Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળના નોર્થ પરગનાના ડનલપ બારાનગર વિસ્તારમાંથી એક વૃદ્ધાની તસવીર ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. એ ગરીબ છે. ભીખારી જેવી દેખાય છે. તેના વસ્ત્રો જીર્ણશીર્ણ છે. તેની આંખોને જોઈ આપણા ચહેરા પર દયાના ભાવનો ઉદય થઈ જાય છે. આ મહિલાનું નામ ઈરા બસુ છે અને તે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની પત્નીની બહેન છે. એટલે કે સંબંધમાં સાળી થાય છે.
ઈરા બસુ કંઈ જેવી તેવી મહિલા નથી. વાયરોલોજીમાં પીએચડીની પદવી પ્રાપ્ત કરી ચૂકી છે. પ્રિયનાથ ગર્લ્સ હાઈ સ્કૂલમાં તે લાઈફ સાયન્સનો વિષય ભણાવતી હતી. ક્રિકેટની શોખીન છે. રાજ્ય સ્તરની એથ્લિટ રહી ચૂકી છે. અંગ્રેજી અને બંગાળી આજેય સ્પષ્ટ બોલી જાણે છે. તેમની આ દશા પાછળનું કારણ શું છે? વર્ષ 1976માં ઈરા બસુએ પ્રિયનાથ ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરીની શરુઆત કરી હતી. 28 જૂન 2009ના રોજ તેણી સેવા નિવૃત્ત થઈ. તે સમયે બુદ્ધદેવ ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા.
શાળામાં જ્યારે ભણાવતા ત્યારે તેઓ બારાનગર વિસ્તારમાં રહેતા હતા અને નિવૃત્તિ બાદ ખરદાહ વિસ્તારના લિચુ બાગાન વિસ્તારમાં રહેવા ચાલ્યા ગયા. થોડા સમય પશ્ચયાત ઈરા એકાએક અલોપ થઈ ગઈ. ત્યારથી તેણે ભીખારી જેવી અવસ્થામાં રસ્તા પર જ જોવા મળે છે. સ્થાનિક લોકો કહે છે કે બે વર્ષથી તેણી આ પ્રકારની સ્થિતિમાં જ ફૂટપાથ પર હોય છે.
ઈરા બસુ પાગલ નથી. એકદમ સ્વસ્થ છે. પ્રિયનાથ શાળાની આચાર્ય કૃષ્ણકલી ચંદાએ જણાવ્યું કે, ‘‘તેમની આ સ્થિતિ પાછળ પૈસાની અછત કારણભૂત છે. તેમને પેન્શન નથી મળી રહ્યું. ઈરા બસુ અહીં જ શિક્ષણકાર્ય કરતા હતા. તેઓ સેવાનિવૃત્ત થયા એ પછી અમે તેમને પેન્શન આપવાની પ્રક્રિયા આગળ ધપાવવા તેમની પાસેથી તમામ કાગળો માગ્યા. જોકે તેમણે આવું કર્યું નહીં. જે કારણે તેમને પેન્શન મળ્યું નહીં.’’
ઈરા બસુની વર્તમાન સ્થિતિની ખબર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ પ્રશાસન જાગૃત થયું હતું. ગુરૂવારના રોજ 9 સપ્ટેમ્બરે ખરદાહ નગર પાલિકાની એમ્બ્યુલન્સ મોકલી અને ઈરા બસુને બારાનગરમાં લઈ ગયા. એ પછી તેમની મેડિકલ તપાસ માટે કોલકત્તાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હવે તેમની સ્થિતિ ઠીક હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. જણાવી દઈએ કે બુદ્ધદેવ ભટ્ટાચાર્ય દસ વર્ષ સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા. તેમની બહેન ઈરા આજે પણ માનસિક રીતે એટલા સક્રિય છે કે ઓનલાઈન એજ્યુકેશનનો વિરોધ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત