ઝાલાવાડી જલજીરા: શેરશાહ ફિલ્મ સરસ છે. તેની પટકથા, તેના દૃશ્યો, કાશ્મીરની સુંદરતા, અભિનય, સંવાદોની ચર્ચાઓ સિવાય એક વસ્તુ ધ્યાન આકર્ષિત કરે છે. ફિલ્મ જોતાં પહેલા જ એ વાતની અનુભૂતિ તો થઈ ગયેલી કે જો આ વસ્તુ હશે તો નક્કી આપણું ભમરાની જેમ ગુંજન કરી ભ્રમિત રહેવા તત્પર રહેતું ભેજુ ત્યાં એકાકાર થઈ જશે. હું સાચો પણ ઠર્યો એ રીતે ખૂદની પીઠ થાબળું છું.
ફિલ્મનો આરંભ તો કારગીલ યુદ્ધ તેની ચરમસીમાએ છે ત્યાંથી થાય છે. અહીંથી ફિલ્મ વળાંક લે છે અને આપણે ભીંજાય જઈએ છીએ 90ના દાયકાના એ દૃશ્યોમાં. કોઈ અપરંપાર અનુરાગ એ કાળખંડ માટે થાય છે જ્યાં મોબાઈલ છે જ નહીં. જ્યાં કોમ્પ્યુટર છે જ નહીં. બે લોકો સાથે ચાલી રહ્યા છે અને રસભરેલી વાતો કરી રહ્યા છે. એમના હાથ કોરા છે. જમતી વખતે પણ તેમના ડાબા હાથમાં કંઈ દેખાતું નથી. અહો આશ્ચર્યમ!
શેરશાહ બનતાં સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા એ ખુરસી પર બેઠા છે, જે આપણા વડીલો પાસે પણ હતી. વડીલો નોકરીએ જતાં ત્યારે આપણે એ ખુરસી પર શેરશાહે જે રીતે કારગીલ કાબુમાં કર્યું એ રીતે કાબુ કરી લેતા હતા. શેરશાહ એ ખાટલા પર ઉંઘી રહ્યો છે, જે ખાટલામાં આપણે પણ દિવસ-રાત પસાર કરેલી. ફિલ્મ જોતાં આપણે એ ઘટનાના પણ સાક્ષી બનીએ છીએ કે કેવી રીતે દુશ્મન દેશે આપણા સૌરભ કાલિયા સહિતના, અન્ય ચાર સૈનિકોના મૃતદેહને ક્ષતવિક્ષત કરી નાખ્યાં હતાં અને બાદમાં શાહમૃગની પેઠે જમીનમાં માથું ઘુસાડીને ખંધો પ્રત્યુતર આપ્યો હતો કે, ‘અમે તો એવું કશું કર્યું જ નથી.’
આ સમયે આપણી આંખો એ દૃશ્ય સિવાય કોઈ માટે ભીંજાય છે, તો નાનું એવું ને ઘરની શોભા અને સમૃદ્ધિ વધારતું ટીવી. વિક્રમ બતરા તો 80sમાં જન્મે છે, પણ તેની કારકિર્દીનો મોટો હિસ્સો 90sમાં આકાર લે છે. એક જગ્યાએ આપણને પેપ્સીની જાહેર ખબર દેખાય છે. પેપ્સી ત્યારે વેચાણની દૃષ્ટીએ ચરમ પર હતી. ગૂગલમાં એક આંગળી મારો અને ફોટો ખુલી જાય એવું ત્યારે નહોતું. ફિલ્મમાં દેખાતું કામ્બલી અને સચિનનું પોસ્ટર કોઈ દુકાને મળતું નહીં. એને ટીવીમાં કે કોઈ વાળંદની દુકાને જોઈને સંતોષ માનવાનો રહેતો. વાળંદને આપણે તેનું પ્રાપ્તિ સ્થાન પૂછી પણ ન શક્યા, નહીંતર ક્યાં એવો કોઈ મોટો ગુનો કરવાનો હતો. પણ એક શરમ હતી. મોટાઓ આંખ કાઢી આપણી આંખ ભીંજવી દેતાં હતાં. પગ ધ્રૂજતા હતા. એ શિસ્તતા ધરાવતાં કદાચ આપણે છેલ્લા હોઈશું?
શેરશાહનો પત્ર વ્યવહાર એ બીજી વસ્તુ છે. પ્રેમપત્રો લખાતા હતા. વડીલોને લખતા પત્રો માટે તો એક અલગ જ કાગળ હતું અને તે સરકારી ખાતામાંથી મળી રહેતું હતું. એમાં ભૂલ પણ થતી હતી. પ્રિયજનને પત્ર લખવામાં ઠોઠ વિદ્યાર્થીઓ પણ હોશિયાર બની જતાં. એ પત્રોની પાછળ પ્રિયતમાની આંખોને આનંદિત કરવા, આપણે ન જોયેલી કે કોઈ દિવસ જેની કલ્પના પણ નથી કરી તેવા નગરોની દુર્લભ ઊંચી ઈમારતો કંડારાયેલી રહેતી. કોઈ વખત ત્યાં 90sમાં અભિનેત્રી જેટલા જ વધારેલા વાળ ધરાવતા અભિનેતાઓ ખુલ્લા ડિલે દિલની વાતો કરતાં દેખાતાં હતાં. એમાં લાઘવનું મહત્વ રહેતું હતું. 90sના આશિકોને સારા લેખકો આ પ્રેમપત્રોએ બનાવ્યા હશે! ઓછા શબ્દોમાં કામની વાતો કરી દેવાની. નકામી વાતોની ચરબી ઉતારી શબ્દોની સૌષ્ઠવસભર કાયા તૈયાર કરવાની.
એક ટેલિફોન બુથ દેખાય છે. ચિત્ત એ વિચારના ચકડોળે ચડી જાય છે કે આપણા હાથમાં રહેલી એક નાની એવી વસ્તુ કેટલાં બધાની રોજગારી અજગરની જેમ ખાઈ ગઈ. નવી વસ્તુઓની શોધ જૂની વસ્તુઓને સ્મરણ બનાવવા આવતી હોય છે. નવી વસ્તુની ઉપયોગીતા જેટલી વધારે જૂની વસ્તુની સ્મૃતિ એટલી જ ગાઢ બનવાની. આ ભયાવહતાથી તો દરેક સમયનો માનવી પીડાતો રહેવાનો છે. આ ધરતી પર કોઈ પણ વસ્તુનું સર્જન ત્યાગ કરવા માટે જ થયું છે. શૈશવનો ત્યાગ કરી કેટલા ઝડપથી વૃદ્ધ થઈ કાયા છોડી દઈએ છીએ. રમકડાં છોડી, પેન પકડીએ છીએ, પેન છોડી કિ-બોર્ડ પકડીએ છીએ. વર્તમાનમાં રહેવાની બોધપ્રધાન વાતો એટલા માટે જ થતી હશે કે, આજે જીવી લો, પછી તો આ બધું જ છોડવાનું છે. શેરશાહને બીજી બધી વાતે તો ખોબલે ખોબલે અભિનંદન મળશે જ, પણ હું તો, તેણે જે 90sની ઝાંખી કરાવી તેના માટે થેન્ક યૂ કહું છું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત