Homeસિનેમાવાદશોન કોનેરી : જેની વાતો એક ગુજરાતી પુસ્તકમાં પણ છે

શોન કોનેરી : જેની વાતો એક ગુજરાતી પુસ્તકમાં પણ છે

બિલ ગેટ્સનું મોટિવેશનના મહાનગરોમાં ચર્ચાતુ એક વિધાન છે. ‘તમે ગરીબ જન્મો એમાં તમારો કશો વાંક નથી પણ ગરીબ મૃત્યુ પામો એમાં તમારો અચૂક વાંક છે.’

બિલ ગેટ્સે તો ખૂબ પાછળથી આ વિધાન કહ્યું. માઈક્રોસોફ્ટ કંપનીના બાહુબલી બન્યા પછી. કોનેરી એ આવું કોઈ વિધાન આપ્યા વિના તેને સાર્થક કરી બતાવ્યું. શક્ય છે ગેટ્સને પણ આ વિધાન કોનેરીના જીવન પરથી જ મળ્યું હોય.

Picture Courtesy James Bond 007 Official Facebook Page

ગુજરાતમાં પણ કેટલાક લોકો કોનેરીના નિધન પર દુ:ખી હતા. બીજું-ત્રીજું બનવાનું સૌભાગ્ય તો આખા ગામને મળે પણ કોનેરી પ્રથમ બોન્ડ. જાજરમાન બોન્ડ. ઊંચી કાયા. પડછંદ શરીર. એ મજબૂત કાઠીના શરીર પર રૂંવાટી. કોઈ ગ્રીક ગોડ જેવો ચહેરો. જેમાં ગાલ અંદરની તરફ ઘુસી ગયેલા હોય, કપાળ મોટું હોય, નાક ચપટું હોય. નવલકથામાં લખી શકાય તેવું સુંદર વ્યક્તિચિત્ર કોનેરીનું. તેને કદાચ કુદરતે બોન્ડ માટે જ બનાવ્યો હતો.

ગુજરાતીમાં વર્ષ 2016માં જેમ્સ બોન્ડ 007 નામનું પુસ્તક આવ્યું. લેખક છે લલિત ખંભાયતા. પુસ્તકની ટેગલાઈન છે ગુજરાતીમાં પ્રથમવાર સુપર સ્પાય. એ પુસ્તકમાં બોન્ડની સ્પેક્ટર ફિલ્મ સુધીનો ઈતિહાસ છે. જેમાં શોન કોનેરી વિશે પણ ખાસ્સુ લખાયું છે.

લલિત ખંભાયતા જેમ્સ બોન્ડના પુસ્તકમાં કોનેરી વિશે લખે છે, ‘બે કારણોસર કોનેરી સૌથી આગળ છે. એક તો શરૂઆતની ફિલ્મોમાં તેઓ જ બોન્ડ હતા એટલે એ જમાનાથી ફિલ્મ જોતાં દર્શકોના મનમાં બોન્ડ તરીકે તેમની છબી ફિક્સ થઈ ગઈ છે. બીજું કે કોનેરી પોતે ઊંચા દરજ્જાના એક્ટર છે એટલે એ સારા બોન્ડ કહેવાય તેમાં નવાઈ નથી. બોન્ડ સિરીઝ બહાર પણ તેમની સફળ ફિલ્મોની યાદી પ્રભાવશાળી છે. બાય ધ વે કોનેરીએ દરેક બોન્ડ ફિલ્મમાં બનાવટી વાળ પહેર્યા હતા, કેમ કે તેમની એક્ટિંગ જેટલી સમૃદ્ધિ તેમના વાળની નથી!’

વાળ તો એમના 17 વર્ષની વયે જ ખરવા માંડેલા. રિયલ બાલા હતા. જોકે એ વાતનો અફસોસ તેમને કોઈ દિવસ નથી રહ્યો. એ તો મજાના માથામાં હાથ ફેરવી ઘરની બહાર ટહેલવા નીકળી જતા. માથામાં હાથ ફેરવ્યા પછી હાથ જૂએ તો બે ચાર વાળ શહીદ થઈ ગયા હોય.

Picture Courtesy James Bond 007 Official Facebook Page

જે સિંહના માથા પર ‘કેશવાળી’ જ નથી એ રાજા કઈ રીતે બની શકે ? એટલે કે માથે વાળ જ નહીં. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તો એમને કોઈ લે પણ નહીં. બની શકે કે વિલનના રોલમાં ‘શાકાલ’ તરીકે ચાલી જાય, પણ વાળ વિનાનો અભિનેતા? અરરરર માડી.

કોનેરી ગરીબ માતા પિતાનું સંતાન. એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત. પિતા ડ્રાઈવરનું અને બીજું પરચૂરણ કામ કરી પૈસા કમાતા હતા. માતા બીજાના ઘરમાં પોતા માર્યા રાખે. કોનેરીનું પ્રારંભિક જીવન પણ એ રીતે જ પસાર થયું છે. તેઓ દૂધ વેચવાનો ધંધો કરતા હતા. એડિનબર્ગના ઝૂંપડીવાળા વિસ્તારમાં રહેતા હતા. કોઈના મૃતદેહનું કોફિન હોય તો તેમાં કાપડ ફેરવી ચમકાવવાનું બીજું કામ પણ આડે કરી લે. એ કોફીન ચમકાવતા ચમકાવતા તેમને ખબર નહોતી કે એક દિવસ કિસ્મત પણ ચમકી જશે.

Picture Courtesy James Bond 007 Official Facebook Page

બાકીનો સમય બચે તેમાં તે શરીરને સૌષ્ઠવ બનાવવામાં વિતાવી દેતા. બોન્ડ પુસ્તકમાં લખ્યું છે, ‘તેમની ઉત્તમોતમ ફિલ્મોની લિસ્ટ લાંબી છે. પણ જ્યારે બોન્ડની વાત આવે ત્યારે હાથમાં ગન લઈને ગાડીને ટેકો દઈને, પગ પર પગ આંટી મારીને ઊભેલા કોનેરી જ નજર પડે.’

Picture Courtesy James Bond 007 Official Facebook Page

પુસ્તકમાં કોનેરી સાથેનો એક અનોખો કિસ્સો છે, ‘કોનેરીના કિસ્સામાં બોન્ડ સાથે અનોખું બોન્ડિંગ બન્યું હતું. શોન કોનેરીએ 1971માં ‘ડાયમન્ડ્સ આર ફોરેવર’ કરીને બોન્ડ તરીકે નિવૃત્તિ લઈ લીધી હતી. દાયકા પછી 1981માં આજે બોન્ડ ફિલ્મની સત્તાવાર સિરીઝમાં સ્થાન ન પામતી નેવર સે નેવર અગેઈન ફિલ્મ બની. એ જોકે ઈઓન પ્રોડક્શન હાઉસની ન હતી. પરંતુ તેમાં બોન્ડ તરીકે ફરીથી શોન કોનેરીની બોન્ડની હોવી જોઈએ એના કરતા ખાસ્સી મોટી ઉંમર ખૂંચ્યા વગર રહેતી નથી. એક્શન-બેક્શન કરી જાણતા કોનેરી એ ફિલ્મમાં કાયદેસર દાદા લાગે છે. સત્તાવાર બોન્ડ ફિલ્મો ઉપરાંત આ રીતે પણ બોન્ડ ફિલ્મો બની છે.’

Picture Courtesy James Bond 007 Official Facebook Page

આ પહેલા બેરી નેલ્સનનું નામ ચર્ચામાં હતું. જે બોન્ડની ભૂમિકા ભજવવા માટે પરફેક્ટ માનવામાં આવતા હતા. ઈઓન પ્રોડક્શન અને ઈયાન ફ્લેમિંગ પણ ડોક્ટર નો ફિલ્મ માટે એવા અભિનેતાને લેવા માગતા હતા જે બ્રિટીશર હોય. જેથી તેમને પાત્ર માટેના અભ્યાસ કરાવવાનો ખર્ચ બચી જાય.

ઈયાન ફ્લેમિંગની પસંદગીના અભિનેતા હતા જેમ્સ મેસન, ટ્રેવર હોવર્ડ, ડેવિડ નિવેન. લેખક ટોની બેનેટે 2017માં ‘ધ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ જેમ્સ બોન્ડ સ્ટડીઝ’ માં લખ્યું છે કે, ‘આલ્ફ્રેડ હિચકોકની વર્ટિંગો અને રિયર વિન્ડો જેવી ફિલ્મમાં અભિનયના ઓઝસ પાથરનારો જેમ્સ સ્ટુઅર્ટ બોન્ડ બનવા માટેની પ્રથમ પસંદગી હતો. પણ તે અમેરિકન હતો. જે ફ્લેમિંગ સહિત પ્રોડ્યુસર્સને પણ ખૂંચતું હતું. તેના અભિનય અને તેની સ્ટાઈલ પર તો કોઈને શંકા નહોતી.’

ફોર હિઝ આઇસ ઓન્લી ધ વિમેન ઓફ જેમ્સ બોન્ડના સહ લેખિકા લિસા ફનેલ લખે છે કે, ‘કોનેરી તેના કઠોર પુરૂષાર્થના કારણે પણ પસંદગી પામ્યો હતો. એ ખૂબ મહેનતુ હતો.’

સંસ્કૃતના એક સુભાષિત મુજબ કહેવાય છે કે, ચાલતા રહેનારાનું ભાગ્ય પણ ચાલ્યા રાખે છે. જેથી ચાલ્યા રાખવું જોઈએ. કોનેરી માટે આ સુભાષિત સાચો ઠર્યો. છ ફૂટ બે ઈંચ લાંબો કોનેરી. ટોળામાંથી ગમે તેને તેનું માથું દેખાય જાય એટલો ઊંચો. તેની વોકિંગ સ્ટાઈલ જબરદસ્ત હતી. તો તેને બોન્ડનો રોલ કેવી રીતે મળ્યો ?

પ્રોડ્યુસર આલ્બેર્ટ બ્રોકોલી અને હેરી સેલ્ટઝમેને તેને ચાલતા જોયો. એ ચાલ જોયા પછી સેલ્ટઝમેન એક જ વાક્ય બોલ્યા, ‘આને તો કોઈ પણ સ્ક્રિન ટેસ્ટ વગર ફિલ્મ માટે સાઈન કરી લેવો જોઈએ.’

Picture Courtesy James Bond 007 Official Facebook Page

ફિલ્મ રિલીઝ થઈ પછી સૌથી મોટો ભય બ્રિટનના ફિલ્મ વિવેચકોનો હતો. એ લોકો કોનેરીને બોન્ડ તરીકે જોઈ શું માનશે ? આ ભય કાસ્ટ અને ક્રૂને સતાવી રહ્યો હતો. રિવ્યૂ બહાર આવતા ગયા અને લખાતું ગયું, ‘આ એક પરફેક્ટ બોન્ડ છે. એની જીભમાંથી નીકળતા શબ્દો તેને સ્કોટીશ બનાવે છે. તે બ્રિટનની ચાલઢાલ જાણે છે. જો બોન્ડ હોય તો બસ આવો જ હોય.’

શોન કોનેરી કેમ પસંદ થયો તેના પર ઘણું સંશોધન થયું છે. સાચી વાત છેલ્લે કહી એ જ. તેની વોકિંગ સ્ટાઈલ. એ શૈલીએ બધાને તેના પ્રેમમાં પાડી દીધા અને ખાસ વાત તેની સંવાદોને રજૂ કરવાની કળા. જ્યારે તે બોલે છે, ‘my name is bond james bond.’

અલવિદા મિસ્ટર શોન કોનેરી કે તમને જેમ્સ બોન્ડ જ બોલાવીએ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments