Homeસાહિત્યપ્રિય આશિષભાઈ તમે અમારા માટે એ કક્ષ બની ગયા

પ્રિય આશિષભાઈ તમે અમારા માટે એ કક્ષ બની ગયા

પ્રિય આશિષભાઈ. જો હું તમને મળ્યો હોત તો હું આટલું લખી જ ન શકેત. સારું થયું આપણે મળ્યા નહીં. કાલે લાંબુ લખનારાના પણ હાથ ધ્રૂજવા લાગ્યા હતા. મેં વાંચેલું કે મેઘાણીભાઈને ઈન્ડિપેનથી લખી લખીને અંગૂઠો દુખવા લાગેલો અને એ લખી નહોતા શકતા. કાલ બધાને આવું થઈ ગયું!! ઓલા ત્રીસ વીઘામાં લખનારા હતા ને? એ પણ તમારી વાત સાંભળી મેઘાણી થઈ ગયા. એમનો હાથ ધ્રૂજવા લાગ્યો. ઘણાએ 2020ને દોષિત ઠેરવ્યું. હવે તો આ વર્ષ જાય તો સારું.

એકાદ વર્ષ પહેલા મેં તમને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને તમે હમણાં જ સ્વીકારી. આપણને પણ શેર જેટલું લોહી ચઢી ગયું હો કે આશિષ કક્કડ જેવા તેવાની રિક્વેસ્ટ તો એક્સેપ્ટ ન કરે. આપણમાં પણ કંઈ હોવું જોઈએ. એ બહાને ખુશ થતા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં ચારેક વર્ષ પહેલા નવું થીએટર બન્યું. એ થીએટરની બહાર પોસ્ટર લગાવેલા છે. તેમાં આપની ફિલ્મ બેટરહાફનું પોસ્ટર પણ છે. આંખના વધારે નંબર હોય તો દેખાય પણ નહીં જોકે તમે બનાવેલી ફિલ્મનું પોસ્ટર આંખે ચડ્યા વિના રહે નહીં.

આ તો ગઈકાલે તમે અચાનક વિદાય લીધી એટલે તમારા વાંચનનો શોખ જાણવા મળ્યો. તમને નબળું પચતુ ન હતું એ તો માનવું પડે. હિદાયત પરમારે પોસ્ટ મૂકી ત્યારે ખબર પડી. તમને સત્યના પ્રયોગો, હેરી પોટર, દસ્તાવેજ–મંટો, ઇસ્મત ચુગતાઇ, આંગળીયાત, મારી પરણેતર, મારી ભીલ્લુ, સમુદ્રાન્તિકે, તત્વમસી, અકૂપાર, કર્ણલોક, સોક્રેટીસ, ધ પીગ્મેલીઅન, કોર્ટ માર્શલ, પોલીએના, અલ્કેમીસ્ટ, સરદાર સાચો માણસ સાચી વાત, મળેલા જીવ…. કોઈ કહે કે આશિષભાઈ તો જેવું તેવું વાંચે છે. ગુજરાતીમાં પણ સારું સારું શું વાંચી શકાય તેની તમે એક લિસ્ટ આપી દીધી.

તમે ગયા ત્યારે અમે કોઈએ ચીસો નથી પાડી. બધુ અચાનક થઈ ગયું અને અમે મૌન થઈ ગયા. સ્તબ્ધ થઈ ગયા. પેરેલિસિસ નવલકથામાં આવે છે, ‘દરવાજો અંદરની તરફ ખૂલતો હતો. એક નાના પાટિયા પર એણે વાંચ્યું : અહીં ચીસો પાડશો નહીં કારણ કે પડઘા પડતા નથી.’

તમે અમારા માટે એ કક્ષ બની ગયા.

3-1-1980ના રોજ વેણીભાઈ પુરોહિત સવારના સાડા સાત વાગ્યે ચાલ્યા ગયા. વેણીભાઈ મૃત્યુના પાંચ દિવસ પહેલા દિનકર જોષીને કહેતા હતા, ‘હું તો ફટાકડાની જેમ ફૂટી જઈશ ને એની કોઈને ખબરેય નહીં પડે.’ એ દિવસે જન્મભૂમિ અખબારે ગયા. બધા સાથે વાત કરી. કોઈને બોલવાની તક જ ન આપી. કોઈ દિવસ બોલવાની તક ન આપતા. લખવામાં કોઈને પહોંચવા ન દે. ધડાધડ લેખ લખી નાખ્યો અને પછી ચાલ્યા ગયા. સાવ ચાલ્યા ગયા.

વિનોદ ભટ્ટે રાવજી પટેલ વિશે લખ્યું તેમાં સરસ વાત કરી છે, ‘અવસાન પામેલા માણસનું મોટું સુખ એ હોય છે કે પછી એના વિશે આપણે ગમે તે બેધડકપણે કહીએ-લખીએ તે સાચું ખોટું કરવા એ તો નથી જ આવવાનો એની આપણને પાકી ખાતરી હોય છે. રાવજી પટેલ વિશેય ઘણાને મોઢે ઘણું ઘણું સાંભળવા મળતું; એ મર્યો એ અરસામાં : સાલો મારું કહેવું માન્યો હોત તો આટલો જલદી ના મરત.’

હરીન્દ્ર દવેએ પ્રવાસીમાં લખ્યું હતું, ‘મૃત્યુની સાવ લગોલગના અનુભવમાંથી પસાર થઈ રહ્યો છું. થોડા સમય પછી જ્યારે આ અનુભવોનો પ્રદેશ પાર થઈ જશે ત્યારે આ પાર હોઈશ કે પેલે પાર એની જાણ નથી.’

કુમારના કાર્યાલયે વિનોદ ભટ્ટ બેઠા હતા. ત્રીજી જુલાઈ તારીખ હતી. એ ઊભા થઈ ઘર બાજુ જવા નીકળ્યા કે બચુભાઈએ પ્રૂફમાંથી માથું ઊંચુ કરતાં કહ્યું, ‘બેસોને.’

‘પછી નિરાંતે આવીશ.’

‘હા, પણ આવતા રહેજો.’

બાર જુલાઈના રોજ વિનોદને કુમાર કાર્યાલયના ફોન મારફતે ખબર મળી કે, ‘બચુભાઈ તો ગુજરી ગયા.’

સૌથી મોટી માથાકૂટ તો જ્યોતીન્દ્ર દવે વખતે થઈ હતી. એમની શોકસભાનું આયોજન કરવામાં આવ્યું. બધા પોતાની સાથે રૂમાલ લઈને આવ્યા હતા. એમને ખ્યાલ હતો કે જ્યોતીન્દ્રની શોકસભામાં હકીકતે થવાનું શું છે ? શોકસભામાં જ્યોતીન્દ્રની વાતો થઈ અને બધા મોઢે રૂમાલ આડો રાખી મરક મરક હસી લેતા હતા.

આ બધી વાતો કરવાનો ઉદ્દેશ્ય તો એ જ કે આપણા સાહિત્યકારો પોતાનો પ્રિય લેખક કે મિત્ર મૃત્યુ પામે ત્યારે એમને કેવું લાગી આવે, તેની અનુભૂતિ આપે કાલ અમને કરાવી દીધી. નહીં ને આપને મળવાનું થાત તો ખૂણામાં લઈ જઈ એક જ વાત પૂછેત કે, ‘આશિષ સાહેબ આવો બધો અવાજ જન્મથી જ છે કે આના પર મહેનત કરી. ટીપ્સ તો આપો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments