જેમ્સ મેડિસન જ્યારે અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો ત્યારે એશિયાના લોકોને ખબર પડી કે અમેરિકામાં ઠિંગણા લોકો પણ હોય છે. અત્યાર સુધીના પ્રેસિડેન્ટ દરવાજે માથું ભટકાઈ એટલા લાંબા હતા પણ તેમાંથી બાકાત રહી ગયો જેમ્સ મેડિસન. એ એટલો ઠિંગણો હતો કે બાળકોના ક્રિડાગણનું ઉદ્ઘાટન કરવું હોય તો લસરપટ્ટી ખાઈને કરી શકતો. વિદેશ મુલાકાતે જતો ત્યારે તેની આગતા-સ્વાગતા કરવાની જગ્યાએ જે તે દેશનો પ્રેસિડેન્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ ક્યારે આવે છે તેની રાહ જોયા રાખતો. તેની બગલ પાસે જ ઉભેલ રાષ્ટ્રપતિ જેમ્સ મેડિસન પછી ઊંચા અવાજે કહેતો, ‘હવે તમારે બુકે આપવું હોય તો આપો, અન્યથા હું પરત ફરું.’
બાર ભાઈઓ બહેનોમાં સૌથી નાનો. બીમાર ખૂબ રહેતો. એ રમવા કરતાં પથારીમાં વધારે પડ્યો રહેતો. કોઈવાર પથારીમાં પડ્યા પડ્યા જ એ પડી જતો અને વાગી જતું. માણસ જન્મજાત રાજકારણી નથી હોતો, પણ જેમ્સ મેડિસન જન્મજાત રાજકારણી અને મોટો નેતા બનવા માટે જ પેદા થયેલો. ગામનું કંઈ ભૂલથી પણ ખાધુ ન હોવા છતાં તેને બાળપણથી પેટની સમસ્યા રહેતી હતી. ગયા જન્મનું પરાક્રમ હોવું જોઈએ!
પૂર્વ રાષ્ટ્રપતિ થોમસ જેફરસન પાસેથી એ એક જ વાત શીખ્યો હતો કે આઈસ્ક્રીમ એ સરસ વ્યંજન છે અને સમય મળે ત્યારે ખાઈ લેવું જોઈએ. એણે પોતાની પત્નીને પણ આઈસ્ક્રીમના રવાડે ચડાવી દીધી હતી. મૂળ તો પૂર્વ રાષ્ટ્રપતિએ જ આખા અમેરિકાને આઈસ્ક્રીમ પાછળ દોડતા કરી દીધા હતા. એ વખતે મુદ્દાઓ ઘણા હતા પણ લોકો આઈસ્ક્રીમમાંથી જ નવરા નહોતા રહેતા. આજેય કંઈ નથી બદલ્યું!
તે વાચાળ પ્રકૃતિનો હતો. ઠીંગણો હતો પણ બોલવા માટે આવતો ત્યારે એટલે ઊંચા અવાજે બોલતો કે ઘણાને ભૂલાઈ જતું કે મારે કાનની સમસ્યા છે. બહેરાઓ તેની સભામાં એટલે જ મોટી સંખ્યામાં એકત્રિત થતા હતા.
મોટાભાગે તે દારૂ પીને જ ઈન્ટરવ્યૂ આપતો હતો. પત્રકારને પણ ત્રણ ચાર પેગ પીવડાવી દેતો જેથી બીજા દિવસે માછલા ન ધોવાય. એક પત્રકારે તેને કુતુહલતાથી પૂછેલું, ‘તમારા આટલા સારા વક્તવ્ય પાછળનું કારણ શું ? ચર્ચામાં તમારી સામે મજબૂતમાં મજબૂત વિરોધી પણ ઘૂંટણીયે પડી જાય છે.’
જેમ્સ મેડિસને હસતા હસતા જવાબ આપેલો, ‘હું 1717માં સ્નાતક થયો. મારા પરમ મિત્રનું નામ ફિલીપ હતું. એ મારો રૂમ પાર્ટનર હતો. અને એ કવિ પણ હતો!’
બંધારણના સમર્થનમાં ત્રણ વ્યક્તિઓએ ભેગા થઈ 85 નિબંધો લખ્યા હતા. ખ્યાતનામ કોલમિસ્ટ ન હોવા છતાં તેના નિબંધો ન્યૂયોર્કના મોટા ગણાતા સમાચારપત્રોમાં છપાયા હતા, કારણ કે તેઓ કોલમિસ્ટ નહીં રાજકારણીઓ હતા! આ નિબંધના લેખક હતા જ્હોન જે, એલેક્ઝાન્ડર હેમિલ્ટન અને મેડિસન પોતે.
અભ્યાસ સમયે મેડિસનનો પાક્કો મિત્ર કવિ હોવાથી તેનામાં પણ કવિત્વ આવી ગયેલું. પણ આટલો હોશિયાર થઈ ગયો હતો, તે તો ફિલીપ નામના કવિ મિત્રને પણ ખબર નહોતી. એકાવનમાં નિબંધમાં તેણે એક વિધાન ટાંક્યું છે, જે પછીથી અમેરિકાના ઈતિહાસમાં જ નહીં વિશ્વના ઈતિહાસમાં અમર થઈ ગયું. ધ્યાનથી વાંચજો, ‘જો દરેક માણસ દેવદૂત (એન્જલ) હોય તો સરકારની જરૂર જ નથી.’ આ વાતને ભારતમાં ગંભીરતાથી લેતા ફેસબુક પર પ્રિયા એન્જલ જેવા ફેક આઈડીઓ બનવા લાગેલા. પણ એમનો હેતુ કંઈક અલગ હતો-છે અને રહેશે.
અમેરિકાના બંધારણના સાચા પિતામહ તરીકે તો મેડિસનને જ ગણવામાં આવે છે. બંધારણ તૈયાર થવાનું હતું તેના અગિયાર દિવસ પહેલા સ્થળ પર ખાબકી જતો અને બધાને શું શું કરવું છે એ વિશે પૂછતો. એ વખતે ઘણાએ હઠ પકડેલી કે આ માણસને આપણે પ્રેસિડેન્ટ નહીં બનાવીએ, નહીંતર કામ જ કરાવ્યા કરશે.
એ સમયસર ઉઠી જતો. જેટલી જલદી વર્જીનિયાનો કૂકડો ન બોલે તે પહેલા જ. કદાચ તે સવારમાં ઊઠી મોટું બગાસુ ખાતો હશે અને કૂકડાને પણ મેડિસન પાસેથી જ સમયસર ઉઠવાની માહિતી મળતી હશે. દરેક કાર્યક્રમમાં તે વહેલો પહોંચી જતો. કેટલાક કાર્યક્રમોમાં તેનો ઉત્સાહ એટલો ચરમસીમાએ રહેતો કે તે એક દિવસ પહેલા અને ઘણીવાર તો અઠવાડિયા પહેલા જ આવી જતો હતો.
ઉતાવળીયા સ્વભાવનો આ માણસ બગીચાલક ઘોડાને ઉભો રાખે એ પહેલા જ ઉતરી ગયો હોય તેવા સંજોગોનું પણ સર્જન થતું. આ સમયે બગીવાનના નહીં પણ ઘોડાના ચહેરાના હાવભાવ જોયા જેવા રહેતા હશે. કહેતો હશે, ‘તો મૈં ક્યા જોબ છોડ દુ ?’
તેની પત્ની ડોલી મેડિસનને જમાડવાનો ખૂબ શોખ હતો. એ ગરીબોથી લઈને અમીરોને વર્જીનિયા શહેરમાં વારંવાર ભોજન કરાવતી. પણ ઉતરોતર ભોજન માટે આવનારા લોકોની સંખ્યામાં ઘટાડો થતો ગયો. તેની પાછળનું ગૂંઢ રહસ્ય એ છે કે ડોલીને પસંદ આવે તેવું ખાવાનું જ તે બધાને ખવડાવતી હતી અને ડોલીના ભોજનની પસંદગી એટલી ખરાબ હતી કે વધેલું ભોજન કૂતરો પણ ન ખાતો. એક વાત કહેવાની રહી ગઈ કે એ ભોજન તેના પતિને ફરજિયાતપણે ખાવું પડતું હતું.
અગાઉના રાષ્ટ્રપતિઓને ખાસ્સા શોખ હતા. કોઈ પુરાતત્વવિદ્ હતું, કોઈ યુદ્ધમાં જનરલ હતું, કોઈ ભાષાવિદ્દ હતું, પણ આપણા મેડિસનભાઈ ચેસ રમવાના અને ગ્રીક લેટીન ભાષાના પુસ્તકો વાંચવાના શોખીન હતા. બાળપણથી શરીર માંદલુ રહેતું હોવાથી તે બીજી પ્રવૃતિ કરવા સક્ષમ ન હતો.
આ એવો રાષ્ટ્રપતિ છે જે બ્રિટન સામે યુદ્ધમાં લડ્યો હતો. ખબર મળી કે વોશિંગ્ટનના પાદરે બ્રિટનની સેના આવી ધમકી છે, તો પોતાના દેશની રક્ષા માટે તે અને તેની પત્નીએ બંદૂક ઉઠાવી લીધી. વ્હાઈટ હાઉસના નોકરોથી લઈને કામ કરતા કર્મચારીઓ પણ નાની મોટી વસ્તુઓ લઈ લડવા માટે એકઠા થઈ ગયા. એક નોકરાણીએ તો ડોલી મેડિસનની ભાવતી બ્રેડ ઉઠાવી લીધેલી, કારણ કે તેનાથી મજબૂત તો તલવાર પણ નહોતી. હવે આવું ભોજન હોય તો કોણ ખાવા આવે ?
યુદ્ધમાં બ્રિટીશ સૈનિકોએ વ્હાઈટ હાઉસને આગ લગાવી દીધી. બ્રિટીશરો પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટનનું એક ચિત્ર ઉઠાવી જવા માગતા હતા, જેથી અમેરિકનોને ઘરમાં ઘુસીને માર્યા તેની સાબિતી રહે. તેઓ લેવા ગયા ત્યાં રાષ્ટ્રપતિની પત્ની ડોલી આવી પહોંચી. એ રણચંડી બની ગઈ અને એ ત્રણ સૈનિકોને તે વોશિંગ્ટનના જાપે મુકી પાછી આવી. ફર્સ્ટ લેડી સુંદર હોય છે, પણ આટલી ખતરનાક હોય છે તેનો આ પ્રથમ પુરાવો હતો. જૂની માથાકૂટ ભૂલી અમેરિકન રાષ્ટ્રપતિએ તુરંત વોશિંગ્ટનની ધ્વંસ થયેલી ઈમારતનું બાંધકામ શરુ કરાવ્યું. આવી શોર્યગાથા ગુજરાતમાં થઈ હોય તો ડાયરાવાળા પોતાનું ગળુ અને આપણા કાન ફાડી નાખે.
આ રાષ્ટ્રપતિ સારો હતો. સારો હતો એટલે વધારે ચર્ચાયો નહીં, આજે પણ ભૂલથી તેનું કોઈ નામ લઈ લે તો ઓળખાતો નથી. પણ તેના માનમાં જે બાંધકામ થયું તેનાથી સૌ કોઈ પરિચિત છે. તે ગુજરી ગયો પછી ધીમે ધીમે તેના માનમાં ઘણું બંધાયું. મેડિસન સ્કેવરથી લઈને મેડિસનની જે જે વસ્તુઓ અમેરિકાના ખૂણે ખાચરે છે તે બધી આ રાષ્ટ્રપતિના નામ પરથી જ છે.
મેડિસન વિવાદથી પર હતો, અજાતશત્રુ હતો, દેશ માટે કંઈ પણ કરી છૂટવાની તેનામાં હામ હતી, સારા નિબંધો લખી લેતો હતો. ભાષણ પણ સારું કરતો હતો. પેટ્રીક હેન્રી જેવા ભાષણના ખાને તેણે પાણી પીવડાવતો કરી દીધેલો. સારું જ હતું એવું નથી, તેની જ પાર્ટીના કેટલાક નેતાઓનાં કારણે ઘણી વખત તેને નીચુ જોવાનો વારો આવ્યો હતો. હું તો મેડિસનને અટલ બિહારી વાજપેયી તરીકે લેખુ છું.