અશોક સરિયા: સતત શિખવાની તમન્ના, અથાગ મહેનત અને સામે આવતી દરેક તકને ઝડપી લઇ તેને પૂરતો ઉપયોગ કરી શકાય તો કોઇ પણ ક્ષેત્રે સફળતાના સોપાનો સર કરી શકાય છે. માણસ જે કોઇ પણ ક્ષેત્રમાં જંપલાવે તેમાં તેનું પૂરતું યોગદાન આપે તો તેને સફળ થતા કોઇ રોકી શકે નહીં. એ તેના ક્ષેત્રમાં એક આગવા મુકામ પર પહોંચે છે કે જેને અન્ય લોકો અનુકરણીય માને છે. આ જ રીતે પોતાના જ્ઞાન અને આવડતને એક આગવા મુકામે પહોંચાડીને ખેતીની વ્યાખ્યાને યોગ્ય સ્થાન આપતા એક એવા ખેડૂત વિશે વાત કરીએ કે જેણે વેજીટેબલ અને હોર્ટીકલ્ચર એગ્રીકલ્ચર માટે એક આગવા મોડેલ અને પંચસંસ્કારની પદ્ધતિનું ગઠન કર્યું છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કરાણા ગામના ખેડૂત અશ્વિનભાઇ જેરામભાઇ નારીયા કે જે હાલ સુરતમાં ઓર્ગેનિક ખેતીનાં પંચસ્તરિય મોડેલ આધારીત સફળ ખેતી કરીને અઢળક કમાણી કરી રહ્યા છે. તેઓ વર્ષ 1992માં બીએસસી એગ્રી થયા. ત્યાર બાદ ડ્રીપ ઇરીગેશનની જામનગર જિલ્લાની ડિલરશીપ મેળવીને જિલ્લાના ખેડૂતોને ડ્રિપ ફિટ કરવાના વ્યવસાયમાં જંપલાવ્યું. આ વ્યવસાયમાં ખેડૂતોની માગ અનુસાર જરૂરી ફેરફારો કરાવતા કરાવતા ઘણું શિખ્યા અને સાથે કમાણા પણ ખરા.
સારી કમાણી થતા 1997માં તેઓ એમએસ નટ બનાવવાની ઇન્ડસ્ટ્રીઝમાં જંપલાવે છે. તેમાં પણ સારી રીતે સેટ થયા પરંતુ મૂળ જીવ ખેતીનો એટલે તેમાં તેમને આનંદ આવ્યો નહીં એટલે તે છોડીને પાછા ખેતીમાં જોડાય છે. કરાણા ગામની પોતાના બાપ-દાદાની જમીનમાં ખેતી શરૂ કરે છે પરંતુ પાણીના અભાવે તેઓને તેમાં વધુ વળતર મળતું ન હતું. પાણી માટે વાડીમાં ઘણા બોર કરાવ્યા પણ પાણીના પ્રશ્ને નિરાશા જ મળી.
આ સમય દરમિયાન તેમની જામનગરના જામ સાહેબ સાથે મુલાકાત થાય છે. જેમને પોતાની જમીનમાં ડ્રિપ મુકવી હતી. આ બાબતે તેમને મળતા તેમણે તેની બધી જમીનમાં ઓર્ગેનિક ખેતી અને ચિલાચાલુ પાકોની જગ્યાએ લેમન ગ્રાસ, પામારોજા, જસ્મીન જેવા અલગ પાકોનું વાવેતર કરવા માટેનો વિચાર જણાવ્યો. આ માટેની શોધખોળમાં તેમને ઘણું જાણવા મળ્યું. મીઠા લીમડાનો પાક લીધો, તેમાંથી તેલ કાઢી ડબામાં ભરી તેને એક્સપોર્ટ કર્યું.

ત્યાર બાદ સંજોગોને આધિન તેઓ તે છોડીને સુરત આવતા રહે છે. કારણકે પોતાના ગામ કરાણાની જમીનમાં પાણીનો પ્રશ્ન હતો અને તેમને લાંબા ગાળાના આયોજન માટે પાણી વગરની ખેતી પોસાય એમ ન હતી. જોકે આ વિસ્તારમાં ઘણા ચેકડેમ થયા છે છતાંય ઉનાળે પાણી રહેતું નથી. એટલે ફરજીયાત સુરત આવવું પડે છે. અહીં આવીને ભાડે જમીન રાખીને શાકભાજીની ઓર્ગેનિક ખેતી શરૂ કરે છે. 5 વિઘામાં માંડવો બનાવી, ડ્રીપ અને મલ્ચીંગ કરી, પંચસ્તરિય પદ્ધતિથી દુધી, ગલકા, કારેલા, તુરીયા (મંડપ ઉપરના પાક) ટમેટા, મરચા, રીંગણા, ભીડો, (તેની નીચેના પાક) ભાજી પાલક, (જમીન પરના પાક) અને સૌથી નીચે કંદમૂળના પાકનું વાવેતર કર્યું. ફાર્મની બાઉન્ડ્રી ઉપર લેમનગ્રાસ વાવ્યું. ચૂસિયા પ્રકાની જીવાત આવતી તો યજ્ઞ ચાલુ કર્યા. એમાં સફળતા મળતા મળી. આવા 3 ફાર્મ ભાગીદારીમાં ડેવલપ કર્યા.
તૈયાર થયેલું શાકભાજી શહેરના કોઇ રોડ ઉપર લઇને ઉભા રહી જાતે જ વેચાણ કરતા અને જે શાકભાજી વધે એ માર્કેટમાં જવા દે તેમાંથી રોજની એવરેજ 8 થી 10 હજારની આવક મળી રહેતી. બપોર સુધીમાં તેમનું શાકભાજી વેચાઇ જાય એટલે ગાડી લઇને આસપાસના ખેડૂતોને ત્યાં ફરવા જતા રહેતા એટલે આંતરીયાળ ગામોમાં કે અન્ય જગ્યાએથી ખેત ઉપયોગી વસ્તુઓ ક્યાંથી સસ્તી મળી રહે તેની માહિતી મળી રહેતી. અન્ય ખેડૂતો તેમને ત્યાં મુલાકાતે આવે તો તેઓને એ વસ્તુઓ જોઇતી હોય તો તેઓ પોતે એ વસ્તુઓ તેમને અન્ય જગ્યાએ મળે એના કરતા સસ્તા ભાવે આપે અને મધ્યસ્થીનું કમિશન તેમાંથી મળે. આમ તેઓને ખેતીની સાથે સાથે આવો કન્સલ્ટીંગનો ધંધો પણ શરૂ થયો અને તેમાંથી પણ આવક મળતી થઇ.

2014 સુધી જમીનો બદલાતી રહી અને દરેક વખતે નવા નવા અનુભવો મળતા રહ્યા. R&D(Research and Development)માં ખર્ચા વધુ કરતા એટલે સુરતમાં મકાન લઇ શક્યા પણ જમીન ન લઇ શક્યા. પણ બિલ્ડરો ઓળખાણ અને સારી છાપને લીધે જમીન ભાડે આપતા. તેને ડેવલપ કરીને આપે ત્યાં તે વેચાય જાય અને ફરી બીજી રાખવાની થાય. આમ ઘણી જગ્યાઓ બદલવી પડી. 2016માં ઘરની જમીન લેવા માટે પ્રયાસ કર્યો પણ એ સમયે જમીનની કિંમત વધારે હોવાથી લઇ ન શકાય અને કરાણાની પોતાની જમીન ડેવલપ કરવાનો પ્રયાસ કર્યો પણ પાણીનો કોઇ વિકલ્પ ન મળ્યો. જોકે ત્યાં પણ તેમણે સારું ફાર્મ બનાવ્યું છે.
ગમલા(કુંડા) પદ્ધતિથી પથ્થરાળ જમીનમાં ઉત્તમ ખેતી
અશ્વિનભાઇએ વિકસાવેલી ગમલા પદ્ધતિથી સાવ નજીવા ખર્ચે સારી આવક લઇ શકાય છે. તેઓ સુરતમાં પાર્ટનરશિપમાં ખેતી કરતા હતા તે વખતે એક ખેડૂતે પથરાળ જમીનને ડેવલપ કરવા માટે 3 લાખ રૂપિયા આપ્યા અને કહ્યું કે જમીનને ફળદ્રુપ બનાવો. એ વખતે થ્રી લેયર સાથે ગમલા પદ્ધતિ અપનાવી. બારડોલી પાસેની એ જમીનમાં હલવા માટેની સ્પેશિયલ દુધી ઉગાડવા માટે 150 બેરલ લાવી તેનાં ત્રણ ભાગ કરી કુલ 450 ગમલા તૈયાર કર્યા. જેનું 10 ફૂટ બાય 10 ફૂટે ગોઠવણ કરી તેમાં ફળદ્રુપ માટી ભરી વચ્ચે થાંભલા ગોઠવી તાર બાંધી, ઓડો-ઊભો કાચો મંડપ તેયાર કરી દીધો. આ વાડીમાં ડ્રિપની નળીઓ બાંધી ઉપરથી નીચે ઉતારી. ગમલામાં થાંભલાના જોરે મંડપ પર વેલાવાળા પાક જેવા કે દુધી, ગલકા, તૂરિયા અને કારેલાં જેવા પાક લીધા તો મધ્યમાં ભીંડા, મરચાં, રીંગણ, ટામેટાં અને ગ્રાઉન્ડ ઉપર તરબૂચ, કોળુ અને ટેટી તેમજ કાકડીનું વાવેતર કરી પથરાળ જમીનમાં પણ સફળતા મેળવી.

આ ખેતીમાં પણ ખર્ચ ઘટાડવા માટે 300 રૂપિયાના જૂના બેરલને બદલે પ્લાસ્ટીકની ગારબેજ બેગનો ઉપયોગ કરી સાવ નજીવા 10 થી 12 રૂપિયા ખર્ચમાં ગમલાં તૈયાર કર્યા. પ્લાસ્ટિકમાં માટી ભરીને વચ્ચે થાંભળો ખોડી, પ્લાસ્ટિકની વચ્ચે માટી નાંખી દીધી. કોથળીના બહારના ભાગે પણ બાયોમાસનો ઉપયોગ કર્યો. મંડપ ઉપર ડ્રીપ ગોઠવેલી હોઇ પાણી ઉપરથી છોડને મળી રહે એટલે આ રીતે જમીન તૈયાર કરવાનો પણ ખાસ વધારાનો ખર્ચ રહેતો નથી.
ઘણી શોધખોળ બાદ મળેલ નિચોડરૂપ પદ્ધતિ
સજીવ ખેતીમાં ઘણા વિદ્વાનોએ અલગ અલગ કામ કર્યું છે. ડાભોલકર, સુભાષ પાલેકર, ડો. અશોક શાહ અને ભારતના કોઠાસુઝથી કામ કરતા ખેડૂતો પાસેથી શીખવા મળ્યું, આખા વિશ્વમાં ફર્યા અને પોતાની રીતે R&D(Research and Development) કરીને એક નિષ્કર્ષ ઉપર આવ્યા કે બધી બાબતોનો નિચોડ ભૂમિસંસ્કારમાં આવી જાય છે. પછી ખેડૂતો પોતાની કોઠાસુઝ પ્રમાણે તેમાં વધઘટ કરતા હોય છે. એટલે એક યુનિવર્સલ મોડેલ બનાવ્યું કે જેમાં પ્રોડક્શન લોસ્ટ પણ ન થાય અને સારું પરિણામ મળે. અત્યાર સુધી ખેડૂતો સીધા થાંભલા ખોડી તેના દ્વારા ટમેટી જેવા છોડને બાંધીને ચડાવે છે જેનાથી છોડના વિકાસ અને ફ્લાવરીંગમાં ઉણપ રહે છે. તો આના માટે A આકારની એક ડીઝાઇન બનાવી. જેમાં વેલા, કંદમૂળ, ભીંડો, ટમેટા, રીગણા જેવા શાકભાજીના બધા પાક, હોર્ટીકલ્ચરના બધા પાક આંબો, સીતાફળી, દાડમ, સંતરા, મોસંબી, વગેરે આજ ડિઝાઇનમાં બની શકે.

અશ્વિનભાઇએ જ્યાં ક્યાંયથી સારું મળ્યું તેને ભેગું કરી યોગ્ય મોડેલ બનાવ્યું કે જે વાસ્તવિક રીતે વાયેબલ હોય. ગૌમૂત્ર જમીનમાં આપવા માટે તેનું માપ અને તેની વાયેબેલીટી નક્કી કરી કે એક વર્ષે વીઘે 40 લિટર ગૌમૂત્ર નાખો એટલે એ વાયેબલ છે. પછી એ 10-10ના ચાર ભાગે નાખો તો પણ ચાલે અને એક સાથે 40 લીટર નાખો તો પણ ચાલે. એક વર્ષમાં 1 વિઘે 40 લીટર પૂરતું છે પછી તે વધુ નાખે તો કોઇ ફાયદો થતો નથી અને ઓછું નાખે તો ઓછું કામ આપે છે. એવું તેમના અનુભવે નક્કી કર્યું.
પેશન ફ્રુટનું પ્લાનિંગ
હાલમાં પેશન ફ્રુટનું કામ સારું ચાલે છે. પેશન ફ્રુટના વેલા થાય. પેશન ફ્રુટની માંગ હવે ભારત સહિત આખા વિશ્વની આવી રહી છે. અત્યાર સુધી જંગલી ફ્રુટ હતું તેને હવે કોમર્શીયલ પાકમાં લઇ જઇને સારી વેરાયટી બનાવી, લંડનથી બી મંગાવીને રોપા તૈયાર કર્યા. ખરેખર આપણું જ ફ્રુટ હતું પણ ત્યાંની સારી વેરાયટી લઇ આવી તેનું કામ શરૂ કર્યું. તેનું સુરતમાં 4-5 વિઘાનું વાવેતર કર્યું અને હવે તેનું માર્કેટ કરવાનો પ્રયત્ન ચાલું છે. હવે સારી વસ્તુની માંગ થવાની છે. કોરોના બાદ હવે લોકો સારું ખાવા માગે છે એટલે સારી માંગ થવાની જ છે. એટલે હવે સારી તક મળવાની છે અને તેમાં સારું ડેવલપ કરી શકાય એવો સ્કોપ છે.

મંડપ બનાવવા માટે લોખંડના તારની જગ્યાએ પ્લાસ્ટીકના તારનો ઉપયોગ
મંડપ બનાવવા માટે લોખંડના તાર(વાયર)નો ઉપયોગ થાય છે. એમાં આંખમાં વાગી જાય, લોઢાનું મોંઘું પડે, કટાઇ જાય વગેરે જેવા પ્રશ્નો રહે છે. તેના વિકલ્પરૂપે એમણે પોતાની બ્રાન્ડથી પ્લાસ્ટીકનો વાયર બનાવ્યો. પ્લાસ્ટીકની પટ્ટી બને તો વાયર શા માટે ન બને ? એટલે જુના મશીન ગોતી, તેમા R&D, કરી છોકરાને એન્જિનિયરિંગનું ભણાવી (મિકેનિઝમ એન્જિનિયરિંગ કરાવી)ને એમણે વાયર બનાવ્યો છે. ચાર વર્ષથી તેનું પ્રોડક્શન ચાલું છે અને આખા વિશ્વમાં તે જાય છે. ખેડૂતો આ પ્લાસ્ટીકના વાયરનો ઉપયોગ કરી ઓછા ખર્ચે સારું ઉત્પાદન લઇ શકે છે.
એક સાથે બધા પાક
કોઇને આંબા કે બાગાયત કરવું હોય તો તાત્કાલિક ઉત્પાદન નહીં આવે. ત્રણ વર્ષે કે પાંચ વર્ષે આવશે. હવે ડેન્સ વાવેતર કરે તો 10 બાય 10 ના અંતરે વાવેતર કરે છે. તેમાં પણ ત્રણ વર્ષે ઉત્પાદન આવે છે. તો તેની વચ્ચે આવું બધું વાવવાથી આ સમયગાળા દરમિયાન ઉત્પાદન મળશે અને બાયોડાયવર્સિટી ઊભી થશે. જો આંબો એકલો હોય તો તેને થોડી તકલીફ થાય પણ તેની વચ્ચે આવું વાવેતર હોય તો તેને પવનથી રક્ષણ મળશે, અન્ય કામની જીવાતો ત્યાં આવશે, બધા પંખી આવશે તો એ આંબો ફાસ્ટ ડેવલપ થશે. દા.ત. આપણે સમૂહમાં રહીએ અને એકલા રહીએ તો કેટલો ફેર પડે એટલો ફેર આ વનસ્પતિને પણ પડતો હોય છે.
કૃષિ કન્સલ્ટન્સી
હવે કન્સલ્ટન્સી ઉપર ઘણું કામ થઇ રહ્યું છે. કોઇ ખેડૂત કહે કે અમારે આવું કરવું છે તો કન્સલ્ટન્સી ફી લઇને સર્વિસ આપે છે. સામાન્ય ખેડૂતોના 1000 રૂપિયાથી માંડી 1500-2000 સુધી ચાર્જ કામ અનુસાર લઇને કોઇ ખેડૂતોને માર્ગદર્શન જોઇતું હોય તો તે આપે છે. વિદેશનો ચાર્જ 2000 ડોલર, જેમાં આવવા જવાની ટીકીટથી માંડીને તમામ ખર્ચ આવી જાય છે. આમ લોકોને ખેતીની ડિઝાઇન અને સલાહ આપીને સારી કમાણી થઇ રહી છે. તો હવે તેઓ પોતાનું જ ફાર્મ ડેવલોપ કરવા માગે છે. એ વાત ઉલ્લેખનિય છે કે અશ્વિનભાઇ આપણા ગુજરાત અને ભારત ઉપરાંત વિદેશના લોકોને પણ ઉત્કૃષ્ઠ કૃષિનું માર્ગદર્શન આપી રહ્યા છે. વિદેશના લોકો પણ તેમને ત્યાં ખાસ બોલાવીને તેમની પાસેથી માર્ગદર્શન મેળવીને ખેતીમાં સારું કામ કરી રહ્યા છે.
આપણે અહીં શાકભાજીમાં ભાવ ક્રાઇસીસ રહે છે. ક્યારેક કિલોના 5 રૂ. થઇ જાય તો ક્યારેક 100 રૂ. પણ થઇ જાય છે. જ્યારે વિદેશમાં આવું થતું નથી ત્યાં એવરેજ 40-50 રૂ. જેટલો ભાવ કાયમ માટે રહે છે. વેચાણની તકલીફ ભારતમાં છે અન્ય દેશોમાં નથી. આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં એ પ્રોબ્લેમ નથી. વિદેશમાં ખેતી કરવા જાવ તો સારો સ્કોપ છે. ખાસ કરીને શાકભાજીમાં. મોસ્ટલી ટમેટા, મરચા, રીગંણ ડુંગળી, બટેટામાં બહુ સારું વળતર મળી રહે છે. દા.ત. પોર્ટુગલમાં યુરોપના ટીંડોરાનો ભાવ બહુ રહે છે. યુરોપમાં મીઠા લીમડાના સુકા પત્તા 2200 રૂ. કીલો વેચાય છે. તો કોઇ અહીંથી એક્સોપર્ટ કરે અથવા ત્યાં ચાર-પાંચ વિઘાનો માંડવો કરે અથવા ત્યાં અમુક અમુક અંતરે આ રીતે ફાર્મ ડેવલોપ કરે તો ખુબ સારી કમણી થઇ શકે. આ રીતે અહીંથી બહાર ગયેલા છોકરાઓને ખેતી કરવી હોય તેવા લોકોને સલાહ આપે છે. અહીંના લોકલ ખેડૂતો પોતાની જમીનમાંથી કેમ સારામાં સારું ઉત્પાદન મેળવી શકે પોતાની જમીનનો પૂરતો ઉપયોગ કરી મહત્તમ કમાણી કરી શકે એ માટેની પદ્ધતિઓ અને જરૂરી માહિતી આપી તેમને ઉપયોગી થઇ રહ્યા છે.
શાકભાજીનું એક્સપોર્ટ
તેમની પાસે એક્સપોર્ટ માટેનો આઇટી કોડ પણ છે અને તેમણે તેમના કારેલા દૂબઇ મોકલ્યા છે. અશ્વિનબાઇએ તેમના દિકરાને રીપબ્લીક ઓફ જ્યોર્જીયામાં અભ્યાસ માટે મોકલેલો. તે તેમના પૂત્રને અલગ અલગ રસ્તાઓથી આવવા જવાનું સુચન કરતા. ક્યારેક વાયા ચાઇના તો ક્યારેક વાયા દૂબઇથી આવવાનું કહે. આમ અલગ અલગ રસ્તાઓથી આવવા જાવાનું અને દર 6 મહિને રજા પડે એટલે આવવાનું જ. દરેક જગ્યાએ માર્કેટમાં ફરવાનું અને જાણવાનું. આ રીતે તે દૂબઇથી આવતો હતો ત્યારે ત્યાનાં માર્કેટમાં એક બાંગ્લાદેશી વ્યક્તિનો સંપર્ક થયો અને તેને કારેલા મોકલ્યા. સંજોગો વસાત આઇસોલેસન ટેસ્ટના ચેકઆઉટમાં મોડું થતા આ કારેલા ત્રણ દિવસે પહોંચ્યા છતાં તે બગડ્યા ન હતા એનું કારણ તે ઓર્ગેનિક કારેલાની ગુણવત્તા હતી.
ખેતીમાં પંચસંસ્કારની પદ્ધતિ
આપણે જેમ 16 સંસ્કારની રીત છે તેમ ખેતીમાં 5 સંસ્કારની એક ફોર્મ્યુલા બનાવી. જેમાં ભૂમિ સંસ્કાર, બીજ સંસ્કાર, વનસ્પતિ સંસ્કાર, પાણી સંસ્કાર અને વાયું સંસ્કારનો સમાવેશ થાય છે. આ સંસ્કારનો અર્થ જમીન, પાણી, હવા, વનસ્પતિ અને બીજને શુદ્ધ કરીને તેમાં સકારાત્મક ઉર્જા ઉમેરવી એવો કરી શકાય. જેની ખતી ઉપર ખૂબ સારી અસર પડે છે.
ભૂમિ સંસ્કાર એટલે ખેડૂતે ખેતી કરતા પહેલા જમીન તૈયાર કરવી. આ માટે ખેતરમાં એકર દીઠ 50 લિટર ગૌમૂત્ર અને 10 લિટર એરંડાના તેલનું મિશ્રણ નાખવું, ગાયના છાણના છાણામાંથી બનાવેલી રાખ જમીન પર છાંટવી. આ ઉપરાંત નાળિયેર, લીમડો, જાંબુ, કેરી જેવા મોટા વૃક્ષો ખેતરની આસપાસ લગાવવા. આથી ખેતરની અંદર એક મોટી ઇકો સિસ્ટમ તૈયાર થશે. 26 ટકા સુધી ઓક્સિજન ગાયના છાણમાં જોવા મળે છે. તો તેના ગોબરને બાળીને બનાવેલી રાખમાં ઓક્સિજનનું પ્રમાણ 54 ટકા જેટલું હોય છે. જે જમીનમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું કામ કરે છે.
બીજ સંસ્કારમાં જમીનમાં બીજ રોપાય તે પહેલા બીજની વિધિ કરવામાં આવે છે. જેના માટે તે ખાસ બીજામૃત તૈયાર કરે છે. 10 લીટર પાણીમાં એક કિલો ગાયનું છાણ, એક લીટર ગૌમૂત્ર, 50 ગ્રામ ચૂનો, 100 ગ્રામ ગાયનું દૂધ, 100 ગ્રામ હળદરનાં મિશ્રણમાં બીજ 24 કલાક પલાળી રાખ્યા બાદ બીજ વાવવામાં આવે છે. જળ સંસ્કારમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતા પાણીના PH લેવલને સારું બનાવવા માટે કુશના ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે.

વનસ્પતિ સંસ્કાર પાકને જીવાતો અને અન્ય રોગોથી બચાવવા માટે કરવામાં આવે છે. આ માટે ખેડૂતો સામાન્ય રીતે જંતુનાશક દવાનો છંટકાવ કરે છે. પરંતુ અશ્વિનભાઇ આ માટે માત્ર ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરે છે. તે 15 લિટર પાણીમાં 250 ગ્રામ ગાયનું દૂધ અને 100 ગ્રામ ગોળ ભેળવીને ખેતરોમાં છંટકાવ કરે છે. આ સિવાય તે છંટકાવ માટે ઘણા પ્રકારના ઓર્ગેનિક જંતુનાશકો તૈયાર કરે છે.
વાયુ સંસ્કાર માટે તેઓ મેદાનમાં હવન કરે છે. હવનમાં ગાયના છાણના છાણા અને શુદ્ધ ઘીનો ઉપયોગ થાય છે. આજે વાતાવરણમાં ફેલાયેલી અશુદ્ધ હવાથી ઘણી નવી બીમારીઓ થઈ રહી છે. તે ખેતીને પણ અસર કરે છે. એટલા માટે હવાનું શુદ્ધિકરણ અગ્નિહોત્ર યજ્ઞ દ્વારા કરવામાં આવે છે. હવનના ધુમાડામાંથી લગભગ 108 પ્રકારના ગેસ છૂટે છે, જે વાતાવરણમાં હાજર બેક્ટેરિયાને મારી નાખે છે.
આ બધી પદ્ધતિઓનો ઉપયોગ કરતા પહેલા તેમણે ઘણા સંશોધન પણ કર્યા છે. આ ઉપરાંત તેઓની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તપાસ પણ કરવામાં આવી છે. જેથી લોકોને તેનું મહત્વ યોગ્ય રીતે સમજાઇ શકે.અશ્વિનભાઇ નારીયાને ખેતીમાં નવી પદ્ધતિ અપનાવી ઉત્કૃષ્ટ આવક મેળવવા અને તેના ફાયદા અન્ય ખેડૂતો સુધી પહોંચાડવાના પ્રયત્નના ઉમદા કાર્ય માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી – સુરત દ્વારા સન્માનપત્ર અર્પણ કરી તેમનું ભાવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું છે.

હવે ઉત્તમ ખેતી થવાની છે. કોરોના પછી આખું વર્ડ ચેન્જ થઇ રહ્યું છે. લોકો મોંઘી સારવાર પાછળ પૈસા ખર્ચવા કરતા સારા ખાન-પાન પાછળ ખર્ચવા માટે તૈયાર થઇ રહ્યા છે. જેનોં મોટાભાગનો હિસ્સો ભારતને મળે એમ છે. હવે માણસો ઓર્ગેનિક એગ્રિકલ્ચર ઉપર જઇ રહ્યા છે એટલે એનો જમાનો આવશે. હવે જેની પાસે પોતાનું માર્કેટ અને પોતાની બ્રાન્ડ હશે તેઓને સારી કમાણીની તકો મળશે.
ખેડૂતોએ પોતાનું R&D ઘણું કર્યું, સારી જાતો વિકસાવી પણ તેનું માર્કેટ વિકસાવી શક્યા નહીં, તો સરકારની નીતિઓ પણ કંઇક અંશે કૃષિ વિમુખ રહી છે. જેના લીધે ગામડાનો બુદ્ધિજીવી વર્ગ પણ ત્યાં ને ત્યાં જ રહ્યો. તો શહેરમાં લોકોને રોજી રોટી મળી રહે છે, જે ખેતીમાં ભૂંડ, રોજ, વિજળી અને પાણી જેવા ઘણા પ્રશ્નો છે જેના લીધે ખેડૂત ખેતીથી ડાઇવર્ટ થઇ શહેરો તરફ વળી રહ્યો છે. પણ જો ખેડૂતે ખેતીમાં ટકવું હશે તો પોતાની જમીનનો ફૂટે ફૂટનો ઉપયોગ, પાણીનું મેનેજમેન્ટ, ઓર્ગેનિક અને પોતાની બ્રાન્ડ બનાવે તો જ તે સર્વાઇવ થઇ શકશે નહીં તો શક્ય નથી. અને એક સારી બાબત એ પણ છે કે હવે ખેડૂતોમાં સુધારો આવતો જણાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત