Homeવિશેષજ્હોન એડમ્સ : બેન્જામિન ફ્રેંકલીન સાથે એક ખાટલામાં સૂતેલા રાષ્ટ્રપતિ

જ્હોન એડમ્સ : બેન્જામિન ફ્રેંકલીન સાથે એક ખાટલામાં સૂતેલા રાષ્ટ્રપતિ

અમેરિકા મૂળ રેડ ઈન્ડિયન આદિવાસીઓનું છે પણ તેમના સમાજમાંથી કોઈ પ્રમુખ નથી બન્યો. ભારતમાં હોત તો કેટલીક ટિકિટો સગેવગે કરી લીધી હોત. તેમના નામ પર જ ચૂંટણીઓ લડાતી હોત. તેમના ઘરે જઈ નેતાઓ ભોજન કરતા હોત. રેડ ઈન્ડિયન સહાય યોજના પણ બહાર પાડી હોત. ખબર નહીં તેમને એ સ્તરના રાજકારણમાં રસ નથી કે તેઓ પહોંચી જ નથી શકતા ? આજે જે બીજા પ્રમુખની વાત કરવાના છીએ, એ બ્રિટનનો હતો. જ્હોન એડમ્સ.

એ ખૂબ વ્યસ્ત રહેતો હતો. ભારે કામગીરીના કારણે તેને વર્ષો સુધી પોતાની પત્નીથી દૂર રહેવું પડતું હતું. આ વિરહમાં તે રોજ એક પત્ર લખતો. જ્હોન એડમ્સ દ્રારા લખાયેલા 1100 પત્રો અમેરિકાના અભિલેખાગારમાં રાખવામાં આવ્યા છે. પત્રોમાં પ્રેમનું એટલું પ્રોટીન ભરેલું છે કે ઉધઈ પણ વર્ષો જૂના આ પત્રોને ખાતી નથી. ઉધઈ પ્રેમપત્રો અને પ્રેમની કવિતાઓ જલદી પચાવી શકતી નથી! હા, કોઈ વાર પ્રેમની લપસણી વાતો જાણી પોતાનો વંશવેલો વધારતી હશે !

જ્હોન એડમ્સ પત્રમાં પોતાની પત્નીને લખતો, ‘જ્યારથી આપણે બંન્ને છુટ્ટા પડ્યા છીએ ત્યારથી મને રાત્રે ઉંઘ નથી આવતી. તારા વિના તો હું કંઈ છું જ નહીં.’

પોતાના સિનીયર રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન પાસેથી એડમ્સ પત્ર લખવા બાબતે પ્રેરણા નહોતો લેતો. તેમની પાસેથી એ એક વાત તો શીખ્યો જ હતો કે પત્નીને પત્ર લખાય પ્રેમિકાને નહીં. આજે જ્યોર્જ વોશિંગ્ટને પત્નીને લખેલા ત્રણ પત્ર જ અસ્તિત્વ ધરાવે છે. જોકે જ્યોર્જ તો મિત્રોની પત્નીઓને પત્રો લખતો હતો. જે સાચવ્યા જેવા નહોતા.

પત્ની સિવાય તે મિત્રો અને પરિવારજનોને પણ પત્ર લખતો. તેની પત્રો લખવાની કળા અને તેના અક્ષરો એટલા સુંદર હતા, કે ઉપર સરનામું નહીં પણ ફક્ત કોઈનું નામ લખ્યું હોય, તો અક્ષરો વાંચીને ટપાલી પોસ્ટ કરી આવતો. તેને પરિવારજનો પ્રત્યે અનહદ પ્રેમ હતો. છતાં પરિવારજનો તેના પત્રો વાંચતા હતા કે નહીં તેની તેણે કોઈ દિવસ તસ્દી નહોતી લીધી. એ બસ લખ્યા કરતો હતો.

પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા અને ઈતિહાસકાર ડેવિડ મેકકોલે બીજા પ્રમુખની આત્મકથામાં એક વિધાન ટાંક્યું છે. તેઓ લખે છે, ‘અમેરિકાના બીજા રાષ્ટ્રપતિની જ્યારે શપથવિધિ હતી ત્યારે તેના પરિવારજનોમાંથી કોઈ ડોકાયું ન હતું.’ મારું એવું માનવું છે કે કદાચ પત્ર મોડો પહોંચ્યો હોવો જોઈએ. બાકી પરિવારને આટલો પ્રેમ કરનારા રાષ્ટ્રપતિના પરિવારજનો આટલા નિષ્ઠુર કેવી રીતે હોઈ શકે ? કોઈ રોજ રોજ થોડું પ્રેસિડેન્ટ બને છે.

અમેરિકાને સ્વતંત્રતા અપાવવામાં એડમ્સનો મોટો હાથ હતો. તેની સંવર્ધિત અને ઓછી આવૃતિવાળી આત્મકથા ‘‘જ્હોન એડમ્સ’’માં લખેલું છે, બ્રિટને અમેરિકાને સ્વતંત્રતા આપ્યા બાદ એક કાગળ તૈયાર કરેલો. જેમાં બ્રિટને કેટલાક અમેરિકનોને માફી આપી દીધી હતી. આ માફીવલીમાં એડમ્સનું નામ ન હતું. એ યુદ્ધ બ્રિટન ભૂલથી પણ જીતી જાત તો તેણે એડમ્સને ફાંસીના માચડે ચડાવવાની પૂરતી તૈયારી કરી લીધી હતી. આ વાતની એડમ્સને ખબર પડી ગયેલી અને તે ગમે તે ભોગે યુદ્ધ જીતવા માગતો હતો, કારણ કે તેને ખ્યાલ હતો કે હું ભવિષ્યમાં અમેરિકાનો રાષ્ટ્રપતિ બનવાનો છું. જોકે એ ખોટી ભવિષ્યવાણીઓ ખૂબ કરતો હતો.

જ્યોર્જ વોશિંગ્ટનની ઘણી વાતો સાથે આ રાષ્ટ્રપતિ અસહમત રહેતો. પ્રથમ પ્રેસિડેન્ટ પાસે ત્રણસો ગુલામો હતાં પણ એક પણ ગુલામ ન રાખી એડમ્સે નવો ચીલો ચાતરેલો, જે ઘણાં અમેરિકનોને ન હતું ગમ્યું. અન્યથા એડમ્સના દેશ બ્રિટને ગુલામની જગ્યાએ ગુલામ દેશો બનાવીને રાખ્યા હતા.

એડમ્સ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ ખોટા નિવેદનો આપતો રહેતો કે ગુલામી પ્રથાના આંકડા ઘટી રહ્યાં છે. આવા નિવેદનો સાંભળી તેના ઘણા વિરોધીઓ વધારે ગુલામો ખરીદી લેતા હશે. સાચું કહું તો એ ખોટો હતો. 1790માં ગુલામોની વસતિ ગણતરી કરતાં તેમની સંખ્યા 7 લાખ થઈ ચૂકી હતી અને તેના પછીના વર્ષે 9 લાખને પાર થઈ ગઈ હતી.

આ એડમ્સને કોઈ કામ માટે યાદ કરવામાં આવે છે તો એ કામ વસવાટનું છે. તે રાષ્ટ્રપતિ બન્યો તેના થોડા સમયમાં જ વ્હાઈટ હાઉસ તૈયાર થઈ ગયું. વ્હાઈટ હાઉસમાં કુમકુમના પગલાં પાડનારો આ પ્રથમ રાષ્ટ્રપતિ હતો. મજા હવે આવશે. તે વ્હાઈટ હાઉસને જોઈ અભિભૂત થઈ ગયો. ઘરેથી કપડાં લતા મંગાવી તે રહેવા જ જતો હતો ત્યાં તેણે અંદર જોયું કે કડિયા હજુ કામ કરે છે. ઠક ઠક ઠક અવાજ આવ્યા કરે છે. બહારથી રૂપાળો દેખાય છે પણ અંદર જૂનાગઢમાં દર ચોમાસે રોડ પર પડી જતા ખાડા જેવી દિવાલોએ ભંગીમાઓ લીધેલી છે.

આ દૃશ્ય જોઈ તે વ્યથિત થઈ ગયો. તેનું હ્રદયભંગ થઈ ગયું. તેને આટલી સરસ જગ્યામાં તાત્કાલિક રહેવા ન મળ્યું. તેના ઓફિશ્યલ્સે તેને તુરંત જ ટ્યૂનિફ્લિક સિટી હોટલના ક્વાર્ટરમાં થોડા દિવસો માટે રહેવાનું કહ્યું. નેતાઓને આશ્વાસનની ખૂબ જરૂર હોય છે. જ્હોન એડમ્સને આશ્વાસન પણ મળ્યું કે સાહેબ હમણાં તૈયાર થઈ જશે.

સમય રેતીની માફક સરકતો ગયો. પ્રમુખની ટર્મ પૂર્ણ થવા આવી અને હવે બીજી ચૂંટણી થવાની હતી. એડમ્સ નામના ઘોઘાએ કંઈ ઉકાળ્યું ન હતું. તેની હાર નિશ્ચિત હતી.

ઉતાવળે એણે વ્હાઈટ હાઉસમાં પગ મુક્યો. જ્યાં કલર કામ બાકી હતું. તેની પત્ની એટલે કે ફર્સ્ટ લેડીને સફેદ મકાનમાં તૈયાર ન થયેલી અવાવરૂ જગ્યાએ કપડાં ધોવા પડતા હતા. તેનો પતિ એડમ્સ બૂમ પાડતો તો તેને તેનો જ અવાજ પાંચ વખત સંભળાતો. પત્ની ગુસ્સે થઈ બરાડો પાડે તો એ અવાજ દસ વખત સંભળાતો!!

1 નવેમ્બર 1800થી ગણીને ચાર મહિના તે વ્હાઈટ હાઉસમાં રહ્યો. કડિયા અને કલરકામ કારીગરોએ પણ રાષ્ટ્રપતિ સાથે રહેવાનો લાભ ઉઠાવ્યો. તેઓ આખો દિવસ ઠક ઠક ઠક કર્યા કરતાં અને રાત્રે દારૂપાર્ટી કરતાં. જેની બિચારા એડમ્સને ખબર જ નહોતી.

એક દિવસ તે વ્હાઈટ હાઉસમાં પોતાના સમયથી વહેલો આવ્યો તો દંગ રહી ગયો. તેના નોકરો દારૂ ઢીંચતા હતા. ગાદલા રસોડામાં હતા અને ત્યાં પણ કેટલાક નોકરો અને કારીગરો મદ્યપાન કરી રહ્યા હતા. એ જ્યારે આવી સમસ્યાઓમાં ફસાતો ત્યારે પત્રો લખી નાખતો, નોકર સભા અંગે તેણે પત્નીને ફરિયાદ કરતો પત્ર લખ્યો. જે એ સમયે ત્યાં ઉપસ્થિત નહોતી. અર્થાત્ એડમ્સને પણ ખ્યાલ હતો કે મારી પત્ની મને સીધો દોર કરી શકે તો આ દારૂડિયાઓને તો અચૂક કરી શકશે. તેણે થોડા દિવસ રજા પર ગયેલી પત્નીને લખ્યું, ‘તું હવે આવી જા, અહીં ઘર ખેદાન મેદાન થઈ ગયું છે. નોકરો આપણા વ્હાઈટ હાઉસમાં મદ્યપાન કરે છે.’

હું તો કહું છું સારું થયું આવું વધારે સહન કરતાં પહેલાં બીજી ટર્મમાં એડમ્સ હારી ગયો.

તેના પછી જે રાષ્ટ્રપતિ બનવાનો હતો તેનું નામ થોમસ જેફરસન હતું. એ ચૂંટણીમાં જ્હોન એડમ્સ વિરૂદ્ધ ઊભો અને તેણે એડમ્સ પર એવા આરોપ લગાવ્યા કે, ‘એડમ્સ એક વિદૂષક જેવું પાત્ર છે. તેણે ઈંગ્લેન્ડ દેશમાં વેશ્યાઓની તસ્કરી કરી હતી. પોતાનું કુટુંબ શાહી પરિવાર સાથે જોડાય આ માટે તેણે પોતાના દીકરાના લગ્ન કિંગ જ્યોર્જ ત્રીજાની દીકરી સાથે કરવાની ષડયંત્રકારી યોજના બનાવેલી.’

આ વિષય પર એડમ્સના સમર્થકો કહેતા હતા, ‘થોમસ જેફરસન મંચ પરથી જે રીતે પ્રેસિડેન્ટ પર ગંદા આક્ષેપ કરી રહ્યો છે તેનાથી વર્તમાન પ્રેસિડેન્ટ તો હારી જ જશે. પણ વર્ષો સુધી આવી હલકી રાજનીતિનો દરેક નેતાઓ ઉપયોગ કરતાં રહેશે.’ એડમ્સના સમર્થકોના આ નિવેદનો આજે ખરા સાબિત થઈ રહ્યાં છે.

જીવનભર જ્હોન એડમ્સ અને થોમસ જેફરસન એકબીજાના પ્રતિદ્વંદી રહ્યા. છેલ્લા દિવસોમાં જ્હોન એડમ્સે એક વાક્ય બોલેલું કે, ‘થોમસ જેફરસન સાલો બચી જશે.’ એ બીચારાને ક્યાં ખબર હતી કે થોમસ જેફરસનની આત્માને તો યમરાજ ચાર કલાક પહેલા જ ઉઠાવી ગયા છે. મેં કહ્યું ને એ ખોટો ભવિષ્યવેતા હતો.

એ ખૂદ મર્યો ત્યારે કિર્તીમાન રચી ગયેલો. 90 વર્ષ સુધી જીવવાનો કિર્તીમાન. જેને ભવિષ્યમાં રેગન અને ફોર્ડે ધ્વંસ કર્યો. જેમણે નેતા તરીકે વિરોધીઓને 93 વર્ષ સુધી હેરાન કર્યા હતા.

જ્હોન એડમ્સ અને બેન્જામિન ફ્રેંકલિન એક જ બેડ પર સાથે સૂતા હતા. અમેરિકા જ્યારે સ્વતંત્ર થયું ત્યારે પ્રતિનિધિમંડળ સાથે બેન્જામિન અને એડમ્સ જઈ રહ્યાં હતા. રાત થઈ ચૂકી હતી એટલે એક હોટલમાં ઉતરવાનું વિચાર્યું. બે રૂમ ખાલી હતા. એક રૂમમાં મંડળના બીજા લોકોને મોકલવામાં આવ્યા. બેન્જામીન અને એડમ્સ એક અન્ય રૂમમાં ઘસઘસાટ ઉંઘી ગયા. આ વિશેનો ઉલ્લેખ કરતાં એડમ્સ ભાઈ લખે છે, ‘એ ખાટલો ખાટલાથી થોડો જ મોટો હતો. કહું છું ખાટલો કહેવાને લાયક જ નહોતો. કક્ષમાં ચીમની પણ ન હતી, બારી તો ખૂબ નાની હતી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments