Homeસાહિત્યસુરેશ જોષીની વાર્તા ‘પરાક્રમકાણ્ડ’

સુરેશ જોષીની વાર્તા ‘પરાક્રમકાણ્ડ’

Team Chabuk-Literature Desk: સુરેશ જોષીની વાર્તાઓના પાત્રો અને પાનાંઓમાંથી પસાર થતાં કોઈ ઉંડણમાં સરી પડીએ છીએ. વાર્તાઓમાં આધુનિકતા લાવનારા સર્જકની નિબંધકળા શ્રેષ્ઠ કે વાર્તાકળા તેવો પ્રશ્ન ક્વચિત જ થાય છે. એકંદરે તેમનું નિબંધ સાહિત્ય પસંદ છે પણ જ્યારે તેમની વાર્તાઓનું ધ્યાનસ્થ બની પઠન કરીએ છીએ ત્યારે નિબંધનું તત્વ થોડું ઓગળતું લાગે છે, પણ પછી અનુભવે તેમની વાર્તાઓના કેટલાક ફકરાઓ અહીં નિબંધ સ્વરૂપે પણ ઉદય પામ્યાનો પરચો મળે છે. એમની કેટલીય વાર્તાઓ વર્તમાન સમયની સાથે હાથમાં હાથ મિલાવીને ચાલી રહી છે.

સુરેશ જોષીની વાર્તાઓ વિશે શિરીષ પંચાલે લખેલો લાંબો વિવેચનલેખ આપણા માટે સુરેશ જોષીની વાર્તાઓ સમજવાની ચાવી સમાન છે. તોપણ એક એક વાર્તાને લઈ તેનો અભ્યાસ આપણે ત્યાં થયો છે કે નહીં તે જાણમાં નથી. આવી જ તેમની ટ્રેજડી અને કોમેડીથી સભર વાર્તા એટલે પરાક્રમકાણ્ડ. વાર્તાની શરૂઆત એક નવા સુરેશ જોષીને આપણી સમક્ષ ખોલી આપે છે. સુરેશ જોષીનું સાહિત્યવિશ્વમાં કથાસાહિત્યની અંદર પાંચમો દાવ નામની અઘરી વાર્તા સાથે પનારો પડ્યા પછી વર્તમાન સમય સાથે બંધબેસતી તેમની પરાક્રમકાણ્ડ વાર્તા વાંચવામાં આવી. 1957માં પ્રગટ થયેલા ગૃહપ્રવેશ વાર્તાસંગ્રહ આ વાર્તા સમાવિષ્ટ છે.

નાયક ચોક્સી કોલેજથી આવ્યો છે અને તેનો મગજનો પારો ચડી ગયો છે. કેટલો ચડ્યો છે તેના વિશે પણ સુરેશ જોષી વાત કહે છે પણ પછી તેમની પત્નીનો પારો તેનાથી પણ ચડેલો જોઈ પોતે ટાઢો પડી જાય છે. વાર્તાકાર સુરેશ જોષી નાયકની પત્નીને આસપાસની સ્થિતિને અનુરૂપ ઢાળે છે. એ રસોડામાં છે એટલે સગડીના તાપના કારણે તેના મોઢા પરથી પ્રસ્વેદબિંદુઓ વહી રહ્યા છે. જે વાતની તેને જાણ છે તેના કારણે તે લાલચોળ થઈ ગઈ છે. માથા પરના તેના વાળ તેના પરસેવાની સાથે જોડાઈ કંઈક નોખી ભાત ઉપસાવી રહ્યા છે. આ બધા થકી સુરેશ જોષી નાયિકાને રણચંડી ચિતરે છે. આખી વાર્તામાં પતિ પત્નીથી દબાયેલો અને પત્નીનું રોષે ભરાયેલું સ્વરૂપ તેના સંવાદોમાંથી છલકી ઉઠ્યું છે.

સમચાર મળ્યા છે કે તેમની સામે રહેતા પંડ્યાની પત્ની આવવાની છે. તેમની પત્નીને ટી.બીનો રોગ છે. જેથી નાયકની પત્ની છંછેડાઈ છે અને ગમે તેમ એનો કાઢો કરવાનું કહી રહી છે. આ વાર્તાને વર્તમાનની મહામારી સાથે સાંકળી શકીએ. એક જ ઘરમાં બે લોકો છે. પત્નીને પંડ્યાની વહુ પાડોશમાં પધારે તે પાલવે તેમ નથી અને પતિને તેનાથી કંઈ પડી નથી. જોકે પત્નીએ જે રીતે પતિને તોબરો ચડાવી વાત કરી તેનાથી પતિ પણ તેની વાત માનતો થઈ જાય છે કે પછી માનવું પડે એમ છે!

સંશયનો કીડો પત્નીના ભેજા ઉપર સવાર થઈ ગયો છે. જ્યારે આવી શંકા દૃઢ બની જાય ત્યારે ગમે ત્યાંથી ઘટના તેનું સકારાત્મક સ્વરૂપ ધારણ કરવા માંડે અને શંકાળુંને પજવ્યા કરે. ચોક્સી પરિવારના કોઈને કોઈ સભ્યો નાની મોટી બીમારીથી પીડાય છે, જેથી ક્ષયના જંતુઓ તેમના શરીરમાં ગમે તેમ ઘર ભાડે રાખી લે.

સમસ્યા હોય તો હાસ્ય આવે. આ સમસ્યામાંથી સુરેશ જોષી સુક્ષ્મ હાસ્ય લાવ્યા. દરદી હજુ તેમની પાડોશમાં આવ્યો નથી અને તે મ્યુનિસીપાલિટીવાળાઓ પાસે ઉપડ્યા. નાયકના મનમાં ધુંધવાટ છે પણ તે પત્નીની સામે પ્રદર્શિત નથી કરી શકતો એટલે મનમાં વિચારવાયુ કરી રોષનું વમળ ઉભું કરે છે. સુરેશ જોષી વાર્તામાં લખે છે – ‘દક્ષિણ તરફથી પવન આવે એટલે ઓટલે બેઠી બેઠી એ ગળફા કાંઢે, તેમાંના જંતુ સીધા ધસી આવે મારી તરફ.’ આવા નાના નાના વાક્યોમાંથી સુરેશ જોષી વાર્તામાં અજંપાની સ્થિતિનું નિર્માણ સુપેરે કરી શક્યા છે. એ ઉચાટની સ્થિતિની સાથે કોમિક ભળે છે. વાર્તાકારે પરિસ્થિતિને લઈ એક વ્યંગાત્મક સંવાદની રચના કરી છે, ‘સ્ત્રીઓનો ક્યાં ક્યારે ને કેવો ઉપયોગ કરવો તે કળામાં પ્રવીણ થવા સિવાય બીજા કશામાં પુરુષજાતિએ ધ્યાન આપ્યું છે ખરું?’

મનુષ્યની દૃઢ શંકા એ સંશયને અનુરૂપ વાતાવરણ ઘડી આપતું હોય છે, એવી ઉપર વાત નોંધી. નાયિકાની સાથે પણ આવો જ બનાવ બને છે જ્યારે પંડ્યાની માંદી બૈરીના ઘરમાં તેના છોકરાઓ ઘુસી જાય છે અને કશું આરોગીને બહાર આવે છે. આખી રાત પંડ્યાના વહુનો ખોખો અવાજ ચોક્સી પરિવારના ઘરને વ્યાકુળ બનાવી મૂકે છે. સવારમાં તો શિરીષને મોમાં દાંતણ વાગ્યું એ પણ ટીબીમાં ખપાઈ જાય એવી હાસ્યાસ્પદ અને ચિંતાનજક સ્થિતિનું નિર્માણ પામ્યું છે.

પરાક્રમકાણ્ડમાં સુરેશ જોષી વાર્તાનો અંત કરતા પહેલા તેને ચમત્કૃતિપ્રધાન બનાવે છે. વાર્તાની અંદર કરુણ અને હાસ્યરસનું કોમ્બિનેશન છે. વાર્તાકાર તેની શરુઆત તો કેટલાક સંવાદો અને પરિસ્થિતને કોમિક બનાવી કરે છે, પણ એ કોમેડીની અંદર કરુણસ્થિતિ પણ ઉપસતી દેખાય છે. વિનોદ ભટ્ટે હાસ્યને સૂકાયેલા આંસુ કહ્યા છે. પરાક્રમકાંડમાં સૂકાયેલા આંસુની એક કેડી રચાય છે અને ભાવક હળવે હળવે તેમાં ચાલી તેનો રસાસ્વાદ માણી રહ્યો છે. એક રોગને લઈ તંગ થઈ ગયેલું મકાનનું વાતાવરણ, ભણેલા લોકોની બદલાયેલી માનસિકતા અને સામાજિક દૂરતા છતાં કેવી રીતે આપણને વળગી પડે તેનો ચિતાર પરાક્રમકાણ્ડ આપણી સમક્ષ રાખે છે. ચિંતા શરીર ખાયની ઉક્તિને સાર્થક કરતો અંતિમ સંવાદ પ્રશ્ન છોડી ચાલ્યો જાય છે. પ્રશ્ન છોડવો જરૂરી છે, કારણ કે વાર્તા વાચકને વિચારતો કરવાનું કાર્ય કરે છે, સુરેશ જોષીની વાર્તાઓ ખાસ.  

whatsapp group join link

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments