Team Chabuk-National Desk: ભારતના ત્રણ કુદરતી સ્થળ હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં આભ ફાટવાની ઘટના બની એ પછી આભ ફાટવું એટલે શું ? તેની નિરંતર ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે કોઈ પહાડી વિસ્તારમાં એક કલાકમાં દસ સેન્ટીમીટર જેટલો વરસાદ ખાબકી જાય તો તેને આભ ફાટવું કહેવામાં આવે છે. અત્યંત ભારે માત્રામાં પડેલો આ વરસાદ કુદરતી સંપત્તિને જ નહીં પણ તેની આસપાસ રહેતા મનુષ્યો અને પ્રાણીઓને પણ એટલી જ અસર પહોંચાડે છે.
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના નિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે, વાદળ ફાટવું એ ખૂબ જ નાના સ્તરની ઘટના છે અને તે મોટાભાગે હિમાલયમાં અથવા તો પહાડી વિસ્તારોમાં કે પશ્ચિમના ઘાટમાં જ બનવા પામે છે. મહાપાત્રાના જણાવ્યા અનુસાર જ્યારે ગરમ હવાઓ ઠંડી હવાની સાથે ભળે છે, તો તેનાથી મોટા વાદળ નિર્માણ પામે છે. આવું સ્થલાકૃતિ અર્થાત્ ટોપોગ્રાફી કે ભૌગોલિક કારણોસર થાય છે.
સમાચાર એજન્સી પીટીઆઈની એક રિપોર્ટ અનુસાર સ્કાઈમેટ વેધરના હવામાન વિભાગ અને જળવાયુના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ પલવત કહે છે કે, આ પ્રકારના વાદળોને ક્યુમુલોનિબસ કહે છે. જે ઊંચાઈમાં તેરથી ચૌદ કિલોમીટર સુધી ખેંચાઈ શકે છે. જો આ વાદળ કોઈ વિસ્તારમાં ફસાઈ જાય છે અને આ પ્રકારની સ્થિતિમાં જો ત્યાં હવાનો શૂન્યઅવકાશ સર્જાય છે તો તે ત્યાં એકધારા વરસી પડે છે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવન આ અંગે કહે છે કે, એવું લાગી રહ્યું છે કે વાદળ ફાટવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ મહિનામાં જ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વાદળો ફાટવાની ઘટના થઈ છે.
આઈએમડીની વેબસાઈટ પર હાજર એક્સપ્લેનરે જણાવ્યું હતું કે, વાદળ ફાટવાની ઘટનાનું પૂર્વાનુમાન લગાવવું કઠિન છે, કારણ કે સ્થાન અને સમયના હિસાબે આ ખૂબ જ નાના પાયે થાય છે. તેની ભાળ મેળવવા માટે કે તાત્કાલિક જાણકારી જોતી હોય તો, આપણે તે વિસ્તારોમાં સઘન રડાર નેટવર્કની આવશ્યકતા રહે છે. જ્યાં આ પ્રકારની ઘટનાઓ અવિરત થતી રહે છે. અમારી પાસે એક ખૂબ જ મોટું રેઝોલ્યુશન ધરાવતું હવામાન પૂર્વાનુમાન મોડલ છે. વાદળ ફાટવાની ઘટનાઓ મેદાની વિસ્તારોમાં થાય છે. જોકે પર્વતીય વિસ્તારોમાં ભૌગોલિક કારણોસર બને છે.
મહાપાત્રા કહે છે કે વાદળ ફાટવાનું પૂર્વાનુમાન નથી લગાવવામાં આવતું, પણ અમે ખૂબ જ ભારે વરસાદનું એલર્ટ જરૂર આપીએ છીએ. હિમાચલની વાત કરીએ તો અહીં અમે રેડ એલર્ટ આપ્યું હતું. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં કાર્યરત વરિષ્ઠ હવામાન વિભાગના વૈજ્ઞાનિક કમલજીત રે કહે છે કે, વાદળ ફાટવાની કેટલીય ઘટનાઓની ખબર જ નથી પડતી. તેમણે એક પ્રમુખ કારણ આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ ન્યૂનતમકાળ માટે હોય છે. આ સામાન્ય વાતાવરણની ઘટના નથી. તેનાથી સંપત્તિને નુકસાન ઉપરથી મનુષ્ય અને પ્રાણીઓનાં જીવને પણ ખતરો હોય છે. કેટલાય લોકો કાટમાળ નીચે દબાય જાય છે કાં લાપતા થઈ જાય છે.
જોકે વાદળ ફાટવાની ઘટનાઓનું અનુમાન લગાવવું એ આકરું છે. પણ ડોપલર રડાર આ કામમાં સહાયકરૂપ સાબિત થાય છે. જોકે દરેક વિસ્તારમાં રડાર હાજર ન રહી શકે. ખાસ તો હિમાલયના વિસ્તારમાં. 23 જુલાઈના રોજ પૃથ્વી વિજ્ઞાનમંત્રી જીતેન્દ્ર સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે, હિમાલયના ક્ષેત્રમાં સાત ડોપલર રડાર છે. જેમાંથી બે જમ્મુ કાશ્મીરના સોનમર્ગ અને શ્રીનગરમાં છે. બે ઉત્તરાખંડના કુફરી અને મુક્તેશ્વરમાં છે. અસમના મોહનબાડીમાં એક છે. એક મેઘાલયના સોહરીમાં અને એક ત્રિપુરાના અગરતલામાં. હિમાચલ પ્રદેશનાં અન્ય બે ડોપલર રડાર માટે રાજ્ય સરકાર પાસેથી એનઓસી પ્રતીક્ષા થઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત