Homeતાપણુંવજુભાઈ વાળાના ઘરે રાજપૂત સમાજની મહત્વની બેઠક મળી, મુખ્યમંત્રી બનવા અંગે વજુભાઈએ...

વજુભાઈ વાળાના ઘરે રાજપૂત સમાજની મહત્વની બેઠક મળી, મુખ્યમંત્રી બનવા અંગે વજુભાઈએ શું કહ્યું વાંચો

Team Chabuk-Political Desk: કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ મંત્રી એવા વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ પદેથી નિવૃત્ત થઈને ગુજરાત પરત આવી ગયા છે. વજુભાઈ વાળાની ગુજરાત વાપસી બાદ તેમની રાજકીય કારકિર્દી અંગે અનેક અટકળો ચાલી રહી છે. વજુભાઈ વાળા આગામી સમયમાં સક્રિય રાજકારણમાં શું ભૂમિકા ભજવશે તેનો કયાસ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સમગ્ર મામલે વજુભાઈ વાળાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી.

રાજકોટ સ્થિત વજુભાઈ વાળાના નિવાસ સ્થાને આજે રાજપૂત સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે સમસ્ત રાજપૂત સમાજની એકતા માટે ભવાની માતાજીનું નિર્માણ કરવામાં આવશે. એકતાના આ મંદિર સહિતના નિર્માણનું સુકાન વજુભાઈ વાળાને સોંપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. આ બેઠકમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ સહિતના રાજપુત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, આ મંદિર સર્વ સમાજની એકતા માટેનું હશે. સમસ્ત રાજપૂત સમાજ મળીને ભવાની માતાજીના મંદિરનું નિર્માણ કરીશું અને તેના થકી સર્વ સમાજના લોકોના ઉત્કર્ષનું કામ કરીશું.

વજુભાઈ વાળા જ્યારથી ગુજરાત પરત ફર્યા છે ત્યારથી તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેવો ગણગણાટ શરૂ થયો છે. મુખ્યમંત્રીના દાવેદાર હોવાના સવાલના જવાબમાં વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, એવી કોઈ વાત છે જ નહીં, અમારી પાસે અનેક મુખ્યમંત્રીના દાવેદાર તૈયાર છે. વજુભાઈ વાળાએ કહ્યું કે, પાર્ટીના કાર્યકરની માનસિકતા એવી હોવી જોઈએ કે પાર્ટી જે કહે તે કરવાનું. આપણે કહીએ તેમ પાર્ટી કરે એ પાર્ટીનો કાર્યકર્તા જ નથી. મુખ્યમંત્રી બનવાની ઇચ્છા અંગે પૂછતાં વજુભાઈ વાળાએ કહ્યું કે, મને મુખ્યમંત્રી બનવાની કોઈ ઇચ્છા નથી.

વધુમાં વજુભાઈ વાળાએ કહ્યું કે, મારે ભાજપ પાર્ટી કહે એમ કરવાનું છે. હું પાર્ટીનો કાર્યકર્તા હતો, છું અને રહીશ. પાર્ટી કહેશે એ કરીશ. કોઈપણ ચૂંટણી આવે હું ભાજપમાં છું અને રહીશ. હું રાજકારણમાંથી ક્યારેય નિવૃત્ત નહીં થાઉં. આગામી ચૂંટણીમાં ભાજપની જીત માટે તનતોડ મહેનત કરીશ. વજુભાઈએ કહ્યું કે, પાર્ટી પાસેથી આપણે કોઈ અપેક્ષા રાખવાની નહીં. અમારી અપેક્ષા પૂર્ણ કરવી એ પાર્ટીનું કામ નથી પરંતુ પાર્ટીની અપેક્ષા પૂર્ણ કરવી એ અમારું કામ છે. આગામી ચૂંટણીમાં અમારા પ્રમુખે 182 બેઠક જીતવાનું લક્ષ્ય આપ્યું છે તો તેને પૂર્ણ કરવાનું કામ મારું અને સૌ કાર્યકરોનું છે.

વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કામની સરાહના કરતાં કહ્યું હતું કે, આજના મુખ્યમંત્રીએ પોતાનું પર્ફોમન્સ બતાવી દીધું છે. આ વિકટ પરિસ્થિતિમાં પોતાને કોરોના થયો હતો છતાંય તેમણે સમાજ માટે કામ કર્યું છે. વિજયભાઈએ પોતાની પદ્ધતિ પ્રમાણે સશક્ત રીતે કામ કર્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments