ઝાલાવાડી જલજીરા: કોઈ ગમતી ફિલ્મનું પાત્ર સ્પર્શી જાય છે. હ્રદયના તારને ઝણઝણાવી નાખે છે. તેમાંથી એક વિસ્ફોટક પદાર્થ બહાર નીકળે છે અને ખૂદને માનસિક રીતે અપંગ બનાવી બેસેલા લોકોમાં એક નવા જોમનું સંચાર થાય છે. આવું થાય છે ત્યારે દર્શકો તે પાત્રને વાસ્તવિકતાની એરણે ચડાવી તપાસવાની ક્રિયામાં લાગી જાય છે. 2019માં રિલીઝ થયેલી, ચર્ચાયેલી અને હિન્દી સિનેમાને વધુ એક રિમેક બનાવવાનું પોરસ ચડાવનારું ચિત્રપટ જર્સી પણ આવું જ છે. જે રમણ લાંબાના જીવન પરથી પ્રેરિત હોવાનો ક્ષણિક ઉહાપોહ મચ્યો હતો.
દક્ષિણનું સિનેમા હવે જાગૃત બન્યું છે. હિન્દી સિનેમા તેમની ફિલ્મોની રિમેક બનાવી જે આર્થિક ઉપાર્જન કરે છે તેની સામે બંડ પોકારવાના હેતુસર જ દક્ષિણની ફિલ્મો હવે સીધી હિન્દીમાં રિલીઝ કરી તેમના મનસૂબા પર પાણી ફેરવી નાખે છે. જર્સી હિન્દી ડબમાં ઉપલબ્ધ હોવા છતાં હિન્દી રિમેક બનશે, કારણ કે દિગ્દર્શક એક જ છે. કલાકારો બદલશે. સ્થળ અને સમયકાળમાં થોડી વિપરિત સ્થિતિ નિર્માણ પામશે. અભિનય બદલશે. કેટલાક દૃશ્યોમાં અભિનેતા નાની જ ધરખમ લાગે તેવી વાતો જર્સીનું ટ્રેલર લોન્ચ થયું ત્યારથી થવા લાગી છે. ખાસ તો ટ્રેનના દૃશ્યની ભજવણીમાં શાહિદ કપૂર તેલુગુ અભિનેતા નાની (નવીન બાબુ) સમક્ષ વામણો પૂરવાર થાય છે.
અગાઉ 2017ની અર્જુન રેડ્ડીની રિમેક કબીર સિંહમાં શાહિદ કપૂરે ચમકારો લાવી દીધેલો. તેની નકારાત્મક અસરોની ભરપૂર ચર્ચા થઈ હતી. એક સ્ત્રીની પાછળ પાગલપનની હદ સુધી પ્રેમમાં ન્યોછાવર થઈ જનારો અને ખૂદને મદ્યપાન દ્વારા ધ્વંસ કરી નાખનારા એક ડોક્ટરના પાત્રમાં શાહિદે પોતાના અભિનય અને લોકપ્રિયતાના બળે પ્રાણ ફૂંકી દીધા હતા. તમિલમાં વિક્રમના પુત્ર ધ્રુવ વિક્રમને લઈ ‘આદિત્ય વર્મા’ નામે ફિલ્મ નિર્માણ પામેલી, પણ તેની અસર ન્યૂનતમ રહી હતી. પિતા જેટલો પુત્રના અભિનયમાં પ્રભાવ નહોતો રહ્યો.
જર્સી ફિલ્મ એવા લોકો માટે બનાવેલી છે જેઓ ખૂદ હારી ગયા હોય, અડધે રસ્તેથી પાછા ઉભા થાય, દોટ મૂકે અને જીત પ્રાપ્ત કરે. એક જવાબદારવિહોણો પતિ જે પૂર્વે એક સારો ક્રિકેટર બની શક્યો હોત, પણ ન બન્યો તેની પાછળ પણ એક કારણ જવાબદાર હોવાનું ફિલ્મના ક્લાઈમેક્સમાં દર્શાવવામાં આવે છે. નાયક અને નાયિકાની વચ્ચે સ્નેહનો સેતુ છેલ્લે સુધી અકબંધ રહે એ વાત દિગ્દર્શક સાંગોપાંગ દર્શાવી શક્યા છે. તોપણ દર્શકોનું ધ્યાન પ્રેમકથા કરતા વધારે નાયક કેવી રીતે બેઠો થયો તેના પર રહે છે.
અહીં પત્ની અને પતિ કરતા પિતા અને પુત્ર વચ્ચે જર્સીને કેન્દ્રસ્થાને રાખી જે કશ્મકશની સ્થિતિ દિગ્દર્શકે રચી આપી છે તે કાબિલે તારીફ છે. ફિલ્મમાં બેરોજગારીની વિભાવના, રોજગારી મળતી હોવા છતાં ન લેવી, પૈસાની ખેંચ અને એક ખેલાડી જેના જીવનમાં તેની રમત સિવાય કંઈ મહત્વ ધરાવતું નથી, એવા છૂટાછવાયા વિચારો ભાવનાત્મક અસર છોડી જાય છે. ખરેખર તો જર્સી ફિલ્મની પટકથા જ તેનો સાચો હીરો સાબિત થાય છે. એ જર્સી ફિલ્મના શરૂઆતથી લઈને તેના અંત સુધી એક પાત્ર તરીકે ઉભરી છે. જર્સી જ વિષયવસ્તુ છે અને ફિલ્મમાંથી જર્સીની બાદબાકી કરી નાખવામાં આવે તો શું વધે?
પિતા માટે એક પુત્રની સમજણનો અતિરેક થતો દેખાય, પણ સિનેમેટિક લિબર્ટી જેવો વિષય પણ ફિલ્મમાં હોય છે એ આપણે અત્યાધિક તર્ક કરતા ભૂલી જઈએ છીએ. અંતે ફિલ્મો એ મનોરંજન પૂર્ણ પાડવા માટે હોય છે. ખાસ તો દક્ષિણની ફિલ્મો. હિન્દી વર્ઝનના એડિટીંગમાં ક્યાંક ક્યાંક લૂપહોલ્સ રહી ગયાનું દેખાશે. છતાં જર્સી એ પ્રેરણાત્મક વિષયને આવરી લેતી એક ઉત્કૃષ્ટ ફિલ્મ બને છે. જોવાનું એ રહેશે કે આ જ બધું હિન્દીની જર્સીમાં દર્શકને જોવા મળવાનું છે કે નહીં ? હિન્દી માટે પંકજ કપૂર આ ફિલ્મનો પ્લસ પોંઈન્ટ છે. પંકજ કપૂર, યાદ તો છે ને?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
