Homeસાહિત્યઆર્થર કોનન ડોયલે શેરલોકને મારી શું કામ નાખ્યો ?

આર્થર કોનન ડોયલે શેરલોકને મારી શું કામ નાખ્યો ?

લેખકની લખેલી કૃતિ ખોવાય જાય તો કેટલો વસવસો થાય, અજંપો ઘેરી વળે, નયનો વિસ્ફારીત થઈ જાય. તે વાત આર્થર કોનન ડોયલ જેટલી કોઈ નહીં જાણતું હોય. તેની ઉંમર 23 વર્ષની હતી. નાની વયે જ તેને ખબર પડી ગયેલી કે મારે લેખક બનવું છે. તેણે મહામહેનતે એક પુસ્તક તૈયાર કર્યું. એ જમાનામાં ઈમેલ જેવી સુવિધા તો ક્યાંથી હોય એટલે લેખકે તે પુસ્તક પ્રકાશકને પોસ્ટ મારફતે રવાના કર્યું. પ્રકાશકને તે પુસ્તક મળ્યું જ નહીં.

બિચારા આર્થરને જ્યારે ખબર પડી કે તેણે લખેલું પુસ્તક કોઈના ખોટા સરનામે ચડી ગયું છે તો તેણે ફરી લખવાની જહેમત આદરી દીધી. 23 વર્ષની ઉંમરે તેને એ ખબર નહોતી કે તે પુસ્તકની લખેલી પ્રત જેના હાથમાં આવી હશે તે છપાવી નાખશે તો? અમારા ચાબુકને તો લાગે છે કે યુવા લેખકની એ પ્રત એવા વ્યક્તિના હાથમાં ગઈ હશે જે અભણ હોવો જોઈએ અને તેણે તે કાગળિયા ઘરની સફાઈમાં વાપરી નાખ્યા હશે. જોકે આજ સુધી 150 પાનામાં પથરાયેલી એ નવલકથાનું પગેરું નથી મળ્યું.

ગુજરાતીમાં કેટલાક લેખકો એવા છે જે છદ્મવેશે કૃતિઓ લખે છે. આમ લખવાનો આશય તો એ જ રહેલો છે કે કોઈ ચોપડીના વખાણ કરી લે કે, ֹ‘ફલાણો લેખક કોણ છે ? જે આટલું સારું લખે છે.’

દુ:ખની વાત એ છે કે છદ્મવેશ ધારણ કરી લખવા છતાં ઘણા ભાવકો લેખકની સામે જ તેની કૃતિને વાટી નાખતા હોય છે. આજે ફેસબુક પર ફેક આઈડી બનાવીને લખતા કેટલાક લેખકોનો પણ આ પ્રકારની શ્રેણીમાં જ સમાવેશ કરી શકાય.

ડોયલને લેખક તરીકે તો તખલ્લુસ વાપરવા નહોતા પસંદ પણ તેણે ફૂટબોલર તરીકે તખલ્લુસો વાપર્યા હતા. એસી.સ્મિથ અને પોર્ટસ્મૂથના નામે તે ફૂટબોલમાં ગોલકિપર રહી ચૂક્યો હતો. એ ટીમો કેટલી મુર્ખી હશે જે ડોયલનું મોઢું જોયા જાણ્યા વિના તેને ગમે ત્યાં ગોલકિપર તરીકે રાખી દેતી હશે.

આજે પણ લેખક સ્પોર્ટ્સમાં સારો હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આર્થરના સમયે પણ આવું થયું હોવું જોઈએ. લેખક ફૂટબોલ રમી જ ન શકે. તેવું માનનારી એક જાતિ ઈંગ્લેન્ડમાં હશે જ. જોકે આર્થર તો ક્રિકેટ પણ રમી લેતો હતો.

જેમ જેમ તે લાંબી રહસ્યકથાઓ લખતો ગયો તેમ તેમ તેનું શરીર પણ સ્થૂળકાય થતું ગયું. યુદ્ધના મેદાનમાં ઉતરી તેને સૈનિક બનવું હતું. પણ આટલું મોટું શરીર ધરાવતો યુવાન યુદ્ધમાં જાય તો ભાગી ન શકે. માણસ કરતાં બુલેટની સ્પીડ વધારે જ હોવાની. પોતાના ભારે ભરખમ વજનનાં કારણે તેને રિજેક્ટ કરવામાં આવ્યો. સૈનિક ન બન્યો તો ડોક્ટર બની ગયો અને પછી કલ્પના પણ કેવી કરી ? તેનો ડોક્ટર વોટ્સન યુદ્ધમાં ઘાયલ થાય છે. એ ડોક્ટર વોટ્સન પોતે જ હતો. તેના જીવન અને વોટ્સનના જીવનમાં આટલી સમાનતા તો રહેલી જ છે.

મિત્ર સાથે ક્યારેય ચર્ચા ન કરવી. આમ કરવાથી જીવનમાં આવેલા સારા માણસો પણ તરછોડીને ચાલ્યા જાય છે. જેનું વરવું ઉદાહરણ આર્થરના જીવનમાંથી મળે છે. હેરી હૌદિની નામનો તેનો એક મિત્ર હતો. એ જાદુગર હતો. બંનેની મિત્રતા ગાઢ હતી. એક દિવસ અધ્યાત્મની ચર્ચાએ ચડ્યા અને આ શું થયું ? ચર્ચા બાખડવા સુધી પહોંચી ગઈ. એટલા ઝઘડ્યા કે મિત્રતા તૂટી ગઈ. મિત્રતા તૂટવાથી બંનેને નુકસાન ગયું. હેરીનાં જાદુના શો આર્થરને મફતમાં જોવા ન મળતા અને આર્થર પોતાના પુસ્તક હેરીને મફતમાં ન આપતો. વાટકી વ્યવહાર તૂટી ગયો.

1912ની સાલમાં ડોયલે એક બુક પ્રકાશિત કરી. એ સમયે કોઈને આવો વિષય પણ હોય શકે તેની ભાન નહોતી. તેનું લખાણ વાંચીને ઘણા વિજ્ઞાન લેખકો અંદરથી બળવા લાગેલા. એ વિષય હતો લોસ્ટ વર્લ્ડ. ડાયનાસોરને લખાણમાં લાવનારો આર્થર હતો. પણ ત્યાર સુધીમાં શેરલોક હોમ્સને બધાએ માથે ચડાવીને રાખ્યો હતો. લોસ્ટ વર્લ્ડ એવી કૃતિ બની જેમાંથી પ્રેરણા લઈ ઘણી નવલકથાઓ લખવામાં આવી અને ફિલ્મો પણ બની. આજે ફિલ્મો બને છે પણ તેની મેઈન ક્રેડિટ જેને મળવી જોઈએ તે ડોયલને તેનાથી વંચિત રાખવામાં આવે છે.

જગતનો દરેક માનવી નિષ્ફળતાના પડાવે આવી પહોંચે છે. ડોયલ પણ આવી ગયો હતો. તે ઓપ્થીમોલોજીમાં નિષ્ણાંત હતો એટલે કે આંખનો ડોક્ટર, પણ તેણે તેની આત્મકથામાં ઉલ્લેખ કર્યો છે કે, ‘હરામ એક પણ દરદી મારા દવાખાને આવ્યો હોય તો.’

નવરાશની આ ક્ષણોએ જ તેને લેખક બનાવી દીધો. કોઇની નોકરી ચાલી જાય કે, ધંધો શરૂ કરો પણ ચાલતો ન હોય તો શક્ય છે કે તમે આડુ જે કામ કરતાં હો તેમાંથી ભવિષ્યમાં તમારું નામ રોશન થઈ જાય. ડોયલને આ ફાયદો થયો. જોકે પાનની દુકાને કેરમ રમનારાઓને હજુ કોઈ ફાયદો નથી થયો એ જાણી આઘાત પહોંચે છે!

1893ની સાલમાં એનો દારૂડિયો પિતા મરી ગયો. તેને અધ્યાત્મમાં રસ હતો, પણ અધ્યાત્મ જેવા ગમતાં વિષય પર લખી નહોતું શકાતું. ન લખી શકવાનું કારણ શેરલોક હોમ્સ હતો. એ વાતે વાતે તેના લખાણમાં આવ્યા કરતો હતો. આડખીલી રૂપ બનતા શેરલોકને તો મારવો જ રહ્યો. જો મારે નહીં તો અધ્યાત્મ વિશે કેવી રીતે લખી શકે?

તે એક સમયની શોધમાં હતો. લાગ મળી જાય તો શેરલોકનું ગળું દાબી દે. આર્થર માટે આ ધંધો કર્યા જેવો બિલકુલ નહોતો કારણ કે જો તે શેરલોકને મારે તો તેના ઘર પાસે લોકોની ભીડ એકઠી થઈ જાય. હુલ્લડ ફાટવાની શક્યતાને પણ નકારી ન શકાય. ને એક દિવસ તેનો દારૂડિયો પિતા ગુજરી ગયો. 1893ની એ સાલ હતી. પિતા ગુજરી ગયા એ વર્ષે જ તેણે શેરલોકને પણ મારી નાખ્યો.

લોકોને મજા તો ન જ આવી. શેરલોક છપાતો નહીં તો લોકોને લાગતું કે કદાચ લેખક સ્વર્ગસ્થ થયા હોવા જોઈએ, પણ લેખક જીવતા હતા. અધ્યાત્મની કરતાલ હાથમાં લઈ એણે તો ગાણા ગાવાના શરૂ કરી દીધા, પણ પછી ખબર પડી કે અધ્યાત્મ પણ પૈસા વગર તો ચાલે નહીં. પૈસા કોણ અપાવી શકે ? પૈસા તો શેરલોક હોમ્સ જ અપાવી શકે. એટલે તેણે ફરી શેરલોક હોમ્સને જીવંત કર્યો. અધ્યાત્મ ન હોત તો તે શેરલોકને કોઈ દિવસ જીવતો ન કરેત. દસ વર્ષ પછી તે પાછો સાહિત્યની દુનિયામાં ફર્યો.

શેરલોકને તેણે માર્યો તેની પાછળનું જવાબદાર કારણ અધ્યાત્મ અને દારૂડિયા પિતાને જ ન ગણી શકાય. પિતા તો શેરલોકને મારવાની આડપેદાશ હતા. ખરું કારણ ગણવું હોય તો તેની માતાને ગણો. તેની માતા તેના જીવતા દીકરા કરતાં શેરલોકને વધારે ચાહતી હતી. આર્થરને આ ડંખ પણ પજવ્યા કરતો હતો.

નાઈટહુડ પણ તેણે તેની માતાના કહેવાથી જ સ્વીકારેલ. બસ એમ જ જીવન સુખેથી ચાલતું હતું અને એક દિવસ… એ એક ગાર્ડનમાં હતો. ગબડી પડ્યો. એક ફૂલ તેના હાથમાં આવી ગયું અને તેને તેણે હાથમાં ભીંસી દીધું. તેને જમીન પર પડેલો જોઈ તેની પત્ની દોડીને તેની નજીક આવી અને તે બબડ્યો. ‘તું અદભુત છો.’

કોઈ આર્થર કોનન ડોયલે નહીં, પણ શેરલોક હોમ્સના રચયિતાએ આ દુનિયા છોડી દીધી હતી. શેરલોક વિના એ શું છે ? કંઈ પણ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments