Homeવિશેષપંડિત વિષ્ણુ શર્મા કૃત પંચતંત્ર-પ્રથમતંત્ર-બગ ભગત

પંડિત વિષ્ણુ શર્મા કૃત પંચતંત્ર-પ્રથમતંત્ર-બગ ભગત

Presentation-Team Chabuk-Creative Desk: એક જંગલમાં માછલીઓથી ભરેલું એક તળાવ હતું. એક બગલો ત્યાં રોજેય માછલીઓ ખાવા માટે આવતો હતો, પણ હવે ઉંમર થઈ, શરીર સાથ આપતું ન હોવાથી બિચારો માછલીઓને પકડી નહોતો શકતો. આવતો, તળાવમાં પગ મૂકતો અને માછલીઓ પકડવા જાય ત્યાં કાં પોતે નીચે પડી જાય, કાં માછલીઓ તેના પ્રહારથી બચી જાય. એક દિવસ તે ભૂખનો માર્યો ટળવળતો ને વ્યાકુળ થઈ તળાવના કાંઠે બેઠો પોતાના વૃદ્ધત્વ પર રડતો હતો. ત્યાંથી એક કરચલો નીકળ્યો. એણે બગલાને આંસુ સારતો જોયો એટલે પૂછ્યું, ‘મામા! કેટલાય સમયથી જોઉં છું, હવે તું પહેલાની જેમ મજાથી ભરપેટ ખાઈ નથી શકતો અને આંખમાંથી શ્રાવણ ભાદરવો વહાવતો બેઠો રહે છો, એનું કારણ શું?’

બગલાએ કહ્યું, ‘મિત્ર, તું સાચો છો. હવે તો હું અનશન ઉપર છું, એટલે જ હું નજીકમાં આવતી માછલીઓને પણ પકડી નથી શકતો.’

કરચલાએ આ સાંભળીને કહ્યું, ‘મામા! આ વૈરાગ્યનું કારણ શું?’

‘મિત્ર! વાત એ છે કે મેં આ તળાવમાં જન્મ લીધો. બાળપણથી અહીં રહ્યો છું અને અહીં જ મારી આખી જિંદગી પસાર થઈ છે. આ તળાવ અને તળાવવાસીઓ સાથે મારો અતૂટ પ્રેમ છે. પણ મને ખબર મળી છે કે દુકાળ પડવાનો છે, ભારે દુકાળ, બાર વર્ષ સુધી મેઘરાજા વરસશે નહીં.’ બગલાએ આંસુ સારતા કહ્યું.

‘કોની પાસેથી સાંભળ્યું છે?’ કરચલાએ પૂછ્યું,

બગલાએ કહ્યું, ‘એક જ્યોતિષી પાસેથી. શનિશ્ચર જ્યારે શકટાકાર રોહિણી તારક મણ્ડલને ખંણ્ડિત કરીને શુક્રની સાથે એક રાશિમાં જશે, ત્યારે બાર વર્ષ સુધી વરસાદ નહીં થાય. પૃથ્વી ઉપર પાપ ફેલાઈ જશે. માતા પિતા પોતાની સંતાનનું ભક્ષણ કરવા માંડશે. આ તળાવમાં તો પહેલા જ પાણી ઓછું છે. વહેલાસર આ પણ સૂકાઈ જશે. તળાવ સૂકાતા મારા બાળપણના સાથી, જેમની સાથે હું મોટો થયો છું, એ બધા મૃત્યુ પામશે. તેમના વિયોગની કલ્પના માત્રથી હું રડી રહ્યો છું. એટલે જ મેં અનશનનો આરંભ કર્યો છે. બીજા જળાશયમાંથી પણ જળચર અન્ય તળાવમાં જઈ રહ્યા છે. મોટા જળચરો તો ચાલ્યા જશે પણ બીચારા નાનાઓનું શું? આ પાણીના જળચરોને તો ભવિષ્યમાં શું થવાનું છે તેની ભનક જ નથી. એ તો નિશ્ચિત અહીં તરી રહ્યા છે. એમનું શું થશે? એમના વંશનું નિકંદન નીકળી જશે. હું એટલે રડી રહ્યો છું મિત્ર…. હું એટલે રડી રહ્યો છું….’

કરચલાએ મામા બગલાનાં મોઢેથી આ વાત સાંભળી અને તમામ માછલીઓને અવગત કરી દીધી. સૂચના મળતા બધી બગલા પાસે આવવા લાગી અને પૂછવા લાગી, ‘મામા, અમારો જીવ બચી જાય એવો કોઈ ઉપાય ખરો?’

‘અહીંથી થોડે દૂર એક જળાશય આવેલું છે. જો તમે મારી પીઠ પર બેસી જાવ તો હું તમને ત્યાં લઈ જાવ. ચોવીસ વર્ષ સુધી દુકાળ પડે તો જગતના તમામ જળાશયોના નીર ખૂટી જાય પણ એ જળાશયના ન ખૂટે, બસ આ એક ઉપાય છે.’

વાત સાંભળતા જ જળાશયમાં રહેલા તમામ જીવો એકસૂરે બોલી ઉઠ્યાં, ‘હું પહેલો… હું પહેલો… હું પહેલો…’

દૃષ્ટ બગલો એક એકને પોતાની પીઠ પર બેસાડીને લઈ જતો અને પહાડની એક ટોચ પર પછાડી મારી નાખતો. મારી નાખ્યા પછી એ પોતાના પેટની આતશ બુઝાવતો. આવું ચાલ્યા જ કર્યું. એક દિવસ કરચલાએ કહ્યું, ‘મામા, મારી તો તારી સાથે આ બધાની પહેલા મુલાકાત થઈ હતી. કરમની કઠણાઈ બેસવાની છે એ વાત સૌથી પહેલા મેં તારી પાસેથી સાંભળી હતી અને બધા જળચરોને આવનારા ભય અંગે સૂચિત કર્યા હતાં, છતાં તું મને આજ સુધી એ જળાશયે નથી લઈ ગયો.’

બગલો મનમાં જ ગણગણ્યો, ‘કેટલાય દિવસથી માછલીઓ ખાઈ ખાઈને હું થાકી ગયો છું. આ કરચલામાં નવો સ્વાદ આવશે. આજે આનો જ વારો કાઢી લઉં.’

એણે કરચલાને પોતાની ગરદન પર બેસાડી લીધો અને ઉડવા લાગ્યો. કરચલાએ એક પહાડીની ટોચ પર માછલીઓના હાડકા જોયા તો તેને સમજતા વાર ન લાગી કે મામા બગ ભગતે શું કહ્યું અને શું કર્યું? કરચલાએ બુદ્ધિ વાપરતા બગલાને પૂછ્યું, ‘મામા! એ જળાશય હવે કેટલું દૂર છે? આ તો હું એટલે પૂછી રહ્યો છું કે મને પીઠ પર બેસાડીને ઉડતાં ઉડતાં તું થાકી ગયો હોઈશ.’

બગલાએ વિચાર્યું કે હવે આને કહી દઉં તો પણ શું ઉખાડી લેવાનો છે, ‘કરચલા મહારાજ, એ જળાશયે જવાના સપના હવે ભૂલી જ જાવ. આ તો મારી પ્રાણયાત્રા ચાલી રહી છે અને તારી અંતિમ યાત્રા. તારો પણ છેલ્લો દિવસ આવી ગયો છે. તું જે પણ ભગવાનને માનતો હો એને યાદ કરી લે. હમણાં આ જ ટોચ પર પછાડી તને મારી નાખીશ અને ખાઈ જઈશ.’

બગ ભગત ચાચ કાઢી હસી રહ્યો હતો, ત્યાં કરચલાએ પોતાના બંને તીક્ષ્ણ હાથ બગલાની નરમ ગરદન પર ભેરવી દીધા. બગલો શ્વાસ ન લઈ શક્યો અને ત્યાં જ તેના રામ રમી ગયા. કરચલો મૃત બગલાની ગરદન લઈ જૂના જળાશય પાસે આવ્યો. કરચલાને બધા ઘેરી વળ્યા અને મામા ક્યારે લેવા આવશે એ પૂછવા લાગ્યા.

કરચલાએ બગલાની ગરદન બતાવી કહ્યું, ‘મૂર્ખો એ માછલીઓને આ જળાશયથી એ જળાશય લઈ જવાનું કહી પહાડની ટોચ ઉપર પટકી મારી નાખતો હતો અને ખાઈ જતો હતો. આ વખતે મેં જ તેના પ્રાણ હરી લીધા. હવે તમે આનંદિત થઈ રહો.’

                                                 *******

શિયાળની વાર્તા પૂરી થઈ એટલે કાગડાએ પૂછ્યું, ‘મિત્ર, સાપને પણ આ રીતે હણી શકાય?’

શિયાળે ઉપાય સૂચવતા કહ્યું, ‘એક કામ કરો, તમારામાંથી કોઈ એક નગરના રાજમહેલમાં ચાલ્યા જાવ. ત્યાંની રાણીનો ગળાનો હાર ઉઠાવી સાપના દરમાં નાખી દો. રાજાના સૈનિકો એ સુંદર અને અમૂલ્ય હારની શોધમાં અહીં આવશે અને સાપને જોતા મારી નાખશે.’

બીજા દિવસે કાગડી રાજમહેલમાં ગઈ અને મહારણીના અન્ત:પુરમાંથી સુવર્ણહાર ઉઠાવી ઉડી ગઈ. મહારાણીએ સિપાહીઓને બોલાવી હાર લાવવાનું કહ્યું. સિપાહીઓ મહારાણીના આદેશનું પાલન કરતાં કાગડીની પાછળ પાછળ ગયા. કાગડીએ સિપાહીઓ જુએ એમ હારને સાપના દરમાં નાખી દીધો. સાપ માથે કંઈક પડ્યું છે એ જાણી ફેણ ફુલાવી ઊભો થઈ ગયો. સૈનિકોએ તેને જોયો અને લાકડી લઈ તૂટી પડ્યા. સાપનું નિકંદન કાઢ્યા બાદ સૈનિકો હાર લઈ રાજમહેલ ભણી ચાલ્યા ગયા.

કાગડો અને કાગડી શિયાળની બુદ્ધિમતાના કારણે શાંતિથી રહેલા લાગ્યા. તેમના નવા આવેલા બચ્ચાઓને પણ કોઈનો ખતરો નહોતો.

*******

દમનકે ફરી કહ્યું, ‘સાચું તો એ છે કે બુદ્ધિનું સ્થાન બળથી વધારે છે. જેની પાસે બુદ્ધિ છે એ જ તાકતવર છે. બુદ્ધિહીનનું બળ પણ વ્યર્થ છે. બુદ્ધિમાન નિર્બુદ્ધિને આમ જ પરાજય આપી દે છે. જેમ સસલાએ સિંહને હરાવી દીધો હતો.’

કરટકે પૂછ્યું, ‘એ કેવી રીતે?’

દમનકે સસલા અને સિંહની વાર્તા સંભળાવી.

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments