વિષ્ણુ પંડ્યા અને આરતી પંડ્યા દ્રારા લિખિત અને સંપાદિત્ત પુસ્તક વિધાનસભા ચૂંટણી 2012 મારા હાથમાં છે. આ પુસ્તકમાં અંગ્રેજી અને ગુજરાતી અખબારોના એ સમયે લખેલા કટીંગ પણ છે. જેમાં કેશુબાપાની ગુજરાત પરિવર્તન પાર્ટી G.P.Pએ કેવી રીતે ભાજપ અને કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું તેની વિગતો છે. કેશુબાપાની આ પાર્ટીને તો બે જ સીટ મળી હતી. એક વિસાવદરથી કેશુબાપાની પોતાની અને બીજી ધારીથી નલિન કોટડીયાની. તો પછી એ નુકસાન કેવી રીતે પહોંચાડી શકે ?
G.P.Pના કારણે કઈ બેઠકો પર અસર પડી ?
અવલોકન મુજબ ગુજરાત પરિવર્તન પાર્ટીના કારણે વિસાવદર, ધારી, ધ્રાંગધ્રા, દસક્રોઈ, ગઢડા, ગોંડલ, જામનગર દક્ષિણ, જસદણ, જૂનાગઢ, કાલાવડ, કલોલ કાંકરેજ, કેશોદ લાઠી, માણાવદર, માંડવી, મહેમદાવાદ, પાલિતાણા, સાવરકુંડલા, તાલાલા, ઉના અને વાંકાનેર જેવી બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ બંનેને અસર પહોંચી હતી. G.P.P પાર્ટીને ભલે બે જ સીટ મળી હતી, પણ કેશુભાઈ પટેલના પ્રભાવના કારણે ભાજપ અને કોંગ્રેસ બંનેના મત તૂટ્યા હતા. આ કારણે જ કેટલીક જગ્યાએ ભાજપ અને કેટલીક જગ્યાએ કોંગ્રેસ જીતતા જીતતા હારી ગયું હતું.
2012માં હાર્યા પછી કેશુબાપાનું નિવેદન
ડિસેમ્બર 20, 2012નાં રોજ સંદેશ અખબારમાં કેશુબાપા દ્રારા અપાયેલું એક નિવેદન છપાયું હતું. એ નિવેદનમાં કેશુબાપા કહે છે, હાર-જીતથી મેરિટ બદલાઈ જતું નથી : ગુજરાતના ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો જેમના તેમ જ છે. પ્રજાએ ફરીથી ભાજપને સરકાર બનાવવાની તક આપી છે.
અખબારમાં કેશુબાપાએ કહેલું હતું, ‘‘આ જીતનાં કારણે અમે જે મુદ્દા પ્રજા સમક્ષ મૂક્યા હતા તે જમીનની હકીકત બદલાઈ જતી નથી. હકીકત તો હકીકત જ રહે છે. પૈસાના અને સત્તાના બળથી સત્ય ઢંકાઈ ગયું છે તેનું અમને દુખ છે. અમે સ્વીકારીએ છીએ કે અધૂરાં સાધનો, અધૂરી વ્યવસ્થા અને મર્યાદિત સમયનાં કારણે અમારી વાત અમે પ્રજા સુધી અસરકારક રીતે પહોંચાડી શક્યા નથી. પરંતુ એ પણ હકીકત છે કે પ્રજાએ અમારા કેમ્પેઈન દરમિયાન ઊભા કરાયેલા મુદ્દાને સ્વીકાર્યા હતા. આખા કેમ્પેઈન દરમિયાનમાં લાખો લોકોને મળવાનું થયું તેમાં કોઈ જ જગ્યાએ અમારા મુદ્દાઓ કે જીપીપીનો વિરોધ એક પણ વ્યક્તિએ કર્યો ન હતો.’’
G.P.Pને ધારીની બેઠક કઈ રીતે મળી ગઈ હતી ?
વિસાવદરની બેઠક તો કેશુબાપાના હોમટાઉન અને તેમના ચહેરા તરીકે મળે જ પણ ધારીની બેઠક કઈ રીતે મળી ગઈ હતી એ મોટો મુદ્દો બન્યો હતો. 2012માં એ વખતે દિવ્ય ભાસ્કરમાં છપાયેલા અહેવાલને જોઈએ તો..
ધારીની બેઠક પરથી નલીન કોટડીયા 1,575 મતથી વિજેતા થયા હતા. ધારીની બેઠક પર ભાજપના ઉમેદવાર સામે રેશનિંગ કૌભાંડ અને અન્ય કેટલીક બાબતોનાં કારણે છાંટા ઉડ્યા હતા. એ સમીકરણોના કારણે પણ ભાજપને કદાચિત બેઠક ગુમાવવી પડી હતી. બાકીની ઘણી ખરી બેઠકો તો G.P.Pને ડિપોઝીટ પરત મળી શકે તેટલા પણ મત મળ્યા નથી.
લાઠીમાં પણ G.P.Pએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. G.P.P 13,004 મત ખેંચી જતા ભાજપે 2,764 મતે પરાજય ખમવો પડ્યો હતો. માણાવદરમાં કોંગ્રેસે વધુ એક વખત 4,402 મતની સરસાઈ મેળવી સીટ જાળવી રાખી હતી, પરંતુ અહીં પણ G.P.P 10,985 મત લઈ જતાં ભાજપને નુકસાનકર્તા સાબિત ગણી શકાય.
ઈન્ડિયન એક્સપ્રેસમાં પણ સૈયદ ખાલીક અહેમદે લખ્યું હતું કે, ‘બાપા ભલે જીત્યા નહીં પણ તેમણે વોટનું તો વિભાજન કરી જ નાખ્યું.’ અખબારોમાં એક ત્રીજા પ્રકારના અહેવાલો પણ છપાયા હતાં કે કેશુબાપાને પાર્ટી બનાવ્યાથી કશો ફાયદો થયો નહીં. G.P.Pથી કેશુબાપાને ફાયદો થયો કે નુકસાન તેની સૌથી વધારે ખબર તો એ નેતાઓને હશે જેઓ G.P.Pના કારણે વિધાનસભા સુધી ન પહોંચી શક્યા.