Team Chabuk-Political Desk: ભારતમાં 90નાં દાયકામાં જે ઐતિહાસિક ઘટનાઓ ઘટી તેમાં ટોચના સ્થાને ઉદારીકરણની નીતિને મૂકવામાં આવે છે. આજે મનમોહન સિંહ અને નરસિંહ રાવની સરકારે લીધેલા નિર્ણયને ત્રીસ વર્ષના વહાણ વીતી ગયા છે. જ્યારે જ્યારે દેશનું અર્થતંત્ર તેની વિકટ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હોય છે ત્યારે ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી અને નાણામંત્રી મનમોહન સિંહની એ નીતિનું સ્મરણ થયા વિના નથી રહેતું.
આ બજેટને રજૂ કરતા તત્કાલીન નાણા મંત્રી ડોક્ટર મનમોહન સિંહે ફ્રાન્સના વિચારક અને નવલકથાકાર વિક્ટર હ્યુગોની એ પંક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો કે જેની ચર્ચા મેનેજમેન્ટ અને રાજનીતિની કક્ષાઓમાં આજે પણ થાય છે. તેમણે લોકસભામાં કહ્યું હતું કે, ‘દુનિયાની કોઈ શક્તિ એ વિચારને નથી અટકાવી શકતી જેનો સમય આવી પહોંચ્યો હોય.’
અર્થવ્યવસ્થાને દોડાવો
24 જુલાઈ 1991ના રોજ દેશમાં કોંગ્રેસની સરકાર હતી. ગાંધી પરિવાર સિવાયનો એક પ્રધાનમંત્રી દેશને મળ્યો હતો. સરકાર નવી નવી બની હતી. સમર્થનના વિખવાદની સામે ખૂદનું અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહેલી આ સરકારની સામે મોટી મુસીબત અર્થવ્યવસ્થાને નવા વાઘા પહેરાવવાની હતી. સરકારની દોરી તત્કાલિન પ્રધાનમંત્રી પી.વી.નરસિમ્હા રાવના હાથમાં હતી. તેમણે દેશના નાણામંત્રી તરીકે પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરના આર્થિક સલાહકાર રહેલા ડો.મનમોહન સિંહની પસંદગી કરી હતી.
અર્થવ્યવસ્થાની સાથે સાથે દેશની રાજનીતિમાં પણ મોટું પરિવર્તન આવી રહ્યું હતું. વી.પી.સિંહનું મંડલ કમિશન વિવાદના ઘેરામાં આવી ગયું હતું તો બીજી બાજુ રામ મંદિરનો મુદ્દો ગાજવા લાગ્યો હતો. 7 નવેમ્બર 1990ના રોજ વી.પી.સિંહની સરકાર પડી ગઈ. ચંદ્રશેખર પ્રધાનમંત્રી બન્યા, પણ તેમને સત્તાનો સ્વાદ વધુ ચાખવા ન મળ્યો. એમની સરકાર પણ પડી ગઈ. દેશમાં ચૂંટણીની ઘોષણા થઈ અને આ સાથે જ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની તારીખ 21 મે 1991ના રોજ હત્યા કરી દેવામાં આવી. ફરી ચૂંટણીઓ થઈ અને સત્તાના સિંહાસન પર બેઠા નિવૃત થવા ઈચ્છતા પી.વી.નરસિમ્હારાવ. જેઓ રાજનીતિને ટાટા બાય બાય કરી આંધ્ર પ્રદેશમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યા હતા.
સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ
ટોટલ 19,000 શબ્દોમાં મનમોહન સિંહે આ સરકારમાં પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. મનમોહન સિંહે આ બજેટમાં સાહસિક-આર્થિક સુધારાઓની શ્રુંખલા રજૂ કરી હતી. ભારત હવે સમાજવાદી મોડલથી ખુલ્લા બજારમાં પ્રવેશી રહ્યું હતું. જેનો સિદ્ધાંત હતો સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ.
90ના દાયકાની પહેલા કોઈ વસ્તુ ખરીદવામાં આવે છે તો તેમાં નાનો કે મોટો સરકારનો હસ્તક્ષેપ રહેતો હતો. દરેક ગતિવિધિ પર સરકારનો ડોળો મંડાયેલો રહેતો હતો. સ્વતંત્ર બજારનું અસ્તિત્વ નહોતું. બજારના ગળામાં એક લગામ હતી અને એ લગામનો છેડો સરકારના હાથમાં હતો. ડિમાન્ડ અને સપ્લાઈ જેવા અર્થશાસ્ત્રના નિયમો કાગળ પર ચિતરેલા હતા. વેપારનો કાયદો કંઈક આવો હતો, એક દુકાનને કહેવામાં આવે છે કે મહિનામાં માત્ર પચાસ સ્માર્ટફોન આપની દુકાન પર આવશે અને એ વેચાશે પછી જ નવા સ્માર્ટફોન મળશે. કેટલા આવ્યા કેટલા ગયા તેનો હિસાબ આપવાનો રહેશે.
ભારતને સ્વતંત્ર અર્થવ્યવસ્થાની જરૂર હતી. ખુલ્લી અર્થવ્યવસ્થામાં સરકાર નાણા પર અંકુશ નથી લગાવતી. કંપનીઓને કામ કરવાની સ્વતંત્રતા રહે છે. સરકાર ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપે છે. સ્ટાર્ટ અપ અને શેર માર્કેટના ઘોડાને ખુલ્લો મૂકી દેવામાં આવે છે. અર્થાત્ આત્મનિર્ભર બનવાની વાત હતી.
LPG એટલે શું ?
બજેટની સાથે સાથે મનમોહન સિંહે LPGની વિભાવના સામે રાખી હતી. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. ઉદારીકરણનો અર્થ થાય છે કે સરકાર વ્યવસાયના નિયમોને ઉદાર બનાવે. વેપારમાં સરકારી હસ્તક્ષેપને ઓછો કરી બજાર પ્રણાલીને આત્મનિર્ભર બનાવે. હવે વેપારની ગતિવિધિઓને સરકારની જગ્યાએ બજાર નક્કી કરશે. ખાનગીકરણનો અર્થ થયો કે સાર્વજનિક સ્વામીત્વ ધરાવતી સરકારી કંપનીઓમાં સરકારની ભાગીદારી ઘટાડી નાખવી અને સરકારનો ભાગ ખાનગી કંપનીઓને વેચી નાખવો. વૈશ્વિકરણનો અર્થ થાય છે કે અર્થવ્યવસ્થાની દૂરતા ઓછી કરવી. વસ્તુ અને સેવાને એક દેશમાંથી બીજા દેશમાં જવા દેવાની વચ્ચે જે અવરોધો આવતા હતા તેને સમાપ્ત કરી નાખવા.
સોફ્ટવેયર કંપનીઓ ખુલી ગઈ
સમાજવાદી અર્થવ્યવસ્થામાં જે ઉદ્યોગ સંરક્ષણના દમ પર ચાલી રહ્યા હતા સરકાર તેનાથી અચાનક હાથ ખેંચવા લાગી. વિદેશી કંપનીઓ માટે લાલ જાજમ પાથરવામાં આવી. ખાનગી કંપનીઓ માર્કેટમાં વધવા લાગી. આજે દેશની મોટાભાગની મહાકાય સોફ્ટવેયર કંપનીઓ છે, તેનો પાયો આજથી 30 વર્ષ પહેલા નખાયો હતો. વિશ્વબેંકના જણાવ્યા અનુસાર વર્ષ 2006થી 2016ની વચ્ચે 27.10 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર નીકળ્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત