Homeતાપણુંગોવા બીચ પર થયેલા બળાત્કાર બાદ મુખ્યમંત્રીનું નિવેદન, ‘14 વર્ષના બાળકો આખી...

ગોવા બીચ પર થયેલા બળાત્કાર બાદ મુખ્યમંત્રીનું નિવેદન, ‘14 વર્ષના બાળકો આખી રાત સમુદ્ર તટ પર રહે છે તો માતા-પિતાએ આત્મમંથન કરવાની જરૂર છે.’

Team Chabuk-National Desk: ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાંવતે ગોવાના બીચ પર થયેલા બળાત્કાર બાદ આપેલા નિવેદનના કારણે નિશાના પર આવી ગયા છે. પ્રમોદ સાવંત દ્વારા આ વિવાદિત ટીપ્પણી વિધાનસભામાં કરવામાં આવી હતી. હવે મુખ્યમંત્રી એ ટીપ્પણીને લઈ આલોચનાનો સામનો કરી રહ્યા છે. સાવંતે કહ્યું હતું કે, માતા-પિતાએ આત્મમંથન કરવાની જરૂર છે કે તેમના બાળકો મોડી રાત સુધી સમુદ્ર તટ પર કેમ હતા?

સાવંતે વિધાનસભામાં ધ્યાનાકર્ષણ નોટિસ પર ચર્ચા દરમ્યાન બુધવારનાં રોજ કહ્યું હતું કે, જ્યારે 14 વર્ષીય બાળકો આખી રાત સમુદ્ર તટ પર રહે છે, તો માતા-પિતાએ આત્મમંથન કરવાની જરૂર છે. આપણે ફક્ત આ માટે જ સરકાર અને પોલીસને જવાબદાર ન ઠેરવી શકીએ, કે બાળકો સાંભળતા નથી.

ગૃહ વિભાગ પણ સંભાળી રહેલા સાવંતે કહ્યું હતું કે પોતાના બાળકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવું એ માતાપિતાની જવાબદારી છે. અને તેમણે તેમના બાળકોને ખાસ તો સગીરને રાત રાત સુધી બહાર રહેવા ન દેવા જોઈએ. કોંગ્રેસના ગોવા વિસ્તારના પ્રવક્તા અલ્ટોન ડિ કોસ્ટાએ ગુરૂવારના રોજ મુખ્યમંત્રીના નિવેદનનો જવાબ આપતા કહ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી ગઈ છે. રાતમાં બહાર ઘુમતા આપણે શા માટે ડરવું જોઈએ? અપરાધિઓને જેલમાં હોવું જોઈએ અને કાયદાનું પાલન કરનારા નાગરિકોને બહાર આઝાદીથી ઘુમવું જોઈએ.

ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઈએ કહ્યું કે, એ શર્મનાક છે કે મુખ્યમંત્રી આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, નાગરિકોની સુરક્ષા પોલીસ અને રાજ્ય સરકારની જવાબદારી છે. અને જો તેઓ અમને આ પ્રકારની સુરક્ષા નથી આપી શકતા, તો મુખ્યમંત્રીને તેના પદ પર રહેવાનો કોઈ અધિકારી નથી.

આ વિષય પર અપક્ષ ધારાસભ્ય રોહન ખોંટેએ ટ્વીટ કર્યું હતું કે, એ ચોંકાવનારી વાત છે કે ગોવાના મુખ્યમંત્રી એવો દાવો કરતા, રાતમાં બાળકોને બહાર જવા દેવા માટે માતા પિતાને જવાબદાર ઠેરવતા કહી રહ્યા છે કે, રાતમાં બહાર જવું સુરક્ષિત નથી. જો રાજ્ય સરકાર આપણી સુરક્ષાનું આશ્વાસન નથી આપી શકતી, તો કોણ આપી શકે? ગોવાનો મહિલાઓ માટે સુરક્ષિત હોવાનો ઈતિહાસ રહ્યો છે. જોકે ભાજપની સરકારમાં તે ખોવાઈ ગયો છે.

સાવંતે સદનમાં કહ્યું હતું કે, ‘આપણે સીધી રીતે પોલીસ પ્રશાસનને જવાબદાર ન ઠેરવી શકીએ. પણ હું કહેવા ઈચ્છું છું કે ઉજવણી માટે સમુદ્ર તટ પર ગયેલા દસ યુવાનોમાંથી ચાર આખી રાત ત્યાં રોકાઈ છે. બાકીના છ ઘરે ચાલ્યા જાય છે. બે છોકરાઓ અને બે છોકરીઓ આખી રાત ત્યાં રહ્યા.’

જણાવી દઈએ કે રવિવારના રોજ ગોવાની રાજધાનીથી આશરે ત્રીસ કિલોમીટર દૂર બેનૉલિમ બીચ પર ચાર લોકોએ ખૂદને પોલીસકર્મી બતાવીને છોકરીઓ સાથે બળાત્કાર કર્યો હતો. તેમણે છોકરીઓને માર પણ માર્યો હતો. આ ચાર આરોપીઓમાંથી એક આરોપી સરકારી કર્મચારી છે. સાવંતે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ચારે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments