Homeવિશેષએન્ડ્રૂ જેક્સન : 30 જાન્યુઆરીએ ગાંધીજી બચી ન શક્યા પણ જેક્સન બચી...

એન્ડ્રૂ જેક્સન : 30 જાન્યુઆરીએ ગાંધીજી બચી ન શક્યા પણ જેક્સન બચી ગયેલો

જોડણી લખતા તો સૌને ભૂલ થાય, પણ બોલતા પણ કોઈને ભૂલ થાય તો ? એ યુરોપને ‘ઉરોપ’ કહીને બોલાવતો. જેમ રાહુલ ગાંધીને પપ્પુ કહે છે તેમ આ માણસની વિરોધપક્ષના લોકો ‘ઉરોપ’ કહીને ઠેકડી ઉડાવતા હતા. તેની મસ્તી કરતી વખતે ધ્યાન રાખવું પડતું, કારણ કે તેની મજાક ઉડાવનારાઓને કે ટીખળખોરોને તે ગોળીથી ઉડાવી દેતો હતો. તેના આટલા વિરોધીઓ હોવા છતાં તે લોકપ્રિયતાનો વોટ ત્રણ વખત જીતી ગયેલો. છેલ્લી વખત તો જ્હોન ક્વિન્સ એડમ્સ સામે તે જીતી જ ગયો હતો પણ રાજકારણે તેનો ખરો રંગ બતાવી દીધો.

એન્ડ્રૂ જેક્સનનું મોઢું પાતળું ઘોડા જેવું હતું. તેના બાળ ગોઠિયાઓ તેની અશ્વ સાથે તુલના કરતા હતા. ચિત્રકાર જ્યારે તેનું ઘોડા પર બેસેલું ચિત્ર બનાવતો ત્યારે બંન્નેમાંથી સાચો ઘોડો કયો એ પારખવામાં થાપ ખાઈ જતો હતો.

જેક્સનનું જીવન આપણને ઘણું શીખવે છે જે બીજા કોઈ રાષ્ટ્રપતિઓ નથી શીખવી શક્યા. એના માતા પિતા આયર્લેન્ડના હતા. ગરીબ હતા. તેનો તો ઉછેરય માંડ માંડ થઈ શક્યો હતો. આ વ્યક્તિ ભવિષ્યમાં રાષ્ટ્રપતિ બન્યો તો સાઉથ કેરોલિના અને નોર્થ કેરોલિના વચ્ચે ઘમાસાણ થયું. બંન્ને એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવા લાગ્યા કે જેક્સન અમારો છે જેક્સન અમારો છે. આ ઘટના પરથી જેક્સન શીખવે છે કે આ દુનિયા તમારી પ્રસિદ્ધી પાછળ પાગલ છે. તમે પ્રસિદ્ધી પામો તો તમારી પાછળ ગાંડી થઈ જાય બાકી ભાવ પણ ન પૂછે.

એ જ્યારે જન્મ્યો ત્યારે ઉત્તર અને દક્ષિણ કેરોલીનાની સીમા ઘડાવાની બાકી હતી. માથાકૂટ આ કારણે જ થઈ. છેલ્લે તો ખૂદ જેક્સને 1824ના એક પત્રમાં કહી દીધું કે, ‘હું દક્ષિણ કેરોલીનાનો છું. હું મારા કાકાના ઘરમાં પેદા થયો હતો.’ તેના કહેવા ના કહેવાથી કંઈ નથી વળતું. આજે પણ એ વિવાદ સપાટી પર જ છે કે જેક્સનને કઈ જગ્યાનો ગણવો ? પાગલો તો જેક્સનના કાકાને હજુ શોધે છે!

નાનપણમાં તે કદરૂપો નહોતો પણ તેર વર્ષની નાની વયે પોતાના ભાઈ રોબર્ટની સાથે યુદ્ધકેદી બનીને રહ્યો હતો. એક અંગ્રેજ ઓફિસર તેની સામે આવ્યો અને બુટ ચમકાવવાનું કહ્યું. જેક્સને ઘસીને ના પાડી દીધી. અંગ્રેજે મ્યાનમાંથી તલવાર કાઢી ખભાના હાડકા સોંસરવી પોરવી દીધી અને મોઢા પર એક વાર કર્યો. તલવારના એક ઘાથી તેના ચહેરા પર કાયમી લિસોટો પડી ગયો. એ લિસોટાના બે અઠવાડિયા પછી બંન્ને ભાઈઓને યુદ્ધકેદીમાંથી આઝાદ કરી દેવામાં આવ્યા. મોટોભાઈ જીવી ન શક્યો. તેની બીમારી વધી ગઈ અને તે મૃત્યુ પામ્યો.

એ ગુસ્સામાં જ રહેતો હતો. ખાસ તેને પત્રકારો બિલકુલ નહોતા ગમતા. એ રાષ્ટ્રપતિ બન્યો ત્યારે ઘણાએ પત્રકારત્વની નોકરી છોડવાનું નક્કી કરી દીધેલ. તેની પાછળ 1806માં બનેલી ઘટનાને કારણભૂત માનવામાં આવે છે.

1806ની સાલમાં ચાર્લ્સ ડિકન્સ (લેખક નહીં) નામના એક પત્રકારે છાપામાં લખી માર્યું કે જેક્સન જેટલો બદમાશ અને કાયર માણસ આ પૃથ્વીપટ પર પાક્યો નથી. તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો. પોતાની પિસ્તોલ લઈ પેલા પત્રકારને લલકાર્યો. પત્રકારને પણ કારણ વિનાની પબ્લિસીટી જોતી હતી. જેમ આજે ઘણાને જોઈએ. પિસ્તોલ સાથે એ પણ મેદાનમાં ઉતર્યો. પ્રથમ પત્રકારે ગોળી ચલાવી જે જેક્સનની છાતીમાં ખૂંપી ગઈ અને ચાલીસ વર્ષ સુધી રહી હતી તેવું ઈતિહાસકારો અને અફવાઓના સમ્રાટો કહે છે. જેક્સન તો ગોળીથી બચી ગયો, હવે તેણે પેલા પ્રકાંડ પત્રકારને ગોળીએ દીધો. આ વારદાત બની ત્યારે જેક્સન રાષ્ટ્રપતિ નહોતો બન્યો.

જેક્સનના કાર્યકાળમાં તો પત્રકારો બોલતા પણ ભૂલી ગયેલા કે, ‘‘હું પત્રકાર છું !!’’ આ ડરથી ચાટુકારિતામાં પણ વધારો થઈ ગયો હતો.  

30 જાન્યુઆરી 1948ના દિવસે ગાંધીજીની હત્યા કરી દેવામાં આવી હતી. 2020થી ગણો તો આજથી 185 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1835માં જેક્સનની હત્યાનું કાવતરું ઘડાયું હતું.

તે અમેરિકાની રાજધાનીથી નીકળી રહ્યો હતો. રિચાર્ડ લોરેન્સ નામના એક ચિત્રકારે તેના પર ફાયરિંગ કરી દીધું. પણ મિસફાયર થઈ ગયું. તેણે બીજું હથિયાર કાઢી ધડાકો કર્યો. એ પણ મિસફાયર થયું. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે પિસ્તોલ બરાબર જ હતી પણ જેક્સન નસીબવાળો કહેવાય કે તેના પર આવતા જ ગોલી શુધબુધ ખોઈ બેસી. ગોલી મારનારે મનમાં તો બોલ્યું જ હશે, ‘ઈ કા બાવાસીર બનાઈ દીયે હો, મારતે હૈ જેક્સન કો જાતા હૈ જામખંભાળીયા.’

આવા બહાદુર માણસની પ્રેમ કહાની પણ નાનીસૂની થોડી હોવાની. એ પ્રેમમાં એ કરી બેઠો જે કોઈ કરતાં સો વખત વિચારે. ગુજરાતમાં તેણે કર્યું હોત તો તેના પર સામાજીક ગ્રંથો લખતા અને ગુજરાતી નવલકથાઓ પણ લખાત. 1780ની સાલમાં તે ટેનેસીમાં ચાલ્યો ગયો જ્યાં તેને રચેલ ડોનાલ્ડસન રોબર્ડ્સ સાથે પ્રેમ થઈ ગયો. નામથી જ ખ્યાલ આવી જવો જોઈએ કે આ મહિલા પરણિત હતી. તે એકલી રહેતી હતી. તેના લગ્ન થઈ ચૂક્યા હતા, પણ તેણે ડિવોર્સ નહોતા લીધા એટલે જેક્સને ડિવોર્સ લેતા પહેલાં જ તેની સાથે વિવાહ રચી લીધા. લગ્ન પછી તેની પત્નીએ તેની સાથે આ પ્રકારનો સંવાદ કર્યો હોવો જોઈએ, ‘મારો પતિ બંદૂક લઈ આપણને મારવા આવશે તો…?’

જેક્સને જવાબ આપ્યો હશે, ‘ભલભલી ગોળીઓ મારા ઘૂંટણીયે પડી જાય છે. એ તારો પૂર્વ ભરથાર વળી શું કરી લેવાનો?’

1794ના વર્ષમાં કાનુની રીતે તેણે રચેલ સાથે પુન:વિવાહ કર્યા. એ તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. વિવાહ કરી જ્યારે તે ચૂંટણીમાં જંપ લાવવાનો હતો ત્યારે વિરોધીઓએ તેની પત્ની પર ગંદી, ગોબરી અને વેશ્યા સુધીનું લેબલ લગાવી દીધું. જેક્સન કંઈ બોલી ન શક્યો. અહીં તે કંઈ કરી શકે તેમ નહોતો. તેની પાસે બંદૂક હોત તો તે ફાયર કરી દેત, પણ દર વખતે એ વ્યાજબી નથી હોતું. તેની પત્નીના કાને આ વાતો પડતી રહેતી. ચૂંટણીમાં હવે થોડા સમયની જ વાર હતી ત્યાં રચેલનું મોત થઈ ગયું. કહેવાય છે કે તે ગંદી રાજનીતિના ગંદા શબ્દો સહન નહોતી કરી શકી.

જેક્સન રાષ્ટ્રપતિ બન્યો ત્યારે પણ પત્નીના મૃત્યુને ભૂલ્યો નહોતો. તેના જેટલો સત્તાનો ઉપયોગ, આમ કહો તો દુરઉપયોગ કોઈએ નથી કર્યો. કેબિનેટમાં કોને રાખવા કોને નહીં તેની શરુઆત કરનારો એ હતો. જે હજુ પણ વિશ્વના રાજકારણમાં ચાલ્યું આવે છે. તેણે વિરોધીઓનું ગળું દબાવી નાખવા સુધીની સત્તાનો ઉપયોગ કર્યો. હવે લોકો તેને ‘કિંગ એન્ડ્રૂ’ કહીને સંબોધતા હતા. એ માનતો હતો કે સરકાર ખૂબ નાની હોવી જોઈએ, જેથી તમામ જગ્યાએ રાષ્ટ્રપતિની નજર રહે.

તેણે જોયું કે પત્નીના નિધન બાદ ફર્સ્ટ લેડીની જગ્યા ખાલી છે. તેણે તુરંત ભરતી પ્રક્રિયાનો આરંભ કર્યો. મામકાવાદ ચલાવતા પત્નીની ભત્રીજી એમિલીને તેણે કહ્યું કે, ‘ફર્સ્ટ લેડીની જગ્યા ખાલી છે. તારે પરીક્ષા પણ નહીં આપવી પડે! શું તું ભરતી થઈશ?’

કોણ આનાકાની કરે ?

પત્નીની જગ્યાએ ફર્સ્ટ લેડીના તમામ કામો તેણે કર્યા. ત્યારે તેની ઉંમર સતર વર્ષની હતી. અને હવે આગામી બાર વર્ષ જ તે જીવવાની હતી.

આ માણસે મરતા મરતા બે નિ:સાસા નાખીને કહેલું, ‘હું રાષ્ટ્રપતિ બની ગયો પણ બે પસ્તાવા રહી ગયા. હેનરી ક્લેને ભડાકે દેવો અને જ્હોન સી કેલહોનને ફાંસીએ લટકાવવો.’ ક્લે તેનો વિરોધી હતો જ્યારે કેલહોન તેનો પ્રથમ ઉપાધ્યક્ષ હતો. સારું થયું આ માણસ ભારતમાં ન જન્મ્યો નહીં તો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments