાખ્યા હતા. એ વખતે તો તેમની ફક્ત એક કાર્યકર્તા તરીકેની ઓળખ હતી. ગુજરાતમાં ભાજપની પાર્ટીની બગલ પકડી ખુરશી પર બેસાડનારા પ્રમુખ નેતાઓમાં કેશુભાઈ પટેલનું પણ નામ આવે છે.

કેશુભાઈ પટેલને એક મોટી વસ્તુ નડી ગઈ. ગુજરાતમાં આવેલો ભૂકંપ. તેનાથી કેશુભાઈ પટેલની એવી છબી ઊભી થઈ કે તેઓ સ્થિતિને કાબુમાં નથી રાખી શકતા. જનતા એમનાથી નિરાશ હતી તેવો માહોલ ઊભો થયો.

મુખ્યમંત્રી તરીકેના પદમાંથી વિદાય લેવાનો વારો ભૂકંપના કારણે આવ્યો તેવું ઘણા રાજકીય વિવેચકો માને છે. રાજકારણમાં ભૂકંપ આવે પણ કેશુભાઈ પટેલની રાજકીય કારકિર્દીમાં ખરાં અર્થમાં ભૂકંપ આવી ગયો હતો.

કેશુભાઈ પટેલ, મકરંદ દેસાઈ, ડો.એ.કે પટેલ, શંકરસિંહ વાઘેલા અને પછી નરેન્દ્ર મોદી. ભાજપની નવી બટાલીયન ઊભી થઈ. રામ મંદિરનું આંદોલન પૂર્ણ થયાને ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. હવે ધીમે ધીમે હવા ભાજપ તરફ ફૂંકાવા લાગી હતી. ચીમનભાઈ પટેલના નિધન બાદ ગુજરાતને એક બીજા કદાવર નેતાની જરૂર હતી. જે ઊભો કરવાની જવાબદારી ભાજપે લીધી હતી.

જાન્યુઆરીનો મહિનો શિયાળાનો મહિનો છે. ઠંડીમાં લોકો ગિરનાર પર્વત પર ચડે છે. ગુજરાતના ચાર નેતાઓએ નક્કી કર્યું કે આપણે પણ ગિરનાર પર્વત પર એક આટો મારી આવીએ. ભાજપની છબી હિન્દુવાદીની હોવાથી, તેમના નેતાઓ તો ગિરનાર પર્વત પર સાધુ મહાત્માઓ સાથે સત્સંગ કરવા માટે જાય. એમાં શું મોટી વાત છે ? તેવી વાતો વહેતી થઈ. એ વખતે મીડિયાનું અત્યાર જેટલું પ્રભૂત્વ નહોતું કે, નેતાની પાછળ પાછળ એક રિપોર્ટર દોડ્યો જતો હોય. માધ્યમોની એટલી જ સગવડતા કે બીજા દિવસે છાપા વાંચે કાં દૂરદર્શન પર સાત વાગે આવતા સમાચાર જુએ.

દિવસ પસંદ કરવામાં આવ્યો અને નેતાઓ ગિરનાર પર્વત ચડવા લાગ્યા. નેતાઓમાં કોણ કોણ હતા? શંકરસિંહ વાઘેલા, ચિમનભાઈ શુક્લ, સૂર્યકાંત આચાર્ય, નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ. નેતાઓ ગિરનાર શું કામે ચડી રહ્યા હતા ? કારણ હતું ગુજરાત વિધાનસભાની બે મહિના પછી આવી રહેલી ચૂંટણી. જેમાં ભાજપને ગમે તે ભોગે જીતવાનું હતું.

આ માટે એક સલામત જગ્યા શોધવાની હતી જ્યાં જઈ આવનારી ચૂંટણીની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવે. એ સલામત જગ્યા ગિરનાર પર્વત હતી!! નેતાઓએ બ્લુપ્રિન્ટ તૈયાર કરી નાખી અને પછી ચૂંટણીના મેદાનમાં જંપ લાવ્યું. હવે ચૂંટણી સમયે શું થયું તેનું આખુ ચિત્ર દર્શાવીએ.

ચૂંટણીનું પરિણામ આવ્યું અને કોંગ્રેસનો શ્વાસ અદ્ધર થઈ ગયો. 45માં કોંગ્રેસ આઉટ થઈ ગઈ. વિધાનસભાની 182 સીટમાંથી 121 સીટ ભાજપના ખાતામાં આવી હતી. ગુજરાતથી દિલ્હી સુધી ડંકો વાગી ગયો હતો. કોંગ્રેસ માટે માથાનો દુખાવો એ હતો કે તેમની પરંપરાગત મુસ્લિમ વોટ બેંક પણ કામ ન આવી. કેટલીક મુસ્લિમ વોટબેંકો પણ ભાજપના ખાતામાં હડેડાટ ચાલી ગઈ.

ઘણા રાજકીય વિવેચકો કહેતા હતા કે આવનારી ગુજરાતની ચૂંટણી રામમંદિરના કારણે ભાજપને ભારે પડી જશે. કદાચ તેમને મુસ્લિમોના વોટ નહીં મળે. તેની જગ્યાએ મુસ્લિમ વિસ્તારોમાં પણ ભાજપે જીતનો ઝંડો ખોડી દીધો હતો.

કોંગ્રેસ માટે મનન અને ચિંતન કરવા સિવાય હવે કંઈ બાકી નહોતું રહ્યું. તેના પોતાના 18 મંત્રીઓ ઘરે બેસી ગયા હતા. આ ઘરે બેસનારા મંત્રીઓમાં એક નેતા નરહરિ અમીન અને મનોહર સિંહ જાડેજા સહિતના 18 મંત્રીઓ. કુલ 35 મંત્રીઓની ફોજ મેદાનમાં ઉતરી હતી તેમાંથી પણ કેટલાક મંત્રીઓ તો માંડ માંડ જીત સુધી પહોંચી શક્યા.

કોંગ્રેસની ખરાબ સ્થિતિ કઈ કઈ જગ્યાએ થઈ ? અમદાવાદ, ભરૂચ, મહેસાણા, રાજકોટ, કચ્છ, સુરત, વલસાડ,બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં કોંગ્રેસ ખાતુ પણ ન ખોલાવી શકી. 2014 અને 2019ની ચૂંટણીમાં કેન્દ્રમાં કોંગ્રેસની જે સ્થિતિ થઈ હતી તેવી આબેહૂબ હાલત ગુજરાતમાં થઈ.

લોકોને ખબર પડી ગઈ કે હવે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ બનવાના છે. એટલે તેઓ જ્યાં પણ જતા તેમના ગળામાં મોટો હાર પહેરાવી દેવામાં આવતો હતો. કેશુભાઈ પટેલે ભાજપની પ્રચંડ જીત બાદ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘‘ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી ભૂમાફિયાઓ, અનૈતિક વેપારીઓ, સત્તાના દલાલો અને ગુંડાઓનું રાજ દેખાય છે. અમે જનતાને સારી સરકાર આપવા માટે કટીબદ્ધ છીએ. થોડા જ દિવસોમાં રસ્તા પર ચાલતા લોકોને આ તફાવતની ખબર પડી જશે.’’ માનવું તો પડે કે ગુજરાતમાં કેશુભાઈ પટેલ આવ્યા પછી પુરષોત્તમ રૂપાલા કહે છે એમ, ‘કેટલાક અસામાજીક તત્વોને ડામી દેવામાં આવ્યા.’ પ્રભુ કેશુભાઈ પટેલની આત્માને શાંતિ આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments