મહિલાઓ અને ખરીદી આ શબ્દ એકબીજા સાથે હળીમળી ગયો છે. શોપિંગ એ મહિલાઓનો શોખ પણ મનાય છે. નવા નવા કપડાં-ઘરેણાં-પગરખાં પહેરવાની મહિલાઓને અભિલાષા હોય છે. જો કે મોંઘવારીના આ સમયમાં આવા શોખનું બાળ મરણ થઈ જતું હોય છે. ત્યારે મહિલાઓ માટેના એવા હોટસ્પોટ વિસ્તારની વાત કરીએ જ્યાં ખરીદી કરવા માટે જાવ ત્યારે પતિદેવનું ખિસ્સું ગરમ નહીં હોય તોય ચાલશે.
આપણે વાત કરવી છે દિલ્હીની વિવિધ શોપિંગ માર્કેટની, જ્યાં 50 રૂપિયાથી વેસ્ટર્ન અને ઇન્ડિયન કપડાં તમારું ભેજું કામ ન કરે તેવી વેરાઈટી અને ડિઝાઇનમાં મળી રહે છે. હું અત્યાર સુધી બે વખત દિલ્હી ગયો છું અને બન્ને વખત મેં દિલ્હીની અલગ અલગ માર્કેટમાં જઈને ખરીદી કરી છે. દિલ્હીનાં લોકોમાં તો આ માર્કેટ ચર્ચાનો વિષય છે જ, પણ પર્યટકોનો પણ રીતસરનો જમાવડો રહે છે.
સરોજિની માર્કેટ
લૂંટ લો… લૂંટ લો…. 50 રૂપિયે મે લૂંટ લો… આવા શબ્દો દિલ્હીની સરોજિની માર્કેટમાં તમે પ્રવેશ કરો એટલે કાન પર અથડાય. આપણને લાગે કે 50 રૂપિયામાં તો હાથ રૂમાલ કે મોજા પણ નથી મળતાં, તો ટી-શર્ટ, ટોપ, પેન્ટ, ડ્રેસ જેવી વસ્તુઓ આટલી સસ્તી થોડી મળતી હોય ? પરંતુ અહીં રૂમાલ-મોજાનાં ભાવમાં કપડાં મળી જશે હું દિલ્હીમાં જેટલી માર્કેટમાં ફર્યો તેમાંથી મને સરોજિની માર્કેટ સૌથી શ્રેષ્ઠ લાગી. જેનું કારણ છે માર્કેટમાં મળતી વિવિધતા અને ખિસ્સાને પરવડે તેવો ભાવ. આ માર્કેટમાં મહિલાઓ માટે ઢગલાબંધ વેરાઈટીમાં ટીશર્ટ,જીન્સ, ગાઉન, ડ્રેસ, પ્લાઝો, કુર્તી, હેન્ડ બેગ જેવી વસ્તુઓ પાણીના ભાવમાં મળી જશે. જે તમારા કે મારા ગામમાં ત્રણ આંકડામાં મળે છે. પુરુષોએ પણ દુખી થવાની જરૂર નથી. તેમના માટે પણ શર્ટ-ટીશર્ટ-પેન્ટ-બેગ જેવી સસ્તી અને સારી વસ્તુઓ છે.
માર્કટમાં સામાન્ય રીતે કોઈ પણ એક વસ્તુની કિંમત 50 રૂપિયાથી શરૂ થાય છે. 100 રૂપિયામાં તો જીન્સ પેન્ટ મળી જાય અને જો તમારા ગજવામાં થોડા ખનખનિયા વધુ હોય અને 200-250 રૂપિયા ખર્ચવા સક્ષમ હોવ તો શો-રૂમમાં મળે તેવા અફલાતુન કપડાં પહેરાવાની ઇચ્છા પૂરી થઈ જશે. જ્યાં કપડાં લટકાવ્યા હશે તેની ઉપર તેની કિંમત પણ લખેલી હશે અને તે જ ભાવમાં મળશે. તેથી ત્યાં ગુજરાતી સ્વભાવ પ્રમાણે 50 રૂપિયાની વસ્તુ 40માં લેવાની રકઝકમાં પડવું નહીં ! બસ જે ગમે તે રૂપિયા આપી, થેલામાં નાખી આગળ વધી જવાનું. આ સરોજિની માર્કેટ એટલી લોકપ્રિય છે કે ‘હમ્પટી શર્મા કી દુલ્હનીયા’ ફિલ્મના ગીત ‘સેટર્ડે સેટર્ડે’માં પણ બાદશાહ ગાય છે કે ‘સરોજિની કે કપડે પહન કે મેડમ ચલી ડિસ્કો…’ તો હું તો તમને કહીશ કે જો તમે દિલ્હી જવાના હોય તો સરોજિની માર્કેટમાં જરૂર ચક્કર મારતા આવજો. ગેરંટી છે, કે કપડાં એટલા સસ્તા મળશે કે થેલો ભરીને ખરીદી તો કરી જ લેશો. તમે નહીં માનો, અમે દિલ્હી ગયા ત્યારે એક વખતની ખરીદીથી મન ન ભરાયું તો બીજી વખત ગયા હતા. અગત્યની વાત કે સરોજિની માર્કેટ જવું હોય તો મેટ્રોમાં બેસી જાવ અને સરોજિની માર્કેટ મેટ્રો સ્ટેશનની ટિકિટ લઈ લો. મેટ્રો સ્ટેશનની બહાર નીકળશો એટલે માર્કેટ તમારી સામે હશે. સોમવારે ધક્કો ન ખાતા બાકી ધરમનો ધક્કો થાશે, કારણ કે માર્કેટ બંધ હોય છે.
પાલિકા બજાર
પાલિકા બજાર માર્કેટ તમને સરોજિની માર્કેટ કરતાં થોડી મોંઘી લાગશે. પરંતુ ગુજરાતીઓ માટે મજાની વાત એ છે કે અહીં તમે વેપારી સાથે માથાકુટ કરીને ભાવતાલ કરી શકો છો. અદ્દલ આપણા અમદાવાદનો લાલ દરવાજો જ જોઈ લોને ! આ માર્કેટની ખાસિયત એ કે મહિલાઓનાં કપડાંની વેરાયટી જેટલી જ પુરૂષો અને બાળકોના કપડાંની વેરાયટીઓ છે. કપડાંની સાથે ઇલેક્ટ્રોનિક્સ આઈટમ જેવી કે મેમરી કાર્ડ, પેનડ્રાઈવ, પાવરબેન્ક, ઘડિયાળ વગેરે મળી રહેશે. પરંતુ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવામાં છેતરાઈ ન જાવ તેનું ધ્યાન રાખવું. બને તો અહીંથી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું માંડી વાળવું. અન્ય વસ્તુઓનાં ભાવ પણ તમને ડબલ અને ત્રણ ગણા સુધી કહેશે, પરંતુ જેટલો ભાવ કરાવશો તેટલો તમને ફાયદો થશે. અગત્યની વાત કે આ માર્કેટમાંથી વસ્તુ લેવી હોય તો જ તેના ભાવતાલ કરાવવા નહીંતર વેપારી તમારી પાછળ પડી જશે. જાણે રવિના ટંડનની પાછળ ગોવિંદા હોય. પાલિકા બજાર માર્કેટના અલગ અલગ સાત ગેટ છે. માર્કેટ અન્ડરગ્રાઉન્ડ છે અને સેન્ટ્રલ એસી છે. દિલ્હીની પાલિકા બજાર માર્કેટ સીપી એટલે કે કનોટ પ્લેસની સાવ નજીક છે. કનોટ પેલેસ એટલે ભીષ્મ સાહનીની ક્લાસિક વાર્તા ભાગ્ય રેખા વાંચી હશે તો ખ્યાલ આવી જશે. પાલિકા બજાર માર્કેટ જવા માટે તમારે મેટ્રોમાં રાજીવ ચોક મેટ્રો સ્ટેશનની ટિકિટ લેવી પડશે. ફરી પાછી એ જ વાત…. પાલિકા બજાર રવિવારે બંધ હોય છે. હેરાફેરીમાં બાબુરાવ કહે છે તેમ, સન્ડે કો આના મસ્ત નહા ધો કે હાં…. તેમ અહીં ન ચાલ્યું જવું. જો કે ગુજરાતીઓ બિચારા જ્યાં જાય ત્યાં એ દિવસે રજા જ હોય, ‘મૂઈ અમારા તો ભાઈગ જ ભમરાળા, ન્યાં ગ્યું તો સંધુય બંઈધ.’
સદર બજાર
દિલ્હીની સદર બજાર રમકડાંની ગલી તરીકે ઓળખાય છે. સદર બજાર એશિયાની સૌથી મોટી હોલસેલ માર્કેટ છે. આ પરથી તમે અંદાજ લગાવી શકો કે માર્કેટ કેટલી મોટી હશે. અહીં ટાંકણીથી લઈને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જથ્થાબંધ ભાવમાં મળે છે. રમકડાંની સાથે સસ્તા કપડાં, ઇમિટેશન અને જ્વેલરી માટે પણ આ માર્કેટ વખણાય છે. બાળકો માટેનાં રમકડાં તમને 30 થી 50 ટકા ઓછા ભાવમાં અહીંથી મળી જશે. સદર બજારમાં સિઝનેબલ વસ્તુઓ પણ સાવ સસ્તા ભાવમાં મળી જાય છે. જેમ કે દિવાળી પર ફટાકડા, હોળી પર રંગો, ઉત્તરાયણ પર પતંગ-દોરા. આ માર્કેટને હું ફેસ્ટિવલ માર્કેટ કહું છું. શબ્દ વાપરવાની તમને પણ છૂટ છે. માર્કેટમાં પણ ભાવતાલ કરાવવાનું ભૂલવું નહીં. બાકી ઉપર કહ્યું એમ, રવિના-ગોવિંદા.
લાજપત નગર માર્કેટ
લગ્નમાં પહેરવામાં આવતા શૂટ-શેરવાની, ચણિયાચોલી, ડિઝાઈનર સાડી જેવા એથનિક વેર માટે આ માર્કેટ જાણીતું છે. વેસ્ટર્ન કપડાં પણ અહીંથી મળી જાય છે. લાજપત નગર માર્કેટમાં કપડાની સાથે ઘર સજાવટ અને ફેબ્રિક્સની આઈટમ પણ ખરીદી શકો છો. ધ્યાન એ રાખજો કે આ માર્કેટ તમને થોડું મોંઘું પડશે. એટલે કે ખિસ્સું ગરમ હોવું જોઈએ. સરોજિની માર્કેટની જેમ લાજપત નગર માર્કેટ પણ સોમવારે બંધ હોય છે. લાજપત નગર મેટ્રો સ્ટેશનથી આ માર્કેટ તદ્દન નજીક છે. શરીર વધી ગયું હોય અને ખૂબ સમય હોય તો ચાલી લેવું.
કરોલબાગ માર્કેટ
સસ્તા કપડાં ખરીદવા માટે કરોલબાગ માર્કેટ અતિ શ્રેષ્ઠ છે. ઘર સજાવટથી લઈને લગ્નની ખરીદી સુધીની તમામ વસ્તુઓ આ માર્કેટમાંથી તમને આરામથી મળી જશે. કરોલ બાગમાં ટેંક રોડ નામની માર્કેટમાં તમને દરેક બ્રાન્ડના જીન્સ મળશે. આસનીયા, પગ લુછણીયા, બારી-બારણાનાં પડદા, બેડશીટ ઓછા ભાવમાં ખરીદી શકો છો. કરોલબાગમાં આવેલી ગફ્ફાર માર્કેટ ઇમ્પોર્ટેડ વસ્તુઓ માટે જાણીતી છે. ગફ્ફાર માર્કેટમાંથી લેપટોપ, મોબાઈલ, સહિતની ઇલેકટ્રોનિક વસ્તુ સસ્તી મળશે. ઉપરાંત તેના પાર્ટ્સ પણ મળી જશે. ખરીદી કરતાં કરતાં જો તમે થાકી જાવ અને ભુખ લાગે તો ખમીરી રોટી, પૂરી-શાક, રોશનની ફાલૂદા ગુલ્ફી આરોગવાનું ન ભુલતા. ગીતકાર બન્યા તે પહેલા ગુલઝાર સાહેબ કરોલબાગ માર્કેટમાં કાર મિકેનિક તરીકે કામ કરતાં હતા. કરોલબાગ મેટ્રો સ્ટેશન સૌથી નજીકનું મેટ્રો સ્ટેશન છે.
કમલાનગર માર્કેટ
દિલ્હી યુનિવર્સિટીથી નજીક આવેલી આ માર્કેટ વિદ્યાર્થિની-વિદ્યાર્થીઓ માટે હોટ ફેવરિટ છે. જો કે, અહીં દરેક વર્ગના લોકો ખરીદી માટે ઉમટી પડે છે. આ માર્કેટની ખાસિયત છે કે અહીં ઓછા રૂપિયામાં ફેશનેબલ કપડાં મળી રહે છે. આ માર્કેટ ટેટૂ અને થીમ મેકઅપ માટે પણ જાણીતી છે.
બાળપણમાં રમીએ ત્યારે શું કહેતા, તો પણ મારી છાબલીમાં સમાઈ નહીં. આવી તો ઘણી માર્કેટ દિલ્હીમાં આવેલી છે. પણ આ તો મેં આંખે દેખ્યો અહેવાલ તમારી સામે મુક્યો. જ્યાં દરરોજ લાખો લોકો ખરીદી કરવા માટે આવે છે. મોટા-મોટા શોપિંગ મોલમાં મળતી ડિઝાઈનના કપડાં સાવ નજીવા ભાવમાં અહીંથી મળી જાય છે. જે આ માર્કેટોની ખાસિયત છે. ગુજરાતીમાં કહીએ તો ‘સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા.’ તો દિલ્હી જાવ તો આ માર્કેટની મુલાકાત જરૂર લેજો.