જસદણથી કૃષિ પત્રકાર અશોક સરિયા : સમય અનુસાર બધુ જ બદલાતુ રહે છે. વાતાવરણ, વ્યવહાર, રહેણી-કરણી, વિચારસરણી, બધુ જ પરિવર્તિત થતું રહે છે. પુરાતન સમયની પદ્ધતિઓને સ્થાને નવી આધુનિક રીતો આવે છે. જુના સાધનોને સ્થાને નવા મશીનો ગોઠવાય છે.
એક સમયે અશક્ય લાગતા કામો આજે સરળતાથી થઇ શકે છે. અલબત આ બધી નવિનતા માણસને ખૂબ ઉપયોગી થાય છે. એટલે તેનો ઉપયોગ કરવો સારી બાબત ગણાય. પરંતુ આ આધુનિકતાના સ્થાને માણસની વિચારસરણી પણ એ પ્રમાણે આકાર લેવા પામી છે.
આજનો માનવી આવા યંત્રોના ઉપયોગ કરવામાંથી આગળ વધીને તેને આધિન બનતો નજરે પડે છે. જેનાથી માનવતાના મુલ્યોમાં પણ ઓટ આવતી દેખાઇ છે. આજનો માણસ કામની બાબતમાં બીજા ઉપર આધારિત થયેલો ભળાય છે. એ પછી યંત્રો ઉપર આધારિત હોય કે પછી ભાડાના માણસો ઉપર. માનસિક સ્થિતિ એવી થવા પામી છે કે કામ બીજા પાસેથી કરાવવું જોઇએ. આવી વિચારસરણી વિકસવાની સાથે સાથે ઘણાં પ્રશ્નો પણ ઉભા થયા છે.
યંત્ર હોય તો તેનો નિભાવ ખર્ચ, તેને ચલાવવા માટેના સહાયક સ્ત્રોતોની ખામીઓ, માણસોની બાબત હોય તો તેમની કામચોરી, અનિયમિતતા, કે વધુ વેતનની માગ છતાં પણ કાર્યમાં ધાંધિયા જેવી બાબતો છાશવારે સાંભળવા મળે છે. આવી બાબતોથી જેનું કામ છે તે વ્યક્તિ હંમેશાં હતાશા અનુભવે છે અને કામ ન થયાનાં કે મોડુ થયાનાં કે યોગ્ય ન થયાનાં રોદણાં રોતા જોવા મળે છે.
હાં કામને અન્ય માણસો કે અતિ આધુનિક મશીન દ્વારા કરાવવું એ કાંઇ ખોટી કે અયોગ્ય વાત નથી. સમય અને સ્થિતિ અનુસાર આ બાબતો પણ એટલી જ જરૂરી છે પણ તે બધી બાબતોને યોગ્ય પેરામિટર્સથી મુલવવામાં આવી હોવી જોઇએ. જ્યાં તેની તાતી જરૂર હોય ત્યાં એ અપનાવવી જ રહી. અને ત્યાં જો એનો ઉપયોગ ન કરવામાં આવે તો એ બાબત પણ યોગ્ય ન કહેવાય. પરંતુ મુદ્દો એ છે કે ઘણી વાર યોગ્ય અભ્યાસના અભાવે કે યોગ્ય અનુભવના અભાવે આવી બાબતોથી કામ આપનાર વ્યક્તિને નિરાશાનો સામનો કરવો પડે છે.
ઘણી વખત આવી બાબતો વ્યક્તિને મોટા ખર્ચમાં પણ ઉતારી દેતી હોય છે, જેને ભરપાઇ કરવું તેના માટે કપરું થઇ પડતું હોય છે. આપણી જુની કહેવત ‘ઘસાઇને ઉજળા થઇએ’ એ પ્રમાણે પ્રથમ તો દરેક વ્યક્તિએ પોતાના કામને પોતાની રીતે પાર પાડવા પુરતો પ્રયત્ન કરવો જોઇએ. પોતાના આ પૂર્ણ પ્રયત્ન છતાં પણ જો તેને કામ પાર પાડવા માટે અન્ય વ્યક્તિની કે કોઇ યંત્રની જરૂર જણાય તો તેનો ચોક્કસ પણે ઉપયોગ કરવો જોઇએ. પરંતુ આજે માણસની મનઃસ્થિતિ એવી વિકસવા પામી છે કે પોતે નવરો રહેવો જોઇએ અને તેના ભાગનું કામ બીજા યંત્રો કે માણસો દ્વારા થતું રહેવું જોઇએ. જેનાથી ઘણી વાર નિરાશા, કામ પૂરું કે યોગ્ય ન થયાની ફરિયાદો કે ખર્ચ વધુ થયાનો ઓહાપોહ ઉદભવતો હોય છે.
કોઇ કામને પાર પાડવા માટે અન્ય ઉપર આધાર રાખવાથી અને એ પણ ત્યારે કે એ કામ પોતાનાથી થઇ શકે તેમ હોય અને છતાં બીજાના ભરોસે તે બેસી રહે. આવા સંજોગો અને જવાબદાર કારણોથી પ્રશ્નો કે નિરાશાનો ભાવ ઉભો થાય છે ને હૈયામાં વલોપાત થાય છે.
આવા સમયે મનમાં એક ભાવ ઉદભવે કે આના કરતાં તો મેં જ આ કાર્ય કરી લીધું હોત તો અત્યાર સુધીમાં તો તે વ્યવસ્થિત રીતે પૂર્ણ થઇ ગયું હોત, ત્યારે એ કહેવત સાચી ઠરે છે કે ‘હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા.’ એટલે કે મારું કામ બીજાના ભરોસે છોડીને તે યોગ્ય રીતે ન થયું તેની ચિંતા કરીને માહ્યલાની શક્તિને ખર્ચવી એના કરતાં તો એ કામ ખુદ કરીને શરીરની શક્તિનો સદઉપયોગ કર્યો હોય તો કેટલું સારું.