કાળી છોકરીઓની ઘોર ઉપેક્ષા થતી આવી છે. ગુજરાતીમાં તો ચંદ્રકાંત બક્ષીએ કાળી છોકરી પર ભરી ભરીને વખાણ કરતી કલમ ચલાવી છે. હેડિંગ વાંચી લીધું એટલે સસ્પેન્સનો અમારો ખજાનો ખૂલી ગયો. આજે સ્મિતા પાટીલનો જન્મદિવસ છે. સમાંતર સિનેમાનો અભ્યાસ કરતાં કરતાં સ્મિતા પાટીલની ફિલ્મો ખૂબ જોઈ અને ખૂબ ભણ્યા. એમને તો ભણ્યા જ પણ શબાના આઝમીને પણ એટલા જ ભણ્યા.
કોમલ નાટાને ઈન્ટરવ્યૂ આપતી વખતે સ્મિતા પાટીલની યાદો જીવંત કરતાં શબાના આઝમીએ કહેલું, ‘મારી અને તેની વચ્ચે ખૂબ તકરાર રહી. અમે બંનેએ શ્યામ બેનેગલની ફિલ્મથી શરૂઆત કરી હતી. અમારા બેઉંના પરિવારોનું સોશિયલ-પોલિટિકલ બેકગ્રાઊન્ડ હતું. સમાંતર સિનેમામાં સાથે કામ કરતી હતી, પણ પછી એક સમય એવો આવ્યો કે અમારા બેઉં વચ્ચે માથાકૂટ થવા લાગી. એમાં એનો તો વાંક છે જ, પણ મારોય ભારોભાર વાંક છે. પણ અમારા પરિવારો સાથે સારા સંબંધ હતા.’
પરિવારની વાત કહી શબાના ઉમેરે છે, ‘બાજાર નામની ફિલ્મનું શૂટિંગ થતું હતું. મારી મમ્મીએ તેમાં નાનો એવો રોલ કર્યો હતો. મારા મમ્મી આવ્યા. એમને એક અલગ રૂમની જરૂર પડે, આ માટે સ્મિતાએ પોતે સામેથી કોઈને પણ કશું કહ્યા વિના રૂમ ખાલી કરી દીધો. એટલે કહું છું કે મારી અને તેની વચ્ચે ચકમક જરતી હતી, પણ અમારા પરિવારના લોકો બે જીસ્મ એક જીવ જેવા હતા.’
સ્મિતાને હું જ્યારે પણ જોઉં છું ત્યારે મને તેમાં એક કાઠિયાવાડની સુંદરીના દર્શન થાય છે. કદાચ આ પાછળનું કારણ ચુનીલાલ મડિયાની ટૂંકી વાર્તા અબુમકરાણી પરથી બનેલી ફિલ્મ મિર્ચ મસાલા હોઈ શકે. આમ તો ગુજરાતી સાહિત્યકારો ફિલ્મો વિશે ખૂબ ઓછું લખે છે, પણ મિર્ચ મસાલા એવી ફિલ્મ છે જેના પર ગુજરાતીમાં અભ્યાસ કરી કરીને ખૂબ કલમ ઘસાઈ. તે સ્નાતક કક્ષાએ પહોંચેલા વિદ્યાર્થીઓને ભણવામાં પણ આવે છે. ભણવામાં ન આવે તો સ્મિતા સહિતના કલાકારોના ઉત્કૃષ્ટ અભિનય માટે દર્શાવવામાં આવે છે.
સ્મિતા સાડીનું સોંદર્ય છે. કોમર્શિયલ સિનેમામાં અમિતાભ બચ્ચન સાથે નમક હલાલ ફિલ્મના ગીત ‘‘આજ રપટ જાયે’’નું શૂટિંગ કર્યા બાદ, ભીની થયેલી સ્મિતા ગીતનું શૂટિંગ પૂર્ણ થયું ત્યાં રડવા માંડી હતી. કારણ ? આ તેના માટે પહેલી વખત હતું. સમાંતર સિનેમાની સ્મિતાએ આવું દ્રશ્ય કોઈ દિવસ ભજવ્યું નહોતું. ખૂબ ઓછા એવા કલાકારો હોય છે જેઓ સમાંતર અને ધંધાર્થી ચલચિત્રમાં પોતાનું પોત પ્રજવલ્લિત કરી શકે. સ્મિતા તેમાંથી એક છે.
એ સમાંતર સિનેમામાં જાજારમાન અભિનય પણ કરી શકે અને ધંધાર્થીમાં પ્રોડ્યુસર માટે ઓડિયન્સ ભેગી પણ કરી લાવે. સ્મિતાને ઉપર ઉપરથી જૂઓ તો મને ક્યાંક સ્ત્રીના શરીરમાં પુરૂષ દેખાય! એ સંવાદમાં ખીલી ઉઠી છે, વિલનોનું મોઢું તોડી લે છે. પાત્રમાં પ્રવેશ કર્યા પછી સ્મિતા જ્યારે વિલનોને રોકડુ પરખાવતી હોય છે ત્યારે સામેનો વિલન ભલે નસીરુદ્દીન શાહ હોય કે અમરીશ પુરી, એ ઉણો ઉતરતો દેખાય. હિરોઈન અભિનયશ્રેષ્ઠી એવા વિલનોને પછાડતી હોય તેવું છેલ્લે સ્મિતામાં દેખાયું છે.
સ્મિતાની બીજી ઓળખ તેની સાડી છે. સ્ક્રોલ વેબસાઈટ દ્રારા અંગ્રેજીમાં તેની સાડી પર સરસ લેખ તૈયાર કરવામાં આવ્યો હતો. બહેન અનિતા પાટીલ પણ તેમાં સ્મિતાની સાડી પકડીને ઉભેલી દેખાતી હતી. એ સાડીની ચમકદમક જોઈને લાગ્યા વિના ન રહે કે આ સાડી તો ફક્ત સ્મિતાના તન્વીશ્યામા શરીર પર જ શોભે. જેવી તેવી સ્ત્રી ધારણ પણ ન કરી શકે.
તેનો મેકઅપ આર્ટિસ્ટ દીપક સાંવત. સ્મિતાએ દીપકને કહેલું, કે હું મૃત્યુ પામું ત્યારે કોઈ નવવધુની જેમ મને તૈયાર કરવામાં આવે. દીપકને સ્મિતાના કંઠમાંથી નીકળતા આ શબ્દો અજુગતા લાગ્યા હતા. એક દિવસની વાત છે. રાજ કુમાર એક ફિલ્મમાં ઉંઘતા ઉંઘતા મેકઅપ કરી રહ્યા હતા. સ્મિતાએ તેમને જોયા અને દીપકને કહ્યું કે, મારે પણ આ રીતે જ મેકઅપ કરવો છે. દીપકે કહી દીધું, મેડમ મારાથી નહીં થાય. આવી રીતે તો મરેલું વ્યક્તિ મેકઅપ કરે અને હું એ નહીં કરી શકું.
1986ના વર્ષમાં દીપક રડતો હતો. તેને સ્મિતાનું માન રાખવું પડ્યું. સ્મિતાનું નિધન થયું ત્યારે દીપકે તેને એવી જ રીતે મેકઅપ કરી રહ્યો હતો જેમ તેણે કહેલું. માણસે શબ્દો વિચારી વિચારીને બોલવા જોઈએ, ક્યારે સાચા પડી જાય ખબર નથી પડતી.
સ્મિતા પાટીલ કોઈ દિવસ અભિનેત્રી બનેત જ નહીં. પડદા પર તેનું શરીર જુઓ તો કસાયેલું દેખાય. એને રમત ગમતમાં રૂચિ હતી. બીમાર પડી અને સ્પોર્ટ્સમાં ભાગ ન લઈ શકે એથી રડવા માંડી. આ ઘટના પછી સ્મિતા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. તેની બહેને તેને ટેલિવિઝનનો રસ્તો દેખાડ્યો. તેનો જીવ ટેલિવિઝનમાં પૂરાયો અને તે ડિપ્રેશનમાંથી બહાર આવી શકી.
પછી જે છે તે ઈતિહાસ છે. મંડીમાં તેના જોબનના આશિક બનેલા યુવાનને ખાટલાની નીચે સંતાડતી, નૃત્ય કરતી અને એ પણ બહાદુર શાહ ઝફરની ગઝલ પર. કેવું કહેવાય ચાબુકમાં આજે જ બહાદુર શાહ ઝફરનો આર્ટિકલ લખાયો અને આજે જ સ્મિતા પર પણ કલમ ચાલી.
90ના દાયકામાં આવતી સ્મિતા પાટીલની દૂરદર્શનની એડ મોટાભાગના લોકોએ જોઈ હશે. એ ગીત સાંભળીએ તો સ્મિતા સિવાય આંખ સામે કોઈ દેખાતું નથી. કોઈએ જોઈ ન હોય તો અમૂલની એ એડ આર્ટિકલની છેલ્લે મૂકી છે.
છેલ્લે મિર્ચ મસાલાનો કિસ્સો યાદ કરી પાછા વળીએ. કાઠિયાવાડના એક ગામમાં મિર્ચ મસાલા ફિલ્મનું શૂટિંગ થતું હતું. પત્રકારો આવ્યા અને દિગ્દર્શક કેતન મહેતાને કહ્યું કે, હિરોઈન સ્મિતા પાટીલને મળવું છે.
કેતન મહેતાએ તેમને પરવાનગી આપી દીધી અને ટોળામાં છે ત્યાં જઈ મુલાકાત લઈ લો, એમ હાથથી ઈશારો કરતાં જણાવ્યું. પત્રકારો ખાલી હાથે પાછા આવ્યા અને કેતન મહેતાને કહ્યું, કે ત્યાં કોઈ હિરોઈન નથી.
ટોળામાં સ્મિતા કાઠિયાવાડી સોનબાઈનો વેશ ધારણ કરી બેઠી હતી અને તેને કોઈ ઓળખી ન શક્યું.
કેટલાક લોકોનું જીવન નાનું ભલે હોય પણ તેના પર લખવાની શરૂઆત કરીએ તો સડસડાટ લખાઈ જાય. સ્મિતા એમાનું જ એક વ્યક્તિત્વ છે. હિન્દી સિનેમા પાસે અભિનેત્રીઓ ઘણી છે, પણ સ્મિતા જેવી એક પણ નથી.